You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યામાં સજાવટ માટે લગાવેલી 50 લાખની લાઇટની ચોરી, તંત્રે હવે નવી કહાણી જણાવી
- લેેખક, અરશદ અફઝાલ ખાન
- પદ, બીબીસી માટે, અયોધ્યાથી
અયોધ્યામાં સૌથી સુરક્ષિત ગણાતા રામપથ અને ભક્તિપથ પર સજાવટ માટે લગાવવામાં આવેલી 3800 લાઇટ અને 36 પ્રોજેક્ટર ચોરી થઈ જતાં લોકો અને પ્રશાસન અચંબામાં છે. ચોરી થયેલી લાઇટની કુલ કિંમત 50 લાખ રૂપિયાથી વધારે હોવાનું મનાય છે.
પ્રશાસન પણ ચોંકી ગયું છે, કેમ કે એ કોઈ સાધારણ રસ્તો નહીં પણ જ્યાં સૌથી વધુ પહેરો રહે છે એવો અયોધ્યાનો વિસ્તાર છે.
અચંબો એટલા માટે પણ છે કે ખુલ્લા રસ્તા પરથી સરકારી સંપત્તિ ગાયબ થઈ ગઈ અને પોલીસ સહિત કોઈને પણ ખબર સુધ્ધાં ન પડી.
અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી મળેલા કૉન્ટ્રાક્ટ હેઠળ યશ ઍન્ટરપ્રાઇસીઝ અને કૃષ્ણા ઑટોમોબાઇલ્સ નામની કંપનીઓએ રામપથના કાંઠે વૃક્ષો પર છ હજાર ચારસો બામ્બુ લાઇટ અને ભક્તિપથ પર 96 ગોબો પ્રોજક્ટર લગાવ્યાં હતાં.
લાઇટ લગાવનારી કંપનીએ શું કહ્યું?
લાઇટ લગાવનારી કંપનીના પ્રતિનિધિ શેખર શર્માએ જણાવ્યું હતું કે, આ પથ પર હવે 3800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટ ચોરી થઈ ગઈ છે.
શર્માએ જ નવ ઑગસ્ટે આ મામલે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં શર્માએ કહ્યું હતું કે, “19 માર્ચ સુધી બધી લાઇટ યથાવત્ હતી, પણ નવ મેના રોજ જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે લગભગ 3800 બામ્બુ લાઇટ અને 36 પ્રોજેક્ટર અજાણ્યા લોકો ચોરી ગયા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપનીને ચોરી વિશે નવ મેએ ખબર પડી ગઈ હતી, પણ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ) ત્રણ મહિના પછી એટલે કે નવ ઑગસ્ટે નોંધાવાઈ હતી.
અયોધ્યાના આ ભારે સુરક્ષાવાળા વિસ્તારમાં થયેલી ચોરી વિશે પોલીસ હાલમાં કંઈ પણ કહેતા ખચકાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલુ છે.
અયોધ્યા પ્રશાસને જણાવ્યું હતું કે ચોરી થઈ જ નથી અને કંપની ચુકવણી માટે ખોટો દાવો રજૂ કરી રહી છે.
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન તાક્યું
ચોરીના આ અચંબાભર્યા કેસમાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન તાક્યું હતું.
તેમણે વૃક્ષો પર લાગેલી બામ્બુ લાઇટનો એક વીડિયો ફૂટેજ શૅર કરીને વ્યંગ કરતાં લખ્યું હતું કે "ઉત્તર પ્રદેશ – અયોધ્યામાં ચોરોએ કાયદો અને વ્યવસ્થાની બત્તી ગુલ કરી દીધી છે. તેથી જ જનતા તો પહેલેથી જ કહી રહી હતી, વીજળી વગર ઊભો છે થાંભલો. ભાજપ સરકાર મતલબ અંધેર નગરી, બધી બાજુએ અંધકાર. આજનું અયોધ્યા કહે છે કે નથી જોઈતો ભાજપ."
અયોધ્યાના રામપથ પર થયેલી ચોરી વિશે આ બેઠકના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું હતું કે, “રામપથ પર લાઇટની ચોરી થવી એ ચોંકાવનારી ઘટના છે. રામપથને દુનિયાભરના લોકો જાણે છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અવારનવાર અહીં પ્રવાસ કરતા હોય એવામાં આ ઘટના બનવી એ ચિંતાનો વિષય છે. ચોરો સામે કડક પગલાં લેવાં જોઈએ.”
પ્રશાસને ઠેકેદારો પર આરોપ લગાવ્યા
ચોરીના મામલામાં અયોધ્યા પ્રશાસને સ્પષ્ટતા કરી છે. પ્રશાસને કહ્યું હતું કે, વૃક્ષો પર લાગેલી લાઇટની ચોરી વિશે જાણકારી મળી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. અયોધ્યામાં હંમેશાં ચુસ્ત સુરક્ષા રહી છે એવામાં સંખ્યાબંધ લાઇટ ચોરી થાય તે શક્ય નથી.
પચાસ લાખ રૂપિયાની લાઇટની ચોરીના આ કેસમાં પ્રશાસને લાઇટ લગાવનારા ઠેકેદારો પર સામે એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય કર્યો અને ગયા અઠવાડિયે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં રામપથ અને ભક્તિપથ પર લાઇટ ચોરી થવા અંગે એફઆઈઆર નોંધાવી છે.
અયોધ્યા પ્રશાસને કહ્યું હતું કે, આ લાઇટ ક્યારેય લગાવાઈ જ ન હોય એવી શક્યતા છે.
અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ચૅરમૅન ગૌરવ દલાલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને સરકાર સાથે દગાબાજીના આરોપમાં ઠેકેદારો સામે એફઆઈઆર કરવાનો નિર્ણય લેવાયો છે.
'ચોરી થયેલી લાઇટ ક્યારેય લગાવાઈ જ નથી'
અયોધ્યા વિકાસ પ્રાધિકરણના વાઇસ ચૅરમૅન અશ્વિની પાંડેએ કહ્યું હતું કે, લાઇટ લગાવવાવાળી કંપની ખોટો દાવો કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે, “અયોધ્યાના સુશોભન પાછળ વૃક્ષો પર 2600 લાઇટ લગાવાઈ હતી. અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી થયેલી ચકાસણીમાં એ સિવાય ક્યાંય કોઈ લાઇટ લગાવાયેલી જોવા નથી મળી. ઠેકેદાર કંપની જે 3800 લાઇટ ચોરી થવાની વાત કરી રહી છે તે લગાવાઈ જ નથી. વધારે વળતર મેળવવા તે ખોટો દાવો કરી રહી છે.”
ચોરીના આ મામલામાં અયોધ્યાવાસીઓ પણ ચોંકી ગયા છે. લોકો માને છે કે આને લીધે અયોધ્યાની છબી ખરડાઈ છે.
અયોધ્યામાં રહેતા ઇન્દુ ભૂષણ પાંડેએ કહ્યું હતું કે, અયોધ્યા આવતા ભક્તો અને સાધુસંતો પણ આ ઘટનાથી ચોંકી ઊઠ્યા છે. અયોધ્યા દેશદુનિયા માટે આકર્ષણનો વિષય છે. રામજન્મભૂમિમાં ગર્ભગૃહમાં રામની પ્રતિમા સ્થાપિત થયા પછી રોજ લગભગ એક લાખ લોકો રામલલાનાં દર્શન માટે આવે છે. જો રામની નગરીમાં લગાવાયેલી લાઇટ જ સુરક્ષિત ન હોય તો દેશદુનિયાથી આવતા રામભક્તો માટે આ સારા સમાચાર નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન