ભારત પર આવતી કાલથી 50 ટકા ટેરિફ લાગશે, અમેરિકામાં શું ચર્ચા ચાલી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયે ના માત્ર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબધોને ઝાટકો આપ્યો છે, પરંતુ અમેરિકાનાં રાજકારણ અને મીડિયાની અંદર પણ ચર્ચાની શરૂઆત કરી દીધી છે.
શનિવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ચઢાવઉતાર અંગે ટિપ્પણી કરી છે.
જયશંકરે કહ્યું, "રશિયાના ઑઇલનું મોટું ખરીદદાર ચીન છે, પરંતુ તેના પર વધુ ટેરિફ નથી લાદ્યો. બીજી તરફ રશિયાથી સૌથી વધુ એલએનજી યુરોપ ખરીદે છે, પરંતુ તેમની સાથે અલગ માપદંડ અપનાવાયા. આ અયોગ્ય છે. જો દલીલ ઊર્જા અંગે અને કોણ રશિયા પાસેથી વધુ વસ્તુઓ ખરીદે છે એ અંગે છે, તો ભારત આ બંને મામલામાં પાછળ છે."
જયશંકરનું કહેવું હતું કે વિશ્વે ક્યારેય એવા અમેરિકન રાષ્ટ્રપતિ નથી જોયા, જેમણે પોતાની વિદેશનીતિને આટલી સાર્વજનિક રીતે સંચાલિત કરી હોય.
પરંતુ ભારતીય વિદેશમંત્રીના આ નિવેદનથી અલગ અમેરિકામાં ભારત અંગે ટ્રમ્પની નીતિ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
રિપબ્લિકન નેતા નિકી હેલીએ વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમરિકાએ સમજવું જોઈએ કે ચીનનો સામનો કરવા માટે તેને ભારત જેવા મિત્રની જરૂર છે.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જૉન કેરીએ કહ્યું કે ટ્રમ્પ પોતાની નીતિઓથી પોતાના સહયોગીને દૂર કરી રહ્યા છે. તેમજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ ભારત પર લદાયેલા ટેરિફનો વિરોધ કરતા દેખાઈ રહ્યા છે.
'ચીન સાથે મુકાબલા માટે ભારતની જરૂર'

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન દૂત રહી ચૂકેલા રિપબ્લિકન નેતા નિકી હેલીએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમેરિકા માટે ભારતને સહયોગી તરીકે જાળવી રાખવું અત્યંત જરૂરી છે, ખાસ કરીને ચીનનો સામનો કરવા માટે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
20 ઑગસ્ટના રોજ નિકી હેલીએ અમેરિકન મૅગેઝિન 'ન્યૂઝવીક'માં ભારત અને અમેરિકના સંબંધો અંગે ટ્રમ્પની નીતિ પર એક લેખ લખ્યો.
નિકી હેલીએ લખ્યું, "ભારતના રશિયા પાસેથી ઑઇલ ખરીદવા અંગે ટ્રમ્પની આપત્તિને ગંભીરતાથી લેવી જોઈએ અને વ્હાઇટ હાઉસ સાથે મળીને આનું નિરાકરણ લાવવું જોઈએ. શક્ય એટલી ઝડપથી, આ થાય એ સારું છે. વિશ્વની બે મોટી લોકશાહી વચ્ચે દાયકાથી જળવાયેલી મિત્રતા અને વિશ્વાસ, હાલના તણાવને પાછળ છોડવાનો મજબૂત આધાર આપે છે."
નિકી હેલી લખે છે કે, "વેપાર વિવાદ અને રશિયા પાસેથી ઑઇલ આયાત જેવા મુદ્દા પર કડક વાતચીતની જરૂર છે, પરંતુ આપણે અસલ હેતુ ન ભૂલવો જોઈએ - સામાન્ય ઉદ્દેશ. ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે."
નિકી હેલી અને ડોનાલ્ડ ટ્રમ્પ, બંને રિપબ્લિકન પાર્ટીનાં છે, પરંતુ ઘણી વાર નિકી હેલીએ ટ્રમ્પનો ખૂલીને વિરોધ કર્યો છે.
2016માં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદ માટે પ્રાથમિક ચૂંટણી દરમિયાન, નિકી હેલીએ ટ્રમ્પની કઠોર ટીકા કરી હતી. ખાસ કરીને મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ અંગે અસ્થાયી પ્રતિબંધ લાદવાના ટ્રમ્પના પ્રસ્તાવની.
જોકે, બાદમાં ટ્રમ્પ સાથે તેમના મતભેદ સાર્વજનિકપણે સામે આવ્યા.
2021માં કૅપિટલ હિલમાં થયેલી હિંસા અંગે તેમણે સાર્વજનિકપણે ટ્રમ્પની ટીકા કરી. પૉલિટિકોને તેમણે કહ્યું હતું કે "આપણે એ વાત સ્વીકારી પડે કે તેમણે અમને શરમિંદા કર્યાં છે."
હિંસાના એક દિવસ પહેલાં નિકી હેલીએ એક નિવેદન આપ્યું, "ચૂંટણીના દિવસથી તેમણે જે કોઈ પગલાં લીધાં છે, ઇતિહાસ તેનો કઠોર ન્યાય કરશે."
આ ઘટના બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે તેમનો દૃષ્ટિકોણ બદલાયો હતો.
વર્ષ 2023માં નિકી હેલીએ 2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેમણે ટ્રમ્પને સમર્થન આપ્યું.
'ભારતને અમેરિકાથી દૂર કરી રહ્યા છે ટ્રમ્પ'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જૉન કેરીએ કહ્યું કે ટ્રમ્પ પોતાની નીતિઓથી પોતાના સહયોગીઓને દૂર કરી રહ્યા છે અને આ અંગે ચિંતિત થવું એ વાજબી છે.
જૉન કેરી એક ડેમૉક્રૅટ છે અને પાંચ વખત સેનેટર રહી ચૂક્યા છે. તેઓ ઓબામા પ્રશાસન દરમિયાન 2013થી 2017 દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી રહ્યા હતા.
જૉન કેરીએ નવી દિલ્હીમાં ઇટી વર્લ્ડ લીડર્સ ફોરમમાં કહ્યું, "અમે ચિંતિત છીએ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે જે તણાવ છે એ દુર્ભાગ્યપૂર્ણ છે."
"મને લાગે છે કે એક મહાન દેશને પોતાની મહાનતા બતાવવા માટે હંમેશાં લોકોને ધમકી આપવી પડે એ જરૂરી નથી. ટ્રમ્પ પ્રશાસને કૂટનીતિ મારફતે નિરાકરણ શોધવાના સ્થાને આદેશ અને દબાણ નાખવાની રીત અપનાવી."
તેમણે કહ્યું, "ભારત અને અમેરિકા પોતાના વેપાર વિવાદ ઉકેલી લેશે. ભારતે લગભગ 60 ટકા વસ્તુઓ પર ટેરિફને શૂન્ય કરવાની રજૂઆત કરી છે અને આ એક મોટો બદલાવ છે."
ટ્રમ્પના પૂર્વ સહયોગી જૉન બોલ્ટન પણ ટેરિફ વિરુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટન પણ ભારત પર ટ્રમ્પે લગાવેલા ટેરિફનો જોરદાર વિરોધ કરતા જોવા મળ્યા.
જૉન બોલ્ટને તાજેતરના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ઑઇલ ખરીદવા માટે ટેરિફ લગાવ્યો, પણ ચીન પર નહીં. જ્યારે કે ચીન પણ રશિયા પાસેથી ઑઇલ ખરીદે છે. આથી ભારત ચીન-રશિયાની વધુ નજીક જઈ શકે છે. ટ્રમ્પ પ્રશાસનની આ (ભારત પ્રત્યેની) અવગણના તેમના પોતાના દ્વારા ઊભી કરાયેલી ભૂલ છે."
તેમણે પુતિનના ભારત પ્રવાસ અને 2018 પછી પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન જવાના ઉલ્લેખ સાથે કહ્યું કે "તેની નકારાત્મક અસર પડી શકે છે, અને આ અંગે પૂરતો વિચાર-વિમર્શ કરવામાં આવ્યો નથી."
બોલ્ટન ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા, પણ 2019માં ટ્રમ્પે તેમને હઠાવી દીધા હતા. ત્યારથી તેઓ ટ્રમ્પના કટ્ટર વિરોધી બની ગયા છે.
2020માં તેમણે એક સંસ્મરણ લેખ લખ્યો હતો. જેમાં ટ્રમ્પની સખત આલોચના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને વિદેશ નીતિ વિશે કંઈ ખબર પડતી નથી.
પછી વ્હાઇટ હાઉસે તેમના પર ગુપ્ત માહિતીના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો.
ગયા શનિવારે એફબીઆઈએ બોલ્ટનના ઘરમાં છાપો માર્યો હતો.
ટ્રમ્પે આ કાર્યવાહી પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પણ બોલ્ટનને 'દગાબાજ' કહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય એક પૂર્વ સલાહકાર ઇવાન એ. ફિજેનબૉમે રાષ્ટ્રપતિના વેપાર મામલાના સલાહકાર પીટર નવારોનનો એક વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો.
તેમણે કહ્યું, "આ સંપૂર્ણ બકવાસ છે. પહેલા કહેવામાં આવતું કે યુદ્ધ માટે રશિયા જવાબદાર છે. પછી કહેવામાં આવ્યું કે ચીન અને અન્ય દેશોએ તેને મદદ કરી. હવે કહેવામાં આવે છે કે યુદ્ધ માટે યુક્રેન જવાબદાર છે. પછી હવે કહેવાય છે કે આ યુદ્ધમાં ભારતે પણ મદદ કરી છે."
"જેમ આ લોકો જુદા-જુદા દેશો પર યુદ્ધનું ઠીકરું ફોડવા લાગ્યા છે, તેનાથી છેલ્લાં 25 વર્ષથી અમેરિકા-ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે."
વિડિયોમાં પીટર નવારો કહે છે, "હકીકતમાં યુક્રેનમાં શાંતિનો રસ્તો નવી દિલ્હીથી પસાર થાય છે. પરંતુ ભારત રશિયન ઑઇલની રિફાઇનિંગ માટેનું લૉન્ડ્રોમેટ બની ગયું છે. તેનાથી ભારત નફો તો કમાઈ જ રહ્યું છે, પણ પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધમાં રશિયાને ફંડિંગ પણ કરી રહ્યું છે."
અમેરિકી મીડિયા શું કહે છે?
ટાઇમે કહ્યું કે ટ્રમ્પના ટેરિફ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે, જે નવાં વ્યૂહાત્મક સમીકરણો ઊભાં કરી રહ્યાં છે.
બૅરેન્સે લખ્યું કે ટ્રમ્પની નીતિઓથી વૈશ્વિક વેપાર નવી દિશામાં જઈ રહ્યો છે અને ભારતને ચીન સાથે ભાગીદારીથી લાભ મળી શકે છે.
ફૉક્સ ન્યૂઝે લખ્યું કે ટ્રમ્પના ટેરિફ ભારતને અમેરિકાના વ્યૂહાત્મક વિરોધીઓ ચીન અને રશિયાની નજીક લઈ જઈ રહ્યા છે.
ફૉક્સ ન્યૂઝે 'કાર્નેગી ઍન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસ'ના દક્ષિણ એશિયા નિષ્ણાત ઇવાન એ. ફિઝેનબૉમના હવાલાથી લખ્યું, "અમેરિકા-ભારત સંબંધો હાલમાં એવા તબક્કે છે જ્યાં છેલ્લાં 25 વર્ષમાં ઊભી થયેલી તમામ ધારણાઓ અને પાયાઓ તૂટી ગયાં છે."
"ટેરિફ પછી નવી દિલ્હીનો ઝુકાવ પૂર્વ તરફ વધી રહ્યો છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મૉસ્કો ગયા હતા, આ અઠવાડિયે વિદેશ મંત્રી ત્યાં જઈ રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી તાજેતરમાં દિલ્હી આવ્યા હતા. પીએમ મોદી સાત વર્ષમાં પહેલીવાર ચીન જઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું ક્વૉડ (ધ ક્વોડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ એટલે કે ક્યૂસિડ) હજુ પણ ટકી રહેશે?"
ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું કે ટ્રમ્પ ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે.
તેમના લેખ અનુસાર, "પીએમ મોદી અત્યાર સુધી ભારતને અમેરિકા સાથે જોડવા અને ચીનથી દૂર રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. પણ હવે એશિયાઈ દિગ્ગજો વચ્ચે સંબંધો ફરીથી ઊભા કરવાની કોશિશો તેજ થઈ રહી છે."
સીએનએન પર ફરીદ ઝકારિયાએ પોતાના કાર્યક્રમમાં ટ્રમ્પની નીતિઓની ટીકા કરી અને કહ્યું કે છેલ્લા દાયકાઓમાં જે પ્રગતિ થઈ હતી, તે હવે પાછળ જઈ રહી છે.
તેમણે કહ્યું, "ક્લિન્ટન પ્રશાસનથી શરૂ થયેલી દ્વિપક્ષીય સંબંધોની સુધારાની કોશિશ, બુશ, ઓબામા, બાઇડન અને ટ્રમ્પના પહેલા કાર્યકાળ સુધી ચાલી. પણ હવે ટ્રમ્પના અચાનક દુશ્મનાવટભર્યા વલણથી છેલ્લાં 25 વર્ષમાં પાંચ રાષ્ટ્રપતિઓએ કરેલાં કામોને મોટું નુકસાન થયું છે. આ ટ્રમ્પની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ છે."
"જો ટ્રમ્પ હવે નીતિ બદલે, તો પણ જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે. ભારતમાં હવે માન્યતા બની ગઈ છે કે અમેરિકા વિશ્વાસુ નથી. ભારત માને છે કે અમેરિકા પોતાના મિત્રો સાથે કઠોર વર્તન કરે છે અને તેથી ભારતે પોતાના સંબંધોમાં વૈવિધ્ય લાવવાની જરૂર છે – અને રશિયા સાથે નજીક રહેવાની અને ચીન સાથે સંબંધો બદલવાની પણ."
ફરીદ ઝકારિયાએ કહ્યું કે "જ્યારે હું ભારતમાં હતો ત્યારે હું અમેરિકા સાથે મજબૂત ભાગીદારીની તરફેણ કરતો હતો. લોકોને કહેતો હતો કે દૂવિધા છોડવી જોઈએ. દુનિયાનાં સૌથી જૂનાં અને સૌથી મોટાં લોકતંત્રો વચ્ચે મજબૂત ભાગીદારી જ ભવિષ્ય છે. પરંતુ આજે ભારતીયોને આ સલાહ માનવા માટે કહેવું મુશ્કેલ હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












