કરોડોના ભ્રષ્ટાચારનો એ કેસ જેમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરાઈ

ઇમેજ સ્રોત, TDP
- લેેખક, શંકર વડિશેટ્ટી
- પદ, બીબીસી માટે
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની શનિવારે સીઆઈડીએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી છે. જે કલમો હેઠળ એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમને જામીન મળવા મુશ્કેલ છે.
તેમની સ્કિલ ડૅવલપમેન્ટમાં કથિત ગેરરીતિના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.
2021માં તેમની સામે આ મામલે ભ્રષ્ટાચાર સંબંધિત એફઆઈઆર નોંધવામાં આવી છે.
ચંદ્રબાબુ નાયડુને નાન્દિયા હૉસ્પિટલમાં મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યા છે ત્યારબાદ તેમને અદાલતમાં રજૂ કરવાના છે.
એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ તેમની સરકારમાં મંત્રી રહેલા ગંતા શ્રીનિવાસ રાવની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની એક ટીમે તેમને સવારે છ વાગ્યાની આસપાસ તેમને બસમાંથી ઊતાર્યા અને ધરપકડની નોટિસ આપી. ધરપકડ બાદ તેમના વકીલોની પોલીસ સાથે ચર્ચા ચાલી રહી છે.
પોલીસે તેમની ધરપકડ સીઆરપીસીની કલમ 50(1)(1) હેઠળ કરી છે.
તેમના વકીલોએ જ્યારે પોલીસને પૂછ્યું કે કોઈ આધારરૂપ પુરાવાર વિના કેવી રીતે ધરપકડ કરી શકાય તો તેના જવાબમાં પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે અદાલતમાં રિમાન્ડ રિપોર્ટ રજૂ કરાશે ત્યારે માહિતી અપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંધ્ર પ્રદેશ પોલીસના ડીઆઈજી રઘુરામી રેડ્ડીના નેતૃત્વમાં પોલીસની ટીમ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવા પહોંચી હતી.
ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા હેઠળ ધરપકડની માહિતી આપતા નાયડુને જણાવાયું હતું કે તેમની ધરપકડ અપરાધ સંખ્યા 28/2021 હેઠળ કરવામાં આવી રહી છે.
ચંદ્રબાબુ નાયડુની દગાખોરી (આઈપીસી 420) અને ગુનાહિત કાવતરું રચવા (આઈપીસી 120બી) ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

શું છે સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ?

ઇમેજ સ્રોત, TDP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એપીએસએસડીસી (આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલમેન્ટ કૉર્પોરેશન)ની રચના આંધ્ર પ્રદેશના વિભાજન બાદ કરવામાં આવી હતી.
આ એક પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ છે અને તેનો ઉદ્દેશ રાજ્યના યુવાઓને કૌશલ્યવાન બનાવવાનો અને પ્રશિક્ષણ આપવાનો છે.
તેના માટે આ કૌશલ વિકાસ નિગમ અને ટેકનૉલૉજી કંપની વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. તેમાં સિમેન્સ અને ડિઝાઇન ટેક સિસ્ટમ્સ જેવી કંપનીઓ પણ સામેલ છે.
સિમેન્સ ઇન્ડસ્ટ્રિયલ સૉફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડનું મુખ્યાલય નોઇડામાં છે. આ કંપની સાથે સમજૂતી હેઠળ આંધ્રપ્રદેશનાં છ સ્થાનો પર સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં. અહીં યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં આવે છે અને પ્રશિક્ષણ આપવામાં આવે છે.
આંધ્ર પ્રદેશ સરકારે કહ્યું હતું કે ખર્ચનો દસ ટકા ભાગ સરકાર ચૂકવશે અને બાકી 90 ટકા સિમેન્સ કંપની ગ્રાન્ટના રૂપમાં આપશે.
સરકાર અને સિમેન્સ વચ્ચે આ સમજૂતી બાદ આંધ્ર પ્રદેશની કેટલીક ચર્ચિત ઍન્જિનિયરિંગ કૉલેજોમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર (એક્સલેન્સ સેન્ટર)ની સ્થાપના કરવામાં આવી જેમાં આદિત્ય ઍન્જિનિયરિંગ કૉલેજ પણ સામેલ છે.
સિમેન્સ વર્ષ 2017થી જ કૌશલ વિકાસ નિગમ સાથે મળીને કામ કરે છે. સમજૂતી હેઠળ સિમેન્સે ટૅકનિકલ સહાયતા આપવાની છે પરંતુ આરોપ છે કે કંપનીએ ટેકનિકલ સહાયતા ન આપી.
આ મામલાની તપાસ કરી રહેલી સીઆઈડીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું કે કંપનીએ ટેકનિકલ સહાયતા આપી છે.
આંધ્ર પ્રદેશ સરકારે સ્કિલ ડેવલપમેન્ટ એક્સલેન્સ સેન્ટરોની સ્થાપના માટે સિમેન્સ અને ડિઝાઇન ટેક સાથે 3356 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. કરાર અનુસાર ટેક કંપનીઓના આ પ્રોજેક્ટમાં 90 ટકા ભાગીદારી ઉપાડવાની હતી પરંતુ આ વાત આગળ ન વધી.
આ કરાર હેઠળ સ્કિલ ડૅવલપમેન્ટ માટે છ ક્લસ્ટર બનાવવામાં હતાં અને પ્રત્યેક ક્લસ્ટર પર 560 રૂપિયા ખર્ચ કરવાના હતા. તત્કાલીન ચંદ્રબાબુ નાયડુ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ પોતાના ભાગની દસ ટકા જવાબદારી એટલે 371 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે.
આંધ્ર પ્રદેશ સરકારે પોતાના ભાગની ચૂકવણી કરી હતી. આંધ્ર પ્રદેશમાં સીઆઈડીએ કૌશલ વિકાસ માટે આપવામાં આવેલા ફંડનો દુરુપયોગનો આક્ષેપ કરતાં સૌથી પહેલાં ડિસેમ્બર 2021માં કેસ દાખલ કર્યો હતો.
સીઆઈડીનો આરોપ છે કે સિમેન્સે પ્રોજેક્ટની લાગતને કૃત્રિમ રૂપે વધારીને 3300 કરોડ રૂપિયા કરી હતી. આ આરોપમાં સિમેન્સ સાથે સંકળાયેલા જીવીએસ ભાસ્કર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આંધ્ર પ્રદેશ સરકારે સિમેન્સ ઇન્ડસ્ટ્રિયલ સૉફ્ટવૅર પ્રાઇવેટ લિમિટેડને 371 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. સીઆઈડીનો આરોપ છે કે આ સૉફ્ટવૅરની વાસ્તવિક કિંમત માત્ર 58 કરોડ રૂપિયા હતી.
સીઆઈડીએ આ કરારમાં કૌશલ વિકાસ નિગમ તરફથી મુખ્ય ભૂમિકા નિભાવનાર ગંતા સુબ્બારાવ અને લક્ષ્મીનારાયણ સહિત કુલ 26 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
પછી તેમાંથી દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
હવે આંધ્ર પ્રદેશ સીઆઈડીએ આ મામલે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે.

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, JAGAN REDDY/FACEBOOK
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડીનો આરોપ છે કે આ આંધ્ર પ્રદેશમાં બેરોજગાર વિદ્યાર્થીઓના નામ પર થયેલું આ સૌથી મોટું કૌભાંડ છે.
આ વર્ષે 20 માર્ચના તેમણે વિધાનસભામાં કૌશલ વિકાસના નામ પર થયેલા કથિત કૌભાંડ વિશે વાત કરી હતી.
રેડ્ડીનો આરોપ છે કે, જે એમઓયુમાં કહેવામાં આવ્યું હતું, તેની વિપરીત થયું. ફંડને વિદેશોમાં શેલ કંપનીઓમાં મોકલવામાં આવ્યું હતું અને તેને પછી પાછું હૈદરાબાદમાં લગાવવામાં આવ્યું હતું. જીએસટી, ઇન્ટેલિજેન્સ, આઈટી, ઈડી સહિત એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. ચંદ્રબાબુ નાયડુએ એક જૂથ બનાવ્યું અને 371 કરોડ રૂપિયા લૂંટી લીધા.
જગનનો આરોપ છે કે, તેમણે એ વિચાર્યા વગર નિયમોનું ઉલ્લંઘન કર્યું કે દુનિયામાં કોઈ પણ ખાનગી કંપની કોઈને 3000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેમ અને કેવી રીતે આપશે.
તેમનો આરોપ છે કે સિમેન્સ કંપનીના એક ઉચ્ચ અધિકારીને જેલમાં નાખીને આટલું મોટું કૌભાંડ આચર્યું અને સરકારી ધનને વહેંચી દેવામાં આવ્યું.

ટીડીપીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ANI
ટીડીપીના વરિષ્ઠ ધારાસભ્ય પય્યાવુલા કેશવે કહ્યું છે કે આ સમજૂતી અંતર્ગત કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા અને લાખો લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા.
કેશવે કહ્યું કે સિમેન્સે જે પ્રકારે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરી હતી તેના આધારે કંપનીએ આંધ્ર પ્રદેશમાં પણ સમજૂતી કરવામાં આવી અને તેને લાગુ કરી.
સિમેન્સ એક જર્મન કંપની છે અને તે દુનિયાના 160 દેશોમાં કાર્યરત છે.
ટીડીપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે સિમેન્સના તત્કાલીન પ્રમુખ સૌમ્યાદ્રી બોસે પોતાના ઉદ્દેશ્યો માટે કેટલીક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો.
તેમણે કહ્યું, “ઈડી તપાસમાં ખબર પડી કે સિમેન્સે જીએસટીનું ચુકવણું નહોતું કર્યું. આ અસત્ય વાત છે કે સિમેન્સના નામે 371 કરોડ રૂપિયા ડાયવર્ટ કરવામાં આવ્યા. સિમેન્સ પોતાના સહયોગીઓની તપાસ માટે જવાબદાર છે, તત્કાલીન આંધ્ર પ્રદેશ સરકાર સાથે કંઈ લાગતું-વળગતું નથી.
તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે સિમેન્સની ભૂલને કારણે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર અનુચિત આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સિમેન્સ કે ડિઝાઇન ટૅકે જે પણ કંઈ કર્યું છે તે માટે ચંદ્રબાબુ જવાબદાર નથી.
આ વર્ષે દસમી માર્ચે પ્રવર્તન નિદેશાલયે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમાં સિમેન્સ ઇન્ડસ્ટ્રી સૉફ્ટવેયર લિમિટેડના ભારતના પૂર્વ પ્રબંધ નિદેશક સૌમ્યાદ્રી શેખર બોસ પણ સામેલ હતા.
આ સિવાય મની લૉન્ડ્રિંગના આરોપમાં ડિઝાઈન ટેક સિસ્ટમ્સ (પુણે)ના પ્રબંધ નિદેશક વિકાસ વિનાયક ખાનવેલ્કર, પીવીએસપી આઈટી સ્કિલ્સ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઑપરેટિંગ ઑફિસર મુકુલ ચંદ્ર અગ્રવાલ અને એસએસઆરએ ઍન્ડ ઍસોસિયેટ્સના ચાર્ડર્ડ ઍકાઉન્ટન્ટ સુરેશ ગોયલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઈડીની એફઆઈઆર બાદ ઈડીએ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.

ધરપકડ પછી નાયડુએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
તેમની ધરપકડ બાદ નાયડુએ કહ્યું કે પોલીસ લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું, “મેં તેમને પૂછ્યું કે તમે મારી ધરપકડ કેમ કરી રહ્યા છો, મારી વિરુદ્ધ પુરાવા ક્યાં છે… પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. તેમણે એટલું જ કહ્યું કે અમને ધરપકડ કરવાનો અધિકાર છે. આ ખૂબ જ દુઃખદ છે. આજે આંધ્રપ્રદેશ પોલીસે લોકશાહીની હત્યા કરી છે. સામાન્ય માણસને મૂળભૂત અધિકારો છે. શા માટે મારી ધરપકડ કરવામાં આવી રહી છે તે જાણવાનો મારો અધિકાર છે. મારી ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે તે જણાવવાની જવાબદારી પોલીસની છે. તે જ મેં પૂછ્યું. મેં તેમને પૂછ્યું કે મારી ભૂલ શું છે, પરંતુ તેઓ કહેતા રહ્યા કે અમે કહીશું નહીં."
નાયડુએ કહ્યું, “તેઓ મારી અડધી રાત્રે ધરપકડ કરવા આવ્યા હતા, તેનાથી મને ઘણું દુઃખ થયું. હું તમામ લોકોને અપીલ કરું છું કે, હું સાડા ચાર વર્ષથી જનતાના પ્રશ્નો માટે લડી રહ્યો છું. આ ખૂબ જ દુઃખદ છે, હું જાહેર મુદ્દાઓ માટે લડી રહ્યો છું, તેઓ મારી ધરપકડ કરી રહ્યા છે અને મને જેલમાં લઈ જઈ રહ્યા છે. હું તેની ટીકા કરું છું. ન્યાયની જીત થશે. તેઓ જે કરવું હોય તે કરે પરંતુ હું લોકો માટે આગળ વધતો રહીશ."














