ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલ લૉન્ચ : આ માટે છે ભારત માટે ખાસ

ઇમેજ સ્રોત, ANI
ભારતે બુધવારે પ્રથમ વખત રેલવે-આધારિત મોબાઇલ લૉન્ચરથી મધ્યમ-અંતરની અગ્નિ-પ્રાઇમ બૅલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
રેલવે-આધારિત એટલે કે આ લૉન્ચર રેલવે ટ્રેક પર ચાલશે અને ત્યાંથી મિસાઇલ ફાયર કરી શકશે.
આ આગામી પેઢીની અદ્યતન ક્ષમતા ધરાવતી મિસાઇલ છે જે 2,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ બદલ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે.
DRDO એ તેને સ્ટ્રેટેજિક દળો માટે એક ફોર્સ મલ્ટીપ્લાયર ગણાવ્યું છે. આ પરીક્ષણ આટલું મહત્ત્વનું કેમ છે? આવો સમજીએ આ પાંચ મુખ્ય મુદ્દાઓથી.
1. ટ્રેનમાંથી મિસાઇલ છોડવાનું ભારત માટે કેમ છે ખાસ?

ઇમેજ સ્રોત, ANI
આ પરીક્ષણ ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
બીબીસી સંવાદદાતા અભયકુમારસિંહે આ મુદ્દા પર સંરક્ષણ નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવ સાથે વાત કરી હતી.
સંજીવ શ્રીવાસ્તવના મતે, "અગ્નિ-પ્રાઇમ, જે એક બૅલિસ્ટિક મિસાઇલ છે, તેને રેલવે નેટવર્ક દ્વારા સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવી હતી. ભારત માટે આ એક મોટી સફળતા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ મિસાઇલ બે તબક્કાની, સૉલિડ ફ્યૂઅલ-આધારિત સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે. તેને કેનિસ્ટર એટલે કે બંધ ડબ્બા જેવી પ્રણાલીથી ઝડપથી લૉન્ચ કરી શકાય છે.
સંજીવ શ્રીવાસ્તવ સમજાવે છે કે રેલવેથી લૉન્ચ થવાથી સિસ્ટમને દેશના સૌથી દૂરના વિસ્તારોમાં લઈ જવામાં આવે છે.
તેઓ કહે છે, "જ્યાં પણ રેલવે નેટવર્ક હોય ત્યાં તેને સરળતાથી તહેનાત કરી શકાય છે અને કોઈપણ દુશ્મનનાં સ્થાનને નિશાન બનાવી શકાય છે."
આ કારણે, ભારતની વ્યૂહાત્મક શક્તિમાં વધારો થયો છે.
2. ટ્રેનમાંથી મિસાઇલનું પરીક્ષણ કયા-કયા દેશોએ કર્યું છે?
આ સિદ્ધિ પછી, ભારત વિશ્વના કેટલાક પસંદગીના દેશોની હરોળમાં જોડાઈ ગયું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમની ઍક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે "આ સફળ પરીક્ષણે ભારતને એવા કેટલાક દેશોની હરોળમાં મૂક્યું છે કે જે ગતિશીલ રેલવે નેટવર્કમાંથી કેનિસ્ટરાઇઝ્ડ લૉન્ચ સિસ્ટમ્સ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે."
તેમણે એ પણ સમજાવ્યું કે લૉન્ચર સીધા રેલવે ટ્રેક પર કાર્ય કરી શકે છે, તેને કોઈ પૂર્વ તૈયારીની જરૂર નથી, અને તેને દેશભરમાં સરળતાથી પરિવહન કરી શકાય છે.
તે ટૂંકા સમયમાં અને દુશ્મનની નજરથી દૂર રહીને મિસાઇલો છોડવાની ક્ષમતા પણ ધરાવે છે.
સંજીવ શ્રીવાસ્તવના મતે, "ભારત ઉપરાંત, અમેરિકા, ચીન અને રશિયા પાસે આ ક્ષમતા છે. ઉત્તર કોરિયાએ પણ દાવો કર્યો છે કે તેણે આ પરીક્ષણ કર્યું છે પરંતુ તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી."
3. અગ્નિ-પ્રાઇમ મિસાઇલની વિશેષતાઓ
PIB દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, અગ્નિ-પ્રાઇમ મિસાઇલને આગામી પેઢીની ટૅક્નૉલૉજી સાથે વિકસાવવામાં આવી છે.
તે 2,000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે અને તેને દુશ્મનની નજરે ચડ્યા વિના ઝડપથી લૉન્ચ કરી શકાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
આ મિસાઇલ સંપૂર્ણપણે આત્મનિર્ભર સિસ્ટમ છે, જેમાં સંદેશાવ્યવહાર અને સુરક્ષા સંબંધિત તમામ સિસ્ટમો પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે.
ડીઆરડીઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ સંપૂર્ણ સફળ રહ્યું હતું અને તેના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ થયા હતા. મિસાઇલની ઉડાનને વિવિધ ગ્રાઉન્ડ સ્ટેશનો દ્વારા ટ્રેક કરવામાં આવી હતી, અને તેને "ટેક્સ્ટબૂક લ઼ૉન્ચ" તરીકે ગણાવવામાં આવ્યું હતું.
PIB એ એમ પણ કહ્યું કે આ સફળતા ભવિષ્યમાં રેલવે-આધારિત સિસ્ટમોને સેવાઓમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કરશે.
તમને જણાવી દઈએ કે રોડ-લૉન્ચ કરાયેલી અગ્નિ-પ્રાઇમને અનેક સફળ ઉડાન પરીક્ષણો પછી સેનામાં સામેલ કરવામાં આવી છે.
4. રેલવે બેઝ્ડ મિસાઇલ લૉન્ચિંગનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, ANI
રેલવે-આધારિત લૉન્ચ સિસ્ટમના ઘણા ફાયદા છે. મિસાઇલને ટ્રેન જેવા લૉન્ચરથી કોઈપણ ટ્રેક પર લઈ જઈ શકાય છે.
આ અંગે, રેલવે બોર્ડના ભૂતપૂર્વ સભ્ય (ટ્રાફિક) શ્રીપ્રકાશે બીબીસી સંવાદદાતા ચંદન જાજવારેને જણાવ્યું , "રેલવે ટ્રેક દરેક જગ્યાએ છે. આનો અર્થ એ છે કે લૉન્ચિંગ વિસ્તાર ખૂબ જ ફેલાયેલો છે. દુશ્મનને ખ્યાલ નહીં આવે કે મિસાઇલ ક્યાંથી છોડવામાં આવશે."
તેમણે કહ્યું કે આવી સિસ્ટમ કાયમી લૉન્ચ પૅડથી અલગ છે.
તે કહે છે, "મિસાઇલોને સુરંગમાં છુપાવી શકાય છે અને જરૂર પડ્યે બહાર કાઢી શકાય છે અને ફાયર કરી શકાય છે."
જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે લૉન્ચ થાય ત્યાં સુધી તે ટ્રેક પર સામાન્ય રેલવે ટ્રાફિક બંધ કરવો પડશે.
ઇલેક્ટ્રિફિકેશનના પ્રશ્ન પર, શ્રીપ્રકાશે સ્પષ્ટતા કરી કે જો વીજળીનો પુરવઠો ખોરવાઈ જાય, તો ડીઝલ ઍન્જિનનો ઉપયોગ કરી શકાય છે.
તેઓ કહે છે,"રેલવેમાં ડીઝલ ઍન્જિન પણ હશે. ડીઝલ ઍન્જિન વીજળી પર આધારિત નથી, તે ગમે ત્યાં ચલાવી શકાય છે. આવી સ્થિતિમાં, ડીઝલનો ઉપયોગ વધુ સારો રહેશે."
5. ડીઆરડીઓ માટે કેટલી મોટી સફળતા
આ સિદ્ધિને ભારતની આત્મનિર્ભરતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે આ સફળતા ભારતને એવા દેશોની હરોળમાં મુકે છે જે દેશો ગતિશીલ રેલવે નેટવર્કથી મિસાઇલો છોડવાની ક્ષમતા ધરાવે છે.
સંજીવ શ્રીવાસ્તવે કહ્યું, "DRDO સતત મોટી સફળતાઓ હાંસલ કરી રહ્યું છે. આ મિસાઇલ તે સફળતાઓ તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તે ભારત માટે ગર્વની વાત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'મેક ઇન ઇન્ડિયા' અને 'મેક ફૉર ધ વર્લ્ડ'ના વિઝન સાથે સુસંગત છે."
તેમણે એમ પણ કહ્યું કે ભારત હવે ફક્ત તેનાં સશસ્ત્રદળો માટે શસ્ત્રોનું ઉત્પાદન જ નથી કરી રહ્યું પરંતુ સંરક્ષણ નિકાસને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.
તેમણે કહ્યું, "મિસાઇલ હોય કે ફાઇટર જેટ, ઘણા દેશો ભારતીય ઉત્પાદનોમાં રસ દાખવી રહ્યા છે. ભારત સિક્યૉરિટી પ્રોવાઇડર તરીકેની તેની ભૂમિકા નિભાવવા માટે આગળ વધી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












