ઇલૉન મસ્કની કંપની ઍક્સને વાણીસ્વાતંત્ર્યની લડાઈમાં ભારતમાં શું કાનૂની ઝટકો મળ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, દિલ્હી, મોદી સરકાર, એલન મસ્ક, સોશિયલ મીડિયા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇલૉન મસ્કે ઍક્સ ખરીદ્યું એ પહેલાંથી એ અવારનવાર ભારત સરકારના કૉન્ટેન્ટ બ્લૉકિંગ મિકેનિઝ્મને પડકારતા રહ્યા છે
    • લેેખક, ઉમંદ પોદ્દાર
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ઇલૉન મસ્કની ઍક્સ દ્વારા એક સરકારી પોર્ટલ સામે દાખલ કરવામાં આવેલા કેસને એક ભારતીય અદાલતે ફગાવી દીધો છે. તેમણે દલીલ કરી હતી કે તેનો ઉપયોગ પ્લૅટફૉર્મ પરની સામગ્રીને મનસ્વી રીતે સેન્સર કરવા માટે થઈ રહ્યો છે.

કર્ણાટક હાઇકોર્ટની એક ન્યાયમૂર્તિની ખંડપીઠે એવો ચુકાદો આપ્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંચાલિત સહયોગ પોર્ટલ સામે એક્સ દ્વારા કરવામાં આવેલી અરજી "યોગ્યતા વિહોણી" હતી. સંપૂર્ણ ચુકાદો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

અદાલતના ચુકાદા સામે પોતે અપીલ કરશે કે નહીં, તે ઍક્સે જણાવ્યું નથી.

બુધવારનો ચુકાદો બે વર્ષમાં એવો બીજો કેસ છે, જેમાં ભારત સરકારની સામગ્રીને અવરોધિત કરવાની અથવા દૂર કરવાની સત્તાને પડકારવામાં ઍક્સ બીજી વખત હાર્યું છે. તેના કારણે વાણીસ્વાતંત્ર્ય અને ડિજિટલ અધિકાર નિષ્ણાતો ચિંતિત છે. ભારતમાં ઍક્સના લગભગ અઢી કરોડ વપરાશકારો હોવાનો અંદાજ છે.

ટેકનૉલૉજી નીતિ સંશોધક પ્રતીક વાઘરેએ બીબીસીને જણાવ્યું હતું કે પ્રસ્તુત આદેશ "ચિંતાજનક" છે અને "સોશિયલ મીડિયા કંપનીઓને સીધા ટેકડાઉન ઑર્ડર મોકલવાના વિવિધ સરકારી એજન્સીઓના કૃત્યને કાયદેસરનું બનાવે છે." તેમણે ઉમેર્યું હતું કે આદેશનો "સંપૂર્ણ અર્થ" ચુકાદો જાહેર થયા પછી જ જાણી શકાશે.

ઍક્સના વકીલે બીબીસીને જણાવ્યું હતું કે કંપની હાલ કોઈ ટિપ્પણી કરવા ઇચ્છતી નથી. બીબીસીએ ટિપ્પણી માટે ભારતીય ગૃહ મંત્રાલય અને ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયનો સંપર્ક પણ કર્યો છે.

પોતાને ઍક્સ તથા ફેસબુક જેવા કૉન્ટેન્ટ ઇન્ટરમીડિયરીઝને સરકારી નોટિસ મોકલવાની પ્રક્રિયાના સ્વાચાલનનું એક સાધન ગણાવતા સહયોગ પોર્ટલ સામે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મે માર્ચમાં કેસ કર્યો હતો.

સહયોગ ગયા વર્ષે લૉન્ચ થયા પછી ગૂગલ, એમેઝોન અને મેટા જેવી અમેરિકાની અન્ય વિરાટ ટેકનૉલૉજી કંપનીઓ તેમાં જોડાઈ હતી, પરંતુ ઍક્સે એવું કરવાનો ઇનકાર કર્યો હતો.

'સરકારી અધિકારીઓને કૉન્ટેન્ટ દૂર કરવાના આદેશો આપવાની છૂટ મળી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, દિલ્હી, મોદી સરકાર, એલન મસ્ક, સોશિયલ મીડિયા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍક્સે દલીલ કરી છે કે 'સહયોગ પ્લૅટફૉર્મ'નો ઉપયોગ 'સેન્સરશિપ પ્લૅટફૉર્મ' તરીકે થઈ રહ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍક્સે પોતાની અરજીમાં સહયોગને "સેન્સરશિપ પોર્ટલ" ગણાવ્યું હતું. તેણે દલીલ કરી હતી કે તે સુનાવણી અને નિર્ણયોની સમીક્ષાની તક આપવાના નિયમને અવગણીને સામગ્રી ટેકડાઉન ઑર્ડરની છૂટ અધિકારીઓને આપે છે.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કારણે "હજારો સ્થાનિક પોલીસ અધિકારીઓ" સહિતના "અસંખ્ય" સરકારી અધિકારીઓને "એકપક્ષીય તથા મનસ્વી રીતે" સામગ્રી દૂર કરવાના આદેશો આપવાની છૂટ મળી ગઈ છે. "કોઈ પણ અધિકારીને (આમ કરવાની સત્તા) છે," એવો ઉલ્લેખ એક્સના વકીલે જુલાઈમાં કર્યો હતો, જેની સામે સરકારી વકીલે વાંધો લીધો હતો.

સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ 36 કલાકમાં આદેશનું પાલન ન કરે તો તેમણે ઇન્ટરમીડિયરીઝ સ્ટેટસ અને સેફ હાર્બર પ્રોટેક્શન ગુમાવવું પડે તેવી શક્યતા હોય છે. સેફ હાર્બર પ્રોટેક્શન ઇન્ટરમીડિયરીઝને તેમના પ્લૅટફૉર્મ પર હોસ્ટ કરવામાં આવતી સામગ્રી માટે જવાબદાર ઠેરવવામાંથી મુક્તિ આપે છે.

ભારત સરકારે સહયોગનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર "વધતા જતા ગેરકાયદે અને હાનિકારક કૉન્ટેન્ટના પ્રમાણને" કારણે તે જરૂરી હતું. આ પોર્ટલ બ્લૉકિંગ ઑર્ડર જારી કરવા માટે નહીં, પરંતુ ઇન્ટરમીડિયરીઝને એવી જાણ કરવા માટે છે કે તે ગેરકાયદે કૉન્ટેન્ટ હોસ્ટ કરી રહ્યું છે.

ઍક્સની અરજીને ફગાવી દેતાં કર્ણાટકના ન્યાયાધીશે બુધવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયાને "અરાજક સ્વાતંત્ર્યની સ્થિતિમાં છોડી શકાય નહીં. નિયમન આવશ્યક છે." અદાલતે સહયોગ પોર્ટલને "જાહેર હિત" પણ ગણાવ્યું હતું.

ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે ઍક્સ અમેરિકામાં ટેકડાઉન આદેશોનું "પાલન કરે છે, જ્યારે ભારતમાં તે સમાન ટેકડાઉન આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરે છે."

ભારત સરકારની વ્યવસ્થા અંગે કાયદાના નિષ્ણાતો શું કહે છે?

વાસ્તવિક કે એઆઇ જનરેટેડ "ઇન્ટિમેટ ફોટોગ્રાફ્સ" વ્યક્તિની સંમતિ વિના ઑનલાઇન કરવાને ગુનો બનાવતા અને 48 કલાકમાં તેવી સામગ્રી દૂર કરવાનું ટેકનૉલૉજી કંપનીઓ માટે જરૂરી બનાવતા, આ વર્ષની શરૂઆતમાં અમેરિકા દ્વારા પસાર કરવામાં આવેલા ટેકડાઉન કાયદાનો ઉલ્લેખ કરતાં ન્યાયમૂર્તિએ ઉપર મુજબ જણાવ્યું હતું. પોતે આ કાયદાને સમર્થન આપતી હોવાનું ઍક્સે કહ્યું છે.

ઍક્સે અરજી દાખલ કરી એ વખતે ડિજિટલ અધિકારના નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું હતું કે સહયોગ પોર્ટલને કારણે "સેન્સરશિપમાં જથ્થાબંધ વધારો" થયો છે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે વિવિધ સરકારી અધિકારીઓએ સોશિયલ મીડિયા વેબસાઇટ્સને ઘણું કૉન્ટેન્ટ હઠાવી લેવાના સીધા આદેશ આપ્યા હતા. એ સામગ્રીમાં 18 લોકો મૃત્યુ પામ્યા હતા તે દિલ્હીમાંની એક દુર્ઘટનાના વીડિયોથી માંડીને વડા પ્રધાન તથા ગૃહમંત્રી જેવી "અગ્રણી સાર્વજનિક હસ્તીઓની પ્રતિષ્ઠાને નુકસાન કરતી સામગ્રી"નો સમાવેશ થાય છે.

ઍક્સ પાછલાં કેટલાંક વર્ષોથી ભારત સરકારની કૉન્ટેન્ટ બ્લૉકિંગ મીકેનિઝમને પડકારતું એકમાત્ર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બની રહ્યું છે. ભારત સરકારની એ વ્યવસ્થાને અનેક કાયદા નિષ્ણાતોએ અપારદર્શી અને મનસ્વી ગણાવે છે.

2022માં મસ્કે કંપની ખરીદી એ પહેલાં ઍક્સ એવું પહેલું પ્લૅટફૉર્મ હતું, જેણે ટ્વિટ્સ દૂર કરવાના અને એકાઉન્ટ્સ બ્લૉક કરવાના અનેક આદેશોને પડકાર્યા હતા.

એક વર્ષ પછી કર્ણાટક હાઇકોર્ટે સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને આદેશોનું પાલન કરવામાં વિલંબ બદલ રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો.

તે આદેશ સામેની ઍક્સની અપીલ કોર્ટમાં પૅન્ડિંગ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન