ઓડિસા : ગોળીબારમાં ઈજાગ્રસ્ત સ્વાસ્થ્યમંત્રી નબ દાસનું સારવાર દરમિયાન મૃત્યુ

ઓડિસાના આરોગ્યમંત્રી નબ કિશોર દાસનું રવિવારે નિધન થયું છે. રવિવારે બપોરે એક સાર્વજનિક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે એક આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરે તેમને ગોળી મારી હતી.

આ ઘટના ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર પાસેના ગાંધી ચોકમાં બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી.

ગોળી વાગ્યા બાદ તેમને સારવાર માટે ઍરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમનો જીવ બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં.

ઓડિસા સરકારે રાજ્ય સરકારના સ્વાસ્થ્યમંત્રી નબ દાસ પર થયેલ જીવલેણ હુમલાની તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી.

બ્રજરાજનગરના એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઈએ પત્રકારોને જણાવ્યું કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગોપાલ દાસે મંત્રી પર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું.

પીએમ મોદી અને સીએમ પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નબ કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મોદીએ ટ્વીટર પર લખ્યું, "ઓડિસા સરકારમાં મંત્રી શ્રી નબ કિશોર દાસ જીના અકાળે અવસાનથી આઘાત લાગ્યો છે. આ દુઃખદ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

ઓડિસાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે આરોગ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હુમલા બાદ મુખ્ય મંત્રી પટનાયકે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં મુખ્ય મંત્રી પટનાયકે કહ્યું કે, "ડૉક્ટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેમને બચાવી શક્યા નહીં."

મુખ્ય મંત્રી પટનાયકે કહ્યું, "નબ દાસ સરકાર અને પક્ષ બંને માટે એક સંપત્તિ હતા. તેમણે લોકોના હિત માટે આરોગ્યવિભાગમાં ઘણી મહત્ત્વપૂર્ણ પહેલ કરી અને તેને સફળ બનાવી. એક નેતા તરીકે તેમણે બીજુ જનતા દળને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી ઓડિસા રાજ્યને મોટી ખોટ પડી છે."

નબ કિશોર દાસને સારવાર માટે ભુવનેશ્વરની ખાનગી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે મુખ્ય મંત્રી પટનાયક પણ ત્યાં હાજર હતા.

'એએસઆઈ એ કર્યો હતો હુમલો'

ઝારસુગુડાના બ્રજરાજનગરના એસડીપીઓ સર્વેશ્વર ભોઈએ ઘટના બાદ જણાવ્યું હતું કે, "આ હુમલો પોલીસ એએસઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. તે પોલીસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે."

બીજી તરફ વિપક્ષે મુખ્ય મંત્રી નવીન પટનાયક પર નિશાન સાધ્યું છે અને આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાનું ઉદાહરણ ગણાવી છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય સુરેશ રાઉતરૉયે કહ્યું કે, "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને નવીન પટનાયકે આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ".

ગૃહવિભાગ ખુદ મુખ્યમંત્રી નવીન પટનાયક પાસે છે, તેના કારણે વિપક્ષ તેમના પર વધુ આક્રમક છે.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

એએનઆઈ સાથે વાત કરતાં એક પ્રત્યક્ષદર્શી અને વ્યવસાયે વકીલ રામ મોહન રાવે જણાવ્યું હતું કે, "જ્યારે તેઓ આવ્યા ત્યારે કેટલાક સુરક્ષા કર્મચારીઓ સહિત ભીડ તેમને લેવા ગઈ હતી. તે જ સમયે એક અવાજ આવ્યો અને ભીડમાંથી પોલીસ ઑફિસર દોડીને ભાગી ગયો. દોડતાં તેમણે ફાયરિંગ પણ કર્યું હતું. અમને લાગ્યું કે જે વ્યક્તિએ તેમને માર્યા તેમની સામે તેમણે ગોળીબાર કર્યો હશે. ગોળી છાતીમાં વાગી છે."

આ હુમલા બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા નબ દાસ 2009થી ઝારસુગુડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા.

નબ કિશોર દાસે તેમના રાજકારણની શરૂઆત કૉગ્રેસ પાર્ટીથી કરી હતી. 2019માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસ છોડીને બીજેડીમાં જોડાયા હતા અને તેમને પ્રથમ વખત કૅબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.