You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંડનબર્ગનો અદાણીને પડકાર- 'તમે ગંભીર હો તો યુએસ કોર્ટમાં આવો'
- લેેખક, નિખિલ ઈનામદાર અને મોનિકા મિલર
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા
છેતરપિંડીના આરોપો પછી અબજો રૂપિયાનું નુકસાન સહન કર્યા પછી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ સંશોધન કંપનીના દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેજ સમયે હિંડનબર્ગે પણ જવાબમાં કહ્યું છે કે તેઓ તેમના અહેવાલ પર એકદમ મક્કમ છે.
એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીએ કહ્યું કે તેમના ગ્રૂપ પર ખુલ્લેઆમ ગોટાળા અને ઍકાઉન્ટિંગ ફ્રૉડનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.
ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના રિપોર્ટ પર 'બદઈરાદાપૂર્વક' અને 'પસંદગીપૂર્વકની ખોટી માહિતી' રજૂ કરવાનો આરોપ મૂક્યો છે.
બુધવારે સંશોધન સાર્વજનિક થયા પછી અદાણી ગ્રૂપને તેમનાં શેરના મૂલ્યમાં લગભગ 11 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
હવે અદાણી ગ્રૂપ ન્યૂયૉર્કના હિંડનબર્ગ રિસર્ચ સામે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ હિંડનબર્ગે કહ્યું છે કે તેઓ તેમના અહેવાલ પર અડગ છે અને કાનૂની કાર્યવાહીનું સ્વાગત કરશે.
અદાણી ગ્રૂપ ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેમનો વ્યવસાય કૉમોડિટી ટ્રેડિંગ, ઍરપોર્ટ, યુટિલિટી અને રિન્યૂએબલ એનર્જી સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
ફોર્બ્સ મૅગેઝિન અનુસાર, આ જૂથના માલિક ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે.
હિંડનબર્ગ 'શૉર્ટ સેલિંગ'માં પાવરધી છે, એટલે કે તે જેના ભાવમાં ઘટાડો થવાની ધારણા હોય એવી કંપનીઓના શૅર પર દાવ લગાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- હિંડનબર્ગ 'શૉર્ટ સેલિંગ'માં પાવરધી છે, એટલે કે તે જેના ભાવમાં ઘટાડો થવાની ધારણા હોય એવી કંપનીઓના શૅર પર દાવ લગાવે છે
- હિંડેનબર્ગએ અદાણી પર છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
- અદાણીએ હિંડેનબર્ગના રિપોર્ટને આધારહીન ગણાવ્યો છે.
- શુક્રવારે અદાણીની ફૉલો-ઑન પબ્લિક ઑફર (એફપીઓ) આવવાની છે.
હિંડનબર્ગ રિસર્ચનો અદાણીને જવાબ
હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ અદાણી જૂથે કાયદાકીય કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યા બાદ હિંડનબર્ગ રિસર્ચે કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે અને પોતાના રિપોર્ટ પર અડગ છે.
તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “અમારો રિપોર્ટ આવ્યા બાદ છેલ્લા 36 કલાકમાં અદાણીએ કોઈ પણ ગંભીર મુદ્દાને લઈને જવાબ આપ્યો નથી. અમે રિપોર્ટના નિષ્કર્ષમાં 88 સટીક સવાલો પૂછ્યા હતા જે કંપનીને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની તક આપે છે.”
“અત્યાર સુધી અદાણીએ એક પણ જવાબ આપ્યો નથી. સાથે જ અમારી આશા પ્રમાણે, અદાણીએ ધમકીનો રસ્તો પસંદ કર્યો. મીડિયાને આપેલ એક નિવેદનમાં અદાણીએ અમારા 106 પાનાંના, 32 હજાર શબ્દોના અને 720 કરતાં વધુ ઉદાહરણોવાળાં બે વર્ષમાં તૈયાર કરાયેલ રિપોર્ટને ‘રિસર્ચ વગરનો’ ગણાવ્યો અને કહ્યું કે તેઓ અમારા વિરુદ્ધ ‘દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકન અને ભારતીય કાયદા અંતર્ગત લાગુ જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.’”
“જ્યાં સુધી કંપની દ્વારા કાનૂની ધમકીની વાત કરવામાં આવે તો અમે એવું જણાવી દેવા માગીએ છીએ કે અમે તેનું સ્વાગત કરીશું. અમે અમારા રિપોર્ટ પર એકદમ અડગ છીએ અને અમારા વિરુદ્ધ ઉઠાવાયેલ કાયદાકીય પગલાં આધારહીન હશે.”
“જો અદાણી ગંભીર હોય તો તેમણે અમેરિકામાં કેસ દાખલ કરી દેવો જોઈએ. દસ્તાવેજોની એક લાંબી યાદી છે જેની કાનૂનીપ્રક્રિયા દરમિયાન અમે માગણી કરીશું.”
હિંડનબર્ગનો રિપોર્ટ
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી પર 'કૉર્પોરેટ જગતની સૌથી મોટી છેતરપિંડી'નો આરોપ મૂક્યો છે. આ આરોપ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી ગ્રૂપના શેરનું જાહેર વેચાણ લૉંચ થવા જઈ રહ્યું છે.
રિપોર્ટમાં અદાણી ગ્રૂપની મૉરેશિયસ અને કૅરિબિયન જેવી વિદેશી ટેક્સ હૅવન્સમાં સ્થિત કંપનીઓની મિલકત પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપનીઓ ભારે દેવાદાર છે જે સમગ્ર જૂથને 'ભારે નાણાકીય જોખમ'માં મૂકે છે.
પરંતુ ગુરુવારે અદાણી જૂથે જણાવ્યું હતું કે તે ભારત અને યુએસમાં હિંડેનબર્ગ રિસર્ચ સામે "સુધારાત્મક અને શિક્ષાત્મક" પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
અદાણીએ કહ્યું છે કે તેઓ હંમેશા કાયદાનું પાલન કરતા રહ્યા હતા.
અદાણીની લીગલ ટીમના ગ્રૂપ હેડ જતીન જાલુંધવાલાએ જણાવ્યું હતું કે, "ભારતીય શેરબજારમાં અહેવાલને કારણે જે અસ્થિરતા સર્જાઈ છે તે ખૂબ જ ચિંતાજનક છે અને તેનાથી ભારતીય નાગરિકોને અનિચ્છનીય પીડા ભોગવવી પડી છે."
તેમણે કહ્યું, "એ સ્પષ્ટ છે કે આ અહેવાલ અને તેના અપ્રમાણિત તથ્યોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા કે તેની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ પર ખરાબ અસર પડે કારણ કે હિંડનબર્ગ રિસર્ચ પોતે માને છે કે તેને અદાણીના શેરમાં ઘટાડાથી ફાયદો થશે."
ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ અદાણી ઍન્ટરપ્રાઇઝિસના શેરનું વેચાણ શુક્રવારથી શરૂ થવાનું છે.
હિંડનબર્ગનો જવાબ
ગુરુવારે અદાણી ગ્રૂપ સામે જારી નિવેદન બાદ હિંડનબર્ગે પણ પ્રતિક્રિયા આપી છે.
હિંડનબર્ગે તેમના નિવેદનમાં જણાવ્યું હતું, "અદાણીએ અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા એક પણ મુદ્દા પર ધ્યાન આપ્યું નથી. અમે અમારા રિપોર્ટમાં 88 પ્રશ્નો પૂછ્યા છે. અત્યાર સુધી અદાણીએ એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી."
અદાણી ગ્રૂપ દ્વારા કાનૂની કાર્યવાહીની વાતના જવાબમાં હિંડનબર્ગે જણાવ્યું હતું કે, "અમે કાનૂની પગલાંને આવકારીશું. અમે અમારા અહેવાલ પર અડગ છીએ અને માનીએ છીએ કે અમારી સામે કરવામાં આવેલી કોઈપણ કાનૂની કાર્યવાહી 'અયોગ્ય' સાબિત થશે."
"જો અદાણી ગંભીર હોય, તો તેમણે યુએસમાં અમારી સામે કેસ કરવો જોઈએ જ્યાં અમારી ઑફિસ છે. અમારી પાસે દસ્તાવેજોની લાંબી યાદી છે જેની માંગણી અમે 'કાનૂની શોધ પ્રક્રિયા'માં શોધીશું."
રાજકીય પ્રતિક્રિયા
વિપક્ષી રાજનેતાઓ આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા અચકાયા ન હતા, જેઓ લાંબા સમયથી આરોપ લગાવી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની નિકટતાને કારણે અદાણીને ફાયદો થઈ રહ્યો છે.
શિવસેનાના નેતા અને સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું હતું છે, "જે વિગતવાર સંશોધન સાર્વજનિક કરવામાં આવ્યું છે તે જોતાં ભારત સરકાર આ આરોપોની નોંધ લે તે જરૂરી છે."
દક્ષિણ ભારતના અન્ય લોકપ્રિય રાજનેતા કેટી રામારાવે ભારતની તપાસ એજન્સીઓ અને બજાર નિયમનકારને અદાણી જૂથની પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરવાની માગ કરી છે.
જો કે નિષ્ણાતોનું કહેવું છે કે નિયમનકારો દ્વારા કોઈ સ્વતંત્ર કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે.
રોકાણકારોને ગવર્નન્સના મુદ્દાઓ પર સલાહ આપતી કન્સલ્ટન્સી ઇન-ગવર્ન રિસર્ચના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીરામ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) ત્યારે જ કાર્યવાહી કરે જ્યારે તેને વિશેષ ફરિયાદ મોકલવામાં આવે અને આ કિસ્સામાં એવું નથી."
તેમના મતે, "અહેવાલમાં એવા અનેક આરોપો મૂકવામાં આવ્યા છે જે ભૂતકાળમાં નિયમનકારી તપાસનો વિષય રહ્યા છે."
બીબીસીએ માર્કેટ રેગ્યુલેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.
ફાઈનાન્શિયલ માર્કેટ ઍનાલિસ્ટ અંબરીશ બલિગાએ જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે અદાણી ગ્રૂપ માટે શુક્રવારે તેના 2.4 અબજ ડૉલરના પબ્લિક શેરના વેચાણ સાથે આગળ વધવાનો રસ્તો સાફ છે, પરંતુ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની રોકાણકારો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે."
પરંતુ આ રિપોર્ટના કારણે અદાણી ગ્રૂપને ભવિષ્યમાં ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે.
ન્યૂઝ સર્વિસ બ્લૂમબર્ગ માટે લેખ લખતા ઍન્ડી મુખર્જીએ કહ્યું, "અદાણી ઉપરાંત, આ ઘટના વ્યાપક ભારતીય બજારની ઈમાનદારી વિશે ઘણા પ્રશ્નો ઉભા કરે છે, જે નાણાકીય વૈશ્વિકીકરણ અને રાજકીય રાષ્ટ્રવાદ વચ્ચે ભિંસાયેલી છે."
તેઓ પૂછે છે કે, "શું સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા આગળ વધવા અને બજારને સાફ કરવા લોકો આક્રોશની રાહ જોઈ રહ્યું છે?"