પાણીની બૉટલમાં ટૉઇલેટ સીટ કરતાં વધુ જીવાણુ હોય છે, સંશોધનનાં ચોંકાવનારાં તથ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આંદ્રે પરનાર્થ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝીલ
પાણીની બૉટલ પોતાની સાથે રાખવી એક સારી આદત છે. જો પાણીની બૉટલ સાથે હોય તો તમે ગમે ત્યારે પોતાની તરસ છીપાવી શકો છો. સાથેસાથે પર્યાવરણને બચાવવા માટે પણ યોગદાન આપો છો.
પરંતુ શું તમે ક્યારેય તમારા પાણીની બૉટલની હાઇજિન એટલે કે સ્વચ્છતા વિશે વિચાર્યું છે?
શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પાણીની બૉટલ જો સાફ ન કરવામાં આવે તો તેમાં ટૉયલેટની સીટ કરતાં પણ વધુ જીવાણુ હોઈ શકે છે? આ વાત એક સંશોધનમાં બહાર આવી છે.
ડૉક્ટર રોર્ડરીગો લીંઝ બ્રાઝીલીયન સોસાયટી ઑફ ઇન્ફેકશિયસ ડિસીસેઝમાં સલાહકાર તરીકે કાર્યરત્ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, આપણે પાણી પીવા માટે બૉટલનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો પાણી ભરતા પહેલાં બૉટલની અંદર થોડું પાણી નાંખે છે અને હલાવીને ફેંકી દે છે. તેમને લાગે છે કે આમ કરવાથી બૉટલ સાફ થઈ ગઈ છે.
પરંતુ સંશોધન પ્રમાણે આ ધારણા ખોટી છે. જો બૉટલને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેની અંદર બૅક્ટેરિયા અને ફંગસ ભેગાં થઈ જાય છે. આ તમારા આરોગ્ય માટે જોખમી છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
સંશોધનમાં બહાર આવ્યાં ચોંકાવનારાં તથ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાસ્થિત વૉટર ક્વૉલિટી કંટ્રોલ કંપની ‘વૉટર ફિલ્ટર ગુરુ’એ સંશોધન કર્યું છે જેમાં જાણવા મળ્યું છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિકની પાણીની બૉટલમાં 2.8 કરોડ કૉલોની ફૉર્મિંગ યુનિટ (સીએફઓ) હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માઇક્રોબાયૉલૉજીની ભાષામાં સીએફઓનો અર્થ થાય છે એક જાહેર જગ્યા પર બૅક્ટેરિયા અથવા ફંગસની એક આખી કૉલોની. આ કૉલોની એક પ્રકારનું ઝૂંડ હોય છે અને તેમાં બૅક્ટેરિયા અથવા ફંગસ સતત વિકસતી હોય છે.
સીએફઓ થકી કોઈ પણ જગ્યા પર બૅક્ટેરિયા અને ફંગસની કેટલી હાજરી છે તેની માહિતી મળે છે. સીએફઓમાં જીવિત બૅક્ટેરિયા અને ફંગસની જ ગણતરી કરવામાં આવે છે.
હવે જો વૉટર ફિલ્ટર ગુરુના સંશોધનનાં તારણોની વાત કરીએ તો પાણીની બૉટલમાં મલિનતાનું લેવલ બીજી અનેક ગંદી વસ્તુઓ કરતાં ખાસ્સું વધારે છે.
દાખલા તરીકે ટૉઇલેટની સીટ પર જે સીએફઓ હોય છે તે સરેરાશ 515 હોય છે જ્યારે પાણીની બૉટલમાં સીએફઓ 2.8 કરોડ જોવા મળ્યું છે. એટલે કે 40 હજાર ગણું વધારે!
પાલતુ પ્રાણીને જે ખોરાક આપવામાં આવે છે તે પ્લેટ અથવા વાસણોમાં સરેરાશ સીએફઓ 1.4 મિલિયન હોવાનું બહાર આવ્યું છે. આવી જ રીતે કમ્પ્યુટર માઉસમાં 4 મિલિયન અને રસોડાની સિંકમાં આ લેવલ 11 મિલિયન હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. દેખીતી રીતે પાણીની બૉટલ જે આપણે મોઢે લગાવીએ છીએ તેમાં સીએફઓ લેવલ બહુ વધારે છે.
વૉટર ફિલ્ટર ગુરુના સંશોધનમાં કેટલાંક બીજાં તથ્યો પણ સામે આવ્યાં છે. 42 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ દિવસમાં એક વખત પાણીની બૉટલને ધુએ છે. 25 ટકા લોકોએ કહ્યું કે તેઓ અઠવાડિયામાં અમુક દિવસ બૉટલને ધુએ છે. 13 ટકા લોકો એવા હતા જેઓ એક મહિનામાં બે વખત જ પાણીની બૉટલને પાણીથી ધોતા હતા.
અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીએ કરેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે 15 ટકા લોકો દિવસના અંતે પાણીની બૉટલમાં વધેલું પાણી પી લેતાં હોય છે. આ સંશોધન 90 લોકો પર કરવામાં આવ્યું હતું.
ગંદા પાણીની બૉટલ કેટલી જોખમી?

ઇમેજ સ્રોત, Getty Images
જો પાણીની બૉટલ ગંદી હોય તો તેનાથી આરોગ્યને કેટલું જોખમ રહેલું છે? પાણીની બૉટલને સાફ કઈ રીતે કરવી?
અહીં નોંધવા જેવી બાબત એ છે કે આપણી ચોતરફ બૅક્ટેરિયા હોય છે અને એ ગંભીર બાબત નથી, કારણ કે જીવન માટે બૅક્ટેરિયા જરૂરી છે.
આ સૂક્ષ્મ જીવો વિવિધ રીતે પાણીની બૉટલમાં પ્રવેશ કરી શકે છે.
જ્યારે આપણે પાણી પીવા માટે બૉટલને મોઢાની નજીક લઈ જઈએ છીએ ત્યારે આપણા ચહેરા, ત્વચા, હોઠ, દાંત, જીભ અને પેઢામાં રહેલા સૂક્ષ્મ જીવો ઝડપથી પાણીની બૉટલમાં પ્રવેશ કરી શકે છે. એક વખત પ્રવેશ કર્યા બાદ તેઓ ઝડપથી વધે છે.
આવી જ રીતે જ્યારે આપણે પાણીની બૉટલ પકડવા અથવા ખોલવા માટે હાથનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આંગળી વડે પણ આ જીવો બૉટલમાં પ્રવેશ કરી જાય છે.
આપણે દિવસભરમાં ઘણી વસ્તુઓનો સ્પર્શ કરીએ છીએ, જેમ કે દરવાજા, દાદરા અને લિફ્ટ વગેરે. અહીંથી આ સૂક્ષ્મ જીવો આપણી આંગળીમાં રહી જાય છે જે બાદમાં બૉટલમાં આવી જાય છે.
બેગમાં બૉટલ લઈ જતાં હોય, શાળાનાં લૉકર, ઑફિસ ડેસ્ક અને કિચન સિંક. આ બધામાં બૅક્ટેરિયા અને ફંગસ હાજર હોય છે.
જો બૉટલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તે પ્રવેશ કરશે અને કૉલોની બનાવશે અને ત્યાર બાદ લાખોની સંખ્યામાં વધશે. ચાઇનીઝ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે તે 24 કલાકમાં પ્રતિ મિલીમીટરે 75 હજારથી 2 મિલિયનના હિસાબે વધી શકે છે.
ભેજયુક્ત, હળવું ગરમ અને અર્ધપ્રકાશ (પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ બૉટલોમાં) આવાં બૅક્ટેરિયા અને ફંગસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
જો પાણીની બૉટલને સ્વચ્છ રાખવામાં ન આવે તો તેની અંદરના જીવાણુ નરી આંખે પણ જોઈ શકાય છે. કેટલાક કણો પણ પાણીમાં મળી આવે છે. આ સામાન્ય રીતે પાણીની બૉટલના તળિયે જોવા મળે છે. ખાસ કરીને બૉટલના ઢાંકણા પર કાળો અથવા લીલો રંગ બાઝી ગયો હોય છે, જે જીવાણુ હોય છે.
ગંદી બૉટલ શરીરને કેટલું નુકસાન કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે શું આ જીવાણુ આપણા સ્વાસ્થય માટે જોખમી છે?
નિષ્ણાતો અનુસાર તે ઘણાં પરિબળો પર આધાર રાખે છે.
ડૉક્ટર રોર્ડરીગો લીંઝ કહે છે કે એ વાત ધ્યાન પર રાખવી જરૂરી છે કે આપણા શરીરમાં તેના કરતાં દસ ગણા બૅક્ટેરિયા હોય છે.
નિષ્ણાતો પ્રમાણે તેની અસર બે બાબતો પર નિર્ભર છે. પ્રથમ કયા અને કેટલા પ્રમાણમાં જીવાણુ આપણા શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજું કે આપણું શરીરની ઇમ્યુન સિસ્ટમ કેટલા પ્રમાણમાં અને કયા આ જીવાણું સામે સુરક્ષા આપી શકે છે.
દાખલા તરીકે જો બૉટલમાં જીવાણુનું પ્રમાણ બહુ વધારે હોય ત્યારે બૉટલનો ઉપયોગ કરનાર વ્યક્તિને ગભરાટ અને ઊલટીઓ થઈ શકે છે. જો તમને ફંગસથી ઍલર્જી છે તો આ પ્રકારની બૉટલના ઉપયોગથી નાક બંધ થઈ શકે છે, ગભરાટ, ઊલટીઓ, માથામાં દુખાવો, અતિશય થાક અને બીજી તકલીફો થઈ શકે છે.
સાઓ પાઉલો યુનિવર્સિટીની બાયૉમેડિકલ સાયન્સ વિભાગના માઇક્રોબાયૉલૉજિસ્ટ જ્યૉર્જ ટીમેનેન્ટઝેસ્કી કહે છે કે, આ પ્રકારની બૉટલથી નાનાં બાળકો, વૃદ્ધો અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને સૌથી વધુ જોખમ રહે છે. એટલા માટે જે વસ્તુઓ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેની સ્વચ્છતાની કાળજી લેવી બહુ જરૂરી છે.
બૉટલને ચોખ્ખી કઈ રીતે રાખવી?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર રોર્ડરીગો લીંઝ કહે છે કે સૌથી સરળ રસ્તો છે કે જ્યારે પણ તેનો ઉપયોગ કરો તો પહેલાં સાફ કરો.
જ્યૉર્જ ટીમેનેન્ટઝેસ્કી પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે જ્યારે પણ ઘરે આવો ત્યારે એક વખત બૉટલને ધોઈ નાંખો.
જે સાબુનો ઘરનાં વાસણોને સાફ કરવા ઉપયોગ કરતા હો તેનાથી જ બૉટલને સાફ કરવાનો આગ્રહ રાખો.
જ્યૉર્જ ટીમેનેન્ટઝેસ્કી કહે છે કે બૉટલ ધોતી વખતે બ્રશનો ઉપયોગ કરો અને ફરીથી પાણી ભરતાં પહેલાં ખરાઈ કરો કે તે સારી રીતે સુકાઈ ગઈ કે નહીં.
નિષ્ણાતો અનુસાર જો શક્ય હોય તો પોતાની પાણીની બૉટલ બીજી વ્યક્તિને ન આપો. પાણીની બૉટલમાં ક્યારેય પણ ફ્રૂટ જ્યૂસ, ઍનર્જી ડ્રિંક અને સોફ્ટ ડ્રિંક ન રાખો, કારણ કે તેનાથી જીવાણુ પેદા થઈ શકે છે.
નિષ્ણાતો પ્રમાણે બૉટલ કયા મટીરિયલથી બનેલી છે તેનાથી બહુ ફર્ક પડતો નથી, કારણ કે જીવાણુ માટે બધા એક સરખી રીતે અનુકૂળતા ધરાવે છે.
પરડ્યુ યુનિવર્સિટીના સંશોધનમાં બહાર આવ્યું છે કે બૉટલ જો કાચની હોય તો સારું રહે, કારણ કે તેમાં જીવાણુની સંખ્યા ઍલ્યુમિનિયમ કરતાં ઓછી હોય છે.
લીંઝ કહે છે કે બૉટલ કાચની હોય કે ઍલ્યુમિનિયમની. મહત્ત્વની વાત એ છે કે તે સરળતાથી સાફ થઈ શકે એવી હોવી જોઈએ.












