ભારત વિ. શ્રીલંકા : શમી-સિરાજની એ બે ઓવર જેણે શ્રીલંકન બેટિંગની કમર તોડી નાખી અને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યુ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી વનડે વર્લ્ડકપની મૅચમાં ભારતની શ્રીલંકા સામે 302 રને જીત થઈ હતી. સતત સાતમી જીત સાથે ભારત આઈસીસી વર્લ્ડકપ 2023 સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ હતી.
શ્રીલંકા ભારતે મૂકેલા 358 રનના મસમોટા લક્ષ્યની સામે માત્ર 55 રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકન ટીમ ભારત સામે માત્ર 20મી ઓવર સુધી જ ટકી શકી.
ટુર્નામેન્ટમાં સતત છ મૅચમાં જીત મેળવીને ભારત આ મૅચમાં શ્રીલંકા સામે જીતના વિશ્વાસ સાથે મેદાનમાં ઊતરી હતી. હવે પોતાની તમામ મૅચોમાં જીત સાથે ભારત 14 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં સૌથી ટોચના ક્રમે પહોંચી ગઈ છે.
બીજી તરફ છમાંથી ચાર મૅચો ગુમાવીને પૉઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે રહેલી શ્રીલંકન ટીમ પોતાની શાખ બચાવવા માટે મેદાને હતી. પરંતુ આ વખત પણ શ્રીલંકન ટીમના પ્રશંસકોને નિરાશ જ થવાનો વારો આવ્યો હતો.
આ હાર સાથે ટીમ સાતમાંથી પાંચ મૅચો ગુમાવી સાતમા ક્રમે છે.
શ્રીલંકાના કપ્તાન કુશલ મેન્ડિસે ટૉસ જીતી પ્રથમ બેટિંગ માટે ભારતને આમંત્રણ આપ્યું હતું.
ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ રમી હતી. તેમજ વિરાટ અને ગિલ વચ્ચે થયેલી 189 રનની ભાગીદારીને કાણે શ્રીલંકા સામે ‘પહાડસમું’ વિશાળ એવું 358 રનનું લક્ષ્ય મૂક્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ કંઈક ઓર જ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ હતા બીજી ઇનિંગની બીજી ઓવરના બે બૉલ. જેમાં તેમણે શ્રીલંકાના બેટિંગ ઑર્ડરના ટોચના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને ટકવાનો અવકાશ આપ્યા વગર પેવેલિયન પરત મોકલી દીધા.
સિરાજની ઓવરના આ બંને બૉલમાં જાણે શ્રીલંકાની હાર નિશ્ચિત કરી દીધી.
આમ તો, ભારતના બૉલિંગ ઍટેકની શરૂઆત કરનાર બુમરાહે પણ ઇનિંગના પ્રથમ જ બૉલમાં ઑપનર પથુમ નિશંકાને શૂન્ય પર આઉટ કરીને શ્રીલંકા પર દબાણ બનાવી દીધું હતું, પરંતુ સિરાજની ઓવરમાં તો શ્રીલંકાની ટીમ જાણે એવી તો ઢળી પડી કે જ્યાંથી પાછા બેઠા થવાનું લગભગ અશક્ય હતું.
જોકે, ભારતીય બૉલરોના જબરદસ્ત પર્ફૉર્મન્સથી ભરપૂર આ મૅચમાં મોહમ્મદ શમીની બૉલિંગે શ્રીલંકન બેટિંગ લાઇનઅપને જોરદાર મરણતોલ ફટકા મારી, મૅચ જાણે ભારતના ખોળામાં નાખી દીધી.
તેમણે પણ દસમી ઓવરમાં સતત બે વિકેટ ખેરવીને શ્રીલંકાની મૅચમાં વાપસી નામુમકિન બનાવી દીધી.
આ સમયે શ્રીલંકા માત્ર બે રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું.
ભારતીય ટીમની બેટિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારતીય બેટિંગની શરૂઆત કપ્તાન રોહિત શર્માએ ચોગ્ગા સાથે કરી હતી પંરતુ બીજા જ બૉલ પર દિલશાન મધુશંકાએ પોતાના ઇનસ્વિંગ બૉલે તેમને બોલ્ડ કરીને પેવેલિયન પાછા મોકલી દીધા.
તે બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ બીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી. અને ભારતને અત્યંત મજબૂત સ્થિતિમાં લાવીને ખડું કરી દીધું.
પ્રથમ પાવરપ્લેની દસ ઓવરમાં ભારતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા. તેમજ 16મી ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર થઈ ગયો.
વિરાટ કોહલીએ વનડેની પોતાની 70મી અર્ધ સદી નોંધાવી અને શુભમન ગિલે 11મી વખત 50 રનનો આંકડો પાર કરી લીધો.
તે બાદ બંને પોતપોતાની સદી તરફ આગળ વધી જ રહ્યા હતા કે બંને જામેલા બૅટ્સમૅનોનું જાણે 30મી ઓવરમાં ધ્યાન ભટકી ગયું.
પ્રથમ શુભમન ગિલ 92 રન બનાવીને આઉટ થયા. તેના માત્ર ચાર બૉલ બાદ જ વિરાટ કોહલી પણ 88 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા અને વનડેમાં સચીન તેંડુલકરના 49 સદીના રેકૉર્ડની બરોબરી કરવાથી ફરી એક વાર દૂર રહી ગયા.
શ્રેયસ અય્યરની તોફાની ઇનિંગ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઓવરમાં અગાઉ શ્રેયસ અય્યર અને બાદમાં કે. એલ. રાહુલ પિચ પર આવ્યા. શ્રેયસે અમુક ઓવર બાદ જ પોતાના બૅટથી કમાલ દેખાડવાનું શરૂ કરી દીધું.
તેમણે 34, 35 અને 36મી ઓવરમાં છગ્ગા ફટકારી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
બીજી તરફથી કે. એલ. રાહુલ પણ સ્કોર સતત આગળ વધારી રહ્યા હતા પરંતુ તેઓ ઝાઝું ન ટકી શક્યા. રાહુલ 19 બૉલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
સૂર્યકુમાર યાદવ પિચ પર આવ્યા અને તાબડતોડ બેટિંગનું પ્રદર્શન કર્યું પરંતુ 41મી ઓવરમાં મધુશંકાએ તેમને પેવેલિયન પરત મોકલી દીધા. તેઓ માત્ર 12 રન જ બનાવી શક્યા.
બીજી તરફથી શ્રેયસના બૅટમાંથી સતત ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો હતો. તેમણે માત્ર 36 બૉલમાં અર્ધ સદી પૂર્ણ કરી.
જોકે એક સારી ઇનિંગ છતાં શ્રેયસ સદીથી દૂર રહ્યા. 47મી ઓવરમાં આ મૅચમાં શ્રીલંકાના સૌથી સફળ બૉલર મધુશંકાના સતત બે બૉલ પર બે છગ્ગા ફટકાર્યા બાદ શ્રેયસ તેમનો પાંચમો શિકાર બની ગયા. તેમણએ 56 બૉલમાં છ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 82 રનની ઇનિંગ રમી. તેમણે રવીન્દ્ર જાડેજા સાથે મેળીને છઠ્ઠી વિકેટ માટે 57 રન બનાવ્યા.
શ્રેયસ આઉટ થતા પિચ પર શમી આવ્યા અને તેમણે રવીન્દ્ર જાડેજા સાથે મળીને સાતમી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ 22 રન કર્યા. બંને અંતિમ ઓવરમાં રન આઉટ થયા. શમીએ માત્ર બે રન બનાવ્યા તો સામેની બાજુએ જાડેજાએ 24 બૉલમાં 33 રનની ઇનિંગ રમી.
ભારતે 50 ઓવરમાં આઠ વિકેટ પર 357 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
ભારતનું બૉલિંગ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
ભારત તરફથી જસપ્રીત બુમરાહે બૉલિંગ ઍટેકની ધુરા સંભાળી હતી.
પ્રથમ ઓવરની પ્રથમ જ બૉલમાં બુમરાહે પથુમ નિશાંકાને એલબીડબ્લ્યૂ આઉટ કરીને શ્રીલંકાને બૅકફૂટ પર ધકેલી દીધું.
તે બાદ બૉલિંગમાં આવેલા મોહમ્મદ સિરાજે ઇનિંગની બીજી ઓવરમાં પોતાના પ્રથમ બૉલ પર જ દિમુથ કરુણારત્નેને એલબીડબ્લ્યૂ આઉટ કર્યા.
આ જ ઓવરના પાંચમા બૉલે સિરાજે સદીરા સમરવિક્રમાનેય પેવેલિયન પત મોકલી દીધા.
આ ઓવરમાં તો જાણે શ્રીલંકાની હાર નિશ્ચિત થઈ ગઈ. અને આ ઓવરના આ બે બૉલમાં પડેલી વિકેટોને કારણે એવું લાગવા માંડ્યું કે આનાથી જાણે બેટિંગ ઑર્ડરના પાયા હચમચી ગયા.
પોતાની બીજી જ ઓવરમાં સિરાજે કપ્તાન કુસલ મેન્ડિસને બોલ્ડ કરીને શ્રીલંકાને ચોથો ફટકો આપ્યો.
આ સમય સુધીમાં હજુ શ્રીલંકા ચાર વિકેટના નુકસાને ત્રણ જ રન બનાવી શક્યું હતું.
જોકે, ચોથી વિકેટ બાદ વિકેટ પડવાના સિલસિલો થોડો ધીમો પડતો લાગ્યો.
જોકે, દસમી ઓવરમાં મોહમ્મદ શમીએ ફરીથી શ્રીલંકાના બેટિંગ ઑર્ડરની મુશ્કેલી વધારી દીધી.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે પોતાની ઓવરના ત્રીજા બૉલે ચરિથ એસાલંકાને એક રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરી દીધા હતા.
અને તેના બીજા જ બૉલે દુષન હેમંથાને શૂન્ય પર આઉટ કરી પેવેલિયન પરત મોકલી દીધા. જોકે, શમી હૅટ્રિક પૂરી ન કરી શક્યા.
પરંતુ 12મી ઓવરમાં ફરી એક વાર શમીએ ઘાતક બૉલિંગનો પરચો દીધો અને દુશમંથા ચમીરાને શૂન્ય પર આઉટ કરી દીધા.
14મી ઓવરમાં શમીએ શ્રીલંકાની ટીમની અંતિમ આશા સમાન ક્રીઝ પર ટકેલા એન્જેલો મૅથ્યૂઝને ક્લીન બોલ્ડ કરી દીધા.
આ સમય સુધી શ્રીલંકાની ટીમ 29 રને આઠ વિકેટ ગુમાવી મુશ્કેલીમાં દેખાતી હતી.
તે બાદ ક્રીઝ પર ટકવાનો પ્રયત્ન કરનાર શ્રીલંકાના બૉટમ ઑર્ડરના બૅટ્સમૅન કસુન રાજિથાના પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યા હતા. તેઓ 14 રનના વ્યક્તિગત સ્કોરે મોહમ્મદ શમીનો શિકાર બન્યા. આ સાથે જ મૅચમાં શમી પાંચ ઓવરમાં માત્ર 18 રન આપી પાંચ વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા.
શ્રીલંકાની અંતિમ વિકેટ દિલશાન મધુશંકાના સ્વરૂપમાં રવીન્દ્ર જાડેજાને મળી હતી.
ભારતના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે શ્રેષ્ઠ બૉલિંગ પ્રદર્શન કર્યું હતું. અને ત્રણેયે અનુક્રમે પાંચ, ત્રણ અને એક વિકેટ લીધી હતી.
વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
શ્રીલંકન ફાસ્ટ બૉલર દિલશાન મધુશંકાએ પોતાની ટીમ તરફથી સૌથી વધુ પાંચ વિકેટ લીધી. તેમણે ભારતની ઓપનિંગ જોડી સહિત વિરાટ કોહલીની મહત્ત્વપૂર્ણ વિકેટ પણ મેળવી.
આ સાથે જ મધુશંકાની આ વર્લ્ડકપમાં 17 વિકેટ પૂરી થઈ.
મધુશંકા આ સાથે જ વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બની ગયા છે. તેમણે પાકિસ્તાનના શાહીન શાહ આફરીદી, દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેન અને ઑસ્ટ્રેલિયાના એડમ ઝેમ્પાને પાછળ મૂકી દીધા. આ ત્રણેય બૉલરોએ અત્યાસ સુધી 16-16 વિકેટ લીધી છે.














