You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પોલીસે પત્રકાર મહેશ લાંગાની GST કૌભાંડમાં સંડોવણીના આરોપસર ધરપકડ, કોર્ટે આપ્યા 10 દિવસના રિમાન્ડ
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કથિત જીએસટી કૌભાંડમાં સંડોવણીના આરોપસર ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓમાં વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગાનો પણ સમાવેશ થાય છે.
મહેશ લાંગા સહિત પકડાયેલા ચારેય આરોપીઓને પોલીસે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓની સોમવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓની રિમાન્ડ અરજીમાં નોંધ્યું હતું કે મહેશ લાંગા ડી. એ. ઍન્ટરપ્રાઇસ નામની કંપનીનું પડદા પાછળ સંચાલન કરતા હતા. આ કંપનીએ ધ્રુવી ઍન્ટરપ્રાઇસ સાથે 44 લાખ રૂપિયાની લેવડદેવડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ડી. એ. ઍન્ટરપ્રાઇસ મહેશના ભાઈ મનોજ લાંગા અને વિનુ પટેલે શરૂ કરી હતી. વર્ષ 2021માં વિનુ પટેલને કંપનીમાંથી છૂટા કરીને મહેશના બીજા ભાઈ નીલેશ લાંગા અને મહેશનાં પત્ની કવિતા લાંગાને તેના ભાગીદાર બનાવવામાં આવ્યાં હતાં.
પોલીસનું એ પણ જણાવવું છે કે આ કેસમાં વિનુ પટેલને સાક્ષી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
પોલીસ આરોપીઓને રિમાન્ડમાં લેવાની કોર્ટને કરેલી અરજીમાં નોંધે છે કે ડી. એ. ઍન્ટરપ્રાઇસ કંપની અંતર્ગત આરોપીઓએ બે પ્રોજેક્ટ કર્યા હતા. જેમાં એક પ્રોજેક્ટ હેઠળ આ કંપનીએ જૂનાગઢમાં ભેંસાણ ગામના પટવાડ ગામમાં રિલાયન્સ કંપનીનું ફાર્મ હાઉસ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.
અગાઉ અમદાવાદની ડિટૅક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી (ડૅપ્યુટી કમિશનર ઑફ પોલીસ) અજિત રાજિયાન બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે મહેશ લાંગા તથા ત્રણ અન્ય ઉદ્યોગપતિઓએ બનાવટી કંપનીઓ ઊભી કરી હતી. તેમની ઉપર બનાવટી વ્યવહારો દેખાડીને સરકાર પાસેથી બૉગસ ઇનપુટ ક્રૅડિટ લઈને સરકાર સાથે છેતરપિંડી આચરવાનો આરોપ છે. આ માટે તેમણે બનાવટી કંપનીઓ ઊભી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનો આરોપ છે કે જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ) ડિપાર્ટમેન્ટમાં બનાવટી બિલ જમા કરાવવામાં આવ્યાં હતાં. આ ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ (આઈટીસી) મેળવવા આરોપીએ શૅલ કંપનીઓ ઊભી કરી હતી.
200થી વધુ કંપનીઓની સંડોવણીની આશંકા
પોલીસ પ્રમાણે, અમદાવાદ ઝોનના ડાયરેક્ટર હિમાંશુ જોશીની લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
જોશીની તપાસમાં લગભગ 200 જેટલી કંપનીના બનાવટી દસ્તાવેજો અને બિલો મારફત આઈસીટી લેવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું.
જોશીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું, "એવું લાગે છે કે એક મોટા સમૂહ દ્વારા બનાવટી બિલ, ખોટા દસ્તાવેજ તથા તથ્યોને ખોટી રીતે રજૂ કરીને દેશને કરોડો રૂપિયાની આવકનું નુકસાન પહોંચાડવાનું ગુનાહિત ષડયંત્ર રચ્યું છે."
ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે તેમને 200 જેટલી કંપનીઓ દ્વારા ખોટી ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ લેવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી.
આ પેઢીઓએ કથિત રીતે ટૅક્સ બચાવવા ખોટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો.
આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં મહેશ લાંગાના વસ્ત્રાપુરસ્થિત નિવાસસ્થાને પણ દરોડો પાડ્યો હતો.
પોલીસનું કહેવું છે કે દરોડા દરમિયાન રૂ. 20 લાખ રોકડા, સોનું તથા પ્રૉપર્ટીને લગતા કેટલાંક કાગળિયાં મળ્યાં હતાં.
મહેશ લાંગાનાં પત્નીની પૂછપરછ કરવામાં આવી
ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ એ કોઈ કંપની દ્વારા જમાવેલી જીએસટીની રકમ છે. એ કંપની કોઈપણ રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા પૂરી પાડવામાં આવેલી વસ્તુઓ કે સેવાઓ ઉપર જીએસટીની જવાબદારીને ભરપાઈ કરવામાં મદદ કરે છે.
ડીસીપી રાજિયાનના કહેવા પ્રમાણે, "ધરપકડ કરાયેલા લોકોએ બનાવેલી કંપનીઓ વાસ્તવિક ચીજવસ્તુઓ કે સેવાઓ પૂરી પાડ્યા વગર જ અલગ-અલગ કંપનીઓએ ખોટાં બિલ આપ્યાં. જેને આ કંપનીઓએ ખર્ચ તરીકે દેખાડ્યો."
ડીસીપી રાજિયાનના કહેવા પ્રમાણે, જીએસટી વિભાગની ફરિયાદ મળ્યા બાદ એમણે મહેશ લાંગાનાં પત્નીની પૂછપરછ કરી હતી. કવિતા લાંગા ડીએ ઍન્ટરપ્રાઇઝનાં માલિક છે. એફઆઈઆરમાં પણ આ કંપનીનું નામ છે.
પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન કવિતાએ તેમને કહ્યું હતું કે કંપની ભલે તેમના નામે રજિસ્ટર્ડ છે, પરંતુ તેઓ આર્થિકવ્યવહારો સાથે સંકળાયેલાં નથી.
રાજિયાનના કહેવા પ્રમાણે, કવિતાએ કહ્યું હતું કે કંપનીનું કામકાજ તેમના પતિ સંભાળે છે. આ પછી કવિતાને જવાં દેવાયાં હતાં.
બીબીસીએ કવિતા લાંગા સહિત અન્ય પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે આના વિશે કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
પોલીસે આ કેસમાં ભારતીય દંડસંહિતાની (આઈપીસી) કલમ 420 (છેતરપિંડી), કલમ 464 અને 468 (દસ્તાવેજોની છેતરપિંડી), કલમ 471 (બનાવટી દસ્તાવેજોનો વપરાશ), કલમ 474 (બનાવટી દસ્તાવેજોનું પ્રૉસેસિંગ) તથા 120-બ (ગુનાહિત કાવતરું) સંદર્ભે એફઆઈઆર દાખલ કરી છે.
પોલીસનું કહેવું છે કે તે આ કેસસંબંધિત વધુ પુરાવા મેળવવામાં લાગેલી છે.
ધ્રુવી ઍન્ટરપ્રાઇઝ કેવી રીતે બની?
પોલીસની રીમાન્ડ અરજી પ્રમાણે એજાઝ માલદારે ધ્રુવી ઍન્ટરપ્રાઇઝ નામની કંપની ખોટા ભાડા કરાર મારફતે બનાવી હતી, અને તેનો GST નંબર પણ મેળવ્યો હતો. ત્યારબાદ આ કંપની અબ્દુલ જૈનમિયા નામની વ્યક્તિ મારફતે, સલમાબહેન નામની એક વ્યક્તિની મદદથી કોઇ ત્રીજી વ્યક્તિને આ કંપની ના GST નંબર સાથે વેચાણ કરી દેવામાં આવી હતી.
આ કંપનીના વેચાણ બાદ એજાઝ અને અબ્દુલે બીજી ત્રણ કંપનીઓ બનાવી હતી. ધ્રુવી ઍન્ટરપ્રાઇઝ કંપની સલમાબહેને રૂપિયા 80,000માં વેચી, તેનો ભાગ એજાઝ અને અબ્દુલને આપી દીધો હતો.
રીમાન્ડ અરજીમાં પોલીસે નોંધ્યું છે કે મહેશ લાંગા પોતે વગદાર વ્યક્તિ હોય, તેમની પાસેથી 20 લાખ રૂપિયા પોલીસે જપ્ત કરેલા છે, જે પૈસા ક્યાંથી આવ્યા છે, તે વિશે તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નથી. તે ઉપરાંત આ પ્રવૃત્તિ સાથે કેટલા લોકો સંકળાયેલા છે, કેટલા રૂપિયા તેમણે ભેગા કર્યા છે, તેમ જ ધ્રુવી ઍન્ટરપ્રાઇઝ વિશે વધુ તપાસ કરવાની જરૂર હોય, રાજકોટ તેમજ અલગ અલગ સ્થળે ધરપકડ કરાયેલા આરોપીઓને લઇ જવાની જરુર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન