You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અવકાશમાં 1,60,000 વર્ષે પ્રથમ વખત દેખાશે આ અદ્ભુત નજારો, ક્યાંથી અને કેવી રીતે જોઈ શકશો?
આગામી દિવસોમાં આકાશમાં એક તેજસ્વી ધૂમકેતુ દેખાઈ શકે છે, જો આવું થાય તો આ ધૂમકેતુ એક લાખ સાઠ હજાર વર્ષમાં પ્રથમ વખત દેખાશે.
નાસા પ્રમાણે આ ધૂમકેતુની ભવિષ્યમાં ચમક કેટલી હશે એ કહેવું 'ખૂબ મુશ્કેલ' છે. જોકે, C/2024 G3 (ઍટલાસ) નામનો આ ધૂમકેતુ નરી આંખે જોઈ શકાય એટલો ચમકદાર રહે તેવી શક્યતા છે.
સોમવારે આ ધૂમકેતુ પોતાના પથ પર સૂર્યથી સૌથી નજીકના બિંદુએ હતો. આ વાત પૃથ્વી પર તે કેટલો ચમકદાર દેખાશે એ વાત નક્કી કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોમવાર રાતથી આ ધૂમકેતુ દેખાવાની શરૂઆત થઈ શકે છે.
જોકે, આ ધૂમકેતુ ક્યાં દેખાશે એ વાતે હજુ સુધી જાણી શકાઈ નથી. નિષ્ણાતોનું માનવું છે કે આ ધૂમકેતુ લગભગ શુક્ર ગ્રહ જેટલો ચમકદાર હોઈ શકે અને તેને જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ છે.
આ ધૂમકેતુ ગત વર્ષે નાસાની ઍસ્ટેરોઇડ ટેરેસ્ટ્રિયલ-ઇમ્પેક્ટ લાસ્ટ ઍલર્ટ સિસ્ટમની નજરે પડ્યો હતો.
લંડનમાં કિંગ્સ કૉલેજ ખાતે ઍસ્ટ્રોપાર્ટિકલ ફિઝિક્સ અને કૉસ્મોલૉજીના સંશોધક ડૉ. શ્યામ બાલાજીએ કહ્યું કે, "તેના હાલના પથની ગણતરી સૂચવે છે કે તે સૂર્યથી 8.3 મિલિયન માઇલના અંતરેથી પસાર થશે." જેના કારણે તેને 'સન-સ્કર્ટિંગ ધૂમકેતુ'ના વર્ગમાં મુકાયો છે.
યુનિવર્સિટીએ આ ધૂમકેતુ દેખાવાના પ્રસંગને 1,60,000 વર્ષમાં એક વાર આવતા પ્રસંગ તરીકે દર્શાવ્યો છે.
આ ધૂમકેતુ ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે?
ડૉ. બાલાજીએ કહ્યું કે ધૂમકેતુને જોવાના અવસરો 'ધૂમકેતુ સૂર્યની સૌથી વધુ નજીક હોય એ દિવસો દરમિયાન' સર્જાઈ શકે છે, જોકે, 'આ બધું સ્થાનિક સ્થિતિ અને ધૂમકેતુની પ્રકૃતિ ઉપર પણ નિર્ભર હશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું કે, "બધા ધૂમકેતુની માફક જ તેને જોઈ શકવાની તક અને ચમકનો અંદાજ ન લગાવી શકાય."
સંશોધક બાલાજીએ કહ્યું કે દક્ષિણ ગોળાર્ધના લોકોએ 'ધૂમકેતુને જોવા સૂર્યોદય પહેલાં પૂર્વ દિશાની ક્ષિતિજમાં અને તે સૂર્યની સૌથી નજીકના બિંદુ પરથી પસાર થઈ જાય તે બાદના સમયગાળામાં સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશાની ક્ષિતિજમાં પ્રયાસ કરવા જોઈએ.'
બાલાજીએ ઉમેર્યું કે આ ધૂમકેતુ 'ખૂબ જ ચમકદાર' સ્થિતિમાં નજરે પડવાની આગાહી છતાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ધૂમકેતુની ચમકની આગાહી 'ઘણી અચોક્કસ' હોઈ શકે છે, કેટલીક વાર તો ઘણા ધૂમકેતુ આગાહી કરાય તેના કરતાં ખૂબ ઓછા ચમકદાર દેખાય છે.
યુકે સહિત ઉત્તર ગોળાર્ધમાં વસેલા લોકો માટે સૂર્યની સાપેક્ષતાને કારણે ધૂમકેતુને જોવાની તક પડકારજનક હોઈ શકે છે.
તમે જે સ્થળે છો ત્યાંથી ધૂમકેતુને જોવા માટે આકાશ પૂરતો સાફ છે કે નહીં એ તપાસવા માટે તમે બીબીસી વેધર ઑનલાઇનની મુલાકાત લઈ શકો છો.
બાલાજી ધૂમકેતુનો આ નજારો જોવા ઇચ્છુક લોકોને પ્રકાશના પ્રદૂષણથી દૂર હોય એવા સ્થળે જવાની અને દૂરબીન કે નાનો ટેલિસ્કોપ વાપરવાની સલાહ આપી છે.
તેઓ નિરીક્ષકોને સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન સાવધ રહેવા જણાવે છે અને આકાશમાં એ ક્યાં દેખાશે એ જાણવા માટે ધૂમકેતુની પૉઝિશન ટ્રેક કરવાની સલાહ આપે છે.
આ દરમિયાન અવકાશવિજ્ઞાનીઓ ધૂમકેતુના પથ પર નજર રાખી રહ્યા છે.
શનિવારે નાસાના અવકાશયાત્રી ડોન પેટીટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનેથી લેવાયેલા આ ધૂમકેતુની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
તેમણે લખ્યું કે, "કક્ષામાંથી ધૂમકેતુને જોવાનો અનુભવ અદભુત છે. એટલાસ C2024-G3 આપણી મુલાકાત લઈ રહ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન