એ વિચિત્ર પ્રયોગ જેમાં બે માથાંવાળા કૂતરાનું સર્જન કરાયું, પ્રાણી કેટલા દિવસ જીવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ‘વિટનેસ હિસ્ટરી’ શ્રેણી
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
“મેડિસિન અથવા સર્જરીના વિશ્વમાં ઘણી વાર એવું બને છે કે માનવ જાત માટે ખરેખર મહાન અને મહત્વપૂર્ણ હોય એવી ઉત્કૃષ્ટ ચિકિત્સાપ્રક્રિયા કે સફળતાઓ માટે લોકો ખ્યાતિ પામતા નથી, પરંતુ તેમને એવી બાબત માટે આસાનીથી યાદ કરવામાં આવે છે, જે લોકોને આકર્ષિત કરતી હોય. અને એમાં પણ સજીવ પ્રાણીમાં બીજા માથાના પ્રત્યારોપણ કરતાં વધુ લોકોને શું આકર્ષિત કરી શકે?”
આ વાત સેન્ટ પીટર્સબર્ગમાંથી સ્નાતક થયેલા અને ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રૉયલ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં કામ કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોથોરાસિક સર્જન ઇગોર કોન્સ્ટેન્ટિનોવે બીબીસીને જણાવી હતી.
તેઓ સોવિયેટ વિજ્ઞાની વ્લાદિમીર ડેમિખોવ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે ડેમિખોવના કામનો અભ્યાસ કર્યો હતો.
1959માં ડૉ. ડેમિખોવે અને તેમના સહાયક ડૉ. વ્લાદિમીર ગોરિયાનોવ તેમની અંતિમ શસ્ત્રક્રિયામાં બે માથાંવાળા કૂતરાની રચના કરવાના હતા. તેને ફોટોગ્રાફ્સ ઝડપવા માટે ડૉ. ડેમિખોવે 'લાઇફ' નામના સામયિકના ફોટોગ્રાફર હોવર્ડ ઝોચુરેકને આમંત્રણ આપ્યું હતું.
ઝોચુરેક ઓપરેટિંગ રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમણે ફ્લોપી કાન અને ધારદાર નાકવાળા નાના મોંગ્રેલ પ્રજાતિના કૂતરાના ભસવાનો અવાજ સાંભળ્યો.
ડેમિખોવે તેમને જણાવ્યું હતું કે તે શવકા નામનો 9 વર્ષનો કૂતરો છે અને તેને તેઓ “ગેસ્ટ હેડ” કહે છે.
તેઓ જેને યજમાન કૂતરો કહેતા હતા તે 'બ્રોડયાગા' હતો, જેનો રશિયનમાં ભટકતો કૂતરો એવો અર્થ થાય. તે રખડતા કૂતરાને મૉસ્કોમાં કૂતરા પકડતા લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો.
સામયિકના મૉસ્કોના સંવાદદાતા ઍડમન્ડ સ્ટીવન્સ દ્વારા લખવામાં આવેલા લેખમાં સાડા ત્રણ કલાકની પ્રક્રિયા વિગતવાર સમજાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“પ્રથમ તેમણે મોટા કૂતરાની ગરદનના મૂળમાં ચીરો કર્યો હતો. ગળાની મુખ્ય ઘોરી નસ અને કરોડરજ્જૂનો એક હિસ્સો બહાર કાઢ્યો હતો.”
“શવકાનું શરીર બ્રોડયાગાની બાજુના ઑપરેટિંગ ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. ગોરિયાનોવે કાળજીપૂર્વક ચીરો પાડ્યો હતો.”
“ત્યાર બાદ બન્ને સર્જનોએ બે કૂતરાની ચામડી સીવી દીધી હતી અને ઑપરેશન પૂરું થયું હતું.”
આ પ્રાણી ચાર દિવસ જીવ્યું હતું.
જોકે, એ ડૉ. ડેમિખોવનો પહેલો બે માથાંવાળો કૂતરો ન હતો.
તેમણે સફળતાની વિવિધ માત્રા સાથે આવા 23 પ્રયોગ કર્યા હતા અને તેમણે સર્જરી દ્વારા બનાવેલું એક પ્રાણી 29 દિવસ જીવ્યું હતું.
કોન્સેન્ટિનોવે કહ્યું હતું, “હું આ ફોટોગ્રાફ્સ જોઉં છું ત્યારે મિશ્ર લાગણીઓ અનુભવું છું, કારણ કે સરળ શબ્દોમાં કહીએ તો આ એવાં પ્રાણીઓ છે, જેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા.”
પ્રયોગની પ્રેરણા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડેમિખોવે લાઇફ સામયિકને જણાવ્યું હતું કે તેમના પ્રયોગોનો હેતુ એ દર્શાવવાનો હતો કે તંદુરસ્ત પેશીઓ અને અવયવોનું પ્રત્યારોપણ શક્ય છે.
આજે પ્રત્યારોપણ બહુ સામાન્ય બાબત છે, પરંતુ 1960ના દાયકાના અંત સુધી યકૃત અને હૃદયનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું ન હતું.
1950ના દાયકામાં લાઇફ સામયિકનો લેખ વાંચનારા લોકોને પ્રત્યારોપણના ભાવિ વિશેનો ડેમિખોવનો દૃષ્ટિકોણ તેમના બે માથાંવાળા કૂતરાની જેમ જ વિચિત્ર લાગ્યો હતો.
ડેમિખોવે સામયિકના મૉસ્કો ખાતેના સંવાદદાતાને કહ્યુ હતું, “અમે ટીશ્યુ બૅન્કની સ્થાપના સાથે શરૂઆત કરીશું.”
“તેમાં આખરે માનવ શરીરરચનાના તમામ હિસ્સાઓનો - કોર્નિયા, આંખની કીકી, યકૃત, કિડની, હૃદય અને અંગોનો પણ સમાવેશ કરવામાં આવશે. બધું રેફ્રિજરેટરમાં રાખવામાં આવશે.”
“જે વ્યક્તિ મૃત્યુ પામવાની હોય તેની પાસે ગુમાવવા જેવું કશું હોતું નથી. અમે તેનાં જરૂરી અંગોનું દાન અમારી બૅન્ક માટે લેવાના પ્રયાસ કરીશું.”
“ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે તો તેઓ જીવશે અને સફળ નહીં થાય તો બીજા પ્રયોગમાં સફળતાની આશા રાખીશું.”
અંગદાન સામાન્ય જ નહીં, પરંતુ ઇચ્છનીય હતું તે પહેલાં તમે આવું વાંચવાની કલ્પના કરી શકો?
ડેમિખોવનું જીવન

ડેમિખોવનો જન્મ 1916માં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો.
તેમના પિતા રશિયાના આંતરવિગ્રહમાં મૃત્યુ પામ્યા હતા અને તેમનાં માતાએ નક્કી કર્યું હતું કે તેઓ તેમના ત્રણેય દીકરાઓને સારી રીતે શિક્ષિત કરશે.
ડેમિખોવે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં બાયૉલૉજીનો અભ્યાસ કર્યો હતો અને 1940માં ઓનર્સ સાથે સ્નાતક થયા હતા.
એ પછીનાં 20 વર્ષોમાં તેમણે પ્રત્યારોપણના ક્ષેત્રે પ્રગતિકારક શ્રેણીબદ્ધ પ્રયોગો શરૂ કર્યા હતા.
બે માથાંવાળા કૂતરા ઉપરાંત તેમણે ઘણા અત્યંત નવીન અભ્યાસો કર્યા હતા અને પ્રાયોગિક પ્રક્રિયાઓ હાથ ધરી હતી.
ડેમિખોવે 1937માં પ્રથમ મિકેનિકલ કાર્ડિયાક આસિસ્ટ ડિવાઇસ ડિઝાઈન કરી હતી.
1946ની શરૂઆતમાં તેમણે સસ્તન પ્રાણીઓમાં હૃદય, ફેફસાં એક સાથે ઇન્ટ્રાથોરાસિક ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં. સસ્તન પ્રાણીઓ પર એ પ્રકારની સફળ પ્રક્રિયા પ્રથમ વખત કરવામાં આવી હતી.
અન્ય સિદ્ધિઓ ઉપરાંત તેમણે પ્રથમ કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી તેમજ પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું હતું.
તેમણે મોનોગ્રાફમાં “ટ્રાન્સપ્લાન્ટોલૉજી” શબ્દ બનાવ્યો હતો, જેના માટે તેમને ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
ન્યૂયોર્ક, બર્લિન અને મેડ્રિડમાં 1962માં પ્રકાશિત તે ટ્રાન્સપ્લાન્ટોલૉજી પરનો પ્રથમ મોનોગ્રાફ બન્યો હતો અને તે લાંબા સમય સુધી પેશીઓ અને અંગ પ્રત્યારોપણના ક્ષેત્રમાં એકમાત્ર મોનોગ્રાફ હતો.
ડેમિખોવની પ્રેરણા બાબતે વાત કરતાં કોન્સ્ટેન્ટિનોવે કહ્યું હતું, “તેમની પશ્ચાદભૂને ધ્યાનમાં લેતાં, તેમના દેશમાંની તમામ આર્થિક આપત્તિ અને થોડા સમય પહેલાં જ સૌથી ભયાનક વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું હોવા છતાં તેમને આ ટ્રાન્સપ્લાન્ટની પ્રેરણા કેવી રીતે મળી હતી તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે.”
“હું ફક્ત અનુમાન કરી શકું કે તેઓ અત્યંત સમૃદ્ધ સમાજમાં ઉછર્યા હતા. એ સમયે પૈસાનું બહુ ઓછું મહત્ત્વ હતું અને પોતાના દેશ માટે, સમગ્ર માનવજાત માટે કંઈક મહાન કામ કરવાનું વધારે મૂલ્યવાન હતું. મને લાગે છે કે તેમના માટે આ વાત જ મહત્ત્વની હતી.”
પ્રત્યારોપણમાં ડેમિખોવનું પ્રદાન

ઇમેજ સ્રોત, Getty Images
પ્રત્યારોપણમાં ડેમિખોવનું યોગદાન એટલું મહાન છે કે વિશ્વનું સૌપ્રથમ માનવ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ. ક્રિશ્ચિયન બર્નાર્ડે તેમને “હૃદય-ફેફસાના પ્રત્યારોપણના પિતા” તરીકે ઓળખાવ્યા હતા.
જોકે, બે માથાંવાળા કૂતરાના પ્રયોગનો ઓછાયો, ખાસ કરીને તેમને પોતાના દેશમાં તેમના સકારાત્મક કાર્ય પર છવાયેલો રહ્યો.
કોન્સ્ટેન્ટિનોવે કહ્યું હતું, “અધિકારીઓએ ડેમિખોવને ઊંટવેદ્ય જાહેર કર્યા હતા અને તેમના પ્રયોગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.”
“તેમણે ઍલેકઝાન્ડર વિશ્નેવસ્કીના વડપણ હેઠળના સર્જરી વિભાગમાં કામ કરવું પડ્યું હતું. ઍલેકઝાન્ડર વિશ્નેવસ્કી સોવિયટ સૈન્યના મુખ્ય સર્જન હતા અને સોવિયેટ સંઘના આરોગ્ય મંત્રાલયથી સ્વતંત્ર હતા.”
“તેથી તેઓ રશિયન સૈન્ય દ્વારા સુરક્ષિત હતા અને એ કારણે તેઓ પ્રયોગો ચાલુ રાખી શક્યા હતા, પરંતુ સોવિયેટ સંઘમાંના એક તબીબી વિદ્યાર્થી તરીકે અને રશિયામાં થોડાં વર્ષો કામ કર્યું હોવાથી હું કહી શકું કે મેં ડેમિખોવ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું.”
રશિયાના સેન્ટ પીટર્સબર્ગની મિલિટરી મેડિકલ ઍકૅડીમીમાંથી 1992માં સ્નાતક થયેલા કોન્સ્ટેન્ટિનોવે કહ્યું હતું, “ડેમિખોવના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.”
જોકે, અન્ય સ્થળોએ તેમની સિદ્ધિઓ માત્ર જાણીતી જ નહીં, પ્રશંસાપાત્ર પણ હતી.
દાખલા તરીકે, 'ધ એનલ્સ ઓફ થોરાસિક સર્જરી'એ 1994માં જાહેર કર્યું હતું કે “તેઓ સર્વકાલીન મહાન એક્સપેરિમેન્ટલ સર્જનોની હરોળમાં સ્થાન મેળવવાને લાયક છે. તેમને જે વ્યાપક સ્વીકૃતિ મળવી જોઈએ તે મળી નથી.”
ડૉ. ડેમિખોવનું 1998માં 82 વર્ષની વયે મૉસ્કોની બહાર આવેલા તેમના નાના ઍપાર્ટમેન્ટમાં અવસાન થયું હતું.
તેઓ મૃત્યુ પામ્યા તે વર્ષે તેમને રશિયામાં સ્વીકૃતિ આપવામાં આવી હતી અને તેમને 'ઓર્ડર ફોર સર્વિસીસ ટુ ધ ફાધરલૅન્ડ' નામના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોન્સ્ટેન્ટિનોવે કહ્યુ હતું, “તેમણે જે કંઈ કર્યું તે દર્દીઓના ભલા માટે હતું અને વિશ્વના અનેક દર્દીઓને તેમના પ્રયોગોથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ લાભ થયો હતો.”
“મને લાગે છે કે કદાચ સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે તેઓ તેમને અનુસરતા લોકોને સમજાવી શક્યા હતા કે અશક્ય હોય તે શક્ય છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












