ભારત જોડો યાત્રા પછી વિરોધ પક્ષ રાહુલ ગાંધીને પોતાના નેતા માની લેશે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, FB/RAHUL GANDHI

    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ભારત જોડો યાત્રા આજે શ્રીનગરમાં પૂર્ણ થઈ ગઈ છે
  • શું ભારતનું રાજકારણ અત્યારે ખરેખર વિરોધપક્ષ મુક્ત થઈ ગયું છે?
  • કૉંગ્રેસની ભારત જોડો યાત્રા પાછળનો ઉદ્દેશ શું હતો?
  • કૉંગ્રેસમુક્ત ભારતનો અસલી અર્થ શું છે?
  • 2024ની સંસદીય ચૂંટણી માટે બીઆરએસની વ્યૂહરચના શું હશે?
બીબીસી ગુજરાતી

તામિલનાડુના કન્યાકુમારીથી 2022ની સાત સપ્ટેમ્બરે શરૂ થયેલી ભારત જોડો યાત્રા કાશ્મીરના શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ એટલે કે આજે પૂર્ણ થઈ.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનેક રાજ્યોમાંથી 3,750 કિલોમીટરની પદયાત્રા કરીને શ્રીનગર પહોંચ્યા છે.

ખુદ રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશ એવું કહેતા રહ્યા છે કે ભારત જોડો યાત્રાને ચૂંટણીની રાજનીતિ સાથે જોડવી જોઇએ નહીં.

રાહુલ ગાંધી રાજસ્થાનમાં હતા ત્યારે પત્રકારો સાથે વાત કરતાં જયરામ રમેશે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા ‘ચૂંટણી જીતો’ કે ‘ચૂંટણી જીતાડો’ યાત્રા નથી.

પહેલાં 2014 અને પછી 2019ની સંસદીય ચૂંટણીમાં સતત બે વખત કૉંગ્રેસના પચાસેક ઉમેદવારો જ ચૂંટાઈ શક્યા ત્યારથી એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સરકાર સામે વિરોધ પક્ષ લગભગ ખતમ થઈ ગયો છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઘણા મોટા નેતાઓ એવું કહેવા લાગ્યા હતા કે તેમનો ઉદ્દેશ ભારતને “કૉંગ્રેસમુક્ત” કરાવવાનો છે. અલબત, જાણકારો માને છે કે કૉંગ્રેસનું પ્રદર્શન ભલે ગમે તેટલું ખરાબ રહ્યું હોય, પરંતુ હકીકત એ છે કે કૉંગ્રેસ આજે પણ એક અગ્રણી વિરોધ પક્ષ છે અને “કૉંગ્રેસમુક્ત ભારત”નો અસલી અર્થ “વિપક્ષમુક્ત ભારત” છે.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં

ઇમેજ સ્રોત, ANI

રાહુલ ગાંધી કે કૉંગ્રેસના બીજા નેતાઓ ભલે ભારત જોડો યાત્રાને બિન-રાજકીય ગણાવે, પરંતુ એવા રાજકીય સવાલ થવા સ્વાભાવિક છે કે ભારતનું રાજકારણ અત્યારે ખરેખર વિરોધપક્ષ મુક્ત થઈ ગયું છે? આવું હોય તો ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાપિત કરવામાં અમુક અંશે સફળ થઈ છે?

તેની સાથે જોડાયેલો બીજો મહત્ત્વનો સવાલ એ પણ છે કે આ યાત્રા વડે રાહુલ ગાંધી દેશની જનતાને ખરેખર શું સંદેશ આપવા માગે છે અને તેમાં તેઓ કેટલા અંશે સફળ થયા છે?

જનતા દળ-યુનાઇટેડના મહાસચિવ તથા રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય કે સી ત્યાગીએ જણાવ્યું હતું કે "ખુદને વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાપિત કરવા આ યાત્રા કરી રહ્યા છે એવું રાહુલ ગાંધીએ ક્યારેય કહ્યું નથી."

ત્યાગીના જણાવ્યા મુજબ, "ભારત જોડો યાત્રા એક સાંસ્કૃતિક અને લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. તેમાં સામેલ થતા લોકોની વધતી સંખ્યા દર્શાવે છે કે આ યાત્રા સારા ઉદ્દેશ માટે કરવામાં આવેલો કાર્યક્રમ છે."

બીબીસી ગુજરાતી

‘કૉંગ્રેસ વિના કોઈ મોરચો શક્ય નથી’

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કે સી ત્યાગીના કહેવા અનુસાર, "2014 અને 2019ની ચૂંટણી પછી કૉંગ્રેસ પાસે સંસદમાં ન્યૂનતમ સંખ્યાબળ છે તથા તે વિરોધ પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવામાં પણ નિષ્ફળ રહ્યો છે, ત્યારે પક્ષમાં પ્રાણ ફૂંકવા માટે, તેને લોકો સાથે જોડવા માટે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે તથા તેમાં તેમને ઘણી સફળતા પણ મળી છે.

તેમણે ઉમેર્યું હતું કે કૉંગ્રેસ વગર કોઈ પણ રાજકીય મોરચો બની શકે નહીં, એવો સ્પષ્ટ મત અમારા પક્ષનો છે.

નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ(એનડીએ)નો સાથ છોડીને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) તથા કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવ્યા બાદ નીતિશ કુમાર દિલ્હી સોનિયા ગાંધીને મળવા ગયા, ત્યારે કૉંગ્રેસે તેમને ખાસ મહત્ત્વ આપ્યું ન હતું.

આ બાબતે કે સી ત્યાગીએ કહ્યું હતું કે, “અમે નિરાશ નથી. નીતિશ કુમાર સોનિયા ગાંધીને મળ્યા ત્યારે કૉંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી થવાની હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની હતી. તેથી બન્ને પક્ષે ફરી બેઠક યોજવી જોઈએ, પરંતુ કૉંગ્રેસ તરફથી અત્યાર સુધી આવી કોઈ દરખાસ્ત મળી નથી. કૉંગ્રેસ વિપક્ષી એકતાના પ્રયાસ કરતો હોય એવું પણ લાગતું નથી.”

તેમના જણાવ્યા મુજબ, “કૉંગ્રેસ વિના કોઈ વિપક્ષી ગઠબંધન શક્ય નથી, પરંતુ ભાજપને હરાવવા માટેના વિરોધ પક્ષના મોરચામાં નવીન પટનાયક, કેસીઆર, મમતા બેનરજી, અખિલેશ યાદવ અને માયાવતી બધાએ એક થવું જરૂરી છે."

1977નો દાખલો આપતાં કે સી ત્યાગીએ એમ પણ જણાવ્યું હતું કે, “વિરોધ પક્ષ વચ્ચે એકતા સમય જ કરાવશે. 1977માં બધા નેતા જેલમાં હતા. તેમની વચ્ચે કોઈ સંવાદની શક્યતા ન હતી. જનસંઘ પણ કોઈની સાથે વિલય માટે તૈયાર ન હતો, સમાજવાદી પાર્ટી અલગ રસ્તે ચાલી રહી હતી, જયપ્રકાશ નારાયણ કોઈ પક્ષ રચવા ઇચ્છતા ન હતા, પરંતુ લોકોએ પોતાનો વિકલ્પ પસંદ કર્યો હતો, બધા પક્ષને એક થવા મજબૂર કર્યા હતા અને ઈન્દિરા ગાંધીની કૉંગ્રેસ પાર્ટી 1977ની ચૂંટણી હારી ગઈ હતી.”

તેમણે કહ્યું હતું કે, “રાજકીય પક્ષોમાં દેશના સામાજિક પોતને, બિન-સાંપ્રદાયિકતાની પરંપરાને સુદૃઢ કરવાની ઇચ્છા તથા અભિલાષા મજબૂત હશે તે પક્ષો દેશની એકતા માટે, તેના સાર્વભૌમત્વ માટે એકત્ર થશે એવું મારું માનવું છે.”

બીબીસી ગુજરાતી

‘સામૂહિક વિરોધ પક્ષની વાત કરવી તે વહેલું ગણાય’

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

કોઈ પણ સંસદીય ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સૌથી મહત્ત્વનું હોય છે, કારણ કે ત્યાંથી 80 સંસદસભ્યો ચૂંટાતા હોય છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપની શાનદાર સફળતાનું કારણ ઉત્તર પ્રદેશમાં તેનો મજબૂત દેખાવ હતું. બન્ને વખતે ઉત્તર પ્રદેશમાંથી ભાજપને 60થી વધારે બેઠકો મળી હતી. (2014માં તો ભાજપને 71 બેઠકો મળી હતી) તેથી ભાજપને રોકવી હોય તો તેને ઉત્તર પ્રદેશમાં અટકાવવી પડશે, પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશમાં પણ વિપક્ષ વિખેરાયેલો છે.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારીએ ભારત જોડો યાત્રાને નફરતના રાજકારણ વિરુદ્ધનો શાનદાર પ્રયાસ ગણાવતા જણાવ્યું હતું કે, “આ પ્રયાસથી રાહુલ ગાંધીને નેતૃત્વને બળ મળ્યું છે. તે મજબૂત થાય છે, પરંતુ 2024ની વાત કરવી તે અત્યારે ઉતાવળિયું ગણાશે.”

તિવારીના કહેવા મુજબ, 2024ની સંસદીય ચૂંટણીમાં કૉંગ્રેસની ભૂમિકાનો આધાર મહદઅંશે, રાજ્યોની ચૂંટણીમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર રહેશે.

ઉત્તર પ્રદેશની વાત કરતાં તિવારીએ જણાવ્યું હતું કે, “અહીં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી પૂરી તાકાતથી ભાજપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.”

તેમણે કહ્યું હતું કે, “વિરોધ પક્ષના કોઈ પણ સહિયારા પ્રયાસનો સમાજવાદી પાર્ટી અસ્વીકાર કરતી નથી, પરંતુ સામૂહિક વિરોધ પક્ષની દૃષ્ટિએ અત્યારે કંઈ કહેવું તે વહેલું ગણાશે.”

બીબીસી ગુજરાતી

‘કૉંગ્રેસ વિના કશું વિચારી કેમ ન શકાય?’

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, @INC

યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ(યુપીએ)ના શાસનકાળમાં જ તેલંગાણાની રચના થઈ હતી અને એવું લાગતું હતું કે કેસીઆરના તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) પક્ષનો વિલય કૉંગ્રેસમાં થઈ જશે. આજે સ્થિતિ એ છે કે ટીઆરએસ કૉંગ્રેસનો કટ્ટર વિરોધી પક્ષ બની ગયો છે એટલું નહીં, પરંતુ કેસીઆરે પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે પક્ષનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કરી નાખ્યું છે.

બીઆરએસના પ્રવક્તા કૃષાંક મન્નેના જણાવ્યા મુજબ, "ભારત જોડો યાત્રા રાજકીય યાત્રા નથી એવું રાહુલ ગાંધી કહી રહ્યા છે, પરંતુ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં તેમણે રાજકીય નિવેદનો આપ્યાં છે એટલું જ નહીં, પરંતુ એ રાજ્યોમાંના પક્ષોને ભાજપની બી ટીમ પણ ગણાવ્યા છે."

કૃષાંક મન્નેએ કહ્યું હતું કે, “ભારત જોડો યાત્રા સંપૂર્ણપણે રાજકીય છે અને તે રાહુલ ગાંધીની ઇમેજને બહેતર બનાવવા માટે કરવામાં આવી છે. તેમાં દેશને મજબૂત બનાવવાનો કોઈ સંદેશ નથી.”

આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં 2024ની સંસદીય ચૂંટણી માટે બીઆરએસની વ્યૂહરચના શું હશે એવા સવાલના જવાબમાં કૃષાંક મન્નેએ કહ્યું હતું કે, “અમે લોકો જનતાના ઍજન્ડા પર નરેન્દ્ર મોદીને પડકારશું. તે ઍજન્ડા જેનું વચન નરેન્દ્ર મોદીએ 2014માં આપ્યું હતું, પરંતુ છેલ્લાં આઠ-નવ વર્ષથી તેઓ તેનાથી દૂર ભાગી રહ્યા છે.”

કૉંગ્રેસની વાત કરતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “કૉંગ્રેસ વિના કશું વિચારી ન શકાય? કૉંગ્રેસ આજે 40-50 બેઠક પૂરતી મર્યાદિત છે. બધાં (બિન-કૉંગ્રેસી, બિન-ભાજપ) રાજ્યો પોતપોતાના ક્ષેત્રમાં મજબૂત છે, એમના મુખ્યપ્રધાનો છે ત્યારે કૉંગ્રેસને આટલું મહત્ત્વ શા માટે આપવું જોઈએ?”

બીબીસી ગુજરાતી

રાહુલ ગાંધી આજે પણ ‘વિરોધ પક્ષનો ચહેરો’ નથી

રાહુલ ગાંધી સાથે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

ઇમેજ સ્રોત, BHARAT JODO/ FB

કૉંગ્રેસના રાજકારણ પર બારીક નજર રાખતા વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારત જોડો યાત્રા પહેલાં ભાજપ કે ઘણા રાજકીય વિશ્લેષકો જે રીતે રાહુલ ગાંધીને બિન-મહત્ત્વના ગણતા હતા, તેમને અપશબ્દો કહેતા હતા, તેઓ હવે એટલી આસાનીથી રાહુલ ગાંધીને એવું બધું કહી શકશે નહીં.”

સ્મિતા ગુપ્તાના જણાવ્યા મુજબ, “આ યાત્રા પછી રાહુલ ગાંધી કૉંગ્રેસના સર્વમાન્ય નેતા તરીકે ફરી પ્રસ્થાપિત થઈ ગયા છે અને વિરોધ પક્ષના જાણીતા નેતા તરીકે આગળ વધ્યા છે. અલબત, “પોતાને મહત્ત્વના ગણવા જોઈએ એ તો રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે, પરંતુ તેમને હજુ પણ વિરોધ પક્ષનો ચહેરો કરી શકાય નહીં.”

કૉંગ્રેસના સહયોગી પક્ષોની જવાબદારી છે કે તેઓ કેસીઆર તથા મમતા બેનરજી જેવા નેતાઓને સમજાવે કે તેમનું સર્વોચ્ચ લક્ષ્ય ભાજપને હરાવવાનું હોય તો તેમણે કૉંગ્રેસનો સાથ લઈને જ આગળ વધવું પડશે, એમ સ્મિતા ગુપ્તાએ ઉમેર્યું હતું.

બીબીસી ગુજરાતી

‘રાહુલ ગાંધી આશાનું રાજકારણ રમી રહ્યા છે’

ભારત જોડો યાત્રા

ઇમેજ સ્રોત, @INCINDIA

વિખ્યાત સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન ભારત જોડો યાત્રાને રાજકીય દાવપેચથી બિલકુલ અલગ રીતે જુએ છે.

શિવ વિશ્વનાથને જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીની યાત્રા એક રીતે ભારતની શોધ છે. ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા નેતાઓથી કોઈ ખાસ ફરક પડ્યો નથી. રાહુલ ગાંધીની યાત્રાને તેમાં સામેલ થતા બિન-રાજકીય લોકો ખાસ બનાવે છે.”

રાહુલ ગાંધીની યાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો સામેલ થયા હતા. ફિલ્મી દુનિયામાંથી ઉર્મિલા માતોંડકર, સ્વરા ભાસ્કર, પૂજા ભટ્ટ, રિયા સેન અને આનંદ પટવર્ધન સામેલ થયા હતા. સામાજિક કાર્યકર અરુણા રૉય સામેલ થયાં હતાં અને તેલંગાણામાં રોહિત વેમૂલાનાં માતા પણ તેમાં સામેલ થયાં હતાં.

રમત-ગમત ક્ષેત્રના ઘણા લોકો સામેલ થયા હતા. સંગીત ક્ષેત્રના ટી એમ કૃષ્ણા, સ્ટૅન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરા, ગણેશ દેવી તથા રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન તેમાં સામેલ થયા હતા.

શિવ વિશ્વનાથનના જણાવ્યા મુજબ, "યાત્રાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ માત્ર ચૂંટણી બાબતે વિચાર્યું હશે, પરંતુ યાત્રા આગળ વધવાની સાથે તેમના વિચાર પણ બદલાયા હતા. રાહુલ યાત્રાની શરૂઆતનાં ભાષણોમાં માત્ર ભાજપને જ નિશાન બનાવતા હતા, પરંતુ વધુને વધુ લોકો સાથે મુલાકાત થયા બાદ તેમને સમજાયું હતું કે ભારતને આ સમયે એક નવા પ્રકારની રાજનીતિની જરૂર છે."

શિવ વિશ્વનાથનના કહેવા મુજબ, "રાહુલ ગાંધીએ આ બધું વિચારપૂર્વક કર્યું ન હતું, પરંતુ તેઓ આના શિકાર થયા. તેમ છતાં તેનું શ્રેય તો રાહુલ ગાંધીને જ આપવું જોઇએ. "

બીબીસી ગુજરાતી

યાત્રામાં થયું તે ખુદ રાહુલ ગાંધી પણ સમજી શકતા નથી?

ભારત જોડો યાત્રા

ઇમેજ સ્રોત, BHARATJODO

રાહુલ ગાંધી દેશના લોકોને પોતાનો સંદેશ આપવામાં સફળ થયા છે કે કેમ, એવા સવાલના જવાબમાં શિવ વિશ્વનાથને કહ્યું હતું કે, “રાહુલ ગાંધીનો મૅસેજ લોકોમાં ધીમે-ધીમે પહોંચી રહ્યો છે, પરંતુ આ યાત્રાના હીરો રાહુલ ગાંધી હોય એવું હું માનતો નથી. આ યાત્રાના હીરો, તેમાં સામેલ થયેલા ભારતીય નાગરિકો છે અને આજનું પક્ષીય રાજકારણ ખોખલું બની ગયું છે એ રાહુલ ગાંધીને જેમણે જણાવ્યું એ લોકો છે.”

શિવ વિશ્વનાથને ચેતવણી આપી હતી કે લોકોને નિરાશ કરવાનો કૉંગ્રેસનો લાંબો ઇતિહાસ છે અને તે એવું ફરી કરી શકે છે. “રાહુલ ગાંધી નાગરિક સમાજ સાથે મળીને રાજકારણ કરવા ઇચ્છતા હોય તો તેમણે કૉંગ્રેસ પક્ષમાં નવી રીતે સુધારા કરવા પડશે. એ પછી આપણને ભવિષ્યનો નવો પક્ષ મળી શકે છે. તેમાં નાગરિક સમાજના લોકો તેમને મદદ કરી શકે છે. એવું થશે તો તે ચમત્કાર હશે,” એમ તેમણે કહ્યું હતું.

શિવ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, "શરદ પવાર અને નીતિશ કુમાર જેવા કૉંગ્રેસના સહયોગીઓને પણ સત્તા મેળવવામાં તથા ખુદને મજબૂત બનાવવામાં જ રસ છે, પરંતુ રાજકીય નેતાઓ નહીં, પણ લોકોને સશક્ત કરવા ઇચ્છતા હોય તેવા પહેલા નેતા રાહુલ ગાંધી બની ગયા છે."

શિવ વિશ્વનાથને એમ પણ જણાવ્યું હતું કે "યાત્રા દરમિયાન જે થઈ રહ્યું છે તે ખુદ રાહુલ ગાંધીને પણ સારી રીતે સમજાતું નથી, પરંતુ તેમણે જે કર્યું છે તે ચૂંટણીની રાજકારણથી દૂર એક નવા ભારતનું સ્વપ્ન દેખાડે છે. અલબત, સપના ઘણીવાર તૂટી જતાં હોય છે."

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાહુલ ગાંધી આશાનું રાજકારણ રમી રહ્યા છે, પરંતુ તેને સફળ બનાવવા માટે વિચારોની રાજનીતિની જરૂર છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી