ફૂટપાથ પર મોબાઇલ કવર વેચીને હવે ડૉકટર બનવા જઈ રહેલા રોહિતની કહાણી

રોહિત, જમશેદપુર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAMMAD SARTAJ ALAM

ઇમેજ કૅપ્શન, રોહિત જમશેદપુરમાં ફૂટપાથ પર મોબાઇલ કવર વેંચે છે.
    • લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
    • પદ, જમશેદપુરથી, બીબીસી હિન્દી માટે

જમશેદપુરના રોહિત કુમારે NEET UG 2025 ની પરીક્ષામાં 549 ગુણ મેળવીને હાલ ચર્ચા જગાવી છે.

તેમણે જનરલ કૅટેગરીમાં ઑલ ઇન્ડિયા રૅન્ક 12, 484 મેળવ્યો છે.

પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપતા રોહિત કહે છે, "મેં MBBS માં પ્રવેશ માટે એક મહત્ત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. મને આશા છે કે મને ઝારખંડની RIMS (રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળશે."

ઉલ્લેખનીય છે કે આ રોહિતનો ત્રીજો પ્રયાસ હતો.

2023માં, તેમના પહેલા પ્રયાસમાં, તેમણે 485 ગુણ મેળવ્યા. તે સમયે, તેમણે ફક્ત યુટ્યૂબ દ્વારા જ અભ્યાસ કર્યો હતો.

રોહિત કહે છે, "મને મારા પહેલા પ્રયાસમાં કોઈ પણ ટ્યુશન વગર ખૂબ સારા માર્ક્સ મળ્યા, જેનાથી મને આગામી પ્રયાસ માટે પ્રેરણા મળી."

રોહિતની સફળતા એટલા માટે પણ સમાચારનો વિષય બની છે કારણ કે તેઓ જમશેદપુરમાં ફૂટપાથ પર તેમના ભાઈ સાથે મોબાઇલ કવર વેચે છે.

સંસાધનોનો અભાવ અને કૌટુંબિક જવાબદારીઓ હોવા છતાં, તેમણે હાર ન માની. અને હવે રોહિત ડૉક્ટર બનવાના તેમના સ્વપ્નની ખૂબ નજીક છે.

રોહિત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAMMAD SARTAJ ALAM

ઇમેજ કૅપ્શન, રોહિતના ભાઈએ જણાવ્યું કે તેમણે તેમનાં માતાના નામે લોન લઈને આ કૉન્ક્રિટનું ઘર બનાવ્યું હતું

રોહિતે વર્ષ 2024માં બીજા પ્રયાસમાં 619 ગુણ મેળવ્યા, પરંતુ તેમ છતાં તેઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવી શક્યા નહીં.

આ નિરાશાને યાદ કરતાં તેઓ કહે છે, "આટલા સારા માર્ક્સ મેળવવા છતાં, મને પ્રવેશ ન મળ્યો, જેના કારણે હું ખૂબ જ નિરાશ થયો. પછી મારા ભાઈ રાહુલે મને ત્રીજો પ્રયાસ કરવા માટે પ્રેરણા આપી."

રાહુલ કહે છે, "ગયા વર્ષે રોહિત પેપર લીક અને ઊંચા કટઑફને કારણે ખૂબ જ પરેશાન હતો. મેં તેને કહ્યું હતું કે જો તે ત્રીજો પ્રયાસ નહીં કરે તો પરિસ્થિતિ એવી જ રહેશે. પરંતુ જો તે આ વખતે સફળ થશે, તો તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે."

રાહુલ ઉમેરે છે, "2025માં રોહિતની સફળતાએ અમારું જીવન બદલી નાખ્યું. એવું લાગે છે કે અમે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ. આ સફળતા રાતોરાત મળી નથી - તે છઠ્ઠા ધોરણથી સતત સંઘર્ષ કરી રહ્યો છે."

તૈયારી અને મદદની ખાતરી

રોહિતનાં માતા આશા દેવી કહે છે કે નીટની તૈયારી માટે લાખોની કોચિંગ ફીની જરૂર હતી, જે તેમના માટે શક્ય ન હતું.

રોહિતના ભાઈ રાહુલ કહે છે, "રોહિતે કહ્યું કે જેમ મેં યુટ્યૂબથી ઇન્ટરમીડિયેટની તૈયારી કરી હતી, તેવી જ રીતે હું નીટની તૈયારી કરીશ."

યુટ્યૂબ પરથી અભ્યાસ કરીને, રોહિતે વર્ષ 2023 માં પહેલા પ્રયાસમાં 485 ગુણ મેળવ્યા.

આ પછી, તેમને 'ફિઝિક્સવાલા' કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના 'યકીન બેચ' વિશે માહિતી મળી, જેની ફી ફક્ત 5,000 રૂપિયા હતી.

ગયા વર્ષે, તેણે બીજા પ્રયાસમાં 619 ગુણ મેળવ્યા હતા, પરંતુ પેપર લીક અને કોર્ટ કેસને કારણે તેમને પ્રવેશ મળી શક્યો ન હતો.

બાદમાં, ફિઝિક્સવાલાએ જાહેરાત કરી કે 600 થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને 'યકીન બેચ'નું મફત કોચિંગ આપવામાં આવશે.

આ પછી, રોહિતે ત્રીજા પ્રયાસ માટે ફરીથી તૈયારી શરૂ કરી.

NEET 2025 નાં પરિણામો પછી, ફિઝિક્સવાલાના CEO અલખ પાંડે રોહિતને મળ્યા અને તેમના પરિવારને ખાતરી આપી કે તેઓ રોહિતના આગળના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

ત્રીજા પ્રયાસની વ્યૂહરચના

શારદા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAMMAD SARTAJ ALAM

ઇમેજ કૅપ્શન, પરિવારના પડોશમાં રહેતાં શારદા કહે છે કે તેમના પડોશમાં બહુ ઓછા શિક્ષિત લોકો છે.

નાના ઘરમાં રહેતા રોહિત પાસે ભણવા માટે પૂરતી જગ્યા નહોતી.

તેથી, તેઓ સાકચીમાં તેમના ભાઈની દુકાન પાસેની લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા હતા.

આ પુસ્તકાલયમાં તેમને દર મહિને ₹ 1300 ફી ચૂકવવી પડતી હતી.

રોહિત કહે છે, "હું સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વીડિયો લેક્ચર દ્વારા અભ્યાસ કરતો હતો. પછી હું બપોરે 3 વાગ્યા સુધી દુકાનમાં કામ કરતો હતો. તે પછી, હું ફરીથી લાઇબ્રેરીમાં રાત્રે 8 વાગ્યા સુધી અને પછી ઘરે રાત્રે 10 થી 1 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો."

તેમના મિત્ર અનુજ સિંહ કહે છે, "રોહિત દરરોજ 12-13 કલાક અભ્યાસ કરતો, ત્યારે જ તે 549 ગુણ મેળવી શક્યો છે."

પાડોશી શારદા દેવી કહે છે, "ઇન્દ્રનગર બસ્તીના કોઈપણ વ્યક્તિ માટે નીટ પાસ કરવું મુશ્કેલ છે,અહીં હાઈસ્કૂલ પાસ કરવાની પણ દૂરની વાત છે."

રોહિતનો ભાઈ રાહુલ પોતે ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણ્યો છે.

ડૉક્ટર બનવા માટે સંઘર્ષ

રોહિત, જમશેદપુર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAMMAD SARTAJ ALAM

ઇમેજ કૅપ્શન, રોહિતે જમશેદપુરની આ કોલેજમાંથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે

પાંચમા ધોરણ સુધી હિન્દી માધ્યમમાં ભણેલા રોહિતને તેમના પિતા સત્યેન્દ્ર સિંહે સારા ભવિષ્યની આશામાં અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરાવ્યા.

ત્યાંથી, તેમણે 2019માં ICSE બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા 79 ટકા ગુણ સાથે પાસ કરી.

પરંતુ આ સમય દરમિયાન રોહિતના પિતા ગંભીર રીતે બીમાર પડી ગયા હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ કથળવા માંડી.

સંજોગોને કારણે, રોહિતને અંગ્રેજી માધ્યમની શાળા છોડવી પડી અને તેણે જમશેદપુર વર્કર્સ કૉલેજમાં પ્રવેશ લીધો, જ્યાં ફી ઘણી ઓછી હતી.

કૉલેજના અભ્યાસની સાથે સાથે રોહિતે કામ પણ કરવાનું શરૂ કર્યું. તે એક ફાર્મસીની દુકાનમાં મહિને રૂપિયા 1800 જેવું કમાતો હતો.

રોહિત સમજાવે છે, "ફાર્મસીમાં કામ કરતી વખતે મને સમજાયું કે MBBS ડિગ્રી કેટલી મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પણ હું MBBS વિશે પૂછતો, ત્યારે લોકો કહેતા - પહેલા તમારી ઇન્ટરમીડિયેટ ડિગ્રી પાસ કરો."

2021 માં, રોહિતે કોઈપણ ટ્યુશન વિના અને ફક્ત યુટ્યૂબ વીડિઓમાંથી અભ્યાસ કરીને 89.5 ટકા ગુણ મેળવીને વર્કર્સ કૉલેજમાં ટૉપ કર્યું.

રોહિતનો પરિવાર

નીટ, રોહિતકુમાર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, MOHAMMAD SARTAJ ALAM

ઇમેજ કૅપ્શન, નીટ પરીક્ષા પાસ કર્યા પછી, રોહિત કુમાર અને તેનો પરિવાર મીડિયામાં ખૂબ ચર્ચામાં છે

રોહિતના પિતા સત્યેન્દ્રસિંહ 2012 થી ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.

પહેલાં તે વહેલી સવારે શાકભાજી બજારમાંથી શાકભાજી લાવતા હતા, જેના માટે તેને દરરોજ 250 રૂપિયા મળતા હતા.

પરંતુ હવે બગડતી તબિયતને કારણે તે આ કામ નિયમિતપણે કરી શકતા નથી.

ભાઈ રાહુલ કહે છે, "અમે માતાના નામે મહિલા સમિતિ પાસેથી લોન લીધી અને થોડા પૈસા ઉમેરીને અમે આ કૉન્ક્રિટનું ઘર બનાવ્યું છે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન