ઝારખંડ : સાધારણ સરકારી શાળાની 11 વિદ્યાર્થિનીઓએ નીટની પરીક્ષા પાસ કરી, હવે ફી બની પડકાર

ઇમેજ સ્રોત, RASHMI
- લેેખક, સીટૂ તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, RASHMI
ઝારખંડના ખૂંટી જિલ્લાના એક સરકારી સ્કૂલની 11 વિદ્યાર્થિનીઓએ નીટની પરીક્ષા પાસ કરી છે.
શાળાના 12મા ધોરણની કુલ 28 વિદ્યાર્થિનીઓએ આ પરીક્ષા પાસ કરી હતી, જેમાંથી 11ને સફળતા પ્રાપ્ત થઈ છે. સફળ થનારી તમામ વિદ્યાર્થિનીઓ દલિત, આદિવાસી અને પછાત સમુદાયથી આવે છે.
નીટ (નૅશનલ એલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ) દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કૉલેજોમાં પ્રવેશ માટે આયોજિત કરાતી પાત્રતા પરીક્ષા (લાયકાત માટેની પરીક્ષા) છે. એ પાસ કર્યા બાદ વિદ્યાર્થી એમબીબીએસ, બીડીએસ જેવા સ્નાતક કોર્સિસમાં પ્રવેશ માટે લાયક મનાય છે.
અંતરિયાળ વિસ્તારની એક સરકારી સ્કૂલથી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ નીટની પરીક્ષા પાસ કરીએ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઘણી વિદ્યાર્થિનીઓએ કહ્યું છે કે પરીક્ષા પાસ કરવાનો રાજીપો તો છે, પરંતુ હવે મેડિકલ કોર્સની ફી ભરવાનો સંકટ આવી ગયો છે. તેમણે સરકાર પાસેથી આર્થિક મદદ માગી છે.
'સંપૂર્ણ શિક્ષા કવચ' યોજનાથી મળી મદદ

ઇમેજ સ્રોત, Rashmi
આ સફળતા ઝારખંડના ખૂંટી જિલ્લાના કર્રા પ્રખંડમાં સ્થિત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયની છે. વર્ષ 2007માં અસ્તિત્વમાં આવેલો ખૂંટી જિલ્લો પાટનગર રાંચીથી લગભગ 40 કિમી દૂર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગપુરી અને મુંડારી છે.
આ સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ 2023થી શરૂ થયું. આ પહેલાં માત્ર આર્ટ્સનું શિક્ષણ અપાતું. સ્કૂલનાં વૉર્ડન રશ્મિકુમારીએ બીબીસીને જણાવ્યું, "2023માં બાયોલૉજીનું શિક્ષણ શરૂ કરાયું, જેમાં 28 વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો."
રશ્મિકુમારીના પ્રમાણે, જિલ્લા વહીવટી તંત્રે નીટની પરીક્ષાની તૈયારી માટે 'સપનોં કી ઉડાન'નામક એક યોજના શરૂ કરી હતી, જે બાદમાં 'સંપૂર્ણ શિક્ષા કવચ' કહેવાઈ. એના અંતર્ગત જ સ્કૂલને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયૉલૉજીના શિક્ષક ઉપલબ્ધ કરાવાયા. સાથે જ વિદ્યાર્થિનીઓને ફ્રી વાઈ-ફાઈ દ્વારા ઑનલાઇન માર્ગદર્શન પણ મળ્યું.
એ પૈકી જ એક વિદ્યાર્થિની, રોશની તિગ્ગા, ઉરાંવ આદિવાસી સમુદાયમાંથી આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પપ્પાએ નીટ વિશે ક્યારેય નથી સાંભળ્યું'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખૂંટી જિલ્લાના ગુયૂ ગામનાં રહેવાસી રોશની તિગ્ગાએ નીટ પરીક્ષા પાસ કરીને પોતાના ગ્રામજનો અને પરિવારનું નામ દીપાવ્યું છે. ગુયૂ ગામ ઉરાંવ અને મુંડા આદિવાસી સમુદાયનું છે. રોશનીના પિતા ટેંબા તિગ્ગા ખેડૂત છે અને મા ફૂલોદેવી ગૃહિણી છે.
બીબીસી સાથેની વાતચીતમાં રોશનીએ જણાવ્યું, "મેટ્રિક બાદ મેં વિચાર્યું હતું કે હું વિજ્ઞાનપ્રવાહમાં ભણીશ, પરંતુ અમારી શાળામાં સાયન્સ નહોતું. માત્ર, આર્ટ્સ પ્રવાહ જ હતો. જ્યારે 2023માં સાયન્સ ભણાવવાનું શરૂ થયું, તો મેં મહેનત કરી અને નીટ પાસ કરી. પરંતુ પપ્પાને નીટ વિશે માહિતી નહોતી. ગામમાં પણ કોઈનેય આના વિશે ખબર નહોતી."
પાંચ ભાઈબહેનોમાંથી એક રોશની હાડકાના રોગનાં નિષ્ણાત બનવા માગે છે. તેમણે કહ્યું, "અમારા ગામમાં કોઈ સરકારી હૉસ્પિટલ નથી. લોકો નકલી ડૉક્ટરોથી ઇલાજ કરાવે છે. જો હું ડૉક્ટર બની ગઈ તો હું ગામના લોકો માટે કામ કરીશ. અહીં હાડકાંની ઈજાની ઘટનાઓ ઘણી બને છે."
રોશનીની માફક ક્સ્તૂરબા સ્કૂલનાં વધુ એક વિદ્યાર્થિની રૂપાંજલિકુમારીએ પણ નીટ પરીક્ષા પાસ કરી છે. તેમના પિતા દેવચંદ મહતો ખેડૂત છે.
બીબીસી સાથેની વાતચીતમાં રૂપાંજલિએ કહ્યું, "જ્યારે હું દસમા ધોરણમાં આવી, ત્યારે પહેલી વખત નીટ વિશે સાંભળ્યું હતું. સ્કૂલમાં સારી રીતે સમજાવાયું અને શિક્ષણ પણ અપાયું. પાસ થયા બાદ માતાપિતા ખૂબ ખુશ છે, પરંતુ મને પ્રાઇવેટ કૉલેજ મળી શકે છે, જેની ફી ભરવી મુશ્કેલ છે. જો સરકાર સ્કૉલરશિપ આપે તો હું મેડિકલનું શિક્ષણ મેળવી શકું."
નીટ પાસ કરી પરંતુ ફી બની પડકાર

ધોરણ છથી 12 સુધી શિક્ષણ આપતી કસ્તૂરબા ગાંધી વિદ્યાલયમાં કોઈ ફી લાગતી નથી.
ઝારખંડ ઍજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલની વેબસાઇટ પ્રમાણે, રાજ્યમાં હાલ 203 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાલી રહી છે. વિદ્યાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે.
આ જ કારણ છે કે કોઈ પણ આર્થિક બૅકગ્રાઉન્ડમાંથી આવનારી વિદ્યાર્થિનીઓ ત્યાં ભણી શકે છે.
વૉર્ડન રશ્મિકુમારી જણાવે છે કે, "મારી સ્કૂલમાં 500 બાળકીઓ ભણે છે. તેમાંથી ઘણી બાળકીઓના સિંગલ પેરન્ટ છે અને ઘણી એવી છે જેમનાં માતાપિતા જ નથી. આ તમામ દીકરીઓ ગરીબ પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં 12મા ધોરણથી આગળના શિક્ષણ માટે પણ આર્થિક સહાય જોઈએ."
હવે મેડિકલ કૉલેજમાં લાગતી ફીનો પ્રશ્ન આ સફળ વિદ્યાર્થિનીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.
રોશની તિગ્ગા કહે છે કે, "જો ફીની વ્યવસ્થા ન થઈ તો બી. એસસી.માં ઍડમિશન લઈ લઈશું. સરકાર જ ફી આપશે, ત્યારે મેડિકલનું શિક્ષણ સંભવ છે."
રોશનીના પિતા ટેંબા તિગ્ગા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "અમે આના વિશે ક્યારેય નહોતું સાંભળ્યું. અખબારમાં દીકરીનું નામ છપાયું છે. ગામમાં કોઈનેય કંઈ ખબર નથી. આવી સ્થિતિમાં અમને પૈસા કોણ આપશે? અમે તો ખેતી કરીને માંડ માંડ ગુજરાન ચલાવીએ છીએ. અમારી પાસે તો હજારો રૂપિયા પણ નથી, લાખો ક્યાંથી લાવીએ?"
તંત્રનું શું કહેવું છે?
વર્ષ 2023માં ખૂંટી જિલ્લાનાં બે કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને દસ અન્ય સરકારી સ્કૂલોમાં આઇઆઇટી-જેઇઇ અને નીટની તૈયારી માટે જિલ્લા તંત્રની મદદથી કોચિંગ અપાઈ રહ્યું છે. આ કોચિંગ ઑનલાઇન અને ઑફલાઇન બંને માધ્યમોથી સંચાલિત થઈ રહી છે.
કસ્તૂરબા વિદ્યાલયોમાં વિદ્યાર્થિનીઓ માટે આઇસીટી રૂમ (કમ્પ્યુટર લૅબ) બનાવાઈ છે, જ્યારે અન્ય સરકારી સ્કૂલોનાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોન દ્વારા ઑનલાઇન વર્ગો ચલાવાય છે.
ખૂંટીના કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આઇઆઇટી-જેઇઇની તૈયારી કરાવાય છે. આ જિલાલના કર્રા બ્લૉકમાં ક્સ્તૂરબા વિદ્યાલયમાં નીટનું કોચિંગ અપાય છે.
આ વર્ષે કસ્તૂરબા વિદ્યાલયની 26 વિદ્યાર્થિનીઓએ આઇઆઇટી મેન્સ પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમજ નીટ પરીક્ષામાં કર્રાના વિદ્યાલયની 11 વિદ્યાર્થિનીઓની સાથોસાથ ખૂંટીના એક અન્ય સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીએ પણ સફળતા પ્રાપ્ત કરી છે.
જોકે, આ ઉપલબ્ધિઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે કે આ વિદ્યાર્થિનીઓના આગળના ભણતરનો ખર્ચ કોણ ઉઠાવશે.
ખૂંટીના જિલ્લા શિક્ષણાધિકારી અપરૂપા પાલ ચૌધરીએ બીબીસીને કહ્યું, "અમારો આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્રના ફંડથી ચાલે છે. તેમાં કોચિંગની જોગવાઈ છે, પરંતુ કૉલેજ ફીની નહીં. આ ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે અને અમે બાળકોની મદદ માટે સીએસઆર અને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ અપીલ કરી ચૂક્યા છીએ. હાલ અમારી પાસે આ મુશ્કેલ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












