ગુજરાતમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવી સિસ્ટમથી કયા જિલ્લામાં ધોધમાર વરસશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું જામ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા, આણંદ, મોરબી અને દ્વારકામાં અમુક સ્થળે ભારે વરસાદ પડ્યો છે.
ગુજરાત ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 21 મિમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 52 મિમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કચ્છમાં 84 મિમી, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 58 મિમી, સૌરાષ્ટ્રમાં 150 મિમી, દક્ષિણ ગુજરાતમાં 133 મિમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.87 ટકા વરસાદ પડી ગયો છે.
જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન ખાતાની આગાહી શું કહે છે?

ઇમેજ સ્રોત, IMD
સાઉથ વેસ્ટ ચોમાસું હવે ઉત્તર અરેબિયન સમુદ્રમાં આગળ વધ્યું છે. ગુજરાતના તમામ ભાગ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના બાકી રહેલા ભાગો તથા બિહારને પણ આવરી લેવામાં આવ્યું છે.
ગુજરાત અને રાજસ્થાનમાં લૉ પ્રેશરની સિસ્ટમ રચાઈ છે જે હવે મધ્ય રાજસ્થાન પર સ્થિર છે. સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સર્ક્યુલેશન રચાયું છે.
આથી આગામી દિવસોમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે અથવા અતિભારે વરસાદ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, ડાંગ વગેરે જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19 જૂને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં 19 જૂન, ગુરુવારે 30થી 40 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે.
ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
તેમજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
આગામી દિવસોમાં ભારે અને અતિભારે વરસાદ ક્યાં પડશે?
20 જૂન, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
21 જૂને પણ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
22 જૂને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે.
22 જૂને નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ઇમેજ સ્રોત, gsdma
23 જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
24 જૂને બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગની આગાહી દર્શાવે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













