You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જી20 શિખરસંમેલન: અનેક પડકારો છતાં ભારતે જી20 ઘોષણાપત્ર પર સર્વસંમતિ કઈ રીતે બનાવી?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી હિન્દી, જી20 મીડિયા સેન્ટર, દિલ્હી
યજમાન ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી જી20 શિખર સંમેનલનનો પહેલો દિવસ ભારતના નામે રહ્યો.
સામાન્ય રીતે આ વાર્ષિક શિખર સંમેલનના અંતે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ આવું પહેલીવાર બની રહ્યું છે કે આ સહમતીનું એલાન પહેલા દિવસે જ કરી દેવામાં આવ્યું હોય.
જેવું જી20ના મીડિયા સેન્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યું કે જી20 લીડર્સ ડિક્લેરેશન સમિટ પર બધા દેશોની સહમતી બની ગઈ છે તેને મીડિયા સેન્ટર પર હાજર તમામ પત્રકારોએ તેને તાળીઓથી વધાવી લીધું.
તેના પછી વિદેશમંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણે મીડિયા સેન્ટરમાં એક પત્રકાર પરિષદ કરીને તેના પર વધુ વિસ્તારથી વાતચીત કરી હતી.
આ મામલે સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ જાણકારી આપી હતી. તેમણે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, "મારો પ્રસ્તાવ છે કે આ લીડર્સ ડિક્લેરેશન સમિટનો અમલ પણ કરવામાં આવે. હું તેને સ્વીકારું છું અને ઘોષણા કરું છું કે તેનો પણ અમલ કરવામાં આવશે."
ગત વર્ષે બાલી સંમેલનમાં રશિયાના યુક્રેન પરના આક્રમણની સખત નિંદા કરવામાં આવી હતી. બાદમાં રશિયા અને ચીને જી20 પ્લૅટફોર્મ પરથી રશિયાની નિંદા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.
આ પછી જી20નું પ્રમુખપદ ભારતને સોંપવામાં આવ્યું હતું. ત્યારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે યજમાન ભારત માટે સંમેલનના ઘોષણાપત્ર પર તમામ દેશોની સહમતી મેળવવી ખૂબ મુશ્કેલ હશે.
ભારતની અધ્યક્ષતામાં જી20 નાણાપ્રધાનો અને વિદેશપ્રધાનોની પરિષદ પછી ઘોષણાપત્ર પર કોઈ સર્વસંમતિ થઈ શકી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમી દેશો ઇચ્છતા હતા કે તમામ સભ્યદેશો યુક્રેન પરના હુમલા બદલ રશિયાની કડક શબ્દોમાં ટીકા કરે. પરંતુ રશિયા અને ચીને તેનો વિરોધ કર્યો હતો, જેના કારણે સામૂહિક રીતે જાહેરનામું બહાર પાડી શકાયું ન હતું.
ભારતના શેરપા અમિતાભ કાંતે પણ સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને જી20 ફોરમમાં મુદ્દો બનાવવો જોઈએ નહીં.
તેમણે કહ્યું કે યુક્રેનનું યુદ્ધ એ યુરોપનું યુદ્ધ છે, વિકાસશીલ દેશોના મુદ્દા અલગ છે અને તેમાં આર્થિક સંકટ મુખ્ય છે.
વડાપ્રધાન મોદીની કૂટનીતિ માટે મોટી જીત
વરિષ્ઠ પત્રકાર કેવી પ્રસાદ કહે છે કે, "આપણે ભારત વિશે શંકાઓ સેવી રહ્યા હતા પરંતુ આપણે એ કરી બતાવ્યું."
અહીં હાજર અનેક પત્રકારોએ એ કહ્યું કે આ યજમાન ભારતની જીત છે અને આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિને કારણે શક્ય બન્યું છે.
કેવી પ્રસાદે કહ્યું, "વીસ દેશોના નેતાઓને મનાવીને એક મુદ્દા પર સહમતી બનાવવી એ હકીકતમાં એક કઠિન કામ છે પરંતુ ભારતે પહેલ કરી અને આ શક્ય બન્યું."
ભારતીય પત્રકારોનો એક સમાન મત હતો કે આ મોદીની કૂટનીતિક સફળતા છે અને તેમની રાજનૈતિક ઇચ્છાશક્તિનું પ્રતિબિંબ છે.
યુક્રેન પરના હુમલા બદલ ભારતે ક્યારેય ખુલ્લેઆમ રશિયાની નિંદા કરી નથી. તેણે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે પણ સંતુલન જાળવ્યું અને કહ્યું કે શાંતિ સ્થાપવી એ સમયની જરૂરિયાત છે.
રશિયા આ ડ્રાફ્ટ પર કઈ રીતે સહમત થયું?
નિષ્ણાતોના મતે યુક્રેનના યુદ્ધને લઈને બાલી સમિટમાં રશિયાની જે રીતે ટીકા કરવામાં આવી હતી તે રશિયા અને ચીનને પસંદ નથી આવ્યું.
આ વખતે ભારતે ઘોષણાપત્રના શબ્દો બદલીને રશિયાને મનાવી લીધું.
નવી દિલ્હીના ઘોષણાપત્રમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો ઉપયોગ એટલો રાજદ્વારી રીતે કરવામાં આવ્યો છે કે રશિયા અને ચીન પણ તેની સાથે સહમત થઈ ગયા.
દક્ષિણપંથી વિચારક અને વિદેશી બાબતોના નિષ્ણાત ડૉ. સુવરોકમલ દત્તાએ જણાવ્યું હતું કે, "ભારતના વડા પ્રધાન મોદીના ગતિશીલ અને વૈશ્વિક નેતૃત્વ હેઠળ ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. દરેક દેશો સંપૂર્ણ રીતે સહમત છે કે 21મી સદી એ શાંતિ અને વૈશ્વિક સમુદાયના સર્વાંગી વિકાસનો યુગ હશે. જેમાં સમગ્ર વિશ્વ એક પરિવાર તરીકે એક થવું જોઈએ."
મીડિયા સેન્ટરમાં હાજર ઓસ્ટ્રેલિયાના 'સિડની મૉર્નિંગ હેરાલ્ડ' અખબારના પત્રકારે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે સર્વસંમતિ કેવી રીતે થઈ.
બે દિવસીય સંમેલનના પહેલા જ દિવસે આ વાતની જાહેરાત થઈ તેનું પણ તેમને આશ્ચર્ય થયું હતું. "હવે રવિવારે કૉન્ફરન્સના છેલ્લા દિવસે કવર કરવા માટે કંઈ બાકી રહેશે નહીં."
અહીં હાજર અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંમેલનના છેલ્લા દિવસે એટલે કે રવિવારે સવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઍન્થોની અલ્બેનીઝ દિલ્હીથી રવાના થઈ ગયા છે. તેથી આ જાહેરાત શનિવારે કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મામલાના વિશ્લેષકો કહેતા હતા કે દિલ્હી સમિટમાં પશ્ચિમી દેશો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સંમેલનમાં યુક્રેનના મુદ્દાને પ્રાથમિકતા અપાય તે સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરશે.
પરંતુ યજમાન ભારતે આવું થવા દીધું ન હતું.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેક્લિયૉડે કહ્યું કે, શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ બાઇડેન સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને આશ્વાસન આપ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવા માટે અમેરિકા ભારતને સંપૂર્ણ મદદ કરશે.
એક અમેરિકન પત્રકારનું માનવું હતું કે 'આ જ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંમેલનના ઘોષણાપત્ર પર રાષ્ટ્રપતિ બાઇડનની સંમતિ લીધી હશે.'
જી20 હવે જી21 બન્યું
શનિવારે સંમેલન શરૂ થતાં જ વડાપ્રધાને સમાચાર આપ્યા કે આફ્રિકન યુનિયન હવે જી20 પરિવારમાં સામેલ થઈ ગયું છે અને આ રીતે આફ્રિકાની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે. આફ્રિકન યુનિયનના 55 સભ્ય દેશોમાં આ અંગે હકારાત્મક પ્રતિક્રિયાઓ છે.
તેનો શ્રેય પણ ભારતને આપવામાં આવી રહ્યો છે.
વડા પ્રધાને આફ્રિકન યુનિયનના સભ્યપદની જોરદાર હિમાયત કરી છે અને તાજેતરમાં જી20 સભ્યોને પત્ર લખ્યો હતો કે "એ સમય આવી ગયો છે કે આફ્રિકાના દેશોને અવગણી શકાય નહીં."
વરિષ્ઠ પત્રકાર કે.વી.પ્રસાદના કહેવા પ્રમાણે, "જો યુરોપિયન યુનિયન જી20નું સભ્ય બની શકે છે તો આફ્રિકન યુનિયન કેમ નહીં?"
તેમણે કહ્યું કે આફ્રિકન દેશોની જીત એ પણ ભારતની જ જીત છે. તેઓ કહે છે, "ઘણા આફ્રિકન દેશો પહેલાંથી જ એ વાતની વકીલાત કરી રહ્યા છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનાવવું જોઈએ. હવે તમામ આફ્રિકન દેશો તેના પર સહમત થશે."
આફ્રિકાના ઘણા દેશોમાં ખાદ્ય સુરક્ષા એ એક મોટી સમસ્યા છે.
ભારતે શનિવારે આ તરફ સભ્યોનું ધ્યાન દોર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ અને અમીર દેશો વચ્ચે વધતા જતા અંતરને ઘટાડવા માટે વૈશ્વિક આર્થિક સંકટને સામૂહિક રીતે દૂર કરવું જરૂરી છે.
ડૉ. સુવરોકમલ દત્તા માને છે કે ભારતે ભવિષ્યમાં જી22ની હિમાયત પણ કરવી જોઈએ.
તેઓ કહે છે, “જી20ના ભારતના પ્રમુખપદ હેઠળ વિશાળ આફ્રિકન યુનિયનના સમાવેશ સાથે ગ્લોબલ સાઉથના વ્યાપક પ્રતિનિધિત્વમાં મોટો વધારો થયો છે જે જી21 માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે. હવે ભારતે 2024ની બેઠકમાં જી21 ને જી22માં પરિવર્તિત કરવા માટે પેસિફિક ટાપુ દેશોના સમાવેશ પર ભાર મૂકવો જોઈએ."
આફ્રિકન યુનિયનને સામેલ કરવાને કારણે ભારતને ફાયદો
આફ્રિકન યુનિયનના સભ્યપદથી ભારતને બીજા ઘણા ફાયદા છે. જી20માં આફ્રિકન યુનિયનને જોડવાની હિમાયત કરીને તેણે સાબિત કર્યું છે કે ગ્લોબલ સાઉથ તરીકે ઓળખાતા વિકાસશીલ દેશોનું નેતૃત્વ કરવાનો તેનો દાવો ખોટો નથી.
બીજી તરફ, ભારતે ચીન, રશિયા, તુર્કી અને અમેરિકાની સાથે સમગ્ર આફ્રિકામાં પણ ઘણું રોકાણ કર્યું છે. આફ્રિકન મહાદ્વીપના આ દેશો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે આફ્રિકા પર કેટલો પ્રભાવ બનાવવામાં કોણ સફળ થાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે જી20માં આફ્રિકા મહાદ્વીપનો સમાવેશ કરીને ભારતે કદાચ આ રેસ જીતી લીધી છે.
જી20ની સ્થાપના 1997માં મોટી આર્થિક કટોકટી પછી થઈ હતી. પરંતુ 2008માં વૈશ્વિક આર્થિક મંદી દરમિયાન તેને સમિટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
આ સમિટ વર્ષમાં એકવાર થાય છે. દર વર્ષે કોઈ એક સભ્ય દેશને અધ્યક્ષ બનાવવામાં આવે છે જેની અધ્યક્ષતામાં સમિટ યોજાય છે.
ગયા વર્ષે આ સમિટ ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી. ભારત આ વર્ષના અંતમાં તેનું અધ્યક્ષપદ બ્રાઝિલને સોંપવા જઈ રહ્યું છે અને આગામી સમિટ બ્રાઝિલમાં જ યોજાશે.