You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સારો પુરુષ હોવું એટલે શું? હકારાત્મક પુરુષો મહિલાઓ સાથે કેવું વર્તન કરે?
પુરુષનો દેખાવ કેવો હોવો જોઈએ, તેણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? એ વિશે કદાચ વિશ્વ સર્જાયું ત્યારથી એક ખાસ પ્રકારના વિચારનું અસ્તિત્વ રહ્યું છે.
વિશ્વના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી સંસ્કૃતિ અને ધર્મોના આધારે અમુક ફરક જરૂર હોઈ શકે પરંતુ પુરુષની છબિ મોટા ભાગે એક જેવી જ રહી છે.
આપણે બધા પોતાનાં ઘરોમાં, આસપાસના લોકો સાથે વાતચીત દરમિયાન કે મીડિયા કે ફિલ્મોમાં પણ ઘણી પેઢીઓથી અમુક ખાસ પ્રકારની વાતો સાંભળતા આવ્યા છીએ.
જેમ કે પુરુષોને દુખાવો નથી થતો, પુરુષ થઈને રડે છે, કેવો પુરુષ છે માર ખાઈને આવી ગયો, બંગડી પહેરી છે? વગેરે વગેરે.
ખરેખર આ પ્રકારનો વિચાર પિતૃસત્તાત્મક સમાજના અરીસા બરાબર છે.
પૈસા કમાવવા અને ઘર ચલાવવું એ પુરુષની જવાબદારી છે, મહેનતવાળાં બધાં કામ પુરુષો જ કરી શકે છે, ઘરના મામલામાં અંતિમ નિર્ણય હંમેશાં પુરુષ જ કરશે જેવી વિચારધારા આપણા સામાજિક વિચારનો ભાગ રહી છે.
પંજાબ યુનિવર્સિટીમાં વીમેન સ્ટડીઝ વિભાગનાં પ્રોફેસર ડૉ. અમીર સુલતાના કહે છે કે આ એક ‘સોશિયલ કન્સ્ટ્રક્ટ’ છે એટલે કે આને સમાજે નિર્માણ કર્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "પુરુષો વિશે આ પ્રકારની વિચારધારા સમાજે ઘડી છે અને કુદરત સાથે તેને કોઈ લેવાદેવા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેથી આપણે એ પણ જોઈએ છીએ કે અલગ અલગ સમાજમાં પુરુષત્વની અલગ અલગ પરિભાષા હોઈ શકે છે, પરંતુ એક વાત બધામાં સામાન્ય છે અને એ એ છે કે પુરુષ વધુ તાકતવર છે તેથી એ જ અંતિમ નિર્ણય કરશે."
પુરુષો અંગેના શબ્દો
વર્ષ 2018માં જ્યારે #Metoo કૅમ્પેન સમગ્ર વિશ્વમાં શરૂ થયું ત્યારે પુરુષો વિશે આ પ્રકારની માનસિકતા માટે એક ખાસ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો.
અને એ ખાસ શબ્દ હતો ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી.’
આ શબ્દને આપ આ રીતે સમજી શકો કે જો તમે એવું વિચારતા હો કે તમે પુરુષ છો અને તમને એક ખાસ પ્રકારે તેની રજૂઆત કરવી પડશે.
પુરુષ તાકતવર હોય છે અને મહિલાઓ નબળી, તમારે માત્ર આ વાત માનવાની જ નથી, તમારા વ્યવહારમાં પણ આ દેખાવું જોઈએ.
જો તમારી વિચારધારા આવી હોય તો આ ખરેખર મરદાનગી નહીં પરંતુ ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’ કે ‘ઝેરી મરદાનગી’ છે.
તો પછી એવો સવાલ ઊઠ્યો કે જો પુરુષ અંગે સદીઓથી ચાલતી આવતી વિચારધારા મરદાનગી નહીં બલકે ઝેરી મરદાનગી છે તો પછી અસલ મરદાનગી શું છે?
આ સવાલનો જવાબ શોધવાના પ્રયત્નમાં એક નવા શબ્દનું ચલણ વધવા લાગ્યું, જે છે હેલ્ધી મૅસ્ક્યુલિનિટી કે પૉઝિટિવ મૅસ્ક્યુલિનિટી.
ગૅરી બારકર ‘ઇક્યૂમુંડો સેન્ટર ફૉર મૅસ્ક્યુલિનિટી ઍન્ડ સોશિયલ જસ્ટિસ’ના સીઈઓ અને સહસંસ્થાપક છે. તેઓ ‘મૅનકેર’ અને ‘મૅનઇંગેજ’ નામની સંસ્થાના પણ સહસંસ્થાપક છે.
મૅનકેર 50 કરતાં વધુ દેશોમાં ચાલી રહેલું એક ગ્લોબલ કૅમ્પેન છે, જેનો હેતુ પુરુષોને ‘કેરગિવર’ની ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
મૅનઇંગેજ સમગ્ર વિશ્વનાં 700 કરતાં વધુ બિનસરકારી સંગઠનોનું એક ગ્લોબલ ઍલાયન્સ છે.
ગૅરી બારકર ઇન્ટરનૅશનલ મૅન ઍન્ડ જેન્ડર ઇક્વૉલિટી સર્વે (IMAGES)ના સહસંસ્થાપક છે.
પુરુષોના સ્વભાવ, પિતાની જવાબદારી, હિંસા અને લૈંગિક સમાનતા પ્રત્યે તેમના દૃષ્ટિકોણ અંગે એવું કહેવાયું છે કે એ અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો સર્વે છે.
ગૅરી બારકરે બીબીસી રીલ્સ સાથે પોતાના વિચાર શૅર કર્યા.
સારો છોકરો હોવું એટલે શું?
બીબીસી રીલ્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઘણા છોકરા અને પુરુષોને એ વાત અંગે ઘણી મૂંઝવણ છે કે ખરેખર સારો છોકરો કે પુરુષ હોવું એટલે શું?
બારકર અનુસાર તેમને પોતાના સરવેમાં ખબર પડી કે પુરુષ જ્યારે પરિવારમાં એકબીજાનું ધ્યાન રાખે છે ત્યારે તેનાથી સમગ્ર પરિવારને લાભ થાય છે.
તેમના અનુસાર હેલ્ધી મરદાનગી મહિલાવિરોધી ઝેરી વિચારધારા સામેની રસી છે.
તેમણે કહ્યું છે કે સૌથી સરળ રીત એ છે કે પુરુષોને એ વાતનો અહેસાસ કરાવાયા કે જ્યારે તેઓ યૌન શોષણની વાત સાંભળે કે કોઈ મહિલાવિરોધી મજાક સાંભળે તો તરત જ તેના વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે.
તેઓ આગળ જણાવે છે કે જ્યારે કોઈ પુરુષને ખબર પડે કે તેમની ઑફિસમાં કે તેમના મિત્રો કે સંબંધીઓના સર્કલમાં અમુક પુરુષ યૌન હિંસા કરી રહ્યો છે તો તેમના વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરો.
પંજાબ યુનિવર્સિટીનાં ડૉ. અમીર સુલતાનાનું પણ કહેવું છે કે મહિલાઓ અને છોકરીઓ સાથે સમાજમાં જો ક્યાંક ભૂલ થઈ રહી હોય તો પુરુષોએ આના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
ડૉ. સુલતાના અનુસાર આ જ વાત પૉઝિટિવ મૅસ્ક્યુલિનિટી છે.
તેનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે,"જો તમે પુરુષ હોવાના કારણે ઘરમાં નિર્ણય લેવાનો અધિકાર ધરાવો છો તો છોકરો વિના દહેજ લગ્ન કરવાનો નિર્ણય લે એ પૉઝિટિવ મૅસ્ક્યુલિનિટીનું જ ઉદાહરણ હશે."
ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી
બારકર અનુસાર મહિલાઓના સશક્તિકરણ અને પૂર્ણ લૈંગિક સમાનતાની સફરમાં પુરુષોની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
ભારતમાં સમલૈંગિંકોના અધિકારો માટે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા મુંબઈસ્થિત હરીશ અય્યરનું માનવું છે કે હેલ્ધી મૅસ્ક્યુલિનિટીનો અર્થ એવી વિચારધારા હોવાનો છે જેમાં તમામ જેન્ડર માટે જગ્યા હોય, તેનું સ્વાગત કરાતું હોય અને તમામ માટે સમાન તકો હોય.
બીબીસી હિંદી માટે ફાતિમા ફરહીન સાથે વાત કરતાં હરીશ અય્યરે કહ્યું કે હેલ્ધી મૅસ્ક્યુલિનિટીની વિચારધારાના મૂળમાં ફેમિનિઝ્મ કે નારીવાદ જ છે.
નારીવાદની ધારણા છે કે સમાજ, પુરુષ-દૃષ્ટિકોણને પ્રાથમિકતા આપે છે અને પિતૃસત્તાત્કમ સમાજમાં મહિલાઓ સાથે ભેદભાવ અને અન્યાય થાય છે.
હરીશ અય્યર કહે છે કે સ્વસ્થ મૅસ્ક્યુલિનિટી પણ આ જ વિચાર છે પરંતુ તેમાં ફરક માત્ર એટલો છે કે તેમાં ન માત્ર મહિલા માટે પરંતુ તમામ જેન્ડર માટે સમાન તકની વાત કરાઈ છે.
આજકાલ પૉઝિટિવ મૅસ્ક્યુલિનિટીની વાત કેમ વધુ થઈ રહી છે, આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે સમાજમાં જ્યારે ટૉક્સિક મૅસ્ક્યુલિનિટીની વાત થઈ રહી છે તો તેના વિરોધમાં આ પ્રકારની પ્રગતિશીલ વિચારધારની પણ વાત થવી એ સ્વાભાવિક છે.
હરીશ અય્યર વધુ એક મહત્ત્વપૂર્ણ વાત જણાવતાં કહે છે કે ટૉક્સિક મૅસ્ક્યુલિનિટીનો સંબંધ પુરુષો સાથે જ નથી હોતો, અમુક મહિલાઓ પણ ટૉક્સિક મૅસ્ક્યુલિનિટીને પ્રોત્સાહિત કરે છે.
બંગડીનું પ્રતીક
ડૉ. અમીર સુલતાનાનું પણ આવું જ માનવું છે. તેઓ કહે છે કે, “મહિલાઓ પણ એ જ સમાજનો ભાગ છે જ્યાં આપણે મરદાનગીને મહત્ત્વ આપીએ છીએ. મહિલાઓ જાતે પણ ઘણી વાર રાજકીય વિરોધમાં સામેલ થાય છે ત્યારે અમુક અધિકારી કે રાજનેતાને જઈને પોતાની બંગડી આપે છે. બંગડીને વિરોધનું પ્રતીક બનાવે છે.”
ગૅરી બારકરનું માનવું છે કે પાછલાં અમુક વર્ષોમાં પુરુષોની વિચારધારામાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.
તેમણે કહ્યું છે કે પુરુષોને એ વાતનો અહેસાસ કરાવાય કે તેમનું પણ ઘણું બધું દાવ પર છે એ વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો આ વિશ્વ લૈંગિક સમાનતા તરફ આગળ વધે તો એ પુરુષો માટે પણ લાભનો સોદો સાબિત થશે.
લૈંગિક સમાનતાના આ જંગમાં જો પુરુષ મહિલાઓ સાથે તેમના સહયોગી બનીને ઊભા રહે તો આ સમગ્ર પ્રક્રિયામા તેઓ પણ એક સારી વ્યક્તિ બને છે.
ક્વીર ફેમિનિસ્ટ ગ્રૂપ નઝરિયાના સિનિયર પ્રોગ્રામ કૉર્ડિનેટર ઝયાન કહે છે કે હેલ્ધી મૅસ્ક્યુલિનિટી એ જ છે જે સમાજનાં ઘડાયેલાં નિયમો અને દૃષ્ટિકોણને પડકારી શકે.
બીબીસી માટે ફાતિમા ફરહીન સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે,"જેમ જેમ સમાજમાં ઘરેલુ હિંસા વધવા લાગી અને તેના પર ચર્ચા થવા લાગી ત્યારે લોકોને લાગ્યું કે આ સમગ્ર મામલામાં સૌથી જરૂરી એ છે કે મૅસ્ક્યુલિનિટી વિશે પુરુષો સાથે સીધો સંવાદ કરાય."
તેમના અનુસાર પુરુષોને જણાવાયું કે પુરુષોની જે છબિ ઘડી રખાઈ છે, એ યોગ્ય નથી.
વિચારધારા બદલવાની જરૂર
ઝયાન કહે છે કે હાલ જે પ્રકારે રાષ્ટ્રીયતાની વાત કરાઈ રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પરંપરાગત મૅસ્ક્યુલિનિટીની જ વિચારધારાથી કામ કરી રહી છે.
તેઓ કહે છે કે, "ભારતમાં હેલ્ધી મૅસ્ક્યુલિનિટી વિશે વાત તો થઈ રહી છે પરંતુ જરૂરિયાત છે કે તેને વધુ વ્યાપક બનાવાય. સંસ્થાઓ લોકો ને જણાવી રહી છે કે આપણે આપણા છોકરાને કેવી રીતે મોટા કરવા, કેવી રીતે તેમનો ઉછેર કરવો."
તેમજ લોકોની વિચારધારા અને વાલી આમાં શું ભૂમિકા ભજવી શકે છે.
આ વિશે ડૉ. સુલતાના કહે છે કે, "આ પ્રકારની વિચારધારા ત્યારે જ બદલી શકાય જ્યારે આપણે બાળકોને શરૂઆતથી જ એવું શીખવીએ કે છોકરો-છોકરી એકસમાન છે. એક સારો પુરુષ ત્યારે જ બની શકે જ્યારે પહેલાં એ સારો માણસ બને."
ડૉ. સુલતાના કહે છે કે હવે તો માત્ર પુરુષ અને મહિલા જ નહીં પરંતુ હવે તો એલજીબીટીક્યૂઆઈની વાત થઈ રહી છે.
તેમના અનુસાર, આખા સમાજે જ બદલાવું પડે ત્યારે જ કોઈ સમાજ પ્રગતિ સાધી શકે.
આ મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.