"બધા મને ચુડેલ કહેતા." 9 સપ્તાહની દીકરીની હત્યા માટે ખોટી રીતે દોષી ઠેરવાયેલાં ઑસ્ટ્રેલિયન માતાના સંઘર્ષની કહાણી

    • લેેખક, માયલેસ બુર્કે
    • પદ, બીબીસી કલ્ચર

લિન્ડી ચૅમ્બરલેન નામનાં એક ઑસ્ટ્રિલિયન માતાનું બાળક ઉલુરુ ખાતેના ટૅન્ટમાંથી ગાયબ થઈ ગયું હતું. મીડિયાએ તેમના પર શંકા વ્યક્ત કરી હતી અને લોકોએ તેમના પર જાતજાતના આક્ષેપ કર્યા હતા. તેમનો કેસ ઑસ્ટ્રેલિયાના કાનૂની ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને વિભાજનકારી કેસો પૈકીનો એક હતો. 41 વર્ષ પહેલાં હત્યા માટે દોષિત ઠેરવવામાં આવેલાં લિન્ડીએ પોતાને નિર્દોષ સાબિત કરવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો.

‘ઇન હિસ્ટ્રી’ નામની નવી શ્રેણીના ભાગરૂપે આ વિશેષ બીબીસી આર્કાઈવ ક્લિપમાં લિન્ડી જણાવે છે કે ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવે ત્યારે વ્યક્તિએ કેટલું સહન કરવું પડે છે.

બીબીસીના ટેરી વૉગન તેમના 1991ના શોમાં લિન્ડી ચૅમ્બરલેનને સવાલ પૂછી રહ્યા હતા ત્યારે તેઓ આરામથી બેઠા હતાં અને સાવધ નજરે જોતાં હતાં. પાવડર બ્લુ જેકેટમાં સજ્જ લિન્ડી નરમાશથી વાત કરતાં હતાં. તેમની પાસે સાવધ રહેવાનું કારણ હતું. દીકરીના દુઃખદ મૃત્યુ, પછી અખબારી અહેવાલોના આક્રમણ અને હત્યા માટે તેમને ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવ્યા હોવાને લીધે લિન્ડીનું જીવન ખેદાનમેદાન થઈ ગયું હતું.

નવ સપ્તાહની દીકરી અઝારિયા ગુમ થયા બાદ લિન્ડીને અનિચ્છનીય આંતરરાષ્ટ્રીય કુખ્યાતિ મળી હતી. 1980ની 17 ઑગસ્ટે લિન્ડી અને તેમના પતિ માઈકલ પરિવાર સાથે ઉલુરુના આયર્સ રૉક ખાતે કૅમ્પિંગ ટ્રીપ પર ગયાં હતાં. એ વખતે અઝારિયા તેમના ટૅન્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી.

લિન્ડીએ જણાવ્યુ હતું કે તેમણે ડિંગો નામે ઓળખાતા જંગલી કૂતરાને ટૅન્ટમાંથી બહાર નીકળતો જોયો હતો. એ અઝારિયાને લઈ ગયો હશે એવું તેમણે ધાર્યું હતું. કૅમ્પિંગ ગ્રૂપ અને સ્થાનિક લોકોએ સઘન શોધખોળ કરી હતી, પરંતુ અઝારિયાની લાશ ક્યારેય મળી ન હતી. પ્રારંભિક પૂછપરછમાં ચૅમ્બરલેનની રજૂઆત સ્વીકારવામાં આવી હતી, પરંતુ ઑસ્ટ્રેલિયાના ફરિયાદ પક્ષ અને મીડિયાના એક હિસ્સાએ તેમની વાત સાચી માની ન હતી.

મોટા પાયે લોકોના રોષનો સામનો કરવો પડ્યો

વ્યાપક પ્રેસ કવરેજને લીધે ચૅમ્બરલેન દંપતીએ મોટા પાયે લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેમના પર થૂંક્યા હતા અને ઘણી વખત તેમને હત્યાની ધમકી પણ આપવામાં આવી હતી. બીબીસીની ઍક્સક્લુઝિવ ક્લિપમાં લિન્ડીએ વૉગનને કહ્યું હતું, “પ્રથમ પૂછપરછ પછી મને એટલી બધી ધમકી આપવામાં આવી હતી કે મારા માટે પોલીસ બૉડીગાર્ડની વ્યવસ્થા કરવી પડી હતી.”

લિન્ડીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓ પ્રેસ સાથે વાત કરવા સંમત થયાં હતાં, કારણ કે તેઓ અન્ય માતા-પિતાને સાવધ કરવા ઇચ્છતાં હતાં. પરંતુ તેમને અલગ જ સ્વરૂપે ચિત્રિત કરવામાં આવતા હતા અને તેના પર તેમનું કોઈ નિયંત્રણ ન હતું.

તેમણે કહ્યું હતું, “મીડિયામાં મારું જે ચિત્રણ કરવામાં આવ્યું તે ઑસ્ટ્રેલિયાના લોકોએ જોયું છે. પ્રથમ ઇન્ટરવ્યૂમાં હું ભાંગી પડી હતી. મીડિયાના લોકો આવતા અને કહેતા, "જુઓ, તમારી દીકરી સાથે જે થયું છે, તેનાથી અમે દિલગીર છીએ. લોકોને સાવધ કરી શકાય તેવું કશું નથી તેથી અમે અસ્વસ્થ છીએ. અમે જાણીએ છીએ કે તમે કોણ છો. તમે મને મદદ કરશો?" હું કહેતી કે જરૂર મદદ કરીશ.”

“અમે ખરેખર મદદ કરી. પહેલો રિપોર્ટર આવ્યો અને કહ્યુ કે ઇન્ટરવ્યૂ બહુ સરળ હતો. તેમણે પૂરતી લાગણી દર્શાવી ન હતી. માતા ઇન્ટરવ્યૂ દરમિયાન ભાંગી પડ્યાં હોવા છતાં કંઇક ખોટું થયું હોય એવું લાગે છે.”

પોલીસ પોતાની શંકા-કુશંકા અને બીજી માહિતી પત્રકારોને આપતી હતી એવું લિન્ડી માનતા હતાં, પરંતુ પરિસ્થિતિ તેમના માટે પ્રતિકૂળ હતી.

“પોલીસ મીડિયાને સતત માહિતી આપતી હતી. તેની સામે લડવાનો અમારી પાસે કોઈ રસ્તો ન હતો. તેથી લોકોને કોઈ ભયાનક મહિલાના પ્રારંભિક પિક્ચર્સ જોવા મળ્યાં હતાં. દાખલા તરીકે, હું ઇન્ટરવ્યૂમાં રડી પડતી ત્યારે તેઓ તેને એડિટ કરી નાખતા હતા. કારણ કે મારા રડવાની વાત તેઓ કરશે તો લોકો નારાજ થઈ જશે. તેથી હું કોઈ મજાક પર સ્મિત કરતી તો કહેવામાં આવતું હતું કે હું બેદરકાર છું. હું રડતી તો કહેવામાં આવતું કે હું એક્ટિંગ કરું છું. બન્ને રીતે મુશ્કેલીનો સામનો જ કરવાનો હતો. બધા મને ચુડેલ ગણતા હતા.”

લિન્ડીનો કોર્ટ કેસ કાનૂન અને મીડિયા માટે મોટી ઘટના બની ગયો હતો. તેને મીડિયાએ સનસનાટીભર્યા સ્વરૂપે કવર કરી હતી અને લોકમત બે હિસ્સામાં વિભાજિત થઈ ગયો હતો.

બાળકના ગુમ થવામાં ડિંગો કૂતરાની ભૂમિકા બાબતે ચર્ચા ચાલી હતી. એ સમયે ડિંગોને સામાન્ય રીતે ખતરનાક ગણવામાં આવતા ન હતા.

ચૅમ્બરલેન પરિવાર સેવન્થ-ડે ઍડવેન્ટિસ્ટ ધર્મનું પાલન કરતો હતો. તેમના આ ધાર્મિક બૅકગ્રાઉન્ડ બાબતે શંકા તથા પૂર્વગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેને લીધે સાંપ્રદાયિક પ્રવૃત્તિના આક્ષેપ પણ થયા હતા.

ફરિયાદ પક્ષની રજૂઆતનો મુખ્ય આધાર પરિવારની કારમાંથી મળી આવેલું લિન્ડીની દીકરીનું લોહી હતું. એ પુરાવાના વ્યાપકપણે ચગાવવામાં આવ્યો હતો. આ કેસ મહદંંશે સાંયોગિક પુરાવા પર આધારિત હતો. બાળકનો મૃતદેહ ક્યારેય મળ્યો ન હતો.

સમગ્ર કાયદાકીય કાર્યવાહી દરમિયાન લિન્ડી પોતે નિર્દોષ હોવાનું જણાવતા રહ્યાં હતાં, પરંતુ 1982ની 29 ઑક્ટોબરે તેમને તેમની દીકરીની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યાં અને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી. લિન્ડીના પતિ માઇકલ પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને આ કામમાં મદદગાર તરીકે 18 મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી.

તમામ કાયદાકીય વિકલ્પો અજમાવ્યા પછી લિન્ડી 1986માં જેલમાં હતાં ત્યારે અકસ્માતે નવા પુરાવા મળી આવ્યા હતા. પોલીસ સતત એવું કહેતી રહી હતી કે અઝારિયાના મૅટિની જેકેટનું અસ્તિત્વ જ નથી. એ જેકેટ ઉલુરુના ડિંગો લેયરમાંથી આંશિક રીતે દટાયેલું મળી આવ્યું હતું.

લિન્ડીએ કહ્યું હતું, “મારી એ વાત સાચી હતી એવું તેઓ સ્વીકારશે તો તેમણે એ પણ કબૂલવું પડશે કે બીજી ઘણી બાબતોમાં હું સાચી હતી.”

એ પુરાવાને પગલે લિન્ડીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં અને 1988માં પતિ-પત્ની બન્નેને સત્તાવાર રીતે તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.

1991માં તેમણે છૂટાછેડા લીધા હતા અને 2017માં માઈકલનું અવસાન થયું હતું.

કેસ પરથી ફિલ્મ પણ બની છે

અન્યાયના આ કિસ્સામાં અઝારિયાના મોતનું કારણ વર્ષો પછી પણ અટકળ અને ઇશારતોનો વિષય બની રહ્યું હતું. 1988માં ચૅમ્બરલેનના કેસ પરથી ‘એ ક્રાય ઇન ધ ડાર્ક’ ફિલ્મ બનાવવામાં આવી હતી. તેમાં મેરિલ સ્ટ્રીપે લિન્ડીની અને સેમ નીલે માઈકલની ભૂમિકા ભજવી હતી.

લિન્ડીએ 1990માં ‘થ્રૂ માય આઈઝ’ નામનું પુસ્તક લખ્યું હતું અને અઝારિયાના રહસ્યમય મૃત્યુની ઘટનાની તેમના અને તેમના પરિવાર પર કેટલી વ્યાપક અસર થઈ હતી તેની વિગત આપી હતી. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે એ ઘટનાનો ઓછાયો તેમનાં ત્રણેય બાળકોનાં જીવન પર છવાયેલો રહ્યો છે.

લિન્ડીના કહેવા મુજબ, “તેમની સામે ઘણી ખોટી માહિતી રજૂ કરવામાં આવી છે. મારાં સંતાનોને સાચી માહિતી મેળવવાનો અધિકાર છે. શેરીમાં સામે મળતા લોકો સતત જે સવાલો પૂછે છે તેના ઘણા જવાબ આ પુસ્તકમાં છે.”

એક કોરોનરે ચૅમ્બરલેન કેસનો અંતિમ અહેવાલ 2012માં બહાર પાડ્યો હતો અને તેમાં ઔપચારિક રીતે જણાવ્યું હતું કે અઝારિયા પર ડિંગોએ હુમલો કર્યો હતો અને ડિંગો તેને તાણી ગયો હતો. લિન્ડી અને માઈકલ આ વાત શરૂઆતથી જ કહેતા રહ્યા હતા.

ચૅમ્બરલેન કેસના ચુકાદાને પગલે ઑસ્ટ્રેલિયામાં વ્યાપક આત્મચિંતન થયું હતું. સામાન્ય જનતા, મીડિયા, પોલીસ અને અદાલતોમાં કેટલા લોકો એક નિર્દોષ મહિલાને દોષી માનવા તથા એક દુખી માતાને દંડિત કરવા ઇચ્છુક હતા, એ વાત સાથે સહમત થવું ઑસ્ટ્રેલિયાના ઘણા લોકો માટે મુશ્કેલ છે.

‘એવિલ એન્જલ્સ’ અઝારિયાના ગુમ થવાની ઘટના વિશેનું નિર્ણાયક પુસ્તક છે અને તેના આધારે જ ‘એ ક્રાય ઇન ધ ડાર્ક’ ફિલ્મ બનાવવામાં આવી હતી.

‘એવિલ એન્જલ્સ’ પુસ્તકના લેખક જોન બ્રાયસને કહ્યું હતું, “ઑસ્ટ્રેલિયનો હંમેશાં પોતાના વિશે જ વિચારે છે અને આ દેશને ન્યાયસંગત ગણે છે. આ કેસમાં વાસ્તવમાં એવું થયું નહીં.”