નિઠારી ચુકાદો: નરભક્ષી હોવાના આરોપી સુરિંદર કોલીની ફાંસીના ફંદાથી બચી જવાની દાસ્તાન

'હું જેલમાંથી બહાર આવીશ, ચોક્કસથી બહાર આવીશ.' ઘણી વખત નિઠારીકાંડનો દોષિત સુરિંદર કોલી આ વાત કહેતો, ત્યારે જેલના અધિકારીઓ તેને હળવાશથી લેતા, કારણ કે નીચલી અદાલતે તેને એક-બે નહીં, પરંતુ 12-12 કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી.

જોકે, સ્કૂલનું શિક્ષણ પૂરું ન કરી શકનાર સુરિંદર માટે આ જીવન-મરણનો સવાલ હતો. તેણે જેલમાં રહીને આપબળે લડાઈ શરૂ કરી. જેલમાં તે ચોક્કસ લોકોની સાથે મળવાનો પ્રયાસ કરતો અને બીજા બધાની ઉપેક્ષા કરતો.

એક તબક્કે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને ફાંસીનો ફંદો સુરિંદરના ગળા સુધી પહોંચી ગયો હતો, પરંતુ તેમાંથી તેનો આબાદ બચાવ થયો હતો.

એક-બે કેસમાં છૂટી જાય તો પણ આટલી સંખ્યાના કેસોમાં છૂટવું મુશ્કેલ હતું. પરંતુ તાજેતરમાં અલ્લાહબાદ હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો, ત્યારે કોલીનો વિશ્વાસ ખરો સાબિત થયો હતો. આ હત્યાકાંડના અન્ય એક આરોપી મોનિંદરસિંહ પંઢેરનો પણ જેલમાંથી છુટકારો થઈ ગયો છે.

કોલી અને પંઢેર ઉપર દુષ્કર્મ, હત્યા, પુરાવાને નષ્ટ કરવાના તથા અન્ય આરોપોમાં ગાઝિયાબાદની સીબીઆઈની કોર્ટે બંનેને ફાંસીની સજા ફટકારી હતી.

વર્ષ 2006માં નોઇડાનો બહુચર્ચિત નિઠારીકાંઠ બહાર આવ્યો, ત્યારે ઉત્તર પ્રદેશ જ નહીં, ભારતભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગુનાનું વિવરણ પાષાણહૃદયી માનવીને પણ પીગળાવી દે તેવું હતું.

પીડિત પરિવારોએ કોલી અને પંઢેરની સામે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવાનું નક્કી કર્યું છે.

(નોંધ: અહેવાલના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાંચનારનો વિવેક અપેક્ષિત)

સુરિંદર કોલી : 'નરભક્ષી' હોવાના આરોપનો સામનો કરનાર રસોઈયો

સુરિન્દર કોલી સેનાના એક નિવૃત્ત અધિકારીના ઘરે રસોઇયા તરીકે કામ કરતો. ઉદ્યોગપતિ મોનિંદરસિંહ પંઢેરની આ અધિકારીના ઘરે અવરજવર હતી. તેને સુરિંદરની રસોઈ પસંદ આવી ગઈ હતી એટલે તેને પોતાની સાથે નોઇડા સેક્ટર-31 ના ડી-5 ખાતેના બંગલે લાવ્યો હતો.

અહીં મોનિંદર એકલો રહેતો હતો અને તેનો પરિવાર પંજાબમાં હતો. કોલી તેના માટે રસોઈ બનાવતો, ઘરકામ કરતો અને બીજાં નાનાંમોટાં કામો કરી આપતો.

તપાસ એજન્સીઓના આરોપનામા પ્રમાણે સુરિંદર કોલીએ કબૂલ કર્યુ હતું કે તે બાળકીઓ અને યુવતીઓને લલચાવી કે ફોસલાવીને ઘરમાં લાવતો અને તેમની સાથે દુષ્કર્મ કરતો. તે મૃતકોનું માંસ રાંધીને ખાતો અને મૃત્યુ બાદ પણ તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો.

ડિસેમ્બર-2006માં નવાવર્ષની ઉજવણી આડે બે-ત્રણ દિવસ અગાઉ ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી. પંઢેરના ઘર પાસેના ગટરના એક નાળામાંથી માનવકંકાળ, અંગો અને કપડાંનાં અવશેષ મળ્યાં હતાં.

આને પગલે સ્થાનિકોમાં હાહાકાર મચી ગયો હતો. છેલ્લાં દોઢેક વર્ષ દરમિયાન આજુબાજુમાંથી ગરીબ પરિવારોનાં અનેક બાળક-બાળકીઓ અને યુવતીઓ ગુમ થયાં હતાં. આ વિશે સ્થાનિક પોલીસમાં ફરિયાદો કરાઈ હતી પરંતુ તે બહેરા કાને અથડાઈ હતી.

નાળાને ખાલી કરવા જેસીબી કામે લગાડવા પડ્યા હતા. ત્યારે ટેલિવિઝન પર લાઇવ-કવરેજનો જમાનો શરૂ થઈ ગયો હતો અને મોટાભાગની હિંદી ટેલિવિઝન ચેનલો નોઇડામાં સ્થિત હતી. એટલે આ ઘટનાના સતત અને અવિરત કવરેજે ઉત્તર પ્રદેશ જ નહીં, દેશભરમાં ભારે ચકચાર જગાવી હતી.

સાથે જ આ કેસમાં સૌથી પહેલું કવરેજ આપવાની લાયમાં અલગ-અલગ થિયરીઓ વહેતી કરાઈ હતી.

ભારે દબાણને પગલે આ કેસ ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી લઈને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપી દેવાયો હતો.

સુરિંદર ફાંસીના ફંદેથી કેવી રીતે પાછો ફર્યો

પંઢેર અને કોલી એક જ જેલમાં બંધ હતા. સ્થાનિકોનો આરોપ હતો કે આ કેસના તાર અંગોના વેપાર સાથે પણ જોડાયેલા છે. પરંતુ યુપી પોલીસ કે સીબીઆઈએ એ દિશામાં તપાસ ન કરી.

ફેબ્રુઆરી-2009માં દુષ્કર્મ અને હત્યાના એક કેસમાં પંઢેર અને કોલીને નીચલી અદલાતે ફાંસીની સજા ફટકારી હતી. એજ વર્ષે ઉપલી અદાલતે પંઢેરને એ કેસમાંથી દોષમુક્ત જાહેર કર્યો,પરંતુ કોલીની ફાંસીની સજા યથાવત્ રાખી. આ પહેલો કેસ હતો કે જે ચુકાદા સુધી પહોંચ્યો હતો અને તેમાં બંને દોષિત ઠર્યા હતા.

ઑક્ટોબર-2014માં સુપ્રીમ કોર્ટે સુરિંદર કોલીની અપીલને રદ કરી નાખી. ફાંસીથી બચવાના તેના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા અને તેની ફાંસી લગભગ નિશ્ચિત જ હતી.

એવા સમયે વકીલોની એક સ્વૈચ્છિક સંસ્થાએ કોલીના મૃત્યુદંડ વિશે પુનર્વિચારની દાદ માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેના પગલે તેનો કેસ અલ્લાહબાદ હાઈકોર્ટને ફેરસુનાવણી માટે મોકલવામાં આવ્યો હતો.

જાન્યુઆરી-2015માં ઉચ્ચ અદાલતે તેની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી નાખી. આ કેસને કારણે જ તાજેતરમાં 12-12 કેસમાં નિર્દોષ છૂટવા છતાં સુરિંદર કોલી જેલમાં બંધ છે.

હાઈકોર્ટે કરેલી ટિપ્પણી પ્રમાણે, શરૂઆતમાં યુપી પોલીસ અને સીબીઆઈએ કોલી અને પંઢેરને સહ-આરોપી બનાવ્યા હતા, પરંતુ પાછળથી દોષનો ટોપલો કોલીની માથે મઢવાના પ્રયાસ થયા હતા.

જેલમાં રહી સુરિંદર વકીલ બન્યો ?

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ સુરિંદર કોલીએ કેવી રીતે પોતાની ઉપરના ફાંસીના કેસોમાં છુટકારો મેળવ્યો, તેનું વિવરણ લખ્યું છે.

અખબાર લખે છે કે મૃત્યુ દંડની સજા થઈ હોવાથી તેને જેલમાં કોઈ કામ કરવાનું ન થતું. તેનો માલિક પંઢેર બાજુની જ બૅરેકમાં બંધ હતો. છતાં કોલીએ ક્યારેય પંઢેરને મળવાની ઇચ્છા વ્યક્ત નહોતી કરી કે ન તો ક્યારેય પંઢેરે તેના પૂર્વ નોકરને મળવાનો પ્રયાસ કર્યો.

સ્કૂલ ડ્રૉપ આઉટ થયેલો કોલી વહેલી સવારે ઊઠી જતો અને કાયદા અને ધર્મનાં પુસ્તકોનું વાંચન કરતો. તે જેલના અધિકારીઓ પાસે કાગળ-પેનની માગ કરતો અને તેમાં નોંધ કર્યા કરતો. નૃશંસ હત્યાઓનો આરોપી હોવાથી કોઈ તેની સાથે હળવા-મળવા આતુર ન હતું. સુરિંદરને પણ તેમાં રસ ન હતો. પરંતુ જ્યારે તેને માહિતી મળતી કે કાયદાની પૃષ્ઠભૂમિવાળો કોઈ શખ્સ બૅરેકમાં બંદી તરીકે આવ્યો છે, ત્યારે તેની સાથે સંપર્ક વધારવાનો પ્રયાસ કરતો અને તેની પાસેથી કાયદાનું જ્ઞાન મેળવતો.

તે રાઇટ-ટુ-ઇન્ફર્મેશનની અરજીઓ કર્યા કરતો અને જેલમાં પોતાની સ્થિતિ વિશે માહિતી માગતો અને સવાલ ઉઠાવતો. શરૂઆતમાં તેને અમુક વકીલ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કોલી તેમની કામગીરીથી ખુશ ન હતો, એટલે કેટલાક કેસમાં તે જાતે પોતાની પેરવી કરતો.

એક વકીલના કહેવા પ્રમાણે ક્યારેક તે ગુસ્સે ભરાઈ જતો અને અશિષ્ટ વર્તન કરી બેસતો. અત્યારે તેની ઓરડીમાં 20 કિલોગ્રામ જેટલા કાગળ હશે, જેમાં તેના કેસો વિશેની વિગતો, નોંધો, દલીલો અને ટિપ્પણી વગેરે છે.

અને પછી...

અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં અવલોક્યું હતું કે ખૂબ જ ખરાબ રીતે તપાસ કરવામાં આવી છે અને "પુરાવા એકઠા કરવાના મૂળભૂત નિયમોની અવગણના કરવામાં આવી હતી."

આ કેસ પરિસ્થિતિજન્ય પુરાવા પર આધારિત હતો. પ્રૉસિક્યુશનની જવાબદારી હતી કે તે કેસને સાબિત કરે પરંતુ બંને (કોલી અને પંઢેર) નિઃશંકપણે દોષિત છે એવું પુરવાર કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

કોર્ટે તેના આદેશમાં નોંધ્યું, "અમને એવું લાગે છે કે તપાસ દરમિયાન અંગવ્યાપારના સંગઠિત વ્યાપારમાં સંભવિત સંડોવણી જેવા વધુ ગંભીર ગુના ઉપર ધ્યાન આપવાના બદલે ઘરના ગરીબ નોકરને રાક્ષસ બનાવવાનો સરળ રસ્તો લેવામાં આવ્યો."

આખો કેસ કોલીના કબૂલાતનામા ઉપર આધારિત છે. કથિત રીતે ડિસેમ્બર-2006માં કબૂલાતનામું આપવા છતાં સીઆરપીસીના 164 હેઠળ મૅજિસ્ટ્રેટ સમક્ષ છેક માર્ચ-2007માં નિવેદન લેવામાં આવ્યું હતું, જેના કારણે સુરિંદરને તેનું નિવેદન ફેરવવાની તક મળી ગઈ.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મૃતકના પરિવારજનોને આ ચુકાદાથી હતાશા થઈ છે. અમુક પરિવારોએ ન્યાયની આશા ત્યજી દીધી છે અને કેટલાકે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તજવીજ હાથ ધરી છે.

એક કેસમાં કોલી જેલમાં છે. જેને આગળ લડીને જાતે છૂટવાની આશા રાખે છે.