આ દેશનાં વડાં પ્રધાન હડતાળ પર કેમ ઊતરી ગયાં?

કદાચ જ કોઈ દેશના રાજકીય ઇતિહાસમાં એવું થયું હશે કે જ્યારે દેશના વડા પ્રધાન જ હડતાળ પર ચાલ્યા ગયા હોય.

યુરોપના એક નાનકડા દેશ આઇસલૅન્ડમાં આ વાત હકીકત બની છે.

24 ઑક્ટોબરના રોજ આઇસલૅન્ડનાં વડાં પ્રધાન કૅટરિન યાકબ્સડૉટેર સહિત હજારો મહિલાઓએ એક દિવસની હડતાળ પાળી હતી.

આમ તેઓ વિશ્વમાં હડતાળ પાડનાર પ્રથમ વડાં પ્રધાન કહી શકાય.

આ મહિલાઓ દેશમાં વેતનની અસમાનતા અને જેન્ડર આધારિત હિંસાનો વિરોધ કરી રહ્યાં હતાં.

જેમાં વડાં પ્રધાન સહિત હજારોની સંખ્યામાં મહિલાઓ ‘વીમેન્સ ડે ઑફ’ પર ગયાં હતાં. એટલે કે મંગળવારના દિવસે આ મહિલાઓએ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આઇસલૅન્ડમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાં મોટા ભાગનાં મહિલાઓ આ મુદ્દાથી અસરગ્રસ્ત છે અને હડતાળમાં સામેલ થયેલાં આ મહિલાઓએ કોઈ પણ પ્રકારનું કામ કરવાનો ઇનકાર કરી દીધેલો.

હડતાળમાં મહિલાઓએ ઘરના કામને પણ સામેલ કર્યું હતું.

આઇસલૅન્ડમાં મંગળવારે બાલવાડીઓ અને પ્રાથમિક સ્કૂલો બંધ રહી અને જે ખૂલી ત્યાં પણ સ્ટાફની અછત હતી.

આ હડતાળની અસર મ્યુઝિયમ, પુસ્તકાલયો અને પ્રાણીસંગ્રહાલયો પર જોવા મળી.

વડાં પ્રધાને કહ્યું – ‘હું આજે કામ નહીં કરું’

હડતાળમાં સામેલ થયેલાં આઇસલૅન્ડનાં વડાં પ્રધાને કહ્યું, “હું એ દિવસે કામ નહીં કરું અને આશા રાખું છું કે કૅબિનેટમાં રહેલી બધી મહિલાઓ આવું જ કરશે.”

દેશના ટીચર્સ યુનિયન પ્રમાણે શિક્ષણક્ષેત્રે દરેક સ્તરે મહિલાઓ બહુમતીમાં છે. જે પૈકી 94 ટકા કિંડરગાર્ટન એટલે કે નાનાં બાળકોનાં શિક્ષિકા છે.

જો સ્વાસ્થ્યક્ષેત્રની વાત કરાય તો આઇસલૅન્ડની સૌથી મોટી હૉસ્પિટલ નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલ છે.

તેમાં જેટલા કર્મચારી કામ કરે છે, તેમાંય 80 ટકા મહિલા છે.

બીબીસીને હડતાળનાં આયોજક ક્રિસ્ટિને કહ્યું કે, “આઇસલૅન્ડમાં જેન્ડર સમાનતા વધી છે, પરંતુ મહિલાઓ વિરુદ્ધ હિંસા હજુ પણ એક સમસ્યા છે.”

તેમનું કહેવું હતું કે, “સૈદ્ધાંતિક આધારે વાત કરીએ તો વધુ જેન્ડર સમાનતા, ઓછી હિંસાની સ્થિતિ સુનિશ્ચિત કરવી જોઈતી હતી. પરંતુ એવું નથી.”

તેમણે બીબીસીના કાર્યક્રમમાં કહ્યું, “અમારી સંસ્કૃતિમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનાં મૂળ ખૂબ ઊંડાં છે.”

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓ વિરુદ્ધ હિંસા અંગે એકઠા કરાયેલ વૈશ્વિક આંકડા પ્રમાણે આઇસલૅન્ડમાં 22 ટકા મહિલાઓએ પોતાના પાર્ટનર સાથે શારીરિક કે જાતીય હિંસાનો સામનો કર્યો છે.

જોકે આ આંકડા લેટેસ્ટ નથી, પરંતુ કહેવાયું છે કે 18-80 વર્ષનાં આ મહિલાઓએ પોતાના જીવનમાં ક્યારેક તો હિંસાનો અનુભવ કર્યો જ છે.

આઇસલૅન્ડનો ઇતિહાસ

આઇસલૅન્ડ યુરોપનો એક નાનકડો દેશ છે અને રેક્યાવિક તેનું પાટનગર છે.

તેની વસતી ત્રણ લાખ કરતાં થોડી વધુ છે.

ત્યાંનાં મહિલાઓ મોટા ભાગે સ્વાસ્થ્ય અને શિક્ષણક્ષેત્રે કામ કરે છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ પ્રમાણે આઇસલૅન્ડ વિશ્વનો એક એવો શ્રેષ્ઠ દેશ છે, જેનું નામ સતત 14 વર્ષથી જેન્ડર સમાનતાની યાદીમાં સામેલ રહ્યું છે. ફોરમે દેશને 91.2 ટકા સ્કોર આપ્યો છે.

આ દેશને ‘ફૅમિનિસ્ટ હેવન’ એટલે કે મહિલાઓ માટે સ્વર્ગ તરીકેય ઓળખવામાં આવે છે, કારણ કે આઇસલૅન્ડે જેન્ડર (લૈંગિક) સમાનતાની ખાઈને 90 ટકા સુધી ભરી દીધી છે.

જોકે, મંગળવારે આયોજિત હડતાળમાં ભાગ લઈ રહેલાં મહિલાએ કહ્યું, “અમે એ બાબત અંગે ધ્યાન ખેંચવા માગીએ છીએ કે અમને સમાનતાનું સ્વર્ગ માનવામાં આવે છે, પરંતુ જેન્ડર અસમાનતા હજુ પણ મોજૂદ છે અને તાત્કાલિક પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.”

આ આઇસલૅન્ડમાં લૈંગિક અસમાનતા વિરુદ્ધ પ્રથમ વખત અવાજ બુલંદ થઈ રહ્યો હોય એવું નથી, તેનો પણ ઇતિહાસ છે.

વર્ષ 1975માં પ્રથમ વખત દેશમાં મહિલાએ આખા દિવસની હડતાળ પાડી હતી.

24 ઑક્ટોબર, 1975માં દેશની 90 ટકા મહિલાઓએ પોતાની ઉપયોગિતા બતાવવા માટે હડતાળ પાડી હતી.

એ દિવસે મહિલાઓએ ઑફિસ, ઘર કે બાળકોનું ધ્યાન રાખવાને બદલે રસ્તે ઊતરવાનો નિર્ણય કર્યો હતો.

હાથમાં બૅનર સાથે રસ્તે ઊતરેલાં આ મહિલાઓએ પુરુષોની સમકક્ષ અધિકાર આપવાની માગ કરી હતી.

આ દિવસ આઇસલૅન્ડમાં ‘વીમેન ડે ઑફ’ તરીકે પણ ઓળખાય છે.

આઇસલૅન્ડમાં વર્ષ 1915માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. વર્ષ 1975માં આઇસલૅન્ડની સંસદમાં માત્ર ત્રણ મહિલાં હતાં. હાલ ત્યાંની સંસદમાં 30 મહિલા સાંસદ છે.

હડતાળ પાડવાનો પ્રસ્તાવ સૌપ્રથમ એક મહિલા સંગઠન રેડ સ્ટૉકિંગ્સે મૂકેલો, જેનું ગઠન 1970માં થયું હતું, પરંતુ કેટલાંક મહિલાઓએ તેને સંઘર્ષપૂર્ણ ગણાવ્યો હતો.

જ્યારે આ હડતાળનું નામ બદલીને 'વીમેન્સ ડે ઑફ' રખાયુ ત્યારે તમામનો સહકાર હાંસલ થયો.

આ રેલીમાં એક ગૃહિણી, બે સાંસદ, મહિલા આંદોલન સાથે જોડાયેલાં પ્રતિનિધિ અને એક મહિલા વર્કર વક્તા બન્યાં. જે બાદ રેડિયો, ટેલિવિઝન અને છાપાંમાંય કહાણીઓ છપાઈ.

બીબીસીનાં ક્રિસ્ટી બ્રૂવરને તત્કાલીન વડા પ્રધાન વિગ્ડિસ ફિન્બોગાડોટિરને આ આંદોલનને મહિલાઓએ કેવી રીતે લીધેલું એ અંગે સવાલ કરેલો.

તેના જવાબમાં તેમણે કહેલું કે, “અગાઉ બધાએ આને મજાક તરીકે લીધું પરંતુ મને એવી કોઈ વાત યાદ નથી આવતી કે આનાથી કોઈ ગુસ્સે ભરાયું હતું. તેમને લાગ્યું હશે કે જો તેઓ આનો વિરોધ કરે કે રજાનો ઇનકાર કરશે તો આવું કરવાથી તેઓ પોતાની લોકપ્રિયતા ગુમાવી દેશે.”

વર્ષ 1975માં થયેલી આ હડતાળની અસર એવી થઈ કે દેશની સંસદે સમાન વેતનનો કાયદો પસાર કરવો પડ્યો.

ભૂતપૂર્વ વડા પ્રધાન વિગ્ડિસ ફિન્બોગાડોટિરે વર્ષ 2015માં કહેલું કે વર્ષ 1975માં થયેલી હડતાળ, “મહિલાઓના સ્વાતંત્ર્ય તરફ પ્રથમ પગલું હતી. જે બાદ વર્ષ 1980માં તેમના દેશમાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બનવાનો રસ્તો બન્યો હતો.”