એ દાયણોની કહાણી જેને 'ડાકણ' ઠેરવી મારી નાખવામાં આવતી, કોણ હતી આ મહિલાઓ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મધ્યકાલીન યુરોપ દરમિયાન અનેક દાયણ તથા નાસ્તિક મહિલાઓને ખટલો ચલાવીને તેમને મારી નાખવામાં આવતી. આ પ્રકારના ખટલા 'વિચ ટ્રાયલ' એટલે કે 'ડાકણોના ખટલા' તરીકે ઓળખાતા હતા.

એ વખતમાં તબીબી અને ઔષધીય પ્રકારનું વિશેષ જ્ઞાન ધરાવતી મહિલાઓને ખૂબ જ સરળતાથી ટાર્ગેટ કરવામાં આવતી અને તેમને 'ડાકણ' ઠેરવી દેવામાં આવતી.

વર્ષ 1972માં પૅન્સિલવેનિયાનાં ગ્રામીણ વિસ્તારના બારમાં મહિલા આરોગ્ય અધિકાર માટે ચળવળ ચલાવનાર ડેરડ્રી ઇંગ્લિશ તથા બાર્બરા એહરનરિચે સાઠેક મહિલાઓને ભાષણ આપ્યું, જે ન કેવળ ઉપસ્થિત મહિલાઓને હચમચાવી દેનારું હતું, પરંતુ આગામી દાયકાઓ દરમિયાન મહિલા અધિકાર માટેના બીજા જુવાળ તરીકે ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરવાનું હતું.

બંનેએ ઉપસ્થિતોને સમજાવ્યું કે કેવી રીતે મહિલાઓ જ આરોગ્યસેવામાં અગ્રેસર હતી અને તેઓ પીડિતા નહોતી. સેમિનારને મળેલા પ્રતિસાદને પગલે તેમણે 'વિચિસ, મીડવાઇવ્સ ઍન્ડ નર્સિઝ' નામનું નાનકડું પુસ્તક લખ્યું, પરંતુ તેમાં મોટો સંદેશ હતો.

આ પુસ્તકની લાખો નકલ વેચાઈ અને તે વિશ્વની અનેક ભાષામાં અનુવાદિત થયું તથા એનું કદ પણ વધતું ગયું.

1970ના દાયકાની શરૂઆતમાં સ્ત્રીનાં આરોગ્ય માટે મહિલાકેન્દ્રિત અભિગમની માગ ઊઠવા લાગી. મહિલાઓને ગર્ભપાત માટે અધિકાર મળે તેવી માગ પણ ઊઠી. મહિલાઓ માટે અલગ આરોગ્યકેન્દ્ર, સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના, કૉન્ફરન્સો અને બેઠકો યોજાવા લાગી.

એ સમયે ખૂબ જ ગંભીર સ્થિતિ પ્રવર્તમાન હતી અને મહિલાઓ પોતાના શરીર ઉપર પોતાનો અધિકાર ઇચ્છતી હતી.

આ અંગે ઇંગ્લિશનું કહેવું છે, "હું અને બાર્બરા એવા સમયમાં ઊછર્યાં છીએ કે જ્યારે ગર્ભપાત સંપૂર્ણપણે ગેરકાયદેસર હતા. પ્રસૂતા દરમિયાન મહિલાઓને ખૂબ જ ઘેનની દવાઓ આપવામાં આવતી, જેના કારણે તેમને પ્રસૂતિ સમયનું કશું યાદ નહોતું રહેતું."

"એ સમયે માત્ર સાત ટકા મહિલા તબીબ હતી અને મહિલાઓએ તેમના પૅપ સ્મેર અને સ્તનની તપાસ પુરુષ પાસે કરાવવી પડતી, જે ખૂબ જ અસંવેદનશીલ વર્તણૂક સાથે આ પરીક્ષણ કરતા."

આ સંજોગોમાં ઇંગ્લિશ અને બાર્બરાએ તપાસ હાથ ધરી કે એવું તે શું થયું કે મહિલાઓ પાસે આરોગ્યસેવાનાં અધિકાર છીનવાઈ ગયા.

દાયણોને ડાકણ ઠેરવવાનું ક્યારે અને કેમ શરૂ થયું?

યુરોપભરમાં ગામડાંની ખેડૂત મહિલાઓ સુવાવડ કરાવતી અને લોકભિષકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન રહેતું અને પ્રાથમિક આરોગ્યસેવા આપતી. એ પછી મહિલાઓને ડાકણ ઠેરવવાનું શરૂ થયું અને સમગ્ર વ્યવસ્થા ભાંગી પડી.

ઇંગ્લિશ કહે છે, "ડાકણોના શિકારના નામે જાણે કે દાયણો સામે યુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તેમને નિશાન બનાવવામાં આવતી. તેમને લાગતું હતું કે દાયણોને કારણે ધર્મને નુકસાન થઈ રહ્યું છે."

"તેમાં સ્ત્રીદ્વેષ હતો. તેમાં મહિલા લોકભિષક તથા દાયણોનો વિરોધ હતો, કારણ કે તેઓ ગર્ભપાત કરાવડાવતી અને નવજાતોને મારી નાખતી હોવાની આશંકા હતી."

આથી જે મહિલાઓ ઘરગથ્થું આરોગ્ય કે પ્રસૂતિની સેવાઓ આપતી, તેમના ઉપર હાનિકારક દવાઓ આપવાના આરોપ લાગવાનું જોખમ તોળાતું રહેતું.

15મી સદી દરમિયાન 'માલેયસ માલેફિકૉરમ' નામના 300-પેજના પુસ્તકમાં ડાકણો કે ડાકણનાં હાડકાં કેવી રીતે ભાંગવાં અને તેમની હત્યા કેવી રીતે કરવી તેના વિશે પદ્ધતિસર માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક 'હૅમર ઑફ વિચિસ'ના નામથી પણ ઓળખાય છે.

ઇંગ્લિશનો મત હતો કે આ પુસ્તકના લખાણમાં સુવાવડ કરાવનારાઓ પ્રત્યે દ્વેષ છલકે છે. તેમાં બે મોટાં પ્રકરણ સુયાણીઓ પર કેન્દ્રિત કરવામાં આવ્યાં છે અને તેમનાં ઉપર વાહિયાત આરોપ લગાવવામાં આવ્યા છે.

જેમ કે, મહિલાઓનાં ડગલાંમાંથી બાળકોના હાથ પડવા અથવા તો લખાણ માટે બાળકોનાં લોહીનો ઉપયોગ કરવો વગેરે. ગર્ભધારણ, જન્મ, નવજાતનું મૃત્યુ આજે પણ અનિશ્ચિત અને સંવેદનશીલ પ્રક્રિયા છે, જેમાં લાગણીઓ પણ જોડાયેલી હોય છે.

'સારી ડાકણ' અને 'ખરાબ ડાકણ'

એક વખત મહિલાને ડાકણ ઠેરવી દેવામાં આવતી, તે પછી તે ગમે તેટલી રોકકળ કરે કે નિર્દોષ હોવાની રજૂઆત કરે, તો પણ તેના માટે બચવાનો કોઈ રસ્તો ન હતો અને તેને કોઈ સાંભળતું પણ નહીં.

વિલિયમ પર્કિન્સે ડાકણો વિરુદ્ધ ખરડો રજૂ કર્યો હતો, જેમાં તેમણે 'સારી ડાકણ' અને 'ખરાબ ડાકણ' એમ બે પ્રકારની ડાકણોનો ઉલ્લેખ કર્યો હતો.

જો કોઈ મહિલાઓ પોતાના અનુભવ કે જ્ઞાનના આધારે કોઈનો જીવ બચાવતી તો શ્રેય અલૌકિક શક્તિને આપવામાં આવે, એ ડાકણ સારી કહેવાતી. જ્યારે ભયાવહ ડાકણો ભયાનક હતી અને તેમનો ભરોસો થઈ ન શકે.

ઝો વૅન્ડિતોઝી કહે છે, "એ સમયે વીજળી ઉપલબ્ધ ન હતી. ત્યારે પ્રકાશ કરવા માટે ઘાસ કે કશું સળગાવવાની જરૂર પડતી. જો તમે કોઈ લાંબા સમયથી બીમાર હોય તેવી વ્યક્તિના રૂમમાં સમય પસાર કર્યો હોય, તો તેમાં ઘાસ સળગાવો એટલે ભયાનક દુર્ગંધ આવે."

"આ પ્રકારની આગને કોઈ તાંત્રિકવિધિ સાથે જોડી ને જોવામાં આવી હતી, પરંતુ પથારીની આસપાસ ઘાસનો પૂળો કે કંઇક સળગાવવા પાછળનાં વાજબી કારણો હતાં."

આધુનિક સમય, પ્રાચીન ઔષધ

મધ્યકાલીન યુગમાં મહિલાઓને તેમનાં ઔષધીય જ્ઞાનને કારણે અપમાનિત થવું પડ્યું હતું. તેમનું જ્ઞાન ઘટતું ગયું અને હાંસિયામાં ધકેલાઈ ગયું. વૅન્ડિતોઝી કહે છે, "જો સુયાણીઓને ડાકણ ઠેરવીને તેના પર ખટલા ચલાવવામાં ન આવ્યાં હોત અને તે સમયના લોકોએ ઉપચાર માટે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક વલણ અપનાવ્યું હોત તો આજે નર્સિંગ અને પ્રસુતિ કરાવવાની પદ્ધતિ અલગ હોત."

"આજે જડીબુટ્ટીઓ દ્વારા ઉપચારને 'વૈકલ્પિક સારવાર પદ્ધતિ' તરીકે ઓળખવામાં આવે છે, એવું ન થયું હોત."

દાયણો અને લોકભિષકો દ્વારા લોકોની સારવાર માટે ઉપલબ્ધ સ્થાનિક વનસ્પતિ અને તેમાંથી બનાવેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો. આજે તે 'હર્બલિઝમ' તરીકે ઓળખાય છે.

કૅઝ ગુડવૅધર અને ફિયોના હૅકલ્સ 'સીડ સિસ્ટર્સ' તરીકે ઓળખાય છે. સુગંધ, જડીબુટ્ટી અને પાંદડાં દ્વારા તેઓ સારવાર કરે છે. તેમનું કહેવું છે :

અનેક આધુનિક દવાઓની બનાવટમાં પણ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. જેમ કે હૃદયની બીમારી માટે સૌથી વધુ વેચાતી દવા ડાયજૉક્સિન છે. તેની બનાવટમાં ફૉક્સગ્લૉવનો ઉપયોગ થાય છે. સંતતિનિયમનની ગોળીમાં મૅક્સિન યામનો ઉપયોગ થાય છે. બૅલાડોનાનો ઉપયોગ આંખની સર્જરીમાં થાય છે. વૃદ્ધોને થતી અલગ-અલગ બીમારીની સારવારમાં હાયોસ્કાયામાઇનની જરૂર પડે છે, જે હૅનબૅનમાંથી મળી આવે છે."

આલ્કોહોલનો ઉપયોગ વનસ્પતિમાંથી અર્ક કાઢવા માટે પણ થાય છે. અલગ-અલગ ઔષધ માટે જુદા-જુદા પ્રમાણમાં આલ્કોહોલનો ઉપયોગ થાય છે. 1950થી મિડલસૅક્સ યુનિવર્સિટી ખાતે જડીબુટ્ટીઓનો અભ્યાસ કરવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે.

'સીડ સિસ્ટર્સ'નું કહેવું છે કે દવાની બાબતમાં લોકોએ સ્વાશ્રયી બનવાનું ભૂલી ગયા છે. જ્યારે યુનિવર્સિટીમાંથી ભળીને નીકળ્યાં, ત્યારે લોકો આવતા જ ન હતા, કારણ કે તેમને ખબર જ ન હતી કે ઔષધશાસ્ત્રી કોણ છે? એટલે માત્ર છૂટક દર્દીઓને જોવાના બદલે અમે લોકોમાં જાગૃતિ આવે અને તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવે તે માટે પ્રયાસ કરવાનું નક્કી કર્યું.

પ્રાચીન અને અર્વાચીનનો યોગ

પ્રાચીન સમયમાં લોકોનું જીવન સારું હતું અને મૃત્યુદર નીચો હતો એવું નથી. હંમેશાં લોકો બીમાર પડ્યા છે અને તેમનાં મૃત્યુ પણ થયાં છે. મૃત્યુદર ઊંચો હતો અને દર્દ પણ ખૂબ જ હતું.

માત્ર ઔષધીઓથી સારવાર શક્ય નથી અને એમ કરવું શક્ય પણ નથી.ઍન્ટિબાયૉટિક અને પૅનિસિલન વગેરેને કારણે હજારો-લાખો જીવ બચી રહ્યા છે.

'સીડ સિસ્ટર્સ'નું કહેવું છેકે ગંભીર સ્થિતિમાં આધુનિક ચિકિત્સાવિજ્ઞાન જ જીવનરક્ષક છે. માનવશરીર વિશે આધુનિક સંશોધન અને અભ્યાસ થતાં રહેવા જોઈએ અને આપણા મેડિકલ પ્રોફેશનલ્સ ખૂબ જ આધુનિક જ્ઞાનથી સજ્જ હોવા જોઈએ, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી બીમારીઓ લાંબા સમયથી ચાલી આવતી હોય છે અને તેનો ઉકેલ કાઢવામાં તબીબો નિષ્ફળ નિવડે છે, ત્યારે તેને 'સિન્ડ્રૉમ' એવું નામ આપી દે છે. અમે ઇચ્છીએ છીએ કે તમામ વિકલ્પો ઉપર નજર રાખવી જોઈએ તથા બંનેને સંકલિત કરવા માટે વિચારવું જોઈએ.

આજે પણ આધુનિક તબીબી વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે છતાં તે ખૂબ જ ઓછું છે. આના વિશે ઇંગ્લિશ કહે છે, "મહિલાઓને ડાકણ ઠેરવીને મારી નાખવામાં આવતી તે સમયને ભૂલવો ન જોઈએ. એ મહિલાઓ માટે ખરેખર આતંકનો સમય હતો. મને લાગે છે કે હજુ પણ એ વાત આપણે સમજી નથી શક્યા. તેના કારણે મહિલાઓની અનેક પેઢીઓ ઉપર અસર પડી અને તેમણે ડરીને રહેવું પડ્યું. વિચ હંટિંગની પીડિતાઓ સાથે જે કંઈ થયું, તેને ઇતિહાસની ધૂળની નીચે દફનાવી દેવામા આવ્યું છે, જે ખૂબ જ હતોત્સાહિત કરનારું છે. "

લોકભિષક કે સુયાણીઓને માત્ર તેમનાં વ્યવસાયને આધારે જ ટાર્ગેટ કરવામાં આવતી કે કેમ, તે અંગે નિશ્ચિત જવાબ ક્યારેય નહીં મળે. ભૂતકાળની કહાણીઓ અને તેને આપણે કેવી રીતે કહીએ છીએ, તેના આધારે આપણું ભવિષ્ય સારું હશે કે ભયાનક તે નક્કી થાય છે. કારણ કે આ વિભીષિકા અંદર સુધી પ્રવેશીને હચમચાવી દે છે.

વિચ હંટિંગના પીડિતાઓની તેમની સાથે ઘણું પરંપરાગત જ્ઞાન નાશ પામ્યું અને એ જ્ઞાનને કારણે જ તેમને ટાર્ગેટ કરવામાં આવતી, તે વાત નિશ્ચિત છે.