You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીર નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખેલા વિસ્ફોટકોમાં ધડાકો, નવ લોકોનાં મોત
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે એક જોરદાર ધડાકો થયો, જેમાં નવ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને 27 લોકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે આ ધડાકાના ચાર દિવસ પહેલાં એટલે કે 10 નવેમ્બરના રોજ જ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક ગાડીમાં ધડાકાથી 12 લોકોના મૃત્યુ થયાં હતાં.
જોકે, જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે સવારે આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરી અને કહ્યું કે આ માત્ર અકસ્માત હતો, બીજું કશું નહીં. તેમણે આ ઘટના પાછળ કોઈ ષડ્યંત્ર હોવાની વાતનો ઇનકાર કર્યો.
તેમણે કહ્યું કે નૌગામ પોલીસ સ્ટેશન બહાર એમોનિયમ નાઇટ્રેટ રખાયો હતો, જેનામાંથી નમૂના એકઠા કરવાનું કામ બે દિવસથી ચાલી રહ્યું હતું. ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું કે આ કામ ખૂબ કાળજીપૂર્વક કરાઈ રહ્યું હતું, છતાં દુર્ભાગ્યે આ અકસ્માત બન્યો.
તેમણે કહ્યું, "અકસ્માત કેમ થયો, તેની તપાસ કરાઈ રહી છે. અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થાયં છે, જે પૈકી એક એસઆઇએ ઑફિશિયલ, ત્રણ ફોરેન્સિક ઍક્સ્પર્ટ, બે રેવન્યૂ અધિકારી, બે ફોટોગ્રાફર અને ત્યાં ટીમની સાથે કામ કરી રહેલા એક સ્થાનિક દરજી પણ સામેલ છે. સાથે જ 27 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે."
અકસ્માત અંગે ગૃહ મંત્રાલય તરફથી પણ કંઈક આવું જ નિવેદન આવ્યું. ગૃહ મંત્રાલયે પણ આ ઘટના માત્ર એક અકસ્માત હોવાનું જણાવ્યું.
તેમજ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ એક્સ પર લખ્યું, "શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભૂલથી થયેલા ધડાકામાં થયેલાં મૃત્યુને કારણે અત્યંત દુ:ખ થયું છે. મારી સંવેદનાઓ મૃતકોના પરિવાર સાથે છે. હું ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થ થાય એવી કામના કરું છું."
તેમણે લખ્યું, "સરકાર મૃતકોના પરિવાર, મિત્રો અને પ્રિયજનોની સાથે છે. અસરગ્રસ્તોને દરેક સંભવ મદદ કરાઈ રહી છે. મેં આ અકસ્માતે થયેલા ધડાકાના કારણની તપાસ માટે આદેશ આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃહ મંત્રાલયના નિવેદનમાં શું છે?
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ પણ પ્રેસ કૉન્ફરન્સ કરી.
તેમણે કહ્યું, "14 નવેમ્બરની રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક વિસ્ફોટ થયો. નૌગામ પોલીસે તાજેતરમાં જ એક પોસ્ટર મારફતે મળેલી લીડના આધારે આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો."
"નૌગામ પોલીસની એફઆઇઆર અંતર્ગત તપાસ દરમિયાન વિસ્ફોટક પદાર્થો અને રસાયણોનો એક મોટો જથ્થો કબજે કરાયો હતો. તેને નૌગામ પોલીસ સ્ટેશનના ખુલ્લા ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો હતો. નક્કી કરાયેલી પ્રક્રિયા અંતર્ગત આ રાસાયણિક વિસ્ફોટકના નમૂનાને રસાયણિક અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા હતા. ભારે પ્રમાણમાં આ વિસ્ફોટકો મળી આવતાં પાછલા બે દિવસથી આ પ્રક્રિયા નક્કી કરેલા માપદંડો અંતર્ગત ચાલી રહી હતી."
તેમણે કહ્યું, "વિસ્ફોટકોની અસ્થિર પ્રકૃતિને કારણે તેની નિષ્ણાતોની દેખરેખમાં સુરક્ષિતપણે સંભાળ લેવાઈ રહી હતી. જોકે, એ દરમિયાન જ શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યા ને 20 મિનિટે દુર્ઘટનાને કારણે ધડાકો થયો. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નવ લોકોનાં મૃત્યુ થયાં અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાનાં કારણોની તપાસ કરાઈ રહી છે. ઘટનાના કારણ અંગેની અન્ય કોઈ પણ પ્રકારની અટકળો બેકાર છે."
નજરે જોનારે શું કહ્યું?
ધડાકાના એક સાક્ષી તારિક અહમદે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું, "11 વાગ્યાને 22 મિનિટે એક જોરદાર ધડાકો થયો. અમે લોકો પહેલાં તો ગભરાઈ ગયા. 15-20 મિનિટ તો શું થયું એ સમજવામાં જ લાગી ગઈ. હવાઈ હુમલો થયો છે કે બૉમ્બધડાકો થયો કે પછી ભૂકંપ છે. પરંતુ જ્યારે કેટલાંક મહિલાઓ રડતાં રડતાં બહાર આવ્યાં ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો છે."
"પોલીસ સ્ટેશને પહોંચ્યા તો ત્યાં તો લોકોએ પરિસ્થિતિ ખૂબ વિકટ હોવાનું જણાવ્યું. ચારેકોર ધુમાડો અને લાશો હતી. અમારું ઘણું નુકસાન થયું છે. આમાં અમારા લોકો, અમારા પાડોશી મર્યા છે."
તેમજ એક અન્ય સ્થાનિકે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું કે પોલીસ સ્ટેશનની બાજુમાં ત્રીજું મકાન તેમનું છે.
તેમણે આ ધડાકામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા અંગે કહ્યું, "એની તો ગણતરી કરાઈ રહી છે. મારા ઘરે બધું સલામત છે, પરંતુ આસપાસનાં તો બધાં ઘરો ક્ષતિગ્રસ્ત થયાં છે."
વધુ એક સ્થાનિક શફદ અહમદે કહ્યું, "પોલીસ સ્ટેશન પાસે મારા નિકટના સંબંધી રહે છે. તેમની સાથે વાતચીત નથી થઈ. અમને ત્યાં જવા નથી દેવાઈ રહ્યા. શું કરીએ, તેમનીય મજબૂરી છે. મેં આટલો મોટો ધડાકો પહેલાં ક્યારેય નથી સાંભળ્યો."
કેવી રીતે થયો વિસ્ફોટ?
ધડાકો શુક્રવારે રાત્રે 11 વાગ્યાને 20 મિનિટે થયો, જે બાદ આખા વિસ્તારમાં ઘેરાબંધી કરાઈ છે.
આ ધડાકો જે જગ્યાએ થયો છે, એ ખૂબ જ ગીચ વસતીવાળો વિસ્તાર છે. ધોડા દિવસ પહેલાં નૌગામ પોલીસ સ્ટેશનમાં જૈશ-એ-મોહમ્મદના એક ઇન્ટરસ્ટેટ મૉડ્યૂલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ હતી, જેના કારણે એ ચર્ચામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઇએ જણાવ્યું કે આ ધડાકો એ વિસ્ફોટક વડે થયો છે, જે હરિયાણાના ફરીદાબાદથી લવાયો હતો. પીટીઆઇ અનુસાર આ ડૉક્ટર મુઝ્ઝમ્મિલની ધરપકડ બાદ તેના ઘરેથી મળી આવેલા 360 કિલોગ્રામ વિસ્ફોટક પૈકીનો એક ભાગ હતો.
ડૉક્ટર મુઝ્ઝમ્મિલનું નામ દિલ્હીના લાલ કિલ્લામાં થયેલા ધડાકામાં પણ આવ્યું છે.
તેમજ, ડીજીપી નલિન પ્રભાત પ્રમાણે ધડાકાના કારણે નૌગામ પોલીસ સ્ટેશનની ઇમારતને પણ ઘણું નુકસાન થયું છે. સાથે જ આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે.
દિલ્હી ધડાકા સાથે જોડાતા તાર
ઑક્ટોબર માસમાં નૌગામ વિસ્તારમાં બનપુરામાં કેટલાંક એવાં પોસ્ટર દેખાયાં હતાં, જેમાં પોલીસ અને સુરક્ષા દળોને ધમકી અપાઈ હતી.
એ બાદ શ્રીનગર પોલીસે આ મામલામાં 19 ઑક્ટોબરે એક કેસ દાખલ કર્યો હતો અને તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે પહેલાં ત્રણ શકમંદોની ઓળખ કરી. તેમની પૂછપરછ આધારે પોલીસે શોપિયાંથી મૌલવી ઇરફાન અહમદની ધરપકડ કરી. તેમના પર પોસ્ટર સપ્લાય કરવાનો આરોપ હતો. આખરે આ મામલાના તાર શ્રીનગરના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયા. જ્યાં પોલીસે ડૉક્ટર મુઝ્ઝમ્મિલ ઘની અને ડૉક્ટર શાહીન સઈદની ધરપકડ કરી.
ત્યાં પોલીસને એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવાં રસાયણોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન