અમરેલી : વાછરડાની કતલના કેસમાં પોલીસે કલમ ન લગાડી છતાં ત્રણ શખ્સોને જનમટીપ કેમ પડી?

વર્ષ 2023માં નોંધાયેલા ગૌવંશ હત્યાના એક ગુનાના અમરેલીના બહપરા વિસ્તારના ત્રણ શખ્સો—20 વર્ષીય કાસિમ હાજીભાઈ સોલંકી, તેના મોટા ભાઈ 30 વર્ષીય અક્રમ હાજીભાઈ સોલંકી અને તેમના કાકા 52 વર્ષીય સત્તાર ઇસ્માઇલ સોલંકીને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી.

અમરેલીની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે 11 નવેમ્બર, 2025ના રોજ આ ત્રણેય શખ્સોને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકાકારતો ચુકાદો આપ્યો છે.

રસપ્રદ બાબત એ છે કે આ ત્રણ ગુનેગારોમાંથી એકને તો હજુ ગયા વર્ષે જ આવા જ એક અન્ય ગુનામાં ત્રણ વર્ષની જેલની સજા પડી હતી.

પરંતુ હવે આ બીજા કેસમાં પોલીસે આજીવન કેદની સજાનો ઉલ્લેખ કરતી કલમ એફ.આઈ.આર. કે ચાર્જશીટમાં લખી ન હોવા છતાં કોર્ટે ત્રણેયને આજીવન કેદની સજા ફટકારી છે.

ત્રણ દોષિતો સામે કેસ શું છે?

અમરેલીનાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ, રિઝવાના બુખારીની કોર્ટે મંગળવારે ચુકાદો આપતા કાસિમભાઈ, અક્રમભાઈ અને સત્તારભાઈને આજીવન કેદની સજા સંભળાવવા ઉપરાંત દરેકને છ લાખ આઠ હજારનો દંડ પણ કર્યો.

ચુકાદામાં આપેલી વિગત અનુસાર 6 નવેમ્બર, 2023ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કૉન્સ્ટેબલ વનરાજ માંજરીયાને બાતમી મળી કે અમરેલીના "બહારપરા, મોટા ખાટકી વાડ કોળીવાડના નાકે રહેતો અક્રમ હાજી સોલંકી… ગાયોના વાછરડા/વાછરડી કતલ કરવાના ઇરાદે જોર જુલ્મીથી પકડી લાવી ઘરે કતલ કરી, તે ગૌમાંસ વેચે છે."

બાતમીના આધારે પોલીસ કૉન્સ્ટેબલે અમરેલીના રહેવાસી તેવા લાલા ટાંક અને દીપક સોલંકી નામની વ્યક્તિઓને સાક્ષી તરીકે સાથે રાખી અમરેલી સીટી પોલીસના અન્ય કેટલાક સટાફ મેમ્બર સાથે બહારપરામાં વહેલી સવારે દરોડો પડ્યો.

ચુકાદામાં જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન સત્તારના પિતા ઇસ્માઇલ કાળાના મકાનમાંં એક પશુ કતલ કરેલી હાલતમાં મળી આવેલું તેમ જ તેના પગ, પૂંછડી વગેરે પણ મળી આવ્યા હતા.

અમરેલીના સરકારી પશુ ડૉક્ટરે સ્થળ પર જઈ ત્યાં પડેલાં 40 કિલો માંસ અને અવશેષો જોઈને તે પશુ 12થી 15 મહિનાનો વાછરડો હોવાનો અભિપ્રાય આપ્યો. ત્યાર બાદ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના નિષ્ણાતોએ પણ સ્થળ પર જ આવીને માંસનું વિશ્લેષણ કરી તે ગૌવંશના પશુનું જ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

ચુકાદા અનુસાર કાસિમ સ્થળ પરથી જ પકડાઈ ગયેલા જયારે અક્રમ અને સત્તાર નાસવામાં સફળ રહ્યા હતા. કાસિમે પોલીસને જણાવ્યું હતું કે તેના કાકા સત્તાર અને ભાઈ અક્રમ એક પિકઅપ ગાડીમાં ક્યાંકથી વાછરડાને લઈ આવ્યા અને તેની કતલ કરતા હતા ત્યારે જ પોલીસ આવી ચડી હતી.

અમરેલીમાં કઈ-કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો?

પોલીસ કૉન્સ્ટેબલ વનરાજભાઈની ફરિયાદના આધારે કાસિમ, અક્રમ અને સત્તાર વિરુદ્ધ અમરેલી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાઈ.

તે એફઆઈરમાં આઈ.પી.સીની કલમ 295 (કોઈ વ્યક્તિ કે સમુદાયના વર્ગની લાગણી દુભાય તેવું કૃત્ય), 429 (કોઈ પશુને મારી નાખી, ઝેર આપી, તેનાં અંગો કાપી નાખી કે અન્ય રીતે તેને બિનઉપયોગી બનાવી તેનો બગાડ કરવો) અને 114 (ગુનામાં મદદગારી) લગાડવામાં આવી હતી. તે ઉપરાંત આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 (સુધારા અધિનિયમ, 2017)ની વિવિધ કલમો પણ લગાડવામાં આવી હતી.

તેમાં કલમ-5, 6(ક), 6(ખ), 8(4) તેમજ 10 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અધિનિયમની કલમ-5 ગુજરાતમાં સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય પશુઓની કતલ પર પ્રતિબંધ ફરમાવે છે.

કલમ-6(ક) મંજૂરી વગર પશુઓની હેરફેર પર તેમ જ કલમ-6(ખ) ગૌવંશના પશુના માંસના ખરીદ-વેચાણ, હેરફેર, સંગ્રહ વગેરે પર પ્રતિબંધ મૂકે છે. કલમ-8(4) માં કલમ-6(ક) અને 6-(ખ)નો ભંગ થાય તો ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે તેવી જોગવાઈ છે જયારે કલમ 10માં આ અધિનિયમ હેઠળ ગુના કરવાનો પ્રયાસ કે ગુનામાં મદદગારી કરવી તે પણ ગુનો છે તેવી જોગવાઈ છે.

આ બનાવ બાદ પોલીસે 23 નવેમ્બર, 2023ના રોજ અક્રમ અને સત્તારની પણ ધરપકડ કરી હતી. જો કે 13 ડિસેમ્બર સુધીમાં ત્રણેય આરોપીઓને કોર્ટે જમીન પર મુક્ત કર્યા હતા.

પોલીસે કલમ ન લગાડી છતાં કેમ જનમટીપ પડી?

જો ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ,1954 (સુધારા અધિનિયમ, 2017)ની કલમ-5નો ભંગ થાય તો શું સજા થઈ શકે તેનો ઉલ્લેખ કલમ- 8(2)માં છે. તે અનુસાર જો કોઈ વ્યક્તિ કલમ-5ની પેટાકલમ—5(1-ક)નો ભંગ કરી ગૌવંશના પશુનું કતલ કરે તો તેને કલમ-8(2) હેઠળ ઓછાંમાં ઓછાં 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે.

મંગળવારના તેના ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે પોલીસે ફરમાવેલા આરોપનામા(ચાર્જશીટ)માં કમલ-5 હેઠળ આરોપો ફરમાવ્યા છે પરંતુ તે આરોપો સાબિત થાય તો શું સજા થઈ શકે તે દર્શાવતી કલમ-8(2)નો ઉલ્લેખ કર્યો નથી.

કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે, "અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના કામે આરોપીઓ વિરુદ્ધ આંક:13થી જે ચાર્જ ફરમાવવામાં આવ્યા છે તેમાં ગુજરાત પશુ ‌સંરક્ષણ અધિનિયમ,1954 (સુધારા અધિનિયમ, 2017) ની કલમ: 5નો ઉલ્લેખ છે પરંતુ કલમ 5ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કલમ 5(1-ક)માં નિર્દિષ્ટ કરેલા પશુના વધ બદલ દોષિત ઠર્યેથી સજાની જોગવાઈ ગુજરાત પશુ ‌સંરક્ષણ અધિનિયમ, 1954 (સુધારા અધિનિયમ, 2017)ની કલમ:8(2)માં ઠરાવેલી છે તેનો ઉલ્લેખ આંક:13વાળા તહોમતનામામાં નથી."

જોકે જજ રિઝવાના બુખારીની કોર્ટે નોંધ્યું કે ફરિયાદપક્ષે કલમ-5ના ઉલ્લઘંનનો ગુનો આરોપીઓ સામે સાબિત કરી દીધો છે. તેથી કોર્ટે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 216 હેઠળ તેને મળેલી સત્તાનો ઉપયોગ કરીને આરોપનામામાં કલમ-8(2)નો ઉમેરો કર્યો.

તેના માટેનું કારણ આપતા કોર્ટે નોંધ્યું, "હાલના કામે રેકર્ડ પર આવેલી હકીકત જોવામાં આવે તો, તહોમતનામામાં કલમ:8 (2)નો ઉલ્લેખ નથી પરંતુ રેકર્ડ પર જે પુરાવો રજૂ થયેલા છે તેમાં ગૌવંશ વાછરડાની કતલ થઈ હોવા બાબતે સબળ અને સચોટ પુરાવો ફરીયાદપક્ષ તરફે સફળતાપૂર્વક રજૂ થયેલી હોય તે મુજબ તહોમતનામામાં ઉમેરો કરી આરોપીઓ વિરુદ્ધ ‌ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, 1954 (સુધારા અધિનિયમ, 2017)ની કલમ:5ના ભંગ બદલ કલમ:8(2) તેમજ 10 અન્વયેનો ગુનો આરોપીઓ વિરુદ્ધ પુરવાર થાય છે."

બીબીસીએ દોષિતોના વકીલનો સંપર્ક સાધી અમરેલી કોર્ટે આપેલા ચુકાદા વિશે તેમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

કોર્ટે કયા પુરાવાને આધારે જનમટીપ ફટકારી?

આરોપીના વકીલે દલીલ કરી કે કથિત બનાવ રહેણાક વિસ્તારમાં બન્યો હોવા છતાં ફરિયાદ પક્ષે કોઈ સ્વતંત્ર સાક્ષીની જુબાની લેવડાવી નથી અને તેનો કેસ સાબિત કરવા માત્ર પોલીસના કર્મચારીઓ અને પંચ શાહેદો પર મદાર રાખ્યો છે. બચાવ પક્ષે એવી પણ દલીલ કરી કે જે જગ્યાએથી માંસ મળી આવ્યું તે જગ્યા સાથે આરોપીઓને કોઈ લેવાદેવા નથી અને પોલીસે આરોપીઓને બિનવારસુ મુદ્દામાલ સાથે સંડોવી દીધા છે.

પરંતુ આ કેસના ખાસ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ કોર્ટનું ધ્યાન દોર્યું કે પોલીસે દરોડો પાડતી વખતે જ બે વ્યક્તિઓને સ્વતંત્ર પંચ શાહેદો તરીકે સાથે રાખી હતી. વળી, પોલીસે જે મકાનમાંથી ગૌવંશનું માંસ મળ્યું હતું તે મકાનનું લાઇટ બિલ રજૂ કર્યું જેમાં સત્તારના પિતા ઇસ્માઇલ કાળાભાઈનું નામ હતું. તે ઉપરાંત પોલીસે ઇસ્માઇલના પિતા કાળાભાઈ હસનભાઈ સોલંંકીના નામે અમરેલી નગરપાલિકાને ભરવામાં આવેલા વેરાની પહોંચ પણ પુરાવા તરીકે રજૂ કરી.

બીબીસી સાથે વાત કરતા ચંદ્રેશ મહેતાએ કહ્યું, "પોલીસે બાતમીના આધારે દોરડા પાડ્યા હતા અને સ્થળ પર 40 કિલો માંસ અને પશુના અન્ય અવશેષો મળી આવ્યું હતું. સ્થળ પર પશુ ડૉક્ટરે અભિપ્રાય આપ્યો કે કતલ કરવામાં આવેલું પશુ વાછરડો છે અને એફએસએલના અધિકારીએ માંસ તપાસી અભિપ્રાય આપ્યો કે તે માંસ ગૌવંશના પશુનું છે."

તેમણે આગળ કહ્યું હતું કે, "એક આરોપી સ્થળ પરથી જ પકડાઈ ગયો અને તેને પંચોની હાજરીમાં કબૂલ્યું હતું કે વાછરડાની તેણે, તેના ભાઈ અને કાકા એમ ત્રણેયે સાથે મળીને કતલ કરી નાખી હતી અને પંચોએ આ વાત કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં પણ કહી. આ રીતે અમે અમારો કેસ સાબિત કરવામાં સફળ રહ્યા."

ચંદ્રેશ મહેતાએ વધારે જણાવ્યું કે આરોપી અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલો હોઈ આ કેસમાં કડક સજા થાય તેવી માંગણી ફરિયાદ પક્ષે કરી.

તેમણે કહ્યું, "કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કાર્ય બાદ સજાની સુનાવણી દરમિયાન અમે કોર્ટનું એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું કે અક્રમભાઈ આ પ્રકારના ગુના કરવા ટેવાયેલ છે. 2024માં પણ સેશન્સ કોર્ટે તેને આવા જ એક ગુનામાં ત્રણ વર્ષની કેદ ફટકારી હતી."

"આ પ્રકારના ગુનામાં ઓછામાં ઓછી દસ વર્ષની જેલ થઈ શકે છે અને વધુમાં વધુ જનમટીપની સજા થઈ શકે છે. ગુનાની ગંભીરતા અને આરોપીના ગુનાઇત ભૂતકાળને ધ્યાનમાં રાખી આરોપીઓને મહત્તમ સજા કરવાની અમારી માંગણી સ્વીકારી કોર્ટે આ કેસમાં ત્રણેયને જનમટીપની સજા ફટકારી."

જૂનો કેસ શું છે?

અમરેલીની સેશન્સ કોર્ટે ત્રણ માર્ચ, 2024ના રોજ આપેલા એક ચુકાદા અનુસાર અમરેલી સીટી પોલીસે બાતમીના આધારે અક્રમના પિતા હાજી ઉર્ફે મસ્તાનભાઈ ઇસ્માઇલના ઘરે 13 જાન્યુઆરી 2019ના એક દરોડો પાડી ત્યાંથી નવ કિલો માંસ જપ્ત કર્યું હતું.

એફએસએલના અધિકારીઓએ તે માંસ ગૌવંશનાં પ્રાણીઓનું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આ સંદર્ભે પોલીસે પિતા-પુત્રની 25 માર્ચ, 2019ના રોજ ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટે બંનેને બે દિવસ પછી જ જામીન આપી દીધા હતા. ખાસ ચંદ્રેશ મહેતાએ કહ્યું કે આ કેસમાં જામીન પર છૂટ્યાનાં ત્રણેક વર્ષ બાદ અક્રમ ગૌવંશના પશુની કતલ કરતા ફરી પકડાઈ ગયો હતો.

પિતા-પુત્ર સામે 2019નો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ હાજી ઉર્ફે મસ્તાનનું મૃત્યુ થઈ જતાં તેમની સામેનો કેસ પડતો મુકાયો હતો. પરંતુ કોર્ટે ત્રણ માર્ચ, 2024ના રોજ અક્રમને તે કેસમાં દોષિત જાહેર કરી ત્રણ વર્ષની કેદ ફટકારી હતી.

બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન