You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાયદેસર પાસપોર્ટ વેચીને અહીંયા થઈ રહી છે અબજો ડૉલરની આવક, દુનિયાના લોકો અહીં જઈને શું કરે છે?
સાત વર્ષ પહેલાં વાવાઝોડું મારિયા ડૉમિનિકાના કિનારે ત્રાટક્યું હતું. જેના કારણે મૂશળધાર વરસાદ પડ્યો હતો અને થોડા કલાકોમાં જ આ નાના કેરેબિયન ટાપુ પરનાં લગભગ બધાં ઘરોનો નાશ થયો હતો.
આ દેશ તેના દરિયાકિનારા કરતાં તેના લીલાછમ પર્વતો માટે વધુ જાણીતો છે. આ વાવાઝોડા બાદ આખો દેશ વીજળી વિના રહ્યો, મહિનાઓ સુધી પાણી પુરવઠો ખોરવાયેલો રહ્યો અને સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરતા તેમને એક વર્ષથી વધુ સમય લાગ્યો.
તે સમયે સરકાર સામે ઝડપથી આવક ઊભી કરવાનો પડકાર હતો. જેનાથી તેઓ ટૂંકા સમયમાં ટાપુના એક ભાગનું પુનઃનિર્માણ કરી શકે.
તેમણે ભંડોળ ઊભું કરવા તેમનાં જૂનાં જાણીતા સંસાધનનો આશરો લીધો: નાગરિકતાનું વેચાણ.
ડૉમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે સત્તાવાર સરકારી વેબસાઇટ પર જણાવ્યું હતું, "અમે વિશ્વભરના લોકો અને પરિવારોને અમારા દેશમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અને બદલામાં અમે તેમને ડૉમિનિકન નાગરિકતાનું વચન આપીએ છીએ. નાગરિકના દરજ્જા સાથે અનેક તકો પણ મળશે જેમાં સરહદ બાધા નહીં બને."
કહેવાતી નાગરિકતા દ્વારા રોકાણ કાર્યક્રમ વિદેશીઓને ચોકક્સ રકમના બદલામાં નવી નાગરિકતાની મંજૂરી આપે છે.
ધ ગોલ્ડન પાસપોર્ટ: ગ્લોબલ મોબિલિટી ફૉર મિલિયનેર્સ (હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ, 2023) ના લેખક ક્રિસ્ટિન સુરાક બીબીસીને કહે છે, "આ પદ્ધતિ નાના ટાપુ પરનાં રાષ્ટ્રો માટે આકર્ષક રહી છે. તે આ દેશો માટે વિદેશી ચલણ મેળવવાનો એક માર્ગ છે કારણ કે આ દેશો જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે છે તેની સામાન્ય રીતે આયાત જ કરતા હોય છે."
આંતરરાષ્ટ્રીય સંસ્થા ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના અહેવાલમાં ડૉમિનિકા પાસેથી મળેલી માહિતી અનુસાર, નાગરિકતા વેચાણ કાર્યક્રમ મારફતે 2017 થી 2020 દરમિયાન આ ટાપુએ યુએસ ડૉલર1.2 અબજથી વધુની આવક ઊભી કરી. જે રાજ્યનાં સંસાધનોનો નોંધપાત્ર ભાગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તાવાર માહિતીમાં આંકડો ઓછો આપવામાં આવ્યો છે.
પરંતુ નાગરિકતાનું વેચાણ હકારાત્મક નથી. આંતરરાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર અન્ય રાજ્યોના અધિકારીઓ તરફથી આની આકરી ટીકા પણ થયેલી છે.
બીજી બાજુ ડૉમિનિકા દલીલ કરે છે કે આ કાર્યક્રમ સલામત છે. અમે તે માટેનાં પરીક્ષણ અને પાત્રતાનાં માપદંડો પણ વધુ આકરાં કર્યાં છે.
ત્રણ દાયકાનો ઇતિહાસ
ડૉમિનિકામાં અને દુનિયાના ઇતિહાસમાં નાગરિકતાનું વેચાણ એ કંઈ નવી બાબત નથી.
નિષ્ણાત કહે છે કે દુનિયામાં ઓછામાં ઓછા 20 દેશો એવા છે જ્યાં નાગરિકત્વના વેચાણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. પરંતુ આમાંથી માત્ર અડધા દેશોમાં જ આ કાર્યક્રમ સક્રિય રીતે ચાલે છે, અને તેમાંથી પાંચ તો કેરેબિયન ક્ષેત્રમાં જ છે.
ડૉમિનિકા આમાંથી એક છે. ત્યાં રોકાણ દ્વારા નાગરિકતા કાર્યક્રમ 1993 થી અસ્તિત્વમાં છે. આ વિશ્વના સૌથી જૂના આર્થિક નાગરિકતા કાર્યક્રમોમાંનો એક છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના પ્રોફેસર સુરક કહે છે, "શરૂઆતમાં ઘણી સમસ્યાઓ હતી. આ કાર્યક્રમનો હેતુ એક એવી હોટેલ વિકસાવવાનો હતો જે ક્યારેય પૂર્ણ ન થઈ. રોકાણકારોએ પૈસા આપ્યા પરંતુ દેશમાં ક્યારેય કોઈ પરિવર્તન આવ્યું નહીં. આના કારણે ઘણા બધા મુકદ્દમા પણ થયા."
પરંતુ વાવાઝોડા મારિયા પછી જ્યારે તેણે વિશ્વનો પ્રથમ "ક્લાઇમેટ રેસિલિયન્ટ (આબોહવા-સ્થિતિસ્થાપક રાષ્ટ્ર)" બનવાનું વચન આપ્યું ત્યાર બાદ નાગરિકતાનું વેચાણ ડૉમેનિકની આવકનો મુખ્ય સ્ત્રોત બન્યું.
સત્તાવાર માહિતી અનુસાર તાજેતરનાં વર્ષોમાં આ કાર્યક્રમનો વિકાસ ઝડપથી થયો છે. આ કાર્યક્રમની આવક કુલ જીડીપીના 30 ટકા સુધી પહોંચી ગઈ છે. આ મેળવવા માટે પ્રતિ અરજદારે ઓછામાં ઓછા યુએસ ડૉલર 200,000 નું પ્રારંભિક રોકાણ કરવું પડે છે.
જોકે આ વિષયના નિષ્ણાતો કહે છે કે તાજેતરનાં વર્ષોમાં આ રકમ બમણીથી વધુ થઈ ગઈ છે.
સંશોધક પ્રશ્ન કરે છે, "ધીમે ધીમે ડૉમિનિકા આ કાર્યક્રમ પર વધુને વધુ નિર્ભર બનતું ગયું છે. પ્રશ્ન એ છે કે શું નાગરિકતાના વેચાણમાંથી મળેલા આ રૂપિયા ખરેખર દેશના વિકાસ માટે ખર્ચાય છે."
ડૉમિનિકા અન્ય ઘણા નાના ટાપુઓની જેમ પેરિસ કરાર જેવી સૌથી મહત્ત્વાકાંક્ષી આબોહવા નીતિઓને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય ખેલાડી બની ગયું છે. કારણ કે તેઓ જાણે છે કે આ મુદ્દો તેમના માટે સૌથી વધુ સંવેદનશીલ છે.
સત્તાવાર નિવેદનો અનુસાર આ દેશે 2009 થી તેની રોકણ દ્વારા નાગરિકતા યોજના હેઠળ યુએસ ડૉલર એક અબજથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે.
હાલમાં "રોકાણકારો" માટે કાયદેસર રીતે નાગરિકતા મેળવવાના બે રસ્તા છે.
એક રસ્તો છે રાજ્યને યુએસ ડૉલર100,000 નું સીધું યોગદાન આપવાનો અને બીજો છે સરકાર માન્ય રિયલ ઍસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ઓછામાં ઓછા યુએસ ડૉલર 200,000 નું રોકાણ કરવાનો.
સરકારના જણાવ્યા અનુસાર એકવાર રોકાણકારો ડૉમિનિકન રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી લે પછી તેઓ કેરેબિયન દેશમાં કામ કરી શકે છે અને વ્યવસાય પણ વિકસાવી શકે છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો પણ લાભ મેળવી શકે છે.
"ઘણા લોકો વિવિધ દેશોમાં સરળતાથી મુસાફરી કરી શકે તે માટે રોકાણ દ્વારા નાગરિકત્વને પસંદ કરે છે. કારણ કે આ લોકો પાકિસ્તાન જેવા દેશોમાંથી આવતા હોય છે કે જ્યાં તેઓ વિઝા વિના માત્ર 40 દેશોમાં જ મુસાફરી કરી શકે છે," આ સમજાવતા સુરાક ડૉમિનિકામાં કાર્યક્રમના સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાંને સ્વીકારે છે.
ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) ના 2023 ના અહેવાલ મુજબ, વિશ્વભરના દેશોમાં નાગરિકત્વ મેળવવાના પરંપરાગત માર્ગથી વિપરીત, જેમાં ઘણાં વર્ષોનું રહેઠાણ જરૂરી છે, તે ડૉમિનિકાનું નાગરિકત્વ ટાપુ પર પગ મૂક્યા વિના પણ મેળવી શકાય છે.
પાસપોર્ટ વેચવાના કાર્યક્રમની ટીકા
પહેલી નજરે આ પગલાંથી નાના કેરેબિયન ટાપુને મોટા ફાયદા થશે તેવું લાગે છે. જોકે, તાજેતરમાં આટલી ઝડપ અને સરળતાથી નાગરિકતા મળવા પણ અંગે ટીકા થઈ રહી છે.
યુરોપિયન યુનિયન કમિશને વેપાર અંગે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી છે અને નાગરિકતા વેચતા દેશો માટે તેના 'વિઝા-મુક્ત' રજીમને સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, એમ 2023ના અહેવાલમાં જણાવાયું છે.
તપાસ કરતા પત્રકારોએ "રોકાણ દ્વારા નાગરિકતા" કાર્યક્રમ ખરીદનારા 7,700 લોકોનાં નામોની રજિસ્ટ્રી દ્વારા શોધી કાઢ્યું કે ઘણા નવા "ડૉમિનિકન" લોકો પર પાછળથી તપાસ કરવામાં આવી હતી. તેમને પર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો અથવા અન્ય દેશોમાં તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ડૉમિનિકાએ જવાબ આપ્યો કે નાગરિકતા એવા અરજદારો માટે પ્રતિબંધિત છે કે જેઓ ગુનાહિત રેકૉર્ડ ધરાવતા હોય અને જેમને બીજા દેશમાં નાગરિકત્વ અથવા યુનાઇટેડ સ્ટેટ્સના વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે જે લોકોએ ખોટી માહિતી સબમિટ કરી છે અને જે લોકોએ "ડૉમિનિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે તેવી" પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે તેમને પણ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
જ્યારે બેલારુસ, ઈરાન, ઉત્તરી ઇરાક, ઉત્તર કોરિયા, રશિયા, યમન અને સુદાનના નાગરિકોની અરજીઓ "વધારાની તપાસ, મર્યાદાઓ અથવા સ્પષ્ટ પ્રતિબંધો" ને આધીન હોય છે.
પરંતુ ટીકાકારો કહે છે કે નાગરિકતા મેળવ્યા પછી પણ કાનૂની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેની પ્રોજેક્ટ ઑન ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍન્ડ કરપ્શનના અહેવાલમાં પુષ્ટિ મળી છે.
આ દલીલ પર સરકારનો પ્રતિભાવ સ્પષ્ટ રહ્યો છે.
વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, "જો કોઈ વ્યક્તિ આજે નાગરિક બને છે અને કાલે સવારે તે વ્યક્તિ એવું કંઈક કરે છે જેનાથી તે કાનૂની મુશ્કેલીમાં મુકાય છે, તો તમે તેના માટે કાર્યક્રમને દોષી ઠેરવી શકો નહીં."
જ્યારે ડૉમિનિકાએ કાર્યક્રમની અખંડિતતાને મજબૂત કરવા માટે પગલાં લીધાં છે. જેમ કે રદ કરવાની સત્તાઓ અને પાત્રતાનાં માપદંડોનો વિસ્તાર કરવો. ડૉમિનિકા હવે નાગરિકતાના વેચાણ પર વધુ નિર્ભર છે.
સુરાકે સારાંશ આપતા કહ્યું, "આખરે આ અસમાનતાનો મામલો છે. જન્મ આધારે તમારી અસમાનતાની વાત હું કરી રહ્યો છું. જેમાં તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. અને બીજા કે જે સંપત્તિના આધારે તેને ખરીદી શકે છે. આ પણ અસમાનતા જ છે."
"આ નાના દેશો અને સમૃદ્ધ દેશો વચ્ચેની અસમાનતા પણ દર્શાવે છે. આખરે જ્યારે તમારે બધું જ આયાત કરવું પડતું હોય અને તમારી પાસે કુદરતી સંસાધનો ન હોય ત્યારે તમે શું કરો?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન