You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ કોચ ગંભીર સામે સવાલો કેમ ઉઠી રહ્યા છે?
ઑસ્ટ્રેલિયાએ દસ વર્ષ બાદ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી અને આ જીતને કારણે ભારત સતત પાંચમી વખત આ ટ્રૉફી જીતવાથી ચૂકી ગયું.
આ આખી સિરીઝમાં ભારતીય ટીમની બેટિંગ પર અનેક સવાલો ઉઠ્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓએ તેમના પર રાખવામાં આવેલી અપેક્ષા કરતા ખરાબ પ્રદર્શન કર્યું.
સિરીઝ સમાપ્ત થયા બાદ ગૌતમ ગંભીરે પ્રેસ કૉન્ફરન્સ કરી અને તેમણે ટીમ અને ખેલાડીઓ સાથે જોડાયેલા સવાલોના જવાબો આપ્યા.
મૅચ સમાપ્ત થયા બાદ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ નારાજ દેખાયા અને તેમણે નામ લીધા વગર કોચિંગ સ્ટાફ અને વરિષ્ઠ ખેલાડીઓની જોરદાર આલોચના કરી.
પ્રદર્શન પર ગૌતમ ગંભીરે શું કહ્યું?
રોહિત અને વિરાટ કોહલીએ આ સિરીઝમાં નિરાશ કર્યા તથા ક્રિકેટના ફૅન્સ તથા પૂર્વ ક્રિકેટરો તરફથી તેમને ઘરેલુ ક્રિકેટ રમવાની વાત પણ થઈ.
આ સિરીઝમાં પાંચ મૅચમાં વિરાટે નવ ઇનિંગ્સમાં માત્ર 190 રન બનાવ્યા. જે પૈકી પહેલી ટેસ્ટમૅચમાં તેમની સદીનો સમાવેશ પણ થઈ જાય છે.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ગંભીરને પણ ઘરેલુ ક્રિકેટ અને વરિષ્ઠ ખેલાડીઓ સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવ્યા.
ગૌતમ ગંભીરે કહ્યું, "હું હંમેશા ચાહું છું કે તમામ ખેલાડીઓ ઘરેલું ક્રિકેટ રમે. જો તમે લાલ બૉલથી ક્રિકેટ રમવા માટે પ્રતિબદ્ધ હોવ તો ઘરેલુ ક્રિકેટ રમો. જો તમે ઘરેલુ ક્રિકેટને મહત્ત્વ નથી આપી રહ્યા તો તમને મનચાહ્યું પરિણામ નહીં મળી શકે, જે તમે ટૅસ્ટ ક્રિકેટમાં ઇચ્છો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિતે આ સિરીઝમાં ત્રણ મૅચ રમી અને પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યા. સિરીઝની પાંચ ઇનિંગ્સમાં તેમણે માત્ર 31 રન બનાવ્યા જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર માત્ર દસ રન રહ્યો.
આ મામલે ગાવસ્કરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, "23 જાન્યુઆરીથી રણજી ટ્રૉફીની મૅચ છે, આ દરમિયાન હું જોવા માગુ છું કે કેટલા ખેલાડીઓ રમે છે."
ગૌતમ ગંભીરનો કોચ તરીકેનો રેકૉર્ડ કેવો રહ્યો?
ગૌતમ ગંભીરને જુલાઈ-2024માં ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના કોચ બન્યા બાદ ભારતીય ટીમનું પ્રદર્શન મિશ્ર પરિણામ આપનારું રહ્યું.
ગંભીરના કોચ બન્યા બાદ ઑગસ્ટમાં ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ ખેડ્યો. જ્યાં વનડે સિરીઝમાં શ્રીલંકાએ ઇતિહાસ રચતા ભારતને 27 વર્ષ બાદ હરાવ્યું અને સિરીઝ જીતી હતી. ગંભીરની કોચિંગમાં ભારતની આ પહેલી હાર હતી.
ઑક્ટોબરમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામે ઘરમાં જ ટેસ્ટ સિરીઝ રમી. જેમાં ભારતે 2-0થી આ સિરીઝ ગુમાવી. 12 વર્ષ બાદ ભારતને ઘરઆંગણે કોઈ ટેસ્ટ સિરીઝમાં હાર મળી. ન્યૂઝીલૅન્ડની ભારતીય જમીન પર આ પહેલી ટેસ્ટ સિરીઝની જીત હતી.
સપ્ટેમ્બરથી ઑક્ટોબરની વચ્ચે બાંગ્લાદેશની ટીમે ભારતનો પ્રવાસ કર્યો. તે દરમિયાન બાંગ્લાદેશે બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મૅચ રમી. બંને સિરીઝમાં ભારતે બાંગ્લાદેશને વ્હાઇટવૉશ કર્યું.
ઑસ્ટ્રેલિયા સામે હાલની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ભારતે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા ન બનાવી શક્યું.
પહેલી વખત હશે કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ફાઇનલમાં નહીં હોય. અત્યાર સુધી બે વખટ ડબલ્યુટીસીની ફાઇનલ રમાઈ છે અને બંનેમાં ભારતની હાર થઈ છે.
ઑસ્ટ્રેલિયામાં હાર બાદ ગાવસ્કરે કટાક્ષ કરતા કહ્યું, "કોચિંગ સ્ટાફને પૂછવું જોઈએ કે તેમણે શું કર્યું? ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનો જ્યારે બેટિંગ કરતા હતા, અહીં કોચિંગ સ્ટાફની મહત્ત્વની ભૂમિકા હોય છે. ખેલાડી ગરમીમાં રમે છે તો તમારે પણ નક્કી કરવાનું છે કે તમારે શું કરવું જોઈએ. માત્ર થ્રૉ ડાઉન કરવાથી નહીં ચાલે."
ગાવસ્કરે રોહિત અને કોહલીના નામ લીધા વગર કહ્યું કે મોટા નામ ધરાવતા બૅટ્સમૅનોએ કંઈ જ ન કર્યું.
ગંભીરનો જવાબ
ગૌતમ ગંભીરનું કહેવું છે કે તેમની પાસે સિરીઝ જીતવાની ઘણી તકો હતી. તેઓ ભૂલનો સ્વીકાર કરવા તૈયાર છે.
તેમણે કહ્યું, "એવું નથી કે અમારી પાસે સિરીઝ જીતવાની તક નહોતી. જે પ્રકાર અમે જીતથી શરૂઆઆત કરી અને પછી પિંક બૉલની મૅચ ડ્રૉ કરી. જો અમે અહીં 1-1ની બરાબરી કરતે તો કદાચ ઑસ્ટ્રેલિયા પર દબાણ ઊભું કરી શક્યા હોત."
સિડની ટેસ્ટ બાદ ગંભીરે કહ્યું, "અમે 185 પર ઑલઆઉટ થયા બાદ પણ લીડ લીધી. જો અમે બીજી ઇનિંગમાં સારી બેટિંગ કરી હોત અને 250-270 રનનું લક્ષ્યાંક આપ્યું હોત તો કદાચ આ મુશ્કેલી ન હોત."
ગંભીરનું એમ પણ કહેવું છે કે બૉલિંગ કે બેટિંગમાંથી કોઈ એક વિભાગને દોષ આપવો યોગ્ય નથી. તેમના મત પ્રમાણે બધા વિભાગોને ઠીક કરવાની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન