વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં આપેલા નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. સોમવારે તેમણે પાકિસ્તાન અંગે એક નિવેદન આપ્યું તેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે.
મોદીની ટિપ્પણી અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. પાકિસ્તાને કહ્યું કે મોદીની ટિપ્પણી પહેલેથી જ અસ્થિરતાગ્રસ્ત ક્ષેત્રમાં એક ખતરનાક ઉદાહરણ સ્થાપે છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, "આવા નિવેદનો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના મૂળ સિદ્ધાંતોનો સ્પષ્ટ રીતે ભંગ કરે છે, જે સભ્ય દેશોને વિવાદોને શાંતિપૂર્વક ઉકેલવા અને અન્ય દેશોની સંપ્રભુતા તથા રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ બળનો ઉપયોગ કરવા અથવા ધમકી આપવાની મનાઈ કરે છે."
નિવેદનમાં જણાવાયું છે કે, "આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતની નિવેદનબાજીને ગંભીરતાથી લેવી જોઈએ, જે ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિની સંભાવનાને નબળી પાડે છે."
સોમવારે પીએમ મોદીએ ભુજમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા માટે પાકિસ્તાનની જનતાએ પણ આગળ આવવું પડશે. પાકિસ્તાનના નવયુવાનોએ આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી જીવો, રોટી ખાવ, નહીંતર મારી ગોળી તો છે જ."
પંચકુલામાં એક કારમાં 'એક જ પરિવારના સભ્યો'ના મૃતદેહ મળવાના મામલામાં પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
હરિયાણાના પંચકુલામાં કાલ રાત્રે એક કારમાં કેટલાક લોકોના મૃતદેહો મળ્યા હતા જે એક જ પરિવારના હોવાનું કહેવાઈ રહ્યું છે.
પંચકુલા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે ક્રાઇમ બ્રાન્ચના લોકો પણ પહોંચ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર નિર્મલ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "કાલ રાત્રે લગભગ 11 વાગ્યે સૂચના મળી કે એક ગાડી છે, તેમાં કેટલાક મૃતદેહો છે, જેમાં ઘટનાસ્થળ પર એક વ્યક્તિ જીવિત હતી, આ માહિતી મળ્યા બાદ અમે પહોંચ્યા. અમે જોયું કે ગાડી ઊભી હતી, મૃતદેહોને એ સમય સુધી સિવિલ હૉસ્પિટલ શિફ્ટ કરાયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્સ્પેક્ટર નિર્મલ સિંહે જણાવ્યું કે મૃતકોમાં બાળકો પણ હતાં.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, આ દેહરાદૂનના એક જ પરિવારના સભ્યો હતા.
નિર્મલ સિંહે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. ઉત્તરાખંડ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
આની પહેલાં પંચકુલાનાં ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે 'પ્રારંભિક રીતે આ આત્મહત્યાનો મામલો લાગે છે.'
મહત્ત્વપૂર્ણ માહિતી-
માનસિક સમસ્યાઓની સારવાર દવા અથવા થૅરેપીથી શક્ય છે. આના માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ, તમે આ હેલ્પલાઇન પર પણ સંપર્ક કરી શકો છો-
સામાજિક ન્યાય તથા આધિકારિતા મંત્રાલયની હેલ્પલાઇન- 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ છે)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાઇન્સેઝ- 9868396824, 9868396841, 011-22574820
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ- 022- 24131212
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ-080 - 26995000
પંચકુલામાં એક જ પરિવારના સાત લોકો મૃત હાલતમાં મળ્યા, પોલીસે શું કહ્યું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણાના પંચકુલામાં એક કારમાં સાત લોકો મૃત હાલતમાં મળ્યા છે.
પંચકુલાનાં ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે બધા મૃતકો એક જ પરિવારના છે, જેમની ઓળખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, 'પ્રારંભિક રીતે સુસાઇડનો મામલો' લાગ રહ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ દેહરાદૂનના એક જ પરિવારના સભ્યો હતો.
26 મેની રાત્રે મીડિયા સાથે વાતચીતમાં ડીસીપી હિમાદ્રી કૌશિકે કહ્યું કે, "અમને સૂચના મળી હતી કે છ લોકો ઓજસ હૉસ્પિટલ લવાયા છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જાણ્યું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે અને એક વ્યક્તિ જે સેક્ટર 6, સિવિલ હૉસ્પિટલમાં લવાઈ હતી, તેમનું પણ મૃત્યુ થઈ ગયું છે."
ડીસીપીએ કહ્યું કે, "પ્રારંભિક રીતે આત્મહત્યાનો મામલો લાગે છે. બધા ફૉરેન્સિક પુરાવા મેળવવામાં આવ્યા છે. મામલાની ઊંડાઈથી તપાસ કરવામાં આવશે."
મહત્ત્વપૂર્ણ માહિતી-
માનસિક સમસ્યાઓની સારવાર દવા અથવા થૅરેપીથી શક્ય છે. આના માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ, તમે આ હેલ્પલાઇન પર પણ સંપર્ક કરી શકો છો-
સામાજિક ન્યાય તથા આધિકારિતા મંત્રાલયની હેલ્પલાઇન- 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ છે)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાઇન્સેઝ- 9868396824, 9868396841, 011-22574820
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ- 022- 24131212
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ-080 - 26995000
ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 83 થઈ, આખા દેશમાં ચોથા ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ છે. 19 મેથી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કેસમાં 76નો વધારો થયો છે અને દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે.
આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પ્રમાણે હાલમાં કેરળમાં સૌથી વધુ 430 કેસ, મહારાષ્ટ્રમાં 209 કેસ અને દિલ્હી 104 કેસ સાથે સૌથી આગળ છે.
ડેશબોર્ડમાં અપાયેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. જ્યારે કેરળમાં બે અને કર્ણાટકમાં એક દર્દીનું મોત નોંધાયું છે. દેશમાં 19 મેથી અત્યાર સુધીમાં કોરોનાના કેસમાં કુલ 753નો વધારો થયો છે અને હાલમાં 1010 ઍક્ટિવ કેસ છે.
મુંબઈમાં રેકૉર્ડબ્રેક વરસાદઃ જનજીવન અસ્તવ્યસ્ત, પરિવહન ઠપ

ઇમેજ સ્રોત, UGC
કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયા પછી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે મુશળધાર વરસાદ પડ્યો હતો જેણે અત્યાર સુધીના રેકૉર્ડ તોડી નાખ્યા છે.
સોમવારે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરના કેટલાક ભાગોમાં 200 મીમી સુધી વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પરિવહન સેવાને અસર થઈ હતી. કિંગ ઍડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલ અને નવા ઉદ્ઘાટન થયેલાં મેટ્રો 3 ઍક્વા લાઇન સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઠેર ઠેર પાણી ભરાઈ જવા માટે ચોમાસાના વહેલા આગમન અને ટૂંકા ગાળામાં ભારે વરસાદને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મુંબઈમાં કેટલાક ભાગોમાં 12 કલાકની અંદર 200 મીમી વરસાદ પડી ગયો છે.
નરિમાન પૉઇન્ટ એરિયામાં 12 કલાકમાં 252 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બીએમસી હૅડક્વાર્ટર આસપાસ 216 મીમી વરસાદ નોંધાયો હતો.
ઇંગ્લૅન્ડમાં વિક્ટરી પરેડ દરમિયાન ટોળા પર કાર ચઢાવી દેવાઈ

ઇમેજ સ્રોત, PA Media
ઇંગ્લૅન્ડના લીવરપૂલ શહેરમાં સોમવારે ફૂટબૉલ ક્લબની પ્રીમિયર લીગ વિક્ટરી પરેડ દરમિયાન એક વ્યક્તિએ ત્યાં હાજર લોકો પર કાર ચઢાવી દીધી હતી.
આ ઘટનામાં કેટલાય ડઝન લોકોને ઈજા થઈ છે જેમાં ચાર બાળકો પણ સામેલ છે. નૉર્થ વેસ્ટ ઍમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું કે 27 લોકોને હૉસ્પિટલે લઈ જવાયા છે. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેમાં એક બાળક પણ સામેલ છે.
પોલીસે આ મામલે 53 વર્ષની એક બ્રિટિશ વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ જ કાર ચલાવતી હતી તેવો આરોપ છે.
અધિકારીઓએ કહ્યું કે લીવરપૂલ ફૂટબૉલ ક્લબની વિક્ટરી પરેડમાં લોકો પર કાર ચઢાવી દેવાને 'આતંકવાદ' સાથે કોઈ સંબંધ નથી.
બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે ઍક્સ પર પોસ્ટ કરી કે "લિવલપૂલનાં દૃશ્યો ડરામણાં છે. ઈજાગ્રસ્ત અને અસરગ્રસ્ત લોકો સાથે મારી સંવેદના છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












