જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- 'મારું મનોબળ 100 ગણું વધી ગયું'

સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા પછી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે.

દિલ્હીની તિહાડ જેલમાંથી બહાર આવીને કેજરીવાલે ભાજપનું નામ લીધા વગર નિશાના તાક્યું હતું.

તેમણે કહ્યું કે, "આ લોકોને લાગ્યું કે મને જેલમાં રાખીને મારું મનોબળ તોડી નાખશે. હું આજે જેલની બહાર આવી ગયો છું અને મારું મનોબળ 100 ગણું વધી ગયું છે."

કેજરીવાલે કહ્યું કે ભગવાને તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, "મારી તાકાત 100 ગણી વધી ગઈ છે. આ લોકોના જેલના સળીયા કેજરીવાલના મનોબળને ઘટાડી ન શક્યા."

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટને 10 લાખ રૂપિયાના બૉન્ડ પર કેજરીવાલને જામીનતનો આદેશ આપ્યો.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયન બંને એ વાત પર સહમત હતા કે કેસની ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે પરંતુ નજીકના ભવિષ્યમાં તેની ટ્રાયલ પૂર્ણ થાય તેની કોઈ સંભાવના દેખાતી નથી.

જસ્ટિસ સૂર્યકાંતે ધરપકડ કાયદેસર હતી એમ કહ્યું હતું, તો બીજી તરફ ઉજ્જવલ ભુયને ધરપકડની જરૂરિયાત હતી કે કેમ તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, જસ્ટિસ ઉજ્જવલ ભુયને જામીન આપતાં કહ્યું હતું કે સીબીઆઈએ ‘પાંજરામાં બંધ પોપટ’ની છબી તોડવી જોઈએ અને દર્શાવવું જોઈએ કે તે ‘પાંજરામાં બંધ પોપટ’ નથી.

જસ્ટિસ ભુયને કેજરીવાલની ધરપકડના સમય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેમને ઇડીના કેસમાં જામીન મળ્યા ત્યારે સીબીઆઈએ તેમની ફરી ધરપકડ કરી.

અરવિંદ કેજરીવાલે શું-શું કહ્યું?

જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું, “હું સૌથી પહેલાં ઇશ્વરનો આભાર માનું છું, જેમની કૃપાને કારણે હું આજે તમારી બધાની સામે છું. લાખો-કરોડો લોકોની પ્રાર્થના માટે આભાર વ્યક્ત કરૂ છું. લોકોએ મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારામાં પ્રાર્થનાઓ કરી. હું બધાનો આભાર માનું છું.”

તેમણે ભારે વરસાદ વચ્ચે તિહાડ પહોંચેલા સમર્થકોનું પણ અભિવાદન કર્યું

અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારા જીવનની એક-એક પળ દેશ માટે સમર્પિત છે.

તેમણે કહ્યું, “જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દરેક સમયે ઇશ્વરે મારો સાથ આપ્યો. ઇશ્વરે મારો સાથ આપ્યો કારણ કે હું સાચો હતો.”

અરવિંદ કેજરીવાલ પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે ભાવુક થતા પણ દેખાયા.

તેમણે કહ્યું, “આ લોકોએ મને જેલમાં નાખી દીધો. આ લોકોને લાગ્યું કે કેજરીવાલને જેલમાં નાખીશું તો તેનું મનોબળ તુટી જશે. હું આજે તમને કહેવા માગું છું. હું જેલમાંથી બહાર આવ્યો છું અને મારૂ મનોબળ 100 ગણું વધી ગયું છે. આ લોકોની જેલની નાની-મોટી દિવાલો, જેલના સળીયા કેજરીવાલના મનોબળને ઓછું ન કરી શકે.”

કેજરીવાલે કહ્યું, “હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે તેમણે જે રીતે આજ સુધી રસ્તો દેખાડ્યો અને તાકાત આપી એવી જ રીતે ભગવાન મને રસ્તો દેખાડતા રહે. હું દેશની સેવા કરતો રહું. આ જેટલી રાષ્ટ્ર વિરોધી તાકતો છે જે દેશના વિકાસને અટકાવી રહી છે, દેશને તોડવાનું કામ કરી રહી છે, દેશને અંદરથી નબળો પાડવાના પ્રયાસો કરી રહી છે. હું જીવનભર તેમની સામે લડતો રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ.”

કેજરીવાલને જામીન મળતા આપના નેતાઓએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ કહ્યું, “સત્યમેવ જયતે.”

રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. અંતે માનનીય સુપ્રીમ કોર્ટે દિલ્હીના પુત્ર અરવિંદ કેજરીવાલને જેલની સાંકળોમાંથી આઝાદ કરવાનો ચુકાદો આપી દીધો છે.”

મનીષ સિસોદિયાએ કહ્યું કે, “સત્યની શક્તિથી તૂટ્યા તાનાશાહની જેલનાં તાળાં.”

તેમણે કહ્યું હતું કે, “જુઠ્ઠાણાં અને ષડયંત્રોની સામે લડાઈમાં આજે ફરીથી સત્યની જીત થઈ છે. એક વાર ફરીથી હું બાબાસાહેબ આંબેડકરના વિચારો અને તેમની દૂરદર્શિતાને સલામ કરું છું. તેમણે 75 વર્ષ પહેલાં જ સામાન્ય માણસને કોઈ તાનાશાહ સામે મજબૂત બનાવી દીધો હતો.”

પહેલાં ઇડી અને પછી સીબીઆઈએ કરી હતી ધરપકડ

કેજરીવાલની કથિત શરાબનીતિ ગોટાળાના મામલામાં પહેલાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ કસ્ટડીમાં જ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ફરી ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ઇડી કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા પરંતુ તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા, કારણ કે એ પહેલાં જ તેમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.

તેની સામે અરવિંદ કેજરીવાલે 5 ઑગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

દિલ્હી સરકારની 2021-22ની શરાબનીતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જોકે, હવે આ પૉલિસી રદ કરવામાં આવી છે.

આ કેસમાં ઇડીએ અલગથી અરવિંદ કેજરીવાલ સામે મની લૉન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આ વર્ષે 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી.

તેમને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા અને સંજયસિંહ જેવા નેતાઓ પણ લાંબો સમય સુધી જેલમાં રહી આવ્યા છે. મનીષ સિસોદિયાને હજુ થોડા દિવસ પહેલાં જ જામીન મળ્યા છે.

કથિત શરાબનીતિ મામલો શું છે?

ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.

આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ અપાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.

નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, ગ્રાહકોને સારો અનુભવ આપવાનો, શરાબમાફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.

આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.

દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા જેટલો હતો.

આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા પણ વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી પણ અપાઈ હતી તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.

ઉપરાજ્યપાલના આરોપો અને ચીફ સેક્રેટરીનો રિપોર્ટ

2023ના જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ નવી શરાબનીતિ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયો છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.

કુમારે આ નીતિ અંગે ઘણી પ્રક્રિયા સંબંધિત ત્રુટિઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.

જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને બીજી તરફ લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.

દિલ્હી ઍક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.

જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.

ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જે-તે સમયે નવી નીતિ લાવવા પાછળ મુખ્યત્વે બે કારણો જણાવ્યાં હતાં. પ્રથમ શરાબમાફિયા પર નિયંત્રણ મેળવવું અને બીજું સરકારની આવક વધારવી.

સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે શરાબની દુકાનોનું વિસ્તાર અનુસાર સમાન વિતરણ થવું જોઈએ, ગ્રાહકો માટે શરાબ ખરીદવાની પ્રવૃત્તિ સુવિધાજનક હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, નવી નીતિમાં ફેરફાર કરીને આ તમામ ફૅક્ટરોને હઠાવવામાં આવ્યા છે. આ ફૅક્ટરોને કારણે જ શરાબમાફિયા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારી વિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14,700 ભલામણો આવી હતી."

"આ અંગે મુખ્ય મંત્રી દ્વારા ભલામણો કરવા અંગે મંત્રીઓના સમૂહની નિમણૂક કરાઈ હતી. આ ભલામણોને કૅબિનેટે મંજૂરી આપી દીધી હતી."

આ સાથે જ તેમણે શરાબની દુકાનોએ સમાન વિતરણ પર પણ ભાર મૂક્યો હતો. જોકે, ઉપરાજ્યપાલના આરોપો બાદ દિલ્હી સરકારે આ નવી નીતિમાંથી પીછેહઠ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.