ગંભીરા બ્રિજ : પુલ પડ્યો એ પહેલાં કેવા ટેસ્ટ કરવા જરૂરી હતા અને દુર્ઘટનાનાં કારણો શું હોઈ શકે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
વડોદરામાં મહી નદી પર આવેલો ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો અને આ દુર્ઘટનામાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઘટનામાં વધુ પાંચ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ચાર લોકો હજુ ગુમ છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય તરફથી અપાયેલી પ્રેસનોટ પ્રમાણે આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપી દેવાયા છે.
હવે સવાલ એ થાય છે કે બ્રિજ કેમ તૂટે છે? બ્રિજમાં ગાબડાં કેમ પડે છે? ગુજરાતમાં ગંભીરાની માફક અન્ય ઘણા બ્રિજ છે જૂના થઈ ગયા છે અને તેની ફિટનેસ અંગે પ્રશ્નો છે.
બીબીસી ગુજરાતીએ આ માટે વિવિધ નિષ્ણાતો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે શું થવું જોઈએ? આ પ્રકારના પુલો તૂટી પડવા પાછળનાં કારણો અને પરિબળો કયાં છે?
ગંભીરા બ્રિજના મેન્ટનન્સ સામે સવાલો
નિષ્ણાતો પ્રમાણે માનવનિર્મિત દરેક બાંધકામને નિયમિતપણે સમારકારની જરૂર પડતી જ હોય છે. પરંતુ જે પ્રકારે આ બ્રિજ તૂટી પડ્યો છે તે જોતાં લાગે છે કે બ્રિજ દેખરેખ અને તેની જાળવણીમાં 'બેદરકારી' રાખવામાં આવી હશે.
ગુજરાત સરકારમાંથી નિવૃત્ત એન્જિનિયર બાબુભાઈ વી. હરસોડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે ગંભીરા બ્રિજનાં જે પ્રકારનાં દૃશ્યો જોવાં મળે છે, તે જોઈને લાગે છે કે આ બ્રિજનું સમયાંતરે ઇન્સ્પેક્શન અને યોગ્ય મેન્ટનન્સ નહીં થયું હોય.
તેમણે જણાવ્યું, "ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તો પુલોનું સ્ટ્રક્ચરલ ઇન્સ્પેક્શન થવું જોઈએ. વર્ષમાં બે વખત તો ઓછામાં ઓછું ઇન્સ્પેક્શન થવું જ જોઈએ. તે માટેની જવાબદારી સરકારના માર્ગ અને બાંધકામ વિભાગના અધિકારીની છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઇન્સ્પેક્શનમાં જો તેમને આ બ્રિજ ભયજનક માલૂમ પડે તો તેનો વપરાશ બંધ કરવો જોઈએ, અથવા તો મોટાં વાહનો માટે આ બ્રિજ બંધ કરવો પડે."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ટ્રક્ચરલ એન્જિનિયર બીરેન કંસારા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "આ બ્રિજ આટલાં વર્ષો સુધી અડીખમ ઊભો હતો એટલે તેની ડિઝાઇનિંગ કે કન્સ્ટ્રક્શન પર સવાલ નથી, પરંતુ યોગ્ય મેન્ટનન્સના અભાવે આવું થયું હોવાની શક્યતા છે."
સ્ટ્રક્ચરલ એન્જિનિયર મુકેશ મજિઠિયાના મત પ્રમાણે, "ઇન્ડિયન રોડ કૉંગ્રેસના મૅન્યુઅલમાં SP 40 કોડમાં તેની વિસ્તૃત જાણકારી છે. આ માપદંડોને ધ્યાને લેવા જોઈએ."
જોકે, તેમણે આ વિશે એટલું જ કહ્યું કે આ ટેકનિકલ વિષય છે અને તેમાં શું થયું છે તેની પૂરતી જાણકારી વગર કોઈ પ્રતિક્રિયા ન આપી શકાય.
બી. વી. હરસોડા જણાવે છે, "પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે આ 'બ્રિજની નબળાઈ' વિશે કેટલાક લોકોએ સરકારના યોગ્ય અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ તેમણે કોઈ જ તકેદારી રાખી નહીં, ન કોઈ પગલાં લીધાં."
તેઓ કહે છે કે "સૌથી નીચે વર્ક આસિસ્ટન્ટ હોય છે. તેઓની ફરજ છે કે તેમને સોંપેલા વિસ્તારમાં તેમણે આ પ્રકારનાં બાંધકામોનું સતત નિરીક્ષણ કરવું. તેમના ઉપર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર હોય છે. તેમનું કામ પણ વર્ક આસિસ્ટન્ટ તેમને જે રિપોર્ટ આપે તેના પર ધ્યાન આપવાનું હોય છે અને તેમના ઉપરી અધિકારીને તેની જાણકારી આપવાની હોય છે. તેમના ઉપર આવે છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. તેમની જવાબદારી રિપોર્ટ થયેલી બાબતોના નિરાકરણની છે."
નવસારીના સ્ટ્રક્ચરલ એન્જિનિયર બીરેન કંસારા કહે છે, "બ્રિજના સળિયા ખવાઈ ગયા છે. કૉંક્રિટ ધોવાઈ ગયું છે. હેવી લોડ લઈ શકે તેવી સ્થિતિમાં આ બ્રિજ નહોતો એવું લાગે છે. તેથી વારંવારના જર્કને લીધે બ્રિજથી લોડ સહન ન થયો એવું બની શકે."
સમગ્ર બાબતે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એ. એચ. ગઢવીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા શ્યામ બક્ષી સાથેની વાતમાં જણાવ્યું હતું કે "સમાંયતરે બ્રિજનું રૂટિન ઇન્સ્પેક્શન કરાતું જ હોય છે. વરસાદ પહેલાં પણ બ્રિજનું પ્રિમોનસૂન ઇન્સ્પેક્શન કરાય છે. જે મોટા ભાગે એપ્રિલ-મે મહિનામાં પૂર્ણ કરાય છે. કોઈ પણ બ્રિજનું ઇન્સ્પેક્શન તેની ડિઝાઇન સહિતની બાબતોને ધ્યાને રાખીને થતું હોય છે તેનું એક ફૉર્મેટ હોય છે. અને તપાસ બાદ અહેવાલ તૈયાર થાય છે. અને તેમાં કોઈ ફૉલ્ટ નીકળે તો તેનું સમારકામ કરાય છે. ફૉલ્ટનું સમારકામ કેટલા સમયમાં પૂર્ણ થાય તે ફૉલ્ટ કેવો છે તેના પર નિર્ભર કરે છે."
બ્રિજની જાળવણી વખતે શું કાળજી રાખવી પડે?

જાણકારો કહે છે કે ખાસ કરીને એવાં સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય કે સતત અવરજવર કરતા હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવી જોઈએ.
બાંધકામ પૂર્વે તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કર્યા બાદ માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા તે ડિઝાઇનની ચકાસણી (વેરિફિકેશન) થાય છે. વેરિફિકેશન થયા બાદ તેને સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે.
ત્યાર બાદ પણ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે કે તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં? ત્યાર બાદ તેમાં વાપરવામાં આવતી સામગ્રી (મટિરિયલ) યોગ્ય ગુણવત્તાયુક્ત અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી થાય છે. ત્યાર બાદ તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.
બિનસરકારી સંસ્થા દ્વારા બનાવાતું કોઈ પણ સ્ટ્રક્ચર લોકો માટે ખુલ્લું મૂકતાં પહેલાં તેનાં તમામ પાસાંની ચકાસણી કરવાની જવાબદારી સરકારી એજન્સીની રહે છે. અને તે સરકારી માપદંડો અનુસાર જ હોવું જોઈએ.
બ્રિજ તૂટી પડવાનાં કારણો કયાં હોઈ શકે?

ઇમેજ સ્રોત, UGC
મોદી કન્સલ્ટન્ટ્સના સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્નેહલ મોદી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ મૂકે છે કે સરકારે આ બ્રિજના જરૂરી ટેસ્ટ કરાવ્યા નથી.
સ્નેહલ મોદી કહે છે, "આ તૂટેલા બ્રિજનાં દૃશ્યો દર્શાવે છે કે આ દુર્ઘટના સંભવત: શિયર ફોર્સ સામે અપૂરતા પ્રતિકાર તથા માળખાકીય ઘટકોમાં પડેલી તિરાડોને કારણે સર્જાઈ હોવી જોઈએ."
તેઓ કહે છે, "તેની પાછળ ઘણાં બધાં કારણો હોઈ શકે. વરસાદ અથવા નદીનાં પાણી ભરાવાને કારણે સળિયા ખવાઈ ગયા હોય. તેને કારણે કૉંક્રિટને નુકસાન પહોંચ્યું હોય."
સ્ટ્રક્ચરને રિપૅર કરતી વખતે જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થવી જોઈએ, તેને અવગણી શકાય નહીં.
બી. વી. હરસોડા કહે છે, "તમે સામાન્ય રીતે બ્રિજની વચ્ચોવચ ઊભા રહો અને ત્યારે ભારે વાહનો પસાર થાય ત્યારે તમે જે વાઇબ્રેશન અનુભવો તેના પરથી એન્જિનિયરને ખ્યાલ તો આવી જ જાય છે કે આ બ્રિજની મજબૂતી કેટલી છે."
"લોડ ટેસ્ટિંગ જરૂરી છે. તેના પરથી ખબર પડે કે બ્રિજ કેટલો લોડ લઈ શકે. જો તમને ખબર પડે કે બ્રિજ લોડ લઈ શકે તેવી હાલતમાં નથી તો તાત્કાલિક અવરજવર બંધ કરાવવી પડે. અથવા તો ભારે વાહનોની અવરજવર બંધ કરવી પડે અને ત્યાં ચેતવણીનું બોર્ડ મૂકવુ પડે."
સ્નેહલ મોદી કહે છે, "ભારે વરસાદને કારણે થાંભલા અને સ્લેબ નબળા પડી ગયા હશે. તેના પર ભાર વધી ગયો હશે, જેના કારણે બ્રિજની વિવિધ સામગ્રી નબળી પડવાને કારણે ભાર વહન ન થઈ શકવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હોય તેવું લાગે છે."
સરકારી તંત્રનું આ મામલે શું કહેવું છે?
સરકારની પ્રેસનોટમાં જણાવાયું છે એ પ્રમાણે, "આ દુર્ઘટના માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન તથા દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર ઉપરાંત પુલ નિર્માણના બે નિષ્ણાતો અને બે ખાનગી એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરીને અહેવાલ આપવાની સૂચના આપવામાં આવી છે."
બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે."
વડોદરાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું."
આ પ્રકારની દુર્ઘટનાને નિવારવા શું કરવું જોઈએ?

સ્નેહલ મોદી કહે છે " પુલોનું નિયમિત સ્ટ્રક્ચરલ ઑડિટ થવું જોઈએ. તેની સાથે તેની NDT એટલે કે નૉન- ડિસ્ટ્રક્ચર ટેસ્ટિંગ થવું જોઈએ જેથી તેની નબળી ગુણવત્તા કે પછી બહાર ન દેખાતી હોય તેવી નબળાઈ વિશે ધ્યાન પડે."
જાણકારો કહે છે કે આ પ્રકારનાં બાંધકામોનું લોડ ટેસ્ટિંગ અને રેટ્રોફિટિંગ સતત કરવું જોઈએ. જેમાં કાર્બન ફાઇબર રેપ્સ કે પછી સ્ટીલ રિએન્ફોર્સમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
ડ્રેનેજ સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. તેથી સ્ટ્રક્ચરને પાણીના ભરાવાને કારણે નુકસાન થતું બચાવી શકાય.
બ્રિજની ગુણવત્તાની ચકાસણી માટે સ્પષ્ટ માપદંડોને અપનાવવા પડે. જેમાં સેન્સર્સનો ઉપયોગ કરીને તેના પર રિયલ ટાઇમ સ્ટ્રેસ કે પછી તાણ કે પછી તેના પર કેટલું દબાણ સહન કરી શકાય તેમ છે તેની ચકાસણી કરી શકાય.
માત્ર નિરીક્ષણ કરવું એ જ પૂરતું નથી, પરંતુ તેનાં નિરીક્ષણોને આધારે બાંધકામોનું રિપૅરિંગ પણ થવું જોઈએ.
બી. વી. હરસોડા કહે છે, "નૉન-સ્ટ્રક્ચરલ રિપેરિંગ કે જેને જનરલ રિપેરિંગ કહે છે. આ સામાન્ય ખાડા કે નાના નુકસાન માટે આ રિપેરિંગ કરવામાં આવે છે. તેને કૉસ્મેટિક રિપેરિંગ પણ કહે છે. તેને જો વધારે તાકતની જરૂર હોય તો તેને સ્ટ્રેન્થનિંગ કરવા માટેનું રિપેરિંગ કરવામાં આવે છે. જો કોઈ હોનારત થઈ હોય અને તેમાં સ્ટ્રક્ચર ડૅમેજ થયું હોય તો તેના રિપેરિંગને રિહેબિલિટેશન રિપેરિંગ કહે છે. જો પહેલાં જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર પડે તો તેને રેટ્રોફિટિંગ કહે છે."
"એટલે જે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવું પડે."

ઇન્ડિયન રોડ કૉંગ્રેસના SP-40 કોડ ગાઇડલાઇન્સ Clause 9.2.1 પ્રમાણે આ પ્રકારનાં બાંધકામોનું રૂટિન ઇન્સ્પેક્શન ઉપરાંત સતત અને જરૂર પડે તો તાત્કાલિક ઇન્સ્પેક્શન થવું જોઈએ. તેને રિપૅર કરવાની જરૂર પડે તો તેને રિપૅર કર્યા બાદ પણ તેનું ઇન્સ્પેક્શન થવું જોઈએ.
આ પ્રકારનાં બાંધકામોનું રિપૅરિંગ કરાવ્યા બાદ છ-12 મહિનામાં ત્રણથી પાંચ વર્ષ સુધી સતત ઇન્પેક્શન થવું જોઈએ.
અનુચ્છેદ 9.4 પ્રમાણે પિરિયૉડિક ઇન્સ્પેક્શનનું પણ એટલું જ મહત્ત્વ છે. રિપેરિંગ કામ કર્યા બાદ તેની ચકાસણી કરવા માટે અને કોઈ નવી ખામી નથી ઊભી થઈ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આ પ્રકારે પિરિયૉડિક ઇન્સ્પેક્શન પણ થવું જોઈએ.
આ પ્રકારે ચકાસણી કરવી એ બાંધકામોને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે અને જનતાની સુરક્ષા માટે જરૂરી છે.
જાણકારો એમ પણ કહે છે કે જે એજન્સી કે કૉન્ટ્રેક્ટરોએ મટિરિયલ વાપરવામાં કચાશ રાખી હોય તેને બ્લૅક-લિસ્ટ કરવા જોઈએ અને તેમને કોઈ પણ રસ્તા, બ્રિજ કે કોઝ-વે કે અન્ય બાંધકામો વગેરે ન સોંપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
જોકે, થોડા દિવસો પહેલાં જ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે 243 જેટલા પુલો પર જ્યાં વરસાદને કારણે અસર થઈ છે ત્યાં સ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે.
જે કામોમાં ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ દરમિયાન નુકસાન થયું છે કે પછી મરામતની જરૂર પડી છે તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાં જોઈએ એવી પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી હતી.
તેમણે આ પ્રકારનાં કામો ગુણવત્તાનું ધ્યાન રખાય તે પણ સુનિશ્ચિત કરવાની વાત કરી હતી.
જોકે, બી. વી. હરસોડા કહે છે, "આ પ્રકારનાં બ્રિજોના ઇન્સ્પેક્શન અને મૉનિટરિંગ માટે એક ઇન્ડિયન રોડ કૉંગ્રેસના માપદંડો અનુસાર એક રજિસ્ટર જાળવવું પડે પરંતુ તે થાય છે કે કેમ તે સવાલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












