મહિલાના પેટમાં બાળક અને બાળકના પેટમાં પણ 'બાળક', શું આવું શક્ય છે?

    • લેેખક, શ્રીકાંત બંગાલે
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક મહિલાના પેટમાં બાળક અને તેના પેટમાં પણ એક બાળક જોવા મળ્યું.

બુલઢાણા જિલ્લાની એક ગર્ભવતી મહિલા સોનોગ્રાફી માટે સરકારી હૉસ્પિટલમાં ગઈ હતી, ત્યારે આ ઘટના ઉજાગર થઈ.

સોનોગ્રાફી કર્યા પછી સંબંધિત મહિલાના પેટમાં બાળક હતું અને બાળકના પેટમાં પણ બાળક જોવા મળ્યું.

બુલઢાણાના આરોગ્ય વિભાગે બીબીસીને જણાવ્યું કે, આ મહિલાની હાલત સ્થિર છે.

વાસ્તવમાં શું થયું?

બુલઢાણા જિલ્લાની 32 વર્ષીય એક મહિલા ગર્ભાવસ્થાના આઠમા મહિને સોનોગ્રાફી માટે એક સરકારી હૉસ્પિટલમાં આવી હતી.

તેની તપાસ કર્યા પછી ખબર પડી કે, મહિલાના પેટમાં જે ભ્રૂણ છે તેમાં પણ એક ભ્રૂણ દેખાય છે.

એટલે સુધી કે, જ્યારે ડૉક્ટરો અને નિષ્ણાતોની ટીમે ફરી વખત સોનોગ્રાફી કરી ત્યારે બાળકના પેટમાં ગર્ભ સ્પષ્ટ દેખાતો હતો.

બુલઢાણા જિલ્લા સરકારી હૉસ્પિટલના જિલ્લા સર્જન (સિવિલ સર્જન) ભાગવત ભુસારીએ બીબીસીને આ ઘટના વિશે જણાવ્યું.

ડૉક્ટર ભુસારીએ કહ્યું, "સોનોગ્રાફી ટેસ્ટ પછી જાણવા મળ્યું કે મહિલાના પેટમાં બાળક હતું અને બાળકના પેટમાં પણ બાળક હતું. એમ તો તેને બાળક ન કહી શકાય, કેમ કે, આ ભ્રૂણ દ્રવ્યમાન (પ્રવાહી) છે. એક રીતે કહીએ તો તે એક માંસનો લોચો (Fetus Mass) છે. તે એક જીવિત બાળક નથી, તેનું હૃદય ધડકતું નથી. માત્ર એટલા માટે કે તે એક બાળક જેવું દેખાય છે તેને એક બાળક જ કહી શકાય.

"એ ગાંઠમાં લોહીનો પુરવઠો પહોંચે છે તેથી પણ તે વધી રહી છે. મેડિકલ ભાષામાં તેને Fetus in Fetu કહી શકાય."

ડૉક્ટર ભુસારીએ જણાવ્યું કે, બુલઢાણા જિલ્લામાં આ પહેલી ઘટના છે.

તેમણે કહ્યું, મહિલાની ડિલિવરી સામાન્ય થવાની શક્યતા છે અને પ્રસવ પછી જ એ નિર્ણય લેવાશે કે બાળકના પેટમાંથી ગાંઠ કઈ રીતે કાઢવામાં આવે.

ભ્રૂણમાં ભ્રૂણ એટલે શું?

મહિલાના પેટમાં બાળક અને બાળકના પેટમાં બાળક – મેડિકલ ભાષામાં તેને ભ્રૂણમાં ભ્રૂણ (Fetus in Fetu) કહેવામાં આવે છે

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત શોધનિબંધ અનુસાર, ભ્રૂણમાં ભ્રૂણ એક દુર્લભ અને જન્મજાત વિસંગતિ છે. તેમાં શિશુના શરીરમાં એક અવિકસિત ભ્રૂણ બને છે.

સામાન્ય રીતે, ભ્રૂણ બાળકના પેટમાં એક ગાંઠ સ્વરૂપે પ્રગટ થાય છે, જે વિકાસના તબક્કામાં હોય છે, પરંતુ, તે બાળકના વિકાસની રીત કરતાં જુદી રીતે વિકસે છે.

જાણીતાં સ્ત્રીરોગ નિષ્ણાત નંદિતા પાલશેતકરે કહ્યું કે, ભ્રૂણમાં ભ્રૂણની સ્થિતિમાં બાળક જોડકાં હોય છે, પરંતુ, તેમાંના એકમાં કશી મુશ્કેલી હોય છે તેથી તે વિકસતું નથી અને પછી તે બીજા બાળકના પેટમાં જતું રહે છે. પરંતુ, એમાં ડરવા જેવી કશી વાત નથી. બાળકના જન્મ પછી સર્જરી કરવામાં આવે છે અને તેના પેટમાંથી ગાંઠને કાઢી નાખવામાં આવે છે.

છત્રપતિ સંભાજીનગરનાં પ્રસિદ્ધ સ્ત્રીરોગ નિષ્ણાત મંજુ જિલ્લા કહે છે, "ભ્રૂણમાં ભ્રૂણ એટલે કે બાળકના પેટમાં ગાંઠ હોય છે, પરંતુ તે બાળકની જેમ વિકસતી નથી. આ ગાંઠમાં બાળક જેવા ટિસ્યૂ જેવા કે, વાળ, દાંત, આંખ જોવા મળે છે. તેને શસ્ત્રક્રિયા અથવા દૂરબીન દ્વારા કાઢી શકાય છે. તે દરમિયાન બાળકને કશું જોખમ નથી હોતું, માત્ર ગાંઠને પેટમાંથી બહાર કાઢવામાં આવે છે.

ભ્રૂણમાં ભ્રૂણ એક અત્યંત દુર્લભ ઘટના છે અને દર પાંચ લાખમાં આવો એક જ કેસ હોય છે.

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ પરના શોધનિબંધ અનુસાર, દુનિયાભરમાં ભ્રૂણમાં ભ્રૂણના 200થી ઓછા કેસ જોવા મળ્યા છે.

સારવાર શી છે?

ભ્રૂણમાં ભ્રૂણની સ્થિતિની સારવાર કરવા માટે સર્જરીની જરૂર પડે છે અને ભ્રૂણને હટાવ્યા બાદ રોગી સાજું થઈ જાય છે.

ડૉક્ટર નંદિતા પાલશેતકરે કહ્યું, "જો કોઈ બાળક ગર્ભવતી મહિલાના ગર્ભમાં હોય તો સામાન્ય રીતે 14 અઠવાડિયાં પછી સોનોગ્રાફીમાં જોઈ શકાય છે. જો જન્મ પછી બાળકના પેટમાં દર્દ થાય તો તેનાથી ઊબકો કે ઊલટી થઈ શકે છે. એવી સ્થિતિમાં જો બાળકને ડૉક્ટર પાસે લઈ જઈને તપાસ કરાવવામાં આવે તો નિદાન કરી શકાય છે."

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનો સોનોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ગર્ભમાંના ભ્રૂણની માહિતી મેળવી શકે છે. સાથે જ, જો જન્મ પછી બાળકનું પેટ ફૂલેલી અવસ્થામાં જોવા મળે તોપણ સોનાગ્રાફી દ્વારા ભ્રૂણમાં ભ્રૂણની તપાસ કરી શકાય છે.

ભારતમાં પહેલાં પણ આવા કેસ જોવા મળ્યા છે

ભ્રૂણમાં ભ્રૂણ અવસ્થામાં ઘણી વાર બાળકના પેટમાં માત્ર એક ભ્રૂણ જોવા મળ્યું છે. જોકે, કેટલાક કિસ્સામાં એવી વાત પણ જોવા મળી છે કે તેમાં એક કરતાં વધારે ભ્રૂણ હોય.

ભારતમાં છેલ્લા થોડા સમયમાં ભ્રૂણમાં ભ્રૂણના કેટલાક કેસ જોવા મળ્યા છે. એપ્રિલ 2023માં બનારસ હિંદુ યુનિવર્સિટીની સર સુંદરલાલ હૉસ્પિટલમાં 14 દિવસના એક બાળકની સર્જરી કરવામાં આવી. આ બાળકના પેટમાંથી ત્રણ ભ્રૂણ કાઢવામાં આવ્યાં હતાં.

બાળકને જન્મથી જ પેટમાં દુખાવો, કમળો અને શ્વાસ લેવાની સમસ્યા હતી. બાળકને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કૅન અને અન્ય તપાસ કરવામાં આવી ત્યારે એ સ્પષ્ટ થયું કે તે ભ્રૂણમાં ભ્રૂણનો કેસ હતો.

આ ત્રણ ભ્રૂણનાં બાળકોનાં મૂત્રપિંડ અને પિત્તનળીના સ્થાન બદલી નાખવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ જણાવ્યું કે ત્રણ કલાકની સર્જરી પછી ત્રણ ભ્રૂણ બહાર કાઢવામાં આવ્યાં હતાં.

2022માં બિહારના મોતીહારીમાં 14 દિવસના એક બાળકના પેટમાં ગર્ભ વિકસિત થયેલો જોવા મળ્યો હતો.

બાળકનાં માતાપિતા તેને હૉસ્પિટલ લઈ આવ્યાં હતાં, કેમ કે, તેનું પેટ ફૂલી ગયું હતું અને તે બરાબર પેશાબ નહોતું કરી શકતું. સીટી સ્કૅન પછી ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે બાળકના પેટમાં ગર્ભ છે.

ડૉક્ટરોએ જણાવ્યું કે નવજાતની સર્જરી કરવામાં આવી અને હાલત સ્થિર થયા બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યું.

ઑક્ટોબર 2024માં પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભ્રૂણમાં ભ્રૂણનો એક કેસ જોવા મળ્યો હતો.

ત્રણ દિવસના એક બાળકના પેટમાં (બે) જોડકાં ભ્રૂણ જોવા મળ્યાં હતાં. ભ્રૂણને કાઢવા માટે બાળકની સર્જરી કરવામાં આવી, પરંતુ, સર્જરીના બીજા દિવસે બાળકનું મૃત્યુ થઈ ગયું.

હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે, અમે અત્યાર સુધીમાં ભ્રૂણમાં ભ્રૂણ હોવાના કેટલાક કેસ જોયા છે. જોકે, આ પહેલી વાર અમે નવજાત શિશુના પેટમાં જોડકો ગર્ભ જોયો. અમને સર્જરી કરવામાં ખૂબ જ મુશ્કેલ પડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.