આઠ બૉલમાં ત્રણ વિકેટ, રાશિદ ખાનની એ ઓવર જેણે આફ્રિકાને ઘૂંટણિયે પાડી દીધું

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 177 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો

જોરદાર બેટિંગ, ચુસ્ત બૉલિંગ અને અદભુત ગેમ પ્લાનિંગ. શુક્રવારે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 177 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે અફઘાનિસ્તાને વનડે સિરીઝ પણ જીતી ગયું છે.

આઈસીસી રૅન્કિંગમાં ત્રીજો ક્રમાંક ધરાવતી દક્ષિણ આફ્રિકા ટીમના બૅટસમૅન અફઘાનિસ્તાનના બૉલરો સામે લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા.

ટીમ સતત વિકેટ ગુમાવતી રહી, જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવવામાં સફળ થઈ છે.

અત્રે નોંધનીય છે કે વનડે ફોર્મેટમાં અફઘાનિસ્તાનની ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. 2018માં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 154 રને હરાવ્યું હતું, જેનો રેકૉર્ડ શુક્રવારે તૂટ્યો હતો.

સૌથી રસપ્રદ વાત છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ બે વખત 150 રન કરતાં ઓછામાં ઑલઆઉટ થઈ ગઈ છે અને તે પણ એક જ ટીમ સામે. આ સિરીઝની પ્રથમ મૅચમાં ટીમ 106 રનમાં ઑલઆઉટ થઈ હતી અને બીજી મૅચમાં પણ 134 રન બનાવી શકી છે.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે અદભુત પ્રદર્શન કરીને ત્રણ વનડે મૅચની સિરીઝમાં બંને મૅચમાં જીત મેળવી છે. રવિવારે સિરીઝની છેલ્લી મૅચ શારજહાંમાં રમાશે.

અફઘાનિસ્તાનની આક્રમક બેટિંગ

રહમાનુલ્લાહ ગુરબાઝ અને રીયાઝ હસને શાનદાર શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.

ઇમેજ સ્રોત, Afghanistan Cricket Board

ઇમેજ કૅપ્શન, રહમાનુલ્લાહ ગુરબાઝ અને રીયાઝ હસને શાનદાર શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી

મૅચમાં ટૉસ જીતીને અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી.

રહમાનુલ્લાહ ગુરબાઝ અને રીયાઝ હસને શાનદાર શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. ત્રીજા નંબરે રહમત શાહ બેટિંગ કરવા આવ્યા હતા. રહમાનુલ્લાહ અને રહમત શાહે 101 રન બનાવ્યા હતા.

મૅચની 34મી ઓવરમાં રહમાનુલ્લાહ 105 રન બનાવીને આઉટ થયા હતા, પરંતુ ત્યાં સુધી તેમણે ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી.

રહમત શાહ 50 રન બનાવીને આઉટ થયા અને અઝમતુલ્લાહ ઓમરઝઈ 86 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. અંતે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 311 રન બનાવ્યા હતા.

શુક્રવારની રમત બાદ રહમાનુલ્લાહ ગુરબાઝે પોતાના નામે વધુ એક રેકૉર્ડ નોંધાવ્યો છે. તેઓ અફઘાનિસ્તાન વતી સૌથી વધુ સદી બનાવાર ક્રિકેટર બની ગયા છે. તેમને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે.

વનડે ફોર્મેટમાં ગુરબાઝે 42 ઇનિંગ્સમાં સાત સદી ફટકારી છે. તેઓ આવું કરનાર ચોથા ખેલાડી છે. અત્યાર સુધી બાબર આઝમ (33 ઇનિંગ્સ), ઇમામ-ઉલ-હક (36 ઇનિંગ્સ) અને હાશિમ આમલા (41 ઇનિંગ્સ) આ કમાલ કરી શક્યા છે.

36 રનમાં ગુમાવી આઠ વિકેટ

311 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ધીમી પણ સારી શરૂઆત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 311 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ધીમી પણ સારી શરૂઆત કરી હતી.

311 રનનો પીછો કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ધીમી પણ સારી શરૂઆત કરી હતી. ટીમના કપ્તાન ટેમ્બા બવુમા અને ટોની ડે ઝોર્ઝી ટીમનો સ્કોર આગળ લઈ જઈ રહ્યા હતા.

13 ઓવરના અંતમાં ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 73 રન બનાવી લેતા એક તબક્કે લાગતું હતું કે દક્ષિણ આફ્રિકાના હાથમાં બાજી છે અને મૅચ જીતી શકે છે. પરંતુ મૅચની 14 ઓવરમાં કપ્તાન આઉટ થઈ ગયા હતા.

85 રનમાં ટીમે બીજી વિકેટ ગુમાવી અને 98 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ દક્ષિણ આફ્રિકાની ટીમનો ધબકડો થઈ ગયો હતો.

અફઘાનિસ્તાને ચુસ્ત બૉલિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 134 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટીમે માત્ર 36 રનમાં આઠ વિકેટ ગુમાવી દેતાં તેની મોટી હાર થઈ હતી.

મૅચ બાદ દક્ષિણ આફ્રિકાના કપ્તાન બવુમાએ કહ્યું કે, ''અમે મૅચમાં 10 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુરબાઝ એક મોટા સ્કોર માટેનો આધાર મૂક્યો હતો અને ઓમરઝાઈ તેને આગળ લઈ જતા અફઘાનિસ્તાનની ટીમ આટલો મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. અમે આજે સારી રમત દેખાડી શક્યા નહીં.''

રાશિદ ખાનની કમાલ

રાશિદ ખાને નવ ઓવરમાં માત્ર 19 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાશિદ ખાને નવ ઓવરમાં માત્ર 19 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીતમાં સૌથી મોટો ફાળો સ્પીનર રાશિદ ખાનનો રહ્યો હતો. તેમણે માત્ર આઠ બૉલમાં ત્રણ વિકેટ ખેરવીને મૅચની દિશા બદલી નાખી હતી. તેમના પ્રદર્શન બદલ મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

23મી ઓવરના ત્રીજા બૉલમાં રાશિદ ખાને દક્ષિણ આફ્રિકાના બૅટસમૅન સ્ટબ્બસને કૅચઆઉટ કરાવતા ટીમે 103 રન પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી.

ઓવરની પાંચમી બૉલમાં રાશિદે 105 રનમાં પાંચમી વિકેટ ઝડપી હતી. 25મી ઓવરના ચોથી બૉલમાં તેમણે વધુ એક વિકેટ ખેરવતાં દક્ષિણ આફ્રિકાની ટીમ 111 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી.

રાશિદ ખાને નવ ઓવરમાં માત્ર 19 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. તેમની બૉલિંગના કારણે ટીમ આટલી મોટી જીત મેળવી શકી હતી.

અત્રે નોંધનીય છે કે શુક્રવારની મૅચમાં દક્ષિણ આફ્રિકાના નવ બૅટસમૅન સ્પીન બૉલિંગનો શિકાર બન્યા હતા.

રાશિદ ખાન વનડે મૅચમાં પાંચમી વખત પાંચ વિકેટ લીધી છે. આમ કરનારા તેઓ ચોથા બૉલર છે. શ્રીલંકાના બૉલર મુરલીધરને 10 વખત પાંચ વિકેટ લીધી છે. પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી નવ વખત અને સકલૈન મુસ્તાક છ વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.