ડૉ. આંબેડકર વિશેની અમિત શાહની ટિપ્પણી બાદ ભાજપ બૅકફૂટ પર છે?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

"હવે એક ફેશન થઈ ગઈ છે...આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત."

સંસદમાં બંધારણ વિશેની ચર્ચા દરમિયાનના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના એક લાંબા ભાષણના આ એક નાનકડા અંશ બાબતે એવી ધમાલ થઈ કે સંસદની કાર્યવાહી મોકૂફ રાખવી પડી.

આ નિવેદનમાં આંબેડકરનું અપમાન થતું જોઈને આક્રમણ કરતા વિરોધ પક્ષને જવાબ આપવા માટે અમિત શાહે બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી.

અમિત શાહે કહ્યું હતું, "જેમણે આજીવન બાબાસાહેબનું અપમાન કર્યું, એમના સિદ્ધાંતોને બાજુ પર રાખ્યા, સત્તામાં હતા ત્યારે બાબાસાહેબને ભારતરત્ન આપ્યો નહીં. અનામતના અનેક સિદ્ધાંતોનાં લીરાં ઉડાવ્યાં એ લોકો આજે બાબાસાહેબના નામે ભ્રાંતિ ફેલાવવા ઇચ્છે છે."

એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમની સરકારે ભારતના બંધારણના નિર્માતા ભીમરાવ આંબેડકરના સન્માન માટે ક્યાં-ક્યાં કામો કર્યાં છે.

તેમ છતાં ધમાલ અટકી નહીં. કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અમિત શાહ પર આંબેડકરના અપમાનનો આક્ષેપ કરીને તેમનું રાજીનામું માંગ્યું હતું.

ખડગેએ કહ્યુ હતું, "બાબાસાહેબનું અપમાન કર્યું છે, બંધારણનું અપમાન કર્યું છે. તેમની આરએસએસની વિચારધારા દર્શાવે છે કે તેઓ પોતે બાબાસાહેબના બંધારણનું સન્માન કરવા ઇચ્છતા નથી. આખો વિરોધ પક્ષ અમિત શાહનું રાજીનામું માંગે છે."

બીજી તરફ બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષો આંબેડકરના નામે રાજકારણ રમી રહ્યા છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભાજપે શા માટે કરવી પડી ચોખવટ?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમિત શાહના આ નિવેદનને આંબેડકરનું અપમાન શા માટે ગણવામાં આવી રહ્યું છે અને તેનો પ્રભાવ ભાજપના દલિત રાજકારણ પર કેવી રીતે પડી શકે છે?

આ સવાલનો જવાબ આપતાં દલિત રિસર્ચર અને પંજાબની દેશભગત યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હવલદાર ભારતી કહે છે, "જો ઈશ્વર શોષણથી મુક્તિ આપનારા હોય તો ડૉ. ભીમરાવ આંબેડકર જ્ઞાતિ વ્યવસ્થામાં વહેંચાયેલા ભારતીય સમાજના એ કરોડો લોકોના ઈશ્વર છે, જેમણે સદીઓ સુધી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ભેદભાવનો સામનો કર્યો છે. ભીમરાવ આંબેડકરે બંધારણમાં સમાનતાનો અધિકાર આપીને અનુસૂચિત તથા પછાત જ્ઞાતિઓને શોષણમાંથી મુક્તિ આપી છે."

ડૉ. હવલદાર ભારતી કહે છે, "આંબેડકરના વિચારધારા સાથે જોડાયેલા અને દલિત રાજકારણ સાથે સંકળાયેલા લોકો અમિત શાહના આ નિવેદનને આંબેડકરનું અપમાન ગણી રહ્યા છે તેનું કારણ આ છે."

ડૉ. ભારતી એમ પણ જણાવે છે કે અત્યારે બધા રાજકીય પક્ષોમાં આંબેડકરને અપનાવવાની સ્પર્ધા ચાલી રહી છે અને રાજકીય પક્ષો આંબેડકરના વિચારોના અમલને બદલે તેમની ઓળખનો ઉપયોગ કરીને દલિત મતદાતાઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છે.

આંબેડકર વિશેના અમિત શાહના નિવેદન બાદ ભાજપ બૅકફૂટ પર છે એટલું જ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તાજેતરનાં વર્ષોમાં દલિત અને પછાત મતદારોને પોતાના તરફ આકર્ષવાના પ્રયાસ કર્યા છે, તેનાં અનેક કારણો છે.

બ્રાહ્મણો અને વાણિયાઓના પક્ષ તરીકેની ઓળખ

દલિત ઓળખના રાજકારણમાં આંબેડકર એક નાયકની માફક રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત ઓળખના રાજકારણમાં આંબેડકર એક નાયકની માફક રહ્યા છે

ભાજપ વિશે લાંબા સમયથી કહેવાતું રહ્યું છે કે તે બ્રાહ્મણો અને વાણિયાઓનો પક્ષ છે, પરંતુ બીજેપીએ છેલ્લા એક દાયકામાં તે ઓળખથી આગળ વધીને હિન્દુ સમાજની બીજી જ્ઞાતિઓને પોતાની સાથે લાવવામાં સફળતા મેળવી છે.

ભાજપનો પ્રયાસ એવો હોય છે કે જ્ઞાતિની ઓળખ રાજકારણ પર હાવી ન થાય અને બહુસંખ્યક હિન્દુઓની ધાર્મિક ઓળખનું રાજકારણ મજબૂત થાય.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર અભયકુમાર દુબે કહે છે, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્યત્વે મહારાષ્ટ્રની ઊંચી જ્ઞાતિઓ, ખાસ કરીને બ્રાહ્મણોનું સંગઠન હતો અને શરૂઆતમાં અનુસૂચિત જ્ઞાતિઓ તેના તરફ આકર્ષાતી ન હતી."

"આરએસએસમાં તે સમયે બ્રાહ્મણવાદની ટીકાની હિંમત કરી ન હતી અને હવે એવી શક્યતા નથી. આરએસએસની વિચારધારા સમતાની નહીં, બલકે સમરસતાની છે. આજે સ્થિતિ એવી છે કે ભાજપ અને આરએસએસે ચૂંટણીનું રાજકારણ રમવું હોય તો તેના માટે ચૂંટણી સંબંધી હિન્દુ એકતા બનાવવી પડે અને તે દલિત તથા ઓબીસી સમુદાયના મત મેળવ્યા વિના શક્ય નથી."

આરએસએસે તેના પ્રયાસ બીજેપીની સ્થાપના પહેલાં જ કર્યા હતા. 1974માં બાળાસાહેબ દેવરસ આરએસએસના સરસંઘચાલક હતા ત્યારે સંઘે પોતાનું વલણ બદલ્યું હતું. આંબેડકર, પેરિયાર અને મહાત્મા ફૂલે જેવા મહાપુરુષોનાં નામ પોતાની સવારની પ્રાર્થનામાં જોડ્યાં હતાં. એ સિવાય દલિતો તથા આદિવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કાર્યક્રમો શરૂ કર્યા હતા.

દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર પરવેશ ચૌધરી દલીલ કરે છે કે આરએસએસે ભાજપના ગઠન પહેલાં જ આંબેડકરને અપનાવી લીધા હતા.

દલિતોને ભાજપ સાથે જોડવાના પ્રયાસ

અમિત શાહના નિવેદન વિરુદ્ધ કૉંગ્રેસનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમિત શાહના નિવેદન વિરુદ્ધ કૉંગ્રેસનું પ્રદર્શન

પ્રોફેસર પરવેશ ચૌધરી કહે છે, "ભાજપ આજથી નહીં, બલકે જનસંઘના સમય કે તેની પહેલાંથી દલિતોને પ્રોત્સાહિત કરતી રહી છે. બાબાસાહેબ આંબેડકરના ચૂંટણી એજન્ટ મહારાષ્ટ્રના પ્રચારક દત્તોપંત ઠેંગડી હતા. બાબાસાહેબ પ્રત્યે સંઘના મનમાં પહેલેથી જ આદર રહ્યો છે."

"આરએસએસે 1970ના દાયકામાં મહારાષ્ટ્રમાં સમરસતા ગોષ્ઠી શરૂ કરી હતી. એ ભાજપની રચના પહેલાં થઈ ગયું હતું. મુંબઈમાં જે સ્થળે ભાજપની શરૂઆત થઈ એ સ્થળનું નામ સમતા નગર રાખવામાં આવ્યું હતું. જે દત્તારાવ શિંદેએ અહીં પહેલો પાયો નાખ્યો હતો તે દલિત પેન્થર ઝુંબેશના નેતા હતા અને બાદમાં તેઓ કૉંગ્રેસમાં તથા પછી ભાજપમાં સામેલ થયા હતા. સૂરજભાણને પણ ભાજપે જ રાજ્યપાલ બનાવ્યા હતા. બંગારુ લક્ષ્મણને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા."

તેમ છતાં સવાલ થાય છે કે ભાજપે દલિતોને મુખ્યધારામાં લાવવા માટે નક્કર રાજનીતિ કરી છે કે સાંકેતિક રાજનીતિ?

અભયકુમાર દુબે કહે છે, "અમિત શાહના મોંમાથી ભલે આ શબ્દો નીકળી ગયા હોય, પરંતુ એ બાબતે બહુ આશ્ચર્ય ન થવું જોઈએ. તેમણે એ જ કહ્યું હશે, જે તેઓ માને છે. નરેન્દ્ર મોદીની સરકારે ભીમા કોરેગાંવ કાંડ પછી દેશભરમાં આંબેડકરવાદીઓનું દમન કર્યું હતું. ભાજપે આંબેડકરની વિચારધારાને નહીં, પરંતુ તેમની ઇમેજને પ્રોત્સાહિત કરી છે."

બિનજાટવ જ્ઞાતિઓને પ્રોત્સાહન

આંબેડકરના વારસાના અસલ દાવેદાર બનવાની સ્પર્ધા ભારતીય રાજકારણમાં પુરાણી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંબેડકરના વારસાના અસલ દાવેદાર બનવાની સ્પર્ધા ભારતીય રાજકારણમાં પુરાણી છે

દલિતોની સૌથી મોટી જ્ઞાતિ જાટવ પરંપરાગત રીતે ભાજપથી દૂર રહી છે, પરંતુ ભાજપે બીન-જાટવ જ્ઞાતિઓને પોતાની સાથે જોડવાના પ્રયાસ કર્યા છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને આંબેડકર વિશે સંશોધન કરી ચૂકેલા વિવેક કુમાર કહે છે, "જાટવ ભલે ભાજપથી દૂર રહ્યા હોય, પરંતુ ભાજપ શરૂઆતથી જ બીન-જાટવ દલિત જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવાના પ્રયાસ કરતી રહી છે."

પ્રોફેસર વિવેક કુમાર કહે છે, "ભાજપે વાલ્મીકિ રચિત રામાયણને પ્રોત્સાહન આપ્યું અને વાલ્મીકિ વર્ગને પોતાની તરફ ખેંચ્યો. ઉત્તર પ્રદેશમાં પાસી સમાજ, જેને પરશુરામ સાથે જોડવામાં આવે છે તેને ભાજપે પોતાના તરફ આકર્ષિત કર્યો છે. ભાજપે ખટીક સમાજ અને ધોબી સમાજને પણ પોતાની તરફ ખેંચ્યો છે. એટલે કે બીન-જાટવ દલિતો પહેલાંથી જ ભાજપની સાથે રહ્યા છે. અખિલ ભારતીય સ્તરે જોઈએ તો મહાર નેતા રામદાસ આઠવલે પણ ભાજપની સાથે છે."

જોકે, ભાજપે જાટવ સમાજને પોતાના તરફ ખેંચવાના પ્રયાસ કર્યા જ નથી એવું નથી.

પ્રોફેસર દુબે કહે છે, "ભાજપે દલિતોને આશ્વાસન આપ્યું છે કે તમે અમને મત આપો, અમે તમને રાજકારણમાં બરાબરનું સ્થાન આપીશું. દલિતોમાં સૌથી મોટી જ્ઞાતિ જાટવ છે. બહુજન સમાજ પાર્ટીએ ખાસ કરીને જાટવોને પોતાની સાથે જોડ્યા છે."

"બહુજન સમાજ પાર્ટીનો જે-તે સમયે વ્યાપ અને પ્રભાવ વધવાને કારણે જાટવ જ્ઞાતિને રાજકીય સ્થાન મળ્યું. એ જોઈને ભાજપને સમજાયું હતું કે બાકીની અનુસૂચિત જ્ઞાતિઓને રાજકારણમાં સ્થાન મળતું નથી. તેથી બીજેપીએ તેમને સ્થાન આપવાના પ્રયાસ કર્યા અને તેનું પરિણામ એ આવ્યું કે જાટવો સિવાયની દલિત જ્ઞાતિઓ ભાજપમાં ભળતી થઈ."

દુબે ઉમેરે છે, "મહારાષ્ટ્રમાં ભલે વધારે મહારો ભાજપની સાથે ન હોય, પરંતુ બીન-મહાર દલિત જ્ઞાતિઓ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છે."

તેઓ એમ પણ કહે છે, "ભાજપે દલિત જ્ઞાતિઓમાં વિભાજનનો લાભ લઈને નાની દલિત જ્ઞાતિઓને પોતાના તરફ ખેંચી. પક્ષ હવે જાટવોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એ માટે આંબેડકરને અપનાવવા તથા તેમના વિચારોને ઉત્તેજન આપવું જરૂરી છે."

આંબેડકરને અપનાવવાની રાજકીય સ્પર્ધા

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીનું કહેવું છે કે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ આંબેડકરના નામે દલિતોને ઠગ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીનું કહેવું છે કે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ આંબેડકરના નામે દલિતોને ઠગ્યા છે

આજકાલ ભારતીય રાજકારણમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અપનાવવાની સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. કૉંગ્રેસ સતત બંધારણ, જ્ઞાતિગત વસ્તી ગણતરી અને અનામતની વાત કરી રહ્યો છે. કૉંગ્રેસના અધ્યક્ષ દલિત નેતા મલ્લિકાર્જુન ખડગે છે.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "દલિત રાજકારણના મામલે કૉંગ્રેસ ભાજપથી આગળ હોય એવું લાગે છે અને જ્ઞાતિગત અસ્મિતાને તે સતત ઉત્તેજન આપી રહી છે."

હિન્દુત્વનું રાજકારણ કરતી બીજેપી માટે જ્ઞાતિગત અસ્મિતાનો મુદ્દો મુશ્કેલી સર્જી શકે છે.

વિશ્લેષકો માને છે કે ભાજપ હિન્દુત્વના જે મોડેલને પ્રોત્સાહિત કરી રહી છે તેમાં જ્ઞાતિગત અસ્મિતાનો સવાલ જ નથી.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "જ્ઞાતિગત અસ્મિતાનો સવાલ ઉભરે એવું ભાજપ નહીં ઇચ્છે. કૉંગ્રેસે જ્ઞાતિગત અસ્મિતાને સતત પ્રોત્સાહિત કરી છે અને હવે તેનો જવાબ આપવો જરૂરી છે, એવું ભાજપને લાગે છે. આંબેડકરની આસપાસ ચર્ચા સર્જીને બીજેપી આવા જ પ્રયાસ કરી રહી છે."

ભાજપે આંબેડકરના પંચતીર્થની સ્થાપના કરી છે. લંડન જઈને આંબેડકરનું સ્મારક બનાવ્યું છે. ભાજપ સત્તા પર આવ્યા પછી જ બંધારણ દિવસની મોટાપાયે ઉજવણી કરવામાં આવે છે.

પ્રોફેસર પરવેશ ચૌધરી કહે છે, "બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં તમામ સ્થળોને ભાજપે સંરક્ષિત કર્યાં છે અને તીર્થ તરીકે વિકસાવ્યાં છે. તેમનાં વ્યક્તિત્વ તથા વિચારના પ્રસાર માટે બાબાસાહેબ આંબેડકર સેન્ટર્સ સ્થાપિત કર્યાં છે."

'રાષ્ટ્રનિર્માતા બાબાસાહેબ આંબેડકર' પુસ્તકના લેખક ડો. પરવેશ ચૌધરી કહે છે, "બાબાસાહેબ માત્ર દલિતોના જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના નેતા છે. ભાજપે આ વિચારને પ્રોત્સાહિત કર્યો છે. કૉંગ્રેસ આંબેડકરની ઇમેજ દલિત નેતા તરીકેની બનાવી હતી, પરંતુ ભાજપ તેમને વૈશ્વિક સ્તરે લાવી રહી છે. તેમનાં દરેક પાસાંને ભાજપે ઉત્તેજન આપ્યું છે."

નબળી થતી આત્મનિર્ભર દલિત રાજનીતિ

માયાવતી દલિત ઓળખનું રાજકારણ આગળ વધીને કરે છે, પરંતુ પાછલી ત્રણ ચૂંટણીઓથી બીએસપીની રાજકીય તાકત સતત ઘટી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માયાવતી દલિત ઓળખનું રાજકારણ આગળ વધીને કરે છે, પરંતુ પાછલી ત્રણ ચૂંટણીઓથી બીએસપીની રાજકીય તાકાત સતત ઘટી છે

પોતાની ક્ષમતાને આધારે રાજકીય સત્તા સુધી પહોંચતા રહેતા દલિત પક્ષો આજે હાંસિયા પર છે. બહુજન સમાજ પાર્ટી તેનું ઉદાહરણ છે, જે આજે પોતાના બળે એકેય સંસદસભ્ય મોકલી શકતી નથી.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "વર્તમાન સમયમાં તમામ પક્ષોમાં બાબાસાહેબની સ્વીકાર્યતાનું એક કારણ એ પણ છે કે આજે આત્મનિર્ભર દલિત રાજનીતિ નબળી પડી છે. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી, બિહારમાં લોક જનશક્તિ પાર્ટી કે પછી મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકર આત્મનિર્ભર દલિત રાજનીતિને આગળ ધપાવતા હતા, પરંતુ વર્તમાન સમયમાં એ દલિત રાજકારણ નબળું પડ્યું છે."

ઉત્તર ભારત હોય, મધ્ય ભારત હોય કે દક્ષિણ ભારત હોય, આત્મનિર્ભર દલિત રાજનીતિમાંથી આવતા સંસદસભ્યો, વિધાનસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે.

તેથી રાજકીય પક્ષોને એવું લાગે છે કે દલિત રાજનીતિનું મેદાન ખાલી છે.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "હવે કૉંગ્રેસ દલિત રાજનીતિનો એજન્ડા આગળ ધપાવી રહી છે. એક સમયે બહુજન સમાજ પાર્ટી કહેતી હતી કે સંવિધાન કે સન્માન મેં, બીએસપી મૈદાન મેં. આજે કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન કહી રહ્યાં છે કે જેની વસ્તી વધારે એની હિસ્સેદારી વધારે. ભાજપ પણ દલિત રાજનીતિ બાબતે આક્રમક થઈ હોવાનું અને દલિતોને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહી હોવાનું કારણ આ જ છે."

2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં દલિતોની વસ્તી લગભગ 16.6 ટકા છે, પરંતુ દલિત સંગઠનો માને છે કે ભારતમાં દલિતોની વસ્તી 20 ટકાથી પણ વધારે હોઈ શકે છે. લોકસભામાં દલિતો માટે 84 બેઠકો અનામત છે.

અલબત, ભારતમાં વસ્તી ગણતરી થઈ નથી અને કૉંગ્રેસ સહિતના અનેક વિરોધ પક્ષ જ્ઞાતિગત વસ્તી ગણતરીની માગણી કરી રહ્યા છે.

વિશ્લેષકો માને છે કે રાજકીય સત્તા માટે દલિતોને સાથે લઈને આગળ વધવાનું રાજકીય પક્ષોની મજબૂરી છે.

અનામત, જ્ઞાતિગત વસ્તી ગણતરી અને સમાન હિસ્સેદારી જેવા અનેક મુદ્દા છે, જે બાબતે દલિતોમાં હવે જાગૃતિ વધી છે.

ભાજપે આર્થિક આધારે અનામતની જોગવાઈ કરી છે, જેને દલિત સંગઠનો અને પછાત વર્ગો માટેની અનામતમાંના ભાગલા માનવામાં આવે છે.

પ્રોફેસર દુબે કહે છે, "દલિતો અને પછાત વર્ગના લોકોને ધીરે-ધીરે એવું લાગી રહ્યું છે કે ભાજપ મુખ્યત્વે બ્રાહ્મણ-બનિયા પાર્ટી જ છે. ભાજપને આશંકા છે કે દલિત અને પછાત જ્ઞાતિઓ તેનાથી અલગ થઈ જશે તો તેના રાજકીય નુકસાન થઈ શકે છે. આ જ કારણસર ભાજપ દલિતો તથા પછાત વર્ગોને લઈને અત્યંત સંવેદનશીલ દેખાઈ રહી છે. સવાલ એ છે કે આ સંવેદનશીલતા મત મેળવવા સુધી જ મર્યાદિત છે કે પછી તેનો હેતુ વાસ્તવમાં દલિતોની સ્થિતિ બહેતર બનાવવાનો પણ છે?"

અમિત શાહના નિવેદનથી કેટલું થઈ શકે નુકસાન?

દલિત ઓળખનું રાજકારણ કરનારી ક્ષેત્રીય પાર્ટીઓની સ્થિતિ પાછલા દોઢ દાયકામાં નબળી પડી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલિત ઓળખનું રાજકારણ કરનારી ક્ષેત્રીય પાર્ટીઓની સ્થિતિ પાછલા દોઢ દાયકામાં નબળી પડી છે

અમિત શાહના નિવેદન સંબંધી રાજકીય ગોકિરા વચ્ચે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ નિવેદન ભાજપને રાજકીય નુકસાન કરી શકે તેમ છે?

વિશ્લેષકો માને છે કે તેનાથી કોઈ મોટું રાજકીય નુકસાન થશે એવું લાગતું નથી.

અભયકુમાર દુબે કહે છે, "આંબેડકરવાદ અને દલિત સમાજ એકમેક માટે છે, પરંતુ વ્યવહારિક રીતે જોઈએ તો આંબેડકરવાદના માર્ગે ચાલતા દલિતોની સંખ્યા બહુ ઓછી છે. એ દલિત વસ્તીનો એક નાનકડો હિસ્સો છે. તેથી અમિત શાહના નિવેદનની વ્યાપક દલિત સમાજ પર અસર થવાની શક્યતા બહુ ઓછી છે. બધા દલિતોમાં આંબેડકર પ્રત્યે શ્રદ્ધા છે, પરંતુ તેમના નામે મત પર કેટલો પ્રભાવ પડશે તે જોવાનું રહે છે. ખુદ આંબેડકરને પણ તેમના જીવનમાં રાજકીય સફળતા મળી ન હતી."

તેઓ ઉમેરે છે, "થોડા દિવસના રાજકીય હોબાળાથી આ મુદ્દો નહીં બને. આંબેડકરના વિચારોને વ્યાપક મુદ્દો બનાવવા અને એ સંબંધે ભાજપને ઘેરવા માટે પાયાના સ્તરે વધુ પ્રયાસ કરવા પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.