પહેલાં કરતાં વધુ લોકો 100 વર્ષ સુધી કેમ જીવી રહ્યા છે, એમના લાંબા આયુષ્યનું રહસ્ય શું છે?

ઇમેજ સ્રોત, Family Album/Joao Marinho Neto
- લેેખક, ફર્નાન્ડો દુઆર્ટે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જોઆઓ મારિન્હો નેટો માટે નવેમ્બરનું છેલ્લું સપ્તાહ કાયમની જેમ નિરસ હતું. બ્રાઝિલના શુષ્ક ઉત્તર-પૂર્વમાં આવેલાં નાનકડા શહેર એપુઆરેસમાંના એક વૃદ્ધાશ્રમમાં છેલ્લાં દસ વર્ષથી રહેતા ભૂતપૂર્વ પશુપાલક જોઆઓ રાબેતા મુજબના ચિકન કેસરોલ લંચની રાહ જોઈ રહ્યા હતા.
જોકે, 112 વર્ષના જોઆઓ ત્રણ જ દિવસ પછી વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પુરુષ તરીકે સ્થાનિક અને વિદેશી મીડિયામાં ચમક્યા હતા.
આ સમાચાર જે નર્સે આપ્યા તેની સાથે મજાક કરતાં તેમણે કહ્યું હતું, "હું સૌથી હૅન્ડસમ પણ છું."
બ્રિટનના જોન ટિનિસવુડ 112 વર્ષની વયે 25 નવેમ્બરે અવસાન પામ્યા પછી જોઆઓને વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ તરીકે ગિનીસ વર્લ્ડબુકમાં સ્થાન મળ્યું છે.
હાલ વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ જાપાનનાં ટોમીકો ઈટુકા છે. શ્રીમતી ઈટુકા 116 વર્ષનાં છે. તેઓ પ્રમાણમાં નવા રેકૉર્ડધારક છે. તેમને ગત ઑગસ્ટમાં જ "તાજ પહેરાવવામાં આવ્યો હતો."
આ બંને આયુષ્યની સદી પાર કરી ગયેલા લોકો છે અને આવા લોકોનું પ્રમાણ વિશ્વમાં વધી રહ્યું છે.
2030 સુધીમાં દસ લાખ લોકો આયુષ્યની શતાબ્દી નજીક હશે.

દસ લાખ લોકોની જીવનની સદી પાર કરવાની અપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રસંઘના વસ્તી વિભાગનો અંદાજ છે કે 2024માં 100 વર્ષની વયના ઓછામાં ઓછા 5,88,000 લોકો વિશ્વમાં રહે છે. આ દાયકાના અંત સુધીમાં તે આંકડો દસ લાખને પાર થઈ જાય તેવો અંદાજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1990માં 100 વર્ષના વયના માત્ર 92,000 લોકો હતા.
વધુ સારી દવાઓ, ખોરાક અને જીવનનિર્વાહ ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે આપણા પૂર્વજોની સરખામણીએ આયુષ્યની દૃષ્ટિએ મનુષ્ય આજે ઘણો આગળ નીકળી ગયો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે આયુષ્ય વિશેના વૈશ્વિક ડેટા રાખવાનું 1960માં શરૂ કર્યું હતું. 1960માં જન્મેલી વ્યક્તિ અપેક્ષાકૃત લગભગ 52 વર્ષ જીવી શકતી હતી.
છ દાયકા પછી વૈશ્વિક સરેરાશ આયુષ્ય 73 વર્ષથી વધુ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘનો અંદાજ છે કે 2050 સુધીમાં તે સરેરાશ 77 વર્ષ સુધી પહોંચશે.
ટૂંકમાં કહીએ તો આયુષ્યની સદી ફટકારવી એ આજે પણ કોઈ નાનીસૂની વાત નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર, 2023માં વિશ્વની કુલ વસ્તીમાં માત્ર 0.007 ટકા લોકો 100 કે તેથી વધુ વર્ષના હતા. વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે આપણામાંના મોટા ભાગના લોકો માટે ત્રણ અંકની ઉમર સુધી પહોંચવાની સંભાવના બહુ ઓછી છે.
બીમારીઓથી ઘરાયેલો જીવનનો અંતિમ તબક્કો
ફ્રાન્સની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોગ્રાફિક સ્ટડીઝના 2024ના અભ્યાસના અંદાજ મુજબ, 2023માં જન્મેલાં બે ટકાથી ઓછા છોકરાઓ અને પાંચ ટકાથી ઓછી છોકરીઓ એટલું લાંબુ જીવશે.
એ નોંધવું પણ અગત્યનું છે કે વૃદ્ધાવસ્થા સુધી પહોંચતા મોટા ભાગના લોકો દીર્ઘકાલીન બીમારીઓથી પીડિત હશે.
બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીના સેલ બાયૉલૉજીના પ્રોફેસર જેનેટ લોર્ડ કહે છે, "લાંબા સમય સુધી જીવવું એ સારી રીતે જીવવાનો પર્યાય નથી."
પ્રોફેસર લોર્ડના જણાવ્યા મુજબ, સરેરાશ પુરુષો તેમના જીવનનાં અંતિમ 16 વર્ષ ડાયાબિટીસથી માંડીને ડિમેન્શિયા સુધીની બીમારીઓનો સામનો કરવામાં પસાર કરે છે, જ્યારે સ્ત્રીઓ માટે આ આંકડો 19 વર્ષનો છે.
'સુપર સેન્ટેનરિઅન્સ'નું રહસ્ય શું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફ્રાન્સનાં જીએન કેલેમેન્ટનું 1997માં 122 વર્ષની વયે અવસાન થયું હતું. સત્તાવાર રીતે 120થી વધુ વર્ષ જીવેલાં તેઓ એકમાત્ર મનુષ્ય છે.
આયુષ્યનાં 100 વર્ષ સુધી પહોંચવું અઘરું હોય તો તેનાથી આગળ વધવાનું બહુ મુશ્કેલ છે.
અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીના એક દીર્ઘકાલીન અભ્યાસનો અંદાજ છે કે 50 લાખ અમેરિકનોમાંથી માત્ર એક જ વ્યક્તિ સુપર સેન્ટેનરિયન તબક્કા સુધી પહોંચે છે, ઓછામાં ઓછાં 110 વર્ષ સુધી જીવે છે.
100કે તેથી વધુ વર્ષની વયના અમેરિકનોની સંખ્યા 2010ના 50 હજારથી વધીને 2020માં 80 હજાર થઈ હતી, એવું અમેરિકાની વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે.
તેથી 'સુપર સેન્ટેનરિઅન્સ' પ્રત્યે માનવ વૃદ્ધત્વનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓનું ધ્યાન દેખીતી રીતે આકર્ષાયું છે.
પ્રોફેસર લોર્ડ ઉમેરે છે, "મોટા ભાગના લોકો સાથે વૃદ્ધાવસ્થામાં થાય છે તેવું આ લોકો સાથે થતું નથી અને તેનું ચોક્કસ કારણ આપણે હજુ સુધી જાણતા નથી."
દીર્ઘાયુષ્યની સાથે સાથે સુપર સેન્ટેનરિઅન્સ તેમની વયના પ્રમાણમાં વધારે સ્વસ્થ હોવાથી અલગ પડે છે. જોઆઓ નેટોની સંભાળ રાખતી નર્સો પૈકીનાં એક અલેલુઆ ટેક્સીરાના જણાવ્યા મુજબ, નબળી દૃષ્ટિ સિવાય જોઆઓને સ્વાસ્થ્યસંબંધી અન્ય કોઈ સમસ્યા નથી.
અલેલુયા ટેક્સીરાએ બીબીસીને કહ્યું હતું, "તેમને કોઈ દવાની જરૂર પડતી નથી કે તેમને કોઈ ગંભીર રોગ થયા નથી. તેઓ 112 વર્ષના છે."
સારી ટેવો છે લાંબા જીવનનું રહસ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
વય નિષ્ણાતોને વધુ આશ્ચર્ય એ વાતનું છે કે 100 વર્ષ કે તેથી વધુ વયે પહોંચેલા કેટલાક લોકો નિશ્ચિત રીતે સ્વાસ્થ્ય જાળવણી સંબંધી સારી આદતોના આદર્શ હોતા નથી.
જોઆઓના સૌથી મોટા દીકરા એન્ટોનિયોના જણાવ્યા અનુસાર, તેમના પિતા બહુ નિર્મળ જીવન જીવ્યા છે અને દારૂના સેવનથી દૂર રહ્યા છે, જ્યારે અન્ય સુપર સેન્ટેનરિઅન્સ થોડા બેદરકાર હતા.
ફ્રાન્સનાં જીન કેલમેન્ટ 1997માં 122 વર્ષની વયે મૃત્યુ પામ્યાં હતાં. તેઓ સત્તાવાર રીતે 120થી વધુ વર્ષ જીવેલી એકમાત્ર વ્યક્તિ છે, પરંતુ તેઓ ધૂમ્રપાન કરતાં હતાં અને ઢગલાબંધ ચૉકલેટ્સ ખાતાં હતાં.
જર્નલ ઑફ ધ અમેરિકન જેરિએટ્રિક સોસાયટીમાં 2011માં પ્રકાશિત એક અભ્યાસનાં તારણોમાં જાણવા મળ્યું હતું કે આવા લોકોને ઘણી ખરાબ આદતો હતી. તે અભ્યાસમાં 95 કે તેથી વધુ વર્ષની વયના 400થી વધુ અમેરિકન યહૂદીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
અન્ય ચોંકાવનારી બાબતો સિવાય, એ પૈકીના લગભગ 60 ટકા લોકો પ્રચૂર પ્રમાણમાં ધૂમ્રપાન કરતા હતા. અડધોઅડધ લોકો જીવનના મોટા હિસ્સામાં સ્થૂળકાય હતા અને માત્ર ત્રણ ટકા શાકાહારી હતા. કેટલાક લોકો તો માફકસરનો વ્યાયામ પણ કરતા ન હતા.
બ્રિટનની બ્રાઇટન યુનિવર્સિટીના બાયૉજેરોન્ટોલોજીના પ્રોફેસર અને વૃદ્ધાવસ્થાસંબંધી અભ્યાસોના અગ્રણી નિષ્ણાત રિચર્ડ ફરાઘેર કહે છે, "આટલો લાંબો સમય જીવતા રહેવાની અપેક્ષા રાખતા લોકોએ સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે તેમણે 100 વર્ષ કે તેથી વધુ વયના લોકો પાસેથી જીવનશૈલી સંબંધી સૂચનો માંગવાં ન જોઈએ. તેમનામાં સ્વાભાવિક રીતે કશુંક અસાધારણ હોય છે. કોઈ વ્યક્તિને લાંબું જીવવામાં મદદરૂપ થાય તેનાથી વિપરીત હોય એવું જ કશુંક તેઓ કરતા હોય છે."
દીર્ઘાયુષ્યમાં જિનેટિક્સ પણ એક મોટી ભૂમિકા ભજવતું હોવાની આશંકા વિજ્ઞાનીઓને છે.
100 વર્ષ કે તેનાથી વધુ જીવતા લોકો સમય વીતવા સાથે યુવા સમૂહને અસર કરતા ઘસારા સામે પોતાને બચાવવામાં સમર્થ હોય એવું લાગે છે. બિનઆરોગ્યપ્રદ ટેવોને કારણે મોટા ભાગના લોકો મૃત્યુ પામતા હોય છે, પરંતુ 100 વર્ષ કે તેથી વધુ જીવતા લોકો એવી ટેવોનું સાટું વાળવામાં સક્ષમ હોય તેવું પણ લાગે છે.
દિર્ઘાયુ : તૂટી શકે છે જૂના તમામ રેકૉર્ડ
100 વર્ષની વય સુધી પહોંચતા લોકોની સંખ્યામાં થતા વધારાને પગલે વિજ્ઞાનીઓ એવું વિચારતા થયા છે કે માનવ દીર્ઘાષ્યુષ્યની મર્યાદા પણ લંબાવવામાં આવશે?
અમેરિકામાં વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો દાવો છે કે આત્યંતિક દીર્ઘાયુષ્ય આ સદીમાં જ એક નવી સપાટી પર પહોંચશે અને લોકોની બર્થડે કેક પર 125 અથવા 130 મીણબત્તીઓ હોવાના કિસ્સા પણ બની શકે છે.
આંકડાશાસ્ત્રી અને અભ્યાસના સહલેખક માઇકલ પીયર્સ કહે છે, "અમે માનીએ છીએ કે કોઈ વ્યક્તિ ઈસવીસન 2100 સુધીમાં વયના વર્તમાન રેકૉર્ડને તોડી નાખશે અને કોઈ વ્યક્તિ 126, 128 અથવા તો 130 વર્ષ સુધી જીવે તે શક્ય છે."
આગામી દાયકા માટે આયુષ્યની મર્યાદા સિમ્યુલેટ કરવા પીયર્સ અને પ્રોફેસર એડ્રિયન રાફ્ટેરીએ દીઘાયુષ્યના આંતરરાષ્ટ્રીય ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. તેમણે તારણ કાઢ્યું છે કે કાલમેટનો રેકૉર્ડ તૂટવાની 100 ટકા શક્યતા છે અને કોઈ વ્યક્તિ તેનો 127મો જન્મદિવસ ઊજવે તેવી 68 ટકા શક્યતા છે.
દીર્ઘાયુષ્યના સંદર્ભમાં સ્ત્રી હોવું એ પણ લાભકારક છે. 2024ની નવમી ડિસેમ્બર સુધીમાં વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત 50 વ્યક્તિઓ પૈકીની તમામ મહિલાઓ છે. જોઆઓ નેટો 54મા સ્થાને છે.
જોકે, વૃદ્ધાવસ્થાના ખેલને સંપૂર્ણ રીતે સમજવા માટે ઘણા સવાલોના જવાબ વિજ્ઞાને આપવાના છે.
કિંગ્સ કૉલેજ લંડનના એજિંગ રિસર્ચના ડિરેક્ટર ડૉ. રિચાર્ડ સિઓવ જેવા નિષ્ણાતો માને છે કે વૈશ્વિક વસ્તી સતત વધી રહી છે ત્યારે જીવનની ગુણવત્તાસંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે આ સમજ મહત્ત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અંદાજ છે કે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો કરતાં વિશ્વમાં 65 કે તેથી વધુ વયના લોકોની વસ્તી પહેલાંથી જ વધારે છે.
ડૉ. રિચાર્ડ સિઓવ કહે છે, "અહીં સૌથી મોટો મુદ્દો આપણે કેટલો સમય જીવી શકીએ એ નથી, પરંતુ વયસંબંધિત ઘટાડાની શરૂઆતને કેવી રીતે વિલંબિત કરી શકીએ અને હાલ કરતાં વધુ સમય સુધી કેવી રીતે સ્વસ્થ રહી શકીએ તે છે."
"આપણે આ રીતે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી શકીએ તો આપણે એ વર્ષોમાં પીડા ભોગવવાને બદલે આનંદ માણી શકીએ."
(પૂરક માહિતીઃ જોસુ સેઈક્સાસ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












