ભરૂચ : 'બળાત્કારનો ભોગ બનેલી 10 વર્ષની બાળકીનું મોત', શું હતો આખો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
(અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)
16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગંભીર ઈજા સાથે મળી આવી હતી. આ બાળકીનું મોત થયું છે.
વડોદરાની હૉસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઑફિસર હિતેશ ચૌહાણે આ વાતની પુષ્ટિ કરી છે.
તેમણે મીડિયાને જણાવ્યું કે "બપોરે બે વાગ્યે બાળકીને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો, જેથી બાળકીની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ડૉક્ટરે તાકીદે સારવાર આપી જેને લીધે તબિયત થોડી સામાન્ય થઈ ગઈ હતી. સાંજે સવા પાંચે ફરી કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડૉક્ટર્સની ટીમે ખૂબ મથામણ કરી પણ બાળકીએ સાંજે સવા છએ જીવ છોડી દીધો.
બાળકી સાથે શું થયું હતું એ અંગે અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે "બાળકીનાં આંતરડાં સુધી સળિયા જેવી તીક્ષ્ણ વસ્તુ ઘુસાડી દેવામાં આવી હતી. છેક આંતરડાં સુધી ઘાવ હતા. ઈજાની આ વિગતો અમને ડૉક્ટર પાસેથી મળી ત્યારે અંદાજ આવી ગયો હતો કે, બળાત્કારની આ ઘટના અત્યંત ગંભીર છે."
16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગંભીર ઈજા સાથે મળી આવી હતી. તેના ગુપ્ત ભાગ પર ગંભીર ઈજા હતી. મોઢાના ભાગે ઈજા હતી અને ખૂબ લોહી વહી ગયું હતું.
તરત જ બાળકીને ભરૂચની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઈજા ખૂબ ગંભીર હતી તેથી વધુ સઘન સારવાર માટે તેને વડોદરાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બાળકીનો પરિવાર ઝારખંડનો છે અને ઝારખંડ સરકારનાં મંત્રીએ બાળકીના પરિવારની મુલાકાત લઈને ગુજરાતમાં પ્રવાસી મજૂરોની સુરક્ષાનો મામલો ઉઠાવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે યોગ્ય સારવારની બાંયધરી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસની ટીમે ડૉક્ટર પાસેથી વિગતો જાણી ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જ બળાત્કારનો કેસ છે એવું નોંધ્યું હતું. મેડિકલ વિગતો મેળવીને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીને પકડવા માટે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવ્યો હતો.
ભરૂચના એસપી મયૂર ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, "ઘટનાસ્થળે કેટલીક વિગતો અને પુરાવા એકઠા કર્યા હતા. એ પછી અમે જીઆઈડીસી વિસ્તારમાં સતત 13 કલાક સુધી અલગ અલગ લોકોની પૂછપરછ કરી હતી. આસપાસના કેટલાક લોકોની અટકાયત કરી હતી."

મહિના અગાઉ પણ બાળકી પર બળાત્કારનો આરોપ

ઇમેજ સ્રોત, Sajid Patel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે જે રીતે આરોપીને ઝડપ્યો તેની વધુ કેટલીક વિગતો જણાવતાં ડૉ. કુશલ ઓઝાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "જે પ્રકારે સળીયા જેવો પદાર્થ વાપરવામાં આવ્યો હતો તે જોતાં અમને જણાઈ ગયું હતું કે આ કૃત્ય આચરનાર કોઈ વિકૃત માનસિકતા ધરાવતો હોવો જોઈએ. એ પછી અમે એ દિશામાં જ તપાસને આગળ લઈ ગયા હતા. સામાન્ય ન હોય એવા વિકૃત માણસની અમારે તપાસ - પૂછપરછ કરવાની છે એવું અમારા મનમાં સ્પષ્ટ હતું."
"એ પછી અમે જેટલા શકમંદ હતા તેની એ આધારે જ પૂછપરછ કરી હતી. કેસની ટેક્નિકલ કડીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એકઠાં કર્યાં. એના આધારે અમે આરોપી સુધી પહોંચ્યા હતા. તે જવાબ આપવામાં શરૂઆતમાં આનાકાની કરતો હતો. તમામ પુરાવા તેની વિરુદ્ધમાં હોવા છતાં તે જવાબ આપતો ન હતો. અમે અલગ અલગ પ્રકારે તેની પૂછપરછ કરી તેમાં અંતે તેણે કબૂલી લીધું કે તેણે જ દુષ્કૃત્ય આચર્યું હતું. આ કેસમાં સત્વરે ચાર્જશીટ ફાઇલ થાય એવી અમારી દરકાર રહેશે."
જે બાળકી બળાત્કારનો ભોગ બની છે તેનો પરિવાર ઝારખંડનો છે. પરિવાર મજૂરી કરે છે અને જીઆઈડીસી વિસ્તારમાં કાચા મકાનમાં રહે છે. પોલીસ અનુસાર આરોપી પણ બાળકીના ઘરની પાસે જ રહેતો હતો.
36 વર્ષીય આરોપી એક ખાનગી કંપનીમાં સેન્ટિંગ હૅલ્પર તરીકે કામ કરતો હતો. ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું, "એકલતાનો લાભ લઈને તેણે બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ બળાત્કાર કર્યો હતો."
આવું પહેલી વખત નથી બન્યું, આ અગાઉ પણ તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો. મયૂર ચાવડાએ કહ્યું હતું કે, "પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે એકાદ મહિના અગાઉ પણ તેણે આ જ બાળકી સાથે રેપ કર્યો હતો."
ઝારખંડ સરકારનાં મંત્રી ગુજરાત દોડી આવ્યાં

ઇમેજ સ્રોત, Sajid Patel
બળાત્કારની આ ઘટના પછી ઝારખંડ સરકારે બાળકીની સારવાર માટે તાબડતોબ ધોરણે રૂપિયા 50 હજારની સહાય તેમજ ચાર લાખ રૂપિયાનો ચેક જાહેર કર્યો હતો.
ઝારખંડનાં પંચાયતીરાજ પ્રધાન દીપિકા પાંડે સિંહ તરત ગુજરાત દોડી આવ્યાં હતાં. તેમણે પ્રશાસન અધિકારી અને હૉસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે બહેતર સારવાર માટે વિમાન કે હૅલિકૉપ્ટર મારફતે ગુજરાત બહાર બાળકીને ઍરલિફ્ટ કરવી પડે તેમ હોય તો પણ ગુજરાત સરકાર અમને એ જણાવે.
દિપીકા પાંડે સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, "ઝારખંડ તેમજ અન્ય રાજ્યોમાંથી આવીને મજૂરો ગુજરાતમાં કામ કરે છે. તેઓ પોતાનાં વતન જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ જશે. મજૂરો ઝારખંડથી આવતા હોય તો તેમની સલામતી - સુખાકારીની જવાબદારી પણ સરકારે ઉઠાવવી જોઈએ. તેમનાં બાળકો માટે બાલવાડી – શાળા વગેરેની સુવિધા થવી જોઈએ."
જોકે, ઝારખંડનાં મંત્રી દીપિકાસિંહ પાંડેના આ નિવેદન વિશે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "જે મંત્રીમંડળ અને ટીમ આવી છે તે પણ સંતોષ વ્યક્ત કરીને ગઈ છે. ડૉક્ટરો સાથે ચર્ચા થઈ છે. આટલી સારી કામગીરી હોવા છતાં કોંંગ્રેસ એના પર રાજકારણ કરી રહી છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












