You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય મહિલા શૂટર મનુ ભાકર 10 મીટર પિસ્તોલની ફાઇનલમાં, મેડલની આશા વધી - ન્યૂઝ અપડેટ
પેરિસ ઑલિમ્પિકના પહેલા દિવસે ભારતીય મહિલા શૂટર મનુ ભાકરના પ્રદર્શનથી ભારતને મેડલની આશા બંધાઈ છે.
મનુ ભાકરે વીમેન્સ 10 મીટર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મનુ ત્રીજા સ્થાને રહ્યાં હતાં અને તેમનો સ્કોર 580 રહ્યો હતો. આ જ પ્રતિયોગિતામાં તેઓ ગત ટોક્યો ઑલિમ્પિકમાં 12મા સ્થાને રહ્યાં હતાં.
જ્યારે ભારતનાં અન્ય શૂટર રિધમ સાંગવાન 15મા સ્થાને રહ્યાં છે અને તેઓ પેરિસ ઑલિમ્પિકની આ પ્રતિયોગિતામાંથી બહાર ફેંકાઈ ગયાં છે.
એ સિવાય આજે ભારતના સરબજોતસિંહ અને અર્જુન ચીમા મેન્સ ઍર પિસ્તોલની ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા. તેઓ અનુક્રમે નવમા અને 18મા ક્રમે રહ્યા છે.
ઑલિમ્પિકના પહેલા દિવસે કઝાકિસ્તાને સૌથી પહેલો મેડલ જીત્યો હતો. તેમના શૂટરોએ બ્રૉન્ઝ મેડલ જીતીને પેરિસ ઑલિમ્પિકમાં ખાતું ખોલાવ્યું છે.
તો ચીને પેરિસ ઑલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે પણ શૂટિંગની આ જ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.
મમતા બેનરજીના આરોપનો નિર્મલા સીતારમણે જવાબ આપ્યો
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી શનિવારે નીતિ બેઠક અધવચ્ચે છોડીને નીકળી ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બેઠકની બહાર આવીને કહ્યું કે મને બોલવા ન દીધાં અને મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું.
બેઠકમાંથી બહાર આવીને બેનરજીએ કહ્યું, “મેં બેઠકમાં કહ્યું કે તમારે રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરવો જોઈએ. હું બોલવા માગતી હતી, પરંતુ મને પાંચ મિનિટ જ બોલવા દીધી.”
તેમણે કહ્યું, “મારું માઇક બંધ કરી દીધું. મારી પહેલાં લોકો 10થી 20 મિનિટ સુધી બોલ્યા. હું વિપક્ષ તરફથી ત્યાં એકલી જ હતી. જોકે, મને બોલવા ન દીધી. આ અપમાનજનક છે.”
કૉંગ્રેસ અને બીજા વિપક્ષી દળોનાં રાજ્યોએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે તેઓ બેઠકમાં ભાગ લેશે નહીં.
તેમણે કહ્યું કે તામિલનાડુ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવે છે.
તેમણે કહ્યું કે જે રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતો ન મળ્યા તેમની વિરુદ્ધ બજેટનો ઉપયોગ બદલો લેવાના હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.
જોકે, મમતા બેનરજીએ શુક્રવારે કહ્યું હતું કે બેઠકનો બહિષ્કાર કરવાના પ્રશ્ન પર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ દળો વચ્ચે કોઈ સંકલન નથી. તેમણે કહ્યું હતું, “હું બેઠકમાં ‘વિપક્ષનો અવાજ’ બનીને ઉપસ્થિત રહીશ.”
મમતા બેનરજી આજે બેઠકમાં સામેલ થયાં હતાં. જોકે, તેઓ થોડાક જ સમયમાં આ બેઠક છોડીને બહાર નીકળી ગયાં.
મમતા બેનરજીએ નીતિ આયોગને ખતમ કરીને યોજના આયોગ ફરીથી શરૂ કરવાની વકાલત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ થિન્ક ટૅન્ક સંપૂર્ણપણે પોકળ બની ગઈ છે.
મમતા બેનરજીના આરોપનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે "વડા પ્રધાનની અધ્યક્ષતામાં થઈ રહેલી નીતિ આયોગની બેઠકમાં મમતા બેનરજી પહોંચ્યાં હતાં. તેમણે પશ્ચિમ બંગાળ તરફથી અને વિપક્ષ તરફથી પોતાની વાત મૂકી હતી. અમે બધાએ તેમની વાત સાંભળી."
નાણામંત્રીએ કહ્યું કે "મમતા બેનરજીએ મીડિયામાં કહ્યું કે તેમનું માઇક બંધ કરી દેવાયું છે, એ સાવ ખોટી વાત છે. દરેક મુખ્ય મંત્રીને બોલવાનો પૂરતો સમય આપ્યો હતો. જો તેઓ વધારે બોલવા માગતાં હોત તો મુખ્ય મંત્રીઓની જેમ વધુ સમય માગતી શકતાં હતાં."
તેમણે કહ્યું કે મમતા બેનરજીનું બેઠકની બહાર આવીને કહેવું કે માઇક બંધ કરી દીધું હતું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.
એલઓસી પર ગોળીબારમાં એક પાકિસ્તાની વ્યક્તિનું મોત, ભારતીય સેનાના બે સૈનિકો ઘાયલ
ભારતીય સેનાએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના માછલ સૅક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર સુરક્ષાબળોનો અજ્ઞાત લોકો સાથે ગોળીબાર થયો.
સેનાએ કહ્યું કે કુપવાડાના માછલ સૅક્ટરમાં થયેલા ગોળીબારમાં એક પાકિસ્તાની વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે બે ભારતીય જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર સેનાએ પોસ્ટ કરીને જણાવ્યું કે ઘાયલ સૈનિકોને બહાર કાઢી લીધા છે અને ઑપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.
કમલા હૅરિસે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી
કમલા હૅરિસે અમેરિકાનાં રાષ્ટ્રપતિપદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે.
કમલા હૅરિસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઘોષણા કરતાં કહ્યું, “મેં આજે સત્તાવાર અમેરિકાનાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારીપત્રક પર સહી કરી દીધી છે. હું દરેક મત મેળવવા માટે ખૂબ જ મહેનત કરીશ.”
તેમણે લખ્યું, “લોકોની તાકાતવાળા અમારા અભિયાનનો નવેમ્બરમાં વિજય થશે.”
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમનાં પત્ની મિચેલ ઓબામાએ પણ કમલા હૅરિસની ઉમેદવારીનું સમર્થન કર્યું.
માનવામાં આવે છે કે મોટા ભાગના ડેમૉક્રેટિક સંસદસભ્યો કમલા હૅરિસના પક્ષમાં છે. ઑગસ્ટમાં થનારા પાર્ટી કન્વેન્શનમાં કમલા હૅરિસને સત્તાવાર તરીકે ડેમૉક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવશે.