You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું- ડિસેમ્બર 2021માં જ કોવિશિલ્ડ રસી બનાવવાનું બંધ કરી દીધું
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે તેણે ડિસેમ્બર 2021 બાદથી જ કોવિશિલ્ડ વૅક્સિન બનાવવાનું બંધ કરી દીધું છે.
તેના પહેલાં ફાર્માસ્યુટિકલ કંપની ઍસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે તે દુનિયાભરનાં બજારોમાંથી પોતાની કોવિડ વૅક્સિન પરત લેવા જઈ રહી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ઍસ્ટ્રાઝેનેકા સાથે મળીને જ કોરોના મહામારી દરમિયાન કોવિશિલ્ડ બનાવી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, “ભારતે 2021 અને 2022માં રસીકરણના ઉચ્ચ સ્તરને હાંસલ કર્યું પરંતુ નવા વૅરિયન્ટ સામે આવ્યા બાદ જૂની રસીની માગ ઘટી ગઈ.”
“ડિસેમ્બર 2021માં અમે વૅક્સિન બનાવવાનું બંધ કરી દીધું અને કોવિશિલ્ડ વૅક્સિનનો સપ્લાય પણ બંધ કરી દીધો.”
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કહ્યું, “હાલની ચિંતાઓ અને સુરક્ષાના માપદંડોને લઈને અમે પ્રતિબદ્ધ છીએ. 2021માં વૅક્સિનના પૅકેજિંગમાં અસામાન્ય સાઇટ ઇફેક્ટ મામલે જાણકારી આપી હતી..”
ઍસ્ટ્રાઝેનેકાએ વીતેલા દિવસોમાં બ્રિટનની અદાલતમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં પહેલી વાર માન્યું હતું કે તેની કોરોના વૅક્સિનથી કેટલાક લોકોને અસામાન્ય સાઇડ ઇફેક્ટ થઈ શકે છે.
કોરોનાની રસી લગાવનારા ઘણા લોકોએ મળીને આ દવા કંપની પર વૅક્સિનની સાઇડ ઇફેક્ટને લઈને વળતરની માગને લઈને કેસ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસ દાખલ કરનારા લોકો પૈકી કેટલાકનું કહેવું છે કે તેમને આ વૅક્સિનને કારણે તેમના સંબંધીઓને ખોયા છે અને કેટલાક અન્ય કેસમાં કંપનીની કોરોના વૅક્સિનથી લોકોને ગંભીર નુકસાન થયું છે.
સામ પિત્રોડાના નિવેદન પર રૉબર્ડ વાડ્રા બોલ્યા- ‘તેમને નિવૃત્ત કરી દીધા, હું બહુ ખુશ છું’
કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર રૉબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે.
રૉબર્ટ વાડ્રાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “જ્યારે કોઈ રિટાયર થાય છે ત્યારે જૂની વાતો યાદ આવે છે અને તમે વિચારો છો કે તેમાં મારું નામ પણ આવવું જોઈએ.”
“તમારે લોકોની વચ્ચે રહીને તેમની તકલીફોને સમજવી જોઈએ. જે સરકારે લોકો સાથે ખોટું કર્યું છે તે મામલે વાતો કરો. જે સરકારથી ભૂલો થઈ છે તે વાતને ઉઠાવો.”
“ત્યાં બેસીને તમે કંઈ પણ બોલો છો તો એ ખોટું છે. તેમને રિટાયર કરી દેવામાં આવ્યા. હું બહુ ખુશ છું.”
રૉબર્ટ વાડ્રાએ કહ્યું, “મેં ખુદ તેમને (સામ પિત્રોડા) લખ્યું, તમે અયોગ્ય નિવેદન કર્યાં છે. આ કૉંગ્રેસની વિચારધારા નથી. તમે પહેલાં કંઈ બોલો છો અને હવે કંઈ બોલો છો.”
બુધવારે ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના ચૅરમૅન સામ પિત્રોડાએ પોતાના નિવેદન પર શરૂ થયેલા એક વિવાદ બાદ રાજીનામું આપી દીધું.
સામ પિત્રોડાએ એક અંગ્રેજી અખબાર સ્ટેટ્સમૅનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉત્તર ભારતના લોકોની તુલના ગોરા, પશ્ચિમમાં રહેનારાની તુલના અરબ અને પૂર્વમાં રહેનારા લોકોની તુલના ચાઇનીઝ તથા દક્ષિણમાં રહેનારા લોકોની તુલના આફ્રિકન સાથે કરી હતી.
કૉંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના આ નિવેદનથી પોતાને અલગ રાખી છે. તેનાં સહયોગી દળોએ પણ આ નિવેદનની આકરી ટીકા કરી છે.
સાઉદી અરેબિયાએ હજયાત્રાના નિયમોને કડક બનાવ્યા, ઉલ્લંઘન બદલ થશે મોટો દંડ
બીજી જૂનથી શરૂ થઈ રહેલી હજયાત્રા મામલે સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે ચેતવણી જારી કરી છે.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે હજયાત્રા દરમિયાન નક્કી કરેલા નિયમો અને દિશાનિર્દેશોનું ઉલ્લંઘન બદલ દંડ વસુલવામાં આવશે. આ દંડ લગભગ બે લાખ 23 હજાર રૂપિયા સુધીનો થઈ શકે છે.
ગૃહ મંત્રાલય મુજબ અનુમતિ વગર હજયાત્રા કરવી ગેરકાયદે માનવામાં આવશે અને તેવા યાત્રીઓને તેમના દેશમાં પરત મોકલી દેવાશે.
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નક્કી કરેલા સમય માટે સાઉદી અરેબિયામાં દાખલ થવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવશે.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ પ્રકારનાં પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે વગર પરવાનગીએ પવિત્ર જગ્યાઓ, મક્કા અને સુરક્ષા નિયંત્રણ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
આ નિર્ણય બે જુનથી 20 જુન સુધી લાગુ કરવામાં આવશે.
પન્નુ મામલે રશિયાએ અમેરિકાને ઘેર્યું, કહ્યું- રાષ્ટ્ર તરીકે નથી થઈ રહ્યું ભારતનું સન્માન
અમેરિકી નાગરિક ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડ્યંત્ર મામલે ભારત પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર રશિયાએ પ્રતિક્રિયા આપી છે.
રશિયાએ એ આરોપોને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યા છે. રશિયાનો દાવો છે કે અમેરિકા ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અસ્થિરતા પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે.
રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું, “પન્નુ મામલામાં અમેરિકા ભારતને લઈને કોઈ નક્કર પુરાવાઓ નથી આપી શક્યું. આ મામલામાં વગર પુરાવાએ કોઈ પણ વાતને સ્વીકારી ન શકાય.”
મારિયા જખારોવાએ કહ્યું, “અમેરિકા રાષ્ટ્રવાદના વિચારને નથી સમજી શકતું. અમેરિકા એ પણ નથી સમજતું કે ઐતિહાસિક રૂપે ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું, “અમેરિકા એક રાષ્ટ્ર તરીકે ભારતનું સન્માન નથી જાળવી રહ્યું.”
હાલમાં જ આવેલા વૉશિંગટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ગત વર્ષે ખાલિસ્તાન સમર્થક નેતા અને અમેરિકાના નાગરિક ગુરપતવંતસિંહ પન્નુની હત્યાની નિષ્ફળ કોશિશમાં ભારતની ગુપ્તચર ઍજન્સી રૉ સામેલ હતી.
આ રિપોર્ટને ભારતે નિરાધાર ગણવ્યો છે. વિદેશ મંત્રાલયે આ રિપોર્ટ પર નિવેદન જારી કરીને કહ્યું છે, “રિપોર્ટ એક ગંભીર મામલા પર અનુચિત અને નિરાધાર આરોપ લગાવે છે.”
એસ. જયશંકરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર મામલે કરી ટિપ્પણી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને ભારતનું મહત્ત્વનું અંગ ગણાવ્યું છે.
દિલ્હીના ગાર્ગી કૉલેજમાં એક સવાલનો જવાબ આપતા એસ. જયશંકરે આ વાત કહી.
એસ. જયશંકરે કહ્યું, “લોકો વિચારે છે કે કલમ 370 નહીં હઠાવી શકાય, પરંતુ જ્યારે અમે તેને હઠાવી ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ.”
“પીઓકે પર તમને કહું કે એક સંસદીય પ્રસ્તાવ છે, ભારતના તમામ પક્ષો તેના માટે પ્રતિબદ્ધ છે. તેમાં સ્પષ્ટ છે કે પીઓકે ભારતનું અભિન્ન અંગ છે અને તે ભારતને પરત મળવું જોઈએ.”
“આ રાષ્ટ્ર પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે.”
એસ. જયશંકરે કહ્યું, “જ્યારે અમે 370 હઠાવી ત્યારે લોકો સમજવા લાગ્યા કે પીઓકે પણ જરૂરી છે.”
“અમે 370 પર યોગ્ય નિર્ણય કર્યો. પીઓકે હવે લોકોના મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે. કોઈ પણ બાબત હાંસલ કરવા પહેલા તે મામલે મગજમાં તેની સ્પષ્ટતા જરૂરી છે.”