બીડી, સિગારેટથી થતી બીમારીઓ જે દર વર્ષે કેટલાયનો ભોગ લે છે

ધૂમ્રપાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતમાં ધૂમ્રપાનનું સૌથી સામાન્ય સ્વરૂપ બીડી અને ત્યાર બાદ સિગારેટ છે.

ભારતમાં અંદાજિત 25 કરોડ લોકો એક અથવા બીજા સ્વરૂપમાં તમાકુનું સેવન કરે છે.

1990માં તમાકુના સેવનથી થતાં મૃત્યુની કુલ ટકાવારી 10 ટકા હતી (પુરુષોમાં 14.2 ટકા અને મહિલાઓમાં 4.2 ટકા) અને 2019માં તે વધીને 13 ટકા થઈ ગઈ હતી.

તમાકુનું સેવન વિવિધ સ્વરૂપમાં થાય છે. જે ધૂમ્રપાનથી તમાકુનું સેવન કરી શકાય તે છે સિગારેટ, બીડી, હુક્કા, સિગાર, ચેરુટ, સિગારીલોસ, વગેરે અને ચાવીને જે તમાકુ સેવન થાય છે તે છે ખૈની, ગુટકા, તમાકુ સાથે સોપારી, તમાકુ સાથે પાન મસાલા, વગેરે.

ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે. ભારતમાં તમાકુનાં વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતાં હોય છે.

પરંતુ કોઈ એ વાતથી અજાણ નથી કે બીડી, સિગારેટ, ગાંજો, ચરસ, વેપ, વગેરેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે તો તેમ છતાં તેનું વિવિધ રીતે સેવન કરનારાઓની કોઈ કમી નથી.

ધૂમ્રપાનનું સેવન કૅન્સરનું કારણ બની શકે છે, અને આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ દર્શાવતા આંકડા પણ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચમાં સામે આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં 2020માં દેશમાં નિદાન થયેલાં કૅન્સરના કેસમાં તમાકુ સંબંધિત કૅન્સરનો હિસ્સો 27 ટકા હતો.

ભારતની વાત કરીએ તો દેશમાં ગુજરાત ઉત્પાદન અને ઉત્પાદકમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં બીડીની વાત કરીએ તો અહીં લાલ અને કાળું ચોપડિયા, ગડાકુ, (હુક્કામાં ભરીને પીવાતી તમાકુ), અને રસ્ટિકા તમાકુ 1.92 લાખ હેક્ટર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે.

ધૂમ્રપાનથી આરોગ્ય પર કેવી ગંભીર કરે છે?

બીડી, સિગારેટથી સ્વાસ્થ્યને કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, science photo library

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમાકુથી થતા નુકસાન અંગે બીબીસીએ પલ્મોનૉલૉજિસ્ટ ડૉક્ટર પાર્થિવ મહેતા સાથે વિગતવાર વાત કરી. તેઓ કહે છે કે, ધ્રૂમ્રપાનના ધુમાડામાં ઝેરી તત્ત્વો હોય છે. જ્યારે વ્યકતિ ધૂમ્રપાન કરે છે ત્યારે આ ઝેરી તત્ત્વો નાક, સ્વરપેટી, શ્વાશનળી અને ફેફસાં વાટે શરીરમાં જાય છે.

"આ જ ઝેરી તત્ત્વો જયારે બ્લડની નળીમાં જાય ત્યાંથી તે શરીરના બીજા ભાગોમાં ફેલાય છે. તેથી શરીરની નસો અને ચેતા સુકાય છે, તેને પેરિફેરલ ન્યુરિટિસ કહેવાય છે."

તેઓ સમજાવે છે કે, "બીડી-સિગારેટને જયારે સળગાવામાં આવે છે ત્યારે તેનું તાપમાન 800થી 1500 ડિગ્રીનું હોય છે. જયારે આ ધુમાડો શરીરમાં જાય છે ત્યારે તેનું તાપમાન 400-600 ડિગ્રી હોય છે. આ ધુમાડો જયારે શરીરમાં જાય છે ત્યારે તે ફેફસાં, મોઢાની ચામડી (અંદરની કુમળી ચામડીને મ્યુકોસા કહેવાય), ગળા અને નાકને બાળી નાખે છે. મ્યુકોસાનું કામ અંદરના કોશોને પોચા અને ભીના રાખવાનું છે, તે જ બળી જાય છે."

ધૂમ્રપાનના સેવનથી શરીરના લગભગ દરેક અવયવો પર નકારાત્મક સ્વાસ્થ્ય અસરો થતી હોય છે, જેના પરિણામે શરીરમાં બીમારી આવી શકે છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુનું કારણ પણ બની શકે છે.

નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે, ધૂમ્રપાનના સેવનથી મુખ્યત્વે ત્રણ બીમારી થવાની શકયતા હોય છે:

  • કૅન્સર- ફેફસાંનું કેન્સર, મોઢાનું કેન્સર
  • શ્વસન રોગો અને- ક્રોનિક ફેફસાની બિમારી
  • હૃદય રોગો

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી આ વિશે વિગતવાર વાત કરતા કહે છે કે, "ધૂમ્રપાન શરીરનાં દરેક અંગને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેના સેવનથી મુખ્યત્વે બે રોગ થાય છે, એક છે કૅન્સર અને બીજું છે ફેફસાંના રોગ. ધૂમ્રપાનથી સૌથી વધારે કૅન્સર થાય છે. ધૂમ્રપાન મોઢાથી માંડીને આંતરડાનાં અંગોને કૅન્સર કરી શકે છે."

ડૉક્ટર મેહતા કહે છે, "ધુમાડો જયારે ફેફસાંની અંદર ઊંડે સુધી જાય ત્યારે ફેફસાંના કોષોના ઇલાસ્ટિકને નુકસાન પહોંચાડે. ધૂમ્રપાનથી જ્ઞાનતંતુ નબળા પડે છે, બ્લડ પ્રેશર વધે છે."

"ધૂમાડાને લીધે સ્નાયુ ઢીલા પડે અને મગજનું જ્ઞાનાત્મક કાર્ય ઘટે છે. ત્યાર પછી સ્વરપેટીમાં સોજા આવે છે, તેથી ક્રૉનિક બ્રૉન્કાઇટિસ એટલે કે શ્વાશનળીમાં સોજો થાય છે, કાળો દમ એટલે કે ક્રૉનિક કિડની બીમારી થાય છે, આ એવી બીમારીઓ છે જેનો કાયમી ઇલાજ નથી હોતો."

ત્યારબાદ ફેફસાંની અંદર કેન્સર થવાનું શરૂ થાય છે.

કાયમી સેવનથી નિકોટિન ઉપર પરતંત્રતા વધે અને પછી વ્યક્તિને 1-2 કલાકની અંદર ધૂમ્રપાન કરવું જ પડે નહીંતર તે કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકે.

ડૉક્ટર મહેતા આગળ કહે છે કે, આ ઉપરાંત, ધૂમ્રપાનના ધુમાડાની અંદર ઘણા બધા ઝેરી તત્ત્વો છે.

જયારે વ્યક્તિ આ તત્ત્વો અંદર લે છે, તેની ઑક્સિજન લેવાની માત્રા ઘટે છે. તેથી હૃદયના સ્નાયુને પણ અસર કરે છે.

"ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરવાથી મહિલાના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના વિકાસને અસર કરે છે, બાળકને જન્મજાત ખામીઓ આવી શકે છે અથવા ગર્ભપાત થઈ શકે છે. તેથી મહિલાઓ માટે ધૂમ્રપાન કરવું ખૂબ જ હાનિકારક છે."

ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગો વેપ, હુક્કોનું ધૂમ્રપાન કરે છે, જ્યારે નીચલા સામાજિક-આર્થિક વર્ગો બીડીનું સેવન કરતા હોય છે.

ડૉક્ટર ભરત કહે છે, પેસિવ ધૂમ્રપાન એ અન્ય લોકોના તમાકુના ધુમાડાને શ્વાસમાં લેવાને કહેવાય છે.

સેકન્ડ હેન્ડ સ્મોક, તે ધૂમ્રપાન કરનારાઓ દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને સળગતી સિગારેટમાંથી નીકળતા ધુમાડાનું મિશ્રણ છે. ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન ન કરનારા બંનેને સેકન્ડહેન્ડ ધૂમ્રપાનથી નોંધપાત્ર સ્વાસ્થ્ય જોખમ રહેલું છે.

ડૉક્ટર મેહતા મુજબ, "જો કોઈ વ્યક્તિ સતત પાંચ વર્ષ સુધી ધૂમ્રપાન કરે ત્યાં સુધી તેમને કોઈ અસર દેખાતી નથી. ત્યાર બાદ શરીર પર આડ અસરો દેખાવાની શરૂ થાય છે."

સિગારેટમાં એવું શું છે જે સ્વાસ્થ્યને ખરાબ કરે છે?

બીડી, સિગારેટથી સ્વાસ્થ્યને કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, SCIENCE PHOTO LIBRARY

ડૉક્ટર ભરત કહે છે, સિગારેટમાં તમાકુ હોય છે. અને તમાકુમાં નિકોટિન હોય છે, તેનું સેવન કરવાથી માણસને તેની વારેવારે જરૂર પડે છે અને સમય જતાં એ વ્યસન બની જાય છે.

નિકોટિન એ વ્યસન લગાડનારું પદાર્થ છે. નિકોટિન પોતે કેન્સર નથી કરતું. કેન્સર તમાકુમાં રહેલા ઝેરી તત્ત્વો થકી થાય છે. નિકોટિન વ્યક્તિને વ્યસન કરાવે છે.

સિગારેટ, બીડી વગેરે સૂકા તમાકુના પાંદડામાંથી બનાવવામાં આવે છે. સ્વાદ માટે અને ધૂમ્રપાનને વધુ સુખદ અનુભવ બનાવવા માટે અન્ય પદાર્થો ઉમેરવામાં આવે છે. આ ઉત્પાદનોમાંથી નીકળતો ધુમાડો એ તમાકુ અને તેના બીજા તત્ત્વોને બાળીને ઉત્પાદિત રસાયણોનું મિશ્રણ છે.

એક અહેવાલ અનુસાર સિગારેટની અંદર 600 તત્ત્વો છે. જયારે તેને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી 7000 કેમિકેલ્સ/રસાયણો ઉત્પન્ન થાય છે. તેમના ઓછામાં ઓછા 69 કેમિકેલ્સ એવા છે જે ઝેરી છે અને શરીરમાં કેન્સર કરી શકે છે. આ કેન્સર પેદા કરતાં રસાયણોને કાર્સિનોજન્સ તરીકે ઓળખવામાં આવે છે.

બીજી એવી ઘણી વસ્તુઓ બજારમાં વેચાય છે જેમાં પણ આવા કેમિકેલ્સ હોય છે પરંતુ તેનાં પૅકેટ ઉપર તેના જોખમ વિશે સ્પષ્ટપણે લખવામાં આવે છે. જયારે સિગારેટ અને અન્ય ધૂમ્રપાનના ઉત્પાદનનાં પૅકેટ પર તેવું લખવામાં નથી આવતું.

તમાકુના ધુમાડામાં જોવા મળતા કેટલાંક રસાયણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • નિકોટિન- જેનો જંતુનાશક દવામાં ઉપયોગ થાય છે.
  • આર્સેનિક- જેનું ઉંદર મારવાના ઝેરમાં ઉપયોગ થાય છે
  • લેડ- જેનું બેટરીના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે
  • મિથેનોલ - આ રોકેટ ઇંધણમાં મુખ્ય ઘટક છે

આમાંના ઘણા પદાર્થો કેન્સરનું કારણ છે. આ પદાર્થો કેટલાક હૃદય રોગ, ફેફસાંના રોગ અથવા અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ પણ છે.

ઇ-સિગારેટ કેટલું જોખમી?

બીડી, સિગારેટથી સ્વાસ્થ્યને કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઈ-સિગારેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકારણો તાજેતરનાં વર્ષોમાં, ખાસ કરીને યુવાન લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. કેટલીકવાર તેનો ઉપયોગ સિગારેટ અથવા અન્ય તમાકુ ઉત્પાદનોના વિકલ્પ તરીકે થાય છે.

ઈ-સિગારેટના ઉત્પાદકો વારંવાર દાવો કરે છે કે તેના ઘટકો સલામત છે. પરંતુ તેમાં એરોસોલ્સ (ખૂબ જ નાના કણોનું મિશ્રણ) છે જેમાં વ્યસનકારક નિકોટિન, સ્વાદ અને અન્ય વિવિધ રસાયણો હોઈ શકે છે, જેમાંથી કેટલાક ઝેરી છે.

આમાંના ઘણા પદાર્થોનું સ્તર સામાન્ય સિગારેટની તુલનામાં નીચું હોઈ શકે છે, પરંતુ આ ઉત્પાદનોમાં નિકોટિન અને અન્ય પદાર્થોનું પ્રમાણ વ્યાપકપણે બદલાઈ શકે છે. આ ઉપકરણોની લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરો હજુ સુધી જાણીતી નથી.

ગુજરાતમાં ધૂમ્રપાનનું ચલણ

બીડી, સિગારેટથી સ્વાસ્થ્યને કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ મુંબઈ અને ભારતીય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત પર એક ફેક્ટશિટ બનાવી છે. તે મુજબ, ગુજરાતમાં 25.1 ટકા લોકો કોઈ પણ પ્રકારનું તમાકુનું સેવન કરે છે અને 5.6 ટકા લોકો ધૂમ્રપાન કરે છે.

બંધ જગ્યામાં કામ કરતા પુખ્ત વયના 20.9 ટકા લોકો તેમના કાર્યસ્થળ પર પેસિવ સ્મોકના સંપર્કમાં આવ્યા હતા.

ગુજરાતમાં દર ચારમાંથી એક વ્યક્તિ કાર્યસ્થળ પર પેસિવ સ્મોકિંગનો શિકાર બને છે.

ગુજરાતમાં લોકો સરેરાશ 18 વર્ષની વયે તમાકુનું સેવન શરૂ કરે છે.