બંગાળની ખાડીમાં ફરી બનશે નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
જૂન-જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ પડ્યા બાદ રાજ્યમાં ઑગસ્ટ માસ મોટા ભાગે ‘કોરોકટ’ રહ્યો હતો.
જોકે, તાજેતરમાં જ એટલે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો.
નવા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ટૂંકા ગાળા માટે વરસાદ પડ્યો.
આવું બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધતાં બન્યું હતું.
એ સિવાય હવે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી સિસ્ટમ સર્જાય તેવા સંકેત મળી રહ્યા છે.
આ નવી સિસ્ટમની શું સ્થિતિ છે? તે ક્યારે બનશે અને ગુજરાત પર તેની અસર પડશે કે કેમ?
એ સિવાય હાલની સિસ્ટમનું શું થશે? શું રાજ્યમાં વરસાદ પર ફરીથી બ્રેક લાગશે કે કેમ? જો હા, તો આ વિરામ કેટલા દિવસ લાંબો હશે? શું રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ફરીથી સર્જાશે કે કેમ?
આ તમામ સવાલોની સ્પષ્ટતા આ લેખમાં મેળવીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નવી સિસ્ટમ વરસાદ લાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંગાળની ખાડીમાં સર્જાયેલી જે સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં તાજેતરમાં વરસાદ પડ્યો હતો અને વરસાદના વિરામનો સિલસિલો તૂટ્યો હતો, તે ઉત્તર ભારત તરફ આગળ વધીને નબળી પડે તેની સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સર્જાશે.
બંગાળની ખાડીમાં પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ લૉ પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે.
આ લૉ પ્રેશર એરિયા ફરીથી મધ્ય ભારત તરફ આગળ વધે એવી શક્યતા હાલમાં દેખાઈ રહી છે.
આ નવી સિસ્ટમ બનવા અને આગળ વધવાને કારણે મધ્ય ભારત ઉપર વરસાદની સંભાવનાઓનો ઇનકાર ન કરી શકાય.
જે ગુજરાત તરફ આગળ વધી અને વરસાદની સ્થિતિ સર્જે તેવી પણ શક્યતા છે. પરંતુ એવું પણ બની શકે કે પશ્ચિમના મજબૂત પવનોને કારણે આ વખતે પણ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય.
જુદાં જુદાં મૉડલો અનુસાર બંગાળની ખાડીમાં સર્જાનાર સાયક્લોનિક સિસ્ટમ ક્યારે સર્જાશે એ અંગે અનુમાન જાહેર કરવામાં આવ્યાં છે.
જે પૈકી ભારતીય હવામાન વિભાગ અનુસાર 12 સપ્ટેમ્બરના રોજ આ ક્ષેત્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે.
બાદમાં એકાદ-બે દિવસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લૉ પ્રેશર એરિયામાં તબદીલ થાય તેવી સંભાવના છે.
લૉ પ્રેશરનું રૂપ ધારણ કર્યા બાદ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધે તેવું મનાઈ રહ્યું છે.
જોકે, અહીં એ નોંધવું ઘટે કે 12 સપ્ટેમ્બરે આ સિસ્ટમ બને એ બાદ જ એ આગામી સમયમાં કયા રૂટ પર આગળ વધશે એની ચોક્કસપણે ખબર પડશે.
પ્રાથમિક અનુમાનો અનુસાર સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં બે સિસ્ટમો બની શકે છે, પરંતુ આ અનુમાનો ફેરફારને પાત્ર છે.
જો અનુમાનો પ્રમાણે બધું થાય તો કદાચ ગુજરાતમાં આ નવી સિસ્ટમોની અસરનો લાભ વરસાદરૂપે મળી શકે છે.
નવી બનનારી સિસ્ટમ આગામી દિવસોમાં કઈ તરફ આગળ વધે છે અને એ સિસ્ટમ કેટલી મજબૂત છે, તેના પર એ વાતનો આધાર છે કે તેની અસર ગુજરાત પર થશે કે નહીં?
તારણોની હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જો આ સિસ્ટમોની અસર ધાર્યા પ્રમાણે થાય તો આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ હાલ કરતાં વધવાની સંભાવના છે.
હાલ નવી સર્જાનાર સિસ્ટમો અને તેના સંભવિત રૂટ અંગે જુદાં જુદાં મૉડલો દ્વારા રજૂ કરાયેલાં જુદાં જુદાં અનુમાનોને પગલે વરસાદના નવા રાઉન્ડની નવી તારીખ અને તેની તીવ્રતાને લઈને અવઢવ જોવા મળી રહી છે.
પરંતુ અહીં એ પણ નોંધનીય છે કે કેટલાંક મૉડલોમાં ગુજરાત માટે આગામી દિવસોમાં વરસાદ સંદર્ભે આશાસ્પદ ચિત્ર જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ એકાદ મૉડલમાં નવી સિસ્ટમ પૂર્વથી ઉત્તર તરફ ફંટાઈ જાય તેવી પણ વાત કરાઈ છે.

આગામી સાત દિવસ માટે આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની વાત કરીએ તો રવિવારની પરિસ્થિતિ અનુસાર ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તરપૂર્વ રાજસ્થાન ઉપર દરિયાઈ સપાટીના 7.6 કિલોમીટર ઉપર તરફ સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન જળવાયેલું રહેવા પામ્યું હતું.
આ સિવાય ગઈ કાલે દરિયાઈ સપાટીના 5.8 કિલોમીટર ઉપર જોવા મળેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમની હવાની ગર્ત તરીકે આગળ વધ્યું હતું, જે ગુજરાત માટે એટલી મહત્ત્વપૂર્ણ ન હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી તેમજ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યના ઉપરોક્ત સિવાયના ભાગોમાં ઓછામાં ઓછું કાલે તો વરસાદ પડવાની સંભાવના નથી.
આ સિવાય 11-12 સપ્ટેમ્બરે ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની આશંકા છે.
જ્યારે 13 સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આશંકા છે.
14 સપ્ટેમ્બરની આગાહી અનુસાર ઉપરોક્ત જિલ્લા સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છુટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આશંકા છે.
જ્યારે 15-16 સપ્ટેમ્બરે ગુજરાતના દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છુટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો ગાજવીજ સાથેનો વરસાદ પડવાની આશંકા છે.
જો 11 સપ્ટેમ્બરના રોજની અમદાવાદ અને આસપાસના વિસ્તારની આગાહીની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આગામી પાંચ દિવસની હવામાનને લગતી ચેતવણી અંગે પણ માહિતી જાહેર કરી હતી.
જે અનુસાર આગામી પાંચ દિવસ સુધી કોઈ હવામાન ચેતવણી જાહેર કરાઈ નથી.
ગુજરાતમાં તાજેતરમાં વરસાદનો નવો રાઉન્ડ લાવનાર સિસ્ટમ અને તેની પૅટર્ન વિશે વાત કરીએ તો તાજેતરમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.














