ગુજરાત: એ વાવાઝોડું જે હજારો કિલોમીટર દૂર સર્જાયું અને રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

હાલ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ અટકી ગઈ છે અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.

જુલાઈ મહિનામાં ગુજરાતમાં તેની સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થયો હતો. જોકે, ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો.

ભારતથી હજારો કિલોમિટર દૂર આવેલા પ્રશાંત મહાસાગરમાં થઈ રહેલી હલચલની અસર ભારતના ચોમાસા પર થઈ રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

હાલ પ્રશાંત મહાસાગરની અંદર એકસાથે ત્રણ વાવાઝોડાં સર્જાયાં છે અને જેમાંથી બે વાવાઝોડાં લગભગ પાંચ દેશોને અસર કરી રહ્યાં છે.

ખાનુન નામનું તાકતવર વાવાઝોડું તાઇવાન, ચીનને અસર કર્યા બાદ હવે જાપાન, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને ભારે અસર કરશે.

ગ્રે લાઇન

વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ બંધ કેવી રીતે થયો?

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

હાલ જાપાનના સમુદ્ર અને પ્રશાંત મહાસાગરમાં ખાનુન અને લેન નામનાં બે વાવાઝોડાં સર્જાયાં છે તેની સીધી અસર જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહી છે.

આ વાવાઝોડાં ભારતથી ખૂબ દૂર છે પરંતુ ભારતમાં ચોમાસાને નબળું પાડવામાં તેની ભૂમિકા રહેલી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના અહેવાલ પ્રમાણે હાલ પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ફિલિપાઇન્સ સમુદ્ર, દક્ષિણ અને પૂર્વ ચીન સમુદ્રમાં સતત વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે.

સતત સર્જાઈ રહેલાં વાવાઝોડાં ભારતના ભૂ-ભાગો પર સક્રિય ચોમાસા પર અવળી અસર કરી રહ્યાં છે. આ વાવાઝોડાં પશ્ચિમ તરફથી ભારતમાં આવતા પવનોમાંથી ભેજને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી આવતા પવનો જ્યારે ભારતના ભૂ-ભાગ પર પહોંચે ત્યારે તેમાં ભેજ રહેતો નથી.

તેના લીધે ભારતના સમુદ્રોમાં ચોમાસાની ગતિવિધિ નબળી પડી રહી છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ઘટી ગયો છે

બીજી તરફ ચોમાસાની ટ્રફ રેખા પણ ઉત્તર તરફ જઈ રહી છે. જ્યારે ચોમાસાની ટ્રફ રેખા હિમાલયની પહાડીઓમાં પહોંચી જાય ત્યારે મોટા ભાગના ભારતમાં વરસાદી ગતિવિધિઓ ઘટી જાય છે.

ગ્રે લાઇન

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ નહીં પડે?

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં ચોમાસું જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી એમ ચાર મહિનાનું હોય છે અને હાલ અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.

હવામાન વિભાગે ચોમાસાના છેલ્લા બે મહિના, ઑગસ્ટ અને સપ્ટેમ્બર અંગેનું વરસાદી પૂર્વાનુમાન થોડા દિવસ પહેલાં જ જારી કર્યું હતું. એ મુજબ દેશમાં ઑગસ્ટ મહિનામાં સરેરાશ સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

જોકે, આ પૂર્વાનુમાન મુજબ ઑગસ્ટ મહિનામાં ભારતના પશ્ચિમ તરફના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેનો અર્થ એ થયો કે ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.

ઑગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં હજી પણ વરસાદી ગતિવિધિઓ ખૂબ નબળી જ છે. માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે અને બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં હજી લગભગ 17 ઑગસ્ટ સુધી ભારે કે અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી અને વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થાય તેવી શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં થોડા દિવસોમાં કોઈ સિસ્ટમ સર્જાય તેવા સંકેતો પણ દેખાતા નથી. જેથી આવનારા કેટલાક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓમાં કોઈ વધારો થાય તેવી શક્યતા નથી.

ગ્રે લાઇન

ભારતમાં ચોમાસું થંભી જાય ત્યારે ક્યાં વરસાદ વધે છે?

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

હાલ ભારતમાં 'બ્રેક મૉન્સુન'ની સ્થિતિ છે અને જેના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો નથી. 'બ્રેક મૉન્સુન'ની સ્થિતિમાં ચોમાસાની ટ્રફ રેખા હિમાલયની તળેટીઓમાં જતી રહે છે.

આ સ્થિતિમાં ઉત્તરાખંડ, પંજાબની તળેટીના વિસ્તારો, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના હિમાલયની પાસેના વિસ્તારો, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિસ્તારો સુધી જ વરસાદી ગતિવિધિ સીમિત થઈ જાય છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે. નેપાળ, ઉત્તરાખંડ, બિહારના કેટલાક વિસ્તારો તથા હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ થાય છે.

આ સ્થિતિમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ દિલ્હી, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય છે અથવા છૂટોછવાયો વરસાદ થાય છે.

જ્યારે પણ ભારતમાં 'બ્રેક મૉન્સુન'ની સ્થિતિ સર્જાય છે ત્યારે તે લગભગ એક અઠવાડિયા કરતાં વધારે સમય ચાલે છે. જેથી દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની લાંબી રાહ જોવી પડે છે.

રેડ લાઇન
રેડ લાઇન