ગુજરાતમાં ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કેવો રહેશે?

ગુજરાતનું હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. 31 જુલાઇ સુધીમાં રાજ્યમાં સિઝનનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લાં છ વર્ષમાં ગુજરાતમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઉનાળા દરમિયાન સતત કમોસમી વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારબાદ 'બિપરજોય' વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારે તારાજી થઈ હતી.

એના થોડા દિવસોમાં રાજ્યમાં લગભગ નિયત સમયે જ જૂન મહિનામાં ચોમાસાનું આગમન થયું હતું.

જ્યારે જુલાઈમાં ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ભારતીય હવામાન વિભાગે હવે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં કેવો વરસાદ રહેશે તેનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે.

બીબીસી ગુજરાતી

હવામાન વિભાગે શું આગાહી કરી?

ગુજરાતમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશમાં ઑગસ્ટથી સપ્ટેમ્બરના સમયગાળામાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું સામાન્ય રહેશે.

દેશના પશ્ચિમી વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમી વિસ્તારો જેવા કે ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

જ્યારે ઉત્તરપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ તથા ઉત્તર-પૂર્વીય અને પૂર્વીય રાજ્યોમાં આ બે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

જોકે, આ દરમિયાન દેશના પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી વિસ્તારોમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા આણંદ અને ભરૂચ જેવા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

અત્યાર સુધી ગુજરાતમાં કેટલો વરસાદ વરસ્યો?

પૂર જેવી પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનુક્રમે 135 ટકા અને 108 ટકા વરસાદ જુલાઈ મહિનાના અંત સુધીમાં જ વરસી ચૂક્યો છે ત્યારે હવે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે તો અતિવૃષ્ટીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

જોકે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વીય ગુજરાતના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 151 ટકા વરસાદ વરસ્યો છે.

અત્રે એ પણ નોંધનીય છે કે રાજ્યમાં 2021માં જુલાઈમાં માત્ર 35 ટકા જ વરસાદ વરસ્યો હતો.

બીબીસી ગુજરાતી

બંગાળની ખાડીમાં સર્જાઈ છે નવી સિસ્ટમ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બંગાળની ખાડીમાં અત્યારે લૉ-પ્રેશર સર્જાયું છે જે આગળ જતાં ડીપ્રેશનમાં પણ ફેરવાય તેવી સંભાવના છે.

આ સિસ્ટમ સર્જાઇને મધ્ય ભારત તરફ જશે પરંતુ ત્યાંથી આગળ તે કઈ બાજુ વધે છે તેના પર ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેની સંભાવના રહેલી છે. જુદાજુદા વેધર મૉડલો અનુસાર તે ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી શક્યતા વધારે રહેલી છે. આ સિસ્ટમ ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી નથી. એટલે હાલ પૂરતી ગુજરાતમાં તેની કોઈ ખાસ અસર વર્તાશે નહીં.

જોકે, આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વીય ગુજરાતના વિસ્તારોમાં આવનારા થોડા દિવસ સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવેના કેટલાક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

આજે(1 ઑગસ્ટ) ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને ડાંગમાં ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર-સોમનાથ, દ્વારકા, ભાવનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે અત્યંત ભારે વરસાદની ગુજરાતમાં અત્યારે કોઈ શક્યતા નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી