યુગાન્ડા : ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓએ 40 વિદ્યાર્થીઓની હત્યા કરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પેશન્સ અતુહેર કંપાલાથી અને જેમ્સ ગ્રેગરી લંડનથી
- પદ, બીબીસી ન્યૂઝ
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંકળાયેલા વિદ્રોહીઓએ પશ્ચિમ યુગાન્ડાની શાળામાં લગભગ 50 વિદ્યાર્થીઓનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.
શુક્રવારે પાંચ ઉગ્રવાદીઓએ મોન્ડ્વેની લ્હુબિરિહા સેકન્ડરી સ્કૂલ પર સ્થાનિક સમય પ્રમાણે લગભગ સાડા અગ્યાર વાગ્યે હુમલો કર્યો હતો.
અધિકારીઓનું કહેવું છે કે આ ઉગ્રવાદીઓએ છાત્રાલયોમાં ઘૂસીને આગચંપી કરી અને છરી વડે વિદ્યાર્થીઓની હત્યા કરી તેમજ ઈજાગ્રસ્ત કર્યા.
ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગ્રો (ડીઆરસી)માં સ્થિત ધ એલાઇડ ડેમૉક્રેટિક ફોર્સિસ (એડીએફ)ને આ કૃત્યુ માટે જવાબદાર ઠેરવાઈ છે. તેમજ આરોપીઓને પકડવા માટેનું અભિયાન શરૂ કરી દેવાયું છે.
ચેતવણી – આ અહેવાલની વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે, વિવેક અપેક્ષિત છે.
આ શાળામાં 60 વિદ્યાર્થીઓ ભણતા હતા, જે પૈકી મોટા ભાગના ત્યાં જ રહેતા.
યુગાન્ડાના માહિતીખાતાના મંત્રીએ ઘટનામાં 37 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હોવાની વાતની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે વિદ્યાર્થીઓની ઉંમરને લઈને કોઈ સ્પષ્ટતા નહોતી કરી.
ક્રિશ બેરિઓમુંસીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 20 વિદ્યાર્થીઓની છરી વડે હત્યા કરાઈ જ્યારે 17 વિદ્યાર્થીઓ આગને કારણે મૃત્યુ પામ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુગાન્ડાના સૈન્યે કહ્યું કે વિદ્રોહીઓએ સ્કૂલના ગાર્ડ અને સ્થાનિક સમુદાયના ત્રણ લોકોની પણ હત્યા કરી દીધી હતી.
આ હુમલામાં બચી જનારા લોકોનું કહેવું વિદ્રોહીઓએ છરીના હુમલા બાદ છાત્રાલયમાં બૉમ્બ ફેંક્યો હતો. જોકે, હજુ સુધી એ વાત અંગે સ્પષ્ટતા નથી થઈ શકે કે શું આ બૉમ્બ વિસ્ફોટના કારણે જ આગ લાગી હતી કે કેમ?
મળી રહેલ જાણકારી અનુસાર વિદ્રોહીઓએ સ્કૂલના ભંડારમાં રહેલા અનાજની પણ ચોરી કરી હતી. અને આ ચોરીનું અનાજ ઊંચકવા માટે છ વિદ્યાર્થીઓનું અપહરણ પણ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ ઉગ્રવાદીઓ ડીઆરસી પાછા ફર્યા હતા.
કેટલાક મૃતદેહો ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં મળી આવ્યા છે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરાવવાં પડશે.
હુમલામાં આઠ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી, તેમની સ્થિતિ હાલ ગંભીર છે.
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરસે આ "હચમચાવી નાખનારા કૃત્ય"ની ઝાટકણી કાઢતાં આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે આહ્વાન કર્યું હતું.

સૈનિકો કરી રહ્યા છે હુમલાખોરોનો પીછો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૈનિકો એડીએફના ઉગ્રવાદીઓનો ડીઆરસીના વિરુંગા નેશનલ પાર્ક તરફ પીછો કરી રહ્યા છે.
એડીએફ સહિતનાં જૂથો યુગાન્ડા અને રવાન્ડાની બૉર્ડરના વિશાળ વિસ્તારોનો સંતાવા માટેની જગ્યા તરીકે ઉપયોગ કરે છે.
સંરક્ષણ વિભાગના પ્રવક્તા ફેલીક્સ કુલાયિગ્યેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "અમારા સૈનિકો અપહરણ થયેલા વિદ્યાર્થીઓને છોડાવવા માટે દુશ્મનોનો પીછો કરી રહ્યા છે, અમે આ ગ્રૂપને ખતમ કરી દઈશું."
વિદ્રોહી જૂથને ટ્રૅક કરવા માટે યુગાન્ડાના સૈન્ય હેલિકૉપ્ટરો પણ કામે લગાડ્યાં છે.
યુગાન્ડા અને ડીઆરસીએ ડીસઆરસીના પૂર્વ દિશા તરફના વિસ્તારોમાં એડીએફના હુમલા રોકવા સંયુક્ત સૈન્ય ઑપરેશન પણ હાથ ધર્યું હતું.
મેજર જનરલ ઓલુમે કહ્યું કે સુરક્ષાબળોને ઇન્ટેલિજન્સના માધ્યમથી ખબર પડી હતી કે વિદ્રોહીઓ શુક્રવારની રાત્રે કરાયેલા હુમલા પહેલાં ડીઆરસી તરફ બૉર્ડર વિસ્તારમાં બે દિવસ સુધી રહ્યા હતા.
તેથી સ્થાનિકો હુમલાનો સામનો કરવા માટેની તૈયારીના અભાવને કારણે વહીવટી તંત્રને વખોડી રહ્યા છે.
એક રહેવાસીએ રિપોર્ટરોને જણાવ્યું કે, "જો આ લોકો એવો દાવો કરી રહ્યા હોય કે બૉર્ડર સુરક્ષિત છે અને સુરક્ષાવ્યવસ્થામાં કોઈ ખામી નથી, તો હું તેમને પૂછવા માગું છું કે જ્યારે આ હત્યારા અમારા લોકોનાં મૃત્યુ નિપજાવવા આવ્યા ત્યારે તેઓ ક્યાં હતા."
યુગાન્ડાની બૉર્ડર તરફ ડીઆરસીના એક ગામમાં વિદ્રોહીઓ દ્વારા ગત અઠવાડિયે હુમલો કરાયા બાદ આ ઘાતક કૃત્યને અંજામ અપાયો હતો. ગામડા પર થયેલા હુમલા બાદ 100 જેટલા લોકો યુગાન્ડા તરફ નાસી છૂટ્યા હતા, પરંતુ બાદમાં તેઓ પાછા પણ ફર્યા હતા.
ડીઆરસીની બૉર્ડરથી માત્ર 25 કિલોમિટરના અંતરે આવેલ આ સ્કૂલમાં થયેલ હુમલો 25 વર્ષમાં યુગાન્ડમાં આવા પ્રકારનો પ્રથમ હુમલો છે.
ડીઆરસીની બૉર્ડર નજીક આવેલી કિચવામ્બા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટનાં છાત્રાલયોમાં જૂન 1998માં થયેલા એડીએફના હુમલામાં 80 વિદ્યાર્થીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં, ઉગ્રવાદીઓએ છાત્રાલયોને આગ ચાંપી દીધી હતી. 100 કરતાં વધુ વિદ્યાર્થીઓનું અપહરણ કરાયું હતું.
ઇન્ટરનેશનલ ક્રાઇસીસ ગ્રૂપના આ ક્ષેત્રના નિષ્ણાત રિચર્ડ મોનક્રાઇફ અનુસાર આ જૂથ વિદ્યાર્થીઓને પોતાની સાથે સામેલ કરવા માટે સ્કૂલોને નિશાન બનાવે છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “પરંતુ તેઓ આવાં કામ હચમચાવી નાખવા માટે પણ કરતા હોય છે.”
મોનક્રાઇફે કહ્યું કે, “આ એવું આતંકવાદી જૂથ છે જે હિંસાથી પોતાની છાપ છોડવા માગે છે. તેઓ પોતાની હાજરીની નોંધ લેવડાવવા માગે છે, તેઓ વિશ્વના અન્ય ભાગોમાં રહેલા આઇએસઆઇએસના સાથીઓને પોતાની સક્રિયતાનું પ્રમાણ આપવા માગે છે.”

આરોપી સંગઠન
વર્ષ 1990માં પૂર્વ યુગાન્ડામાં એડીએફનું ગઠન થયું હતું. આ જૂથે સરકારો દ્વારા મુસ્લિમો પર થતા કથિત જુલમોનો હવાલો આપીને લાંબા ગાળા સુધી દેશના વડા પ્રધાન રહેલા યોવેરી મુસેવેનીની સત્તા સામે હથિયાર ઉઠાવ્યાં હતાં.
સરકારી આંકડા અનુસાર યુગાન્ડામાં 14 ટકા મુસ્લિમો છે, જોકે, યુગાન્ડાના મુસ્લિમ સુપ્રીમ કાઉન્સિલ આ આંકડો 35 ટકા હોવાનો દાવો કરે છે.
યુનાન્ડાના મુસ્લિ સમુદાયના કેટલાક લોકોનો આરોપ છે કે તેમને શિક્ષણ અને કામના સ્થળે રોજબરોજ ભેદભાવનો સામનો કરવો પડે છે.
યુગાન્ડાના સૈન્ય સામે વર્ષ 2001માં પરાજિત થયા બાદ એડીએફ જગ્યા બદલીને ડીઆરસીના ઉત્તર કીવુ ક્ષેત્રમાં સ્થાયી થયું.
વર્ષ 2015માં તાંઝાનિયા ખાતે જૂથના મુખ્ય ફાઉન્ડર જમીલ મકુલુની ધરપકડ કરાઈ હતી, તેઓ એ સમયથી યુગાન્ડાની જેલમાં છે.
એડીએફના વિદ્રોહીઓ પાછલા બે દાયકાથી ડીઆરસીથી ઑપરેટ કરી રહ્યા છે.
વર્ષ 2016માં મકુલુના અનુગામી મુસા સેકા બલુકુએ ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે વફાદાર રહેવાના સોગંદ લીધા, પરંતુ આઇએસે 2019 પહેલાં ક્યારેય આ ક્ષેત્રમાં પોતાની પ્રવૃત્તિઓ અંગે પુષ્ટિ કરી નહોતી.
ઇસ્લામિક સ્ટેટ આમ તો મોટા ભાગે એક પરાજિત જૂથ છે, પરંતુ મધ્યપૂર્વ અને આફ્રિકામાં જૂથ સાથે સંકળાયેલાં ઉગ્રવાદી જૂથોની સંખ્યા સારી એવી છે.
યુગાન્ડામાં વર્ષ સુધી સક્રિય પણ ઑપરેટ ન કર્યા બાદ, એડીએફ પર વર્ષ 2021ના અંતમાં યુગાન્ડાના પાટનગર કમ્પાલામાં આત્મઘાતી હુમલા કરવા સહિતના આરોપો લાગ્યા હતા.














