You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
“બળાત્કાર એ બળાત્કાર જ છે, પછી ભલે એ પતિ દ્વારા કરવામાં આવ્યો હોય” ગુજરાત હાઈકોર્ટે આવું કેમ કહ્યું?
મહિલાઓ સાથે થતી જાતીય હિંસાના મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, “બળાત્કાર એ બળાત્કાર જ છે, પછી ભલે એ પતિ દ્વારા કરવામાં આવ્યો હોય.”
કોર્ટે એમ પણ કહ્યું છે કે ભારતમાં મહિલાઓ સાથે થતી જાતીય હિંસા બાબતે સૌએ મૌન તોડવું જોઇએ.
કલમ 376 હેઠળ પુરુષ એ મહિલાનો બળાત્કાર કરે એ સજાને પાત્ર છે એમ સમજાવતાં જસ્ટિસ ડીએ જોશીએ કહ્યું હતું કે, “પુરુષ એ પુરુષ છે. કૃત્ય એ કૃત્ય છે. બળાત્કાર એ બળાત્કાર છે. પછી એ કોઈ અન્ય પુરુષ દ્વારા કરવામાં આવ્યો હોય કે પછી કોઈ ‘પતિ’ દ્વારા ‘પત્ની’ પર કરવામાં આવ્યો હોય. ”
તાજેતરમાં પસાર કરાયેલા એક આદેશમાં જસ્ટિસ દિવ્યેશ જોશીએ અવલોકન કર્યું હતું કે ભારતમાં મહિલાઓ સામે હિંસાની વાસ્તવિક ઘટનાઓ કદાચ ડેટા સૂચવે છે તેના કરતાં ઘણી વધારે છે. સ્ત્રીઓ સતત ખરાબ વ્યવહાર અને હિંસાનો સામનો કરી રહી છે અને તે સતત એવા વાતાવરણમાં રહે છે જ્યાં તેમને હિંસાનો ભોગ બનવું પડે."
આદેશમાં એમ પણ જણાવાયું હતું કે, “સામાન્ય રીતે અમુક વર્તણૂકો જેમ કે પીછો કરવો, છેડતી કરવી, મૌખિક અને શારીરિક હુમલો કે હિંસા કરવી, નાના અપરાધો જેવા કે ‘ઉત્પીડન કરવું’ વગેરેને ‘અફસોસપૂર્વક’ માત્ર સામાન્ય જ ગણવામાં આવે છે એવું નથી, પરંતુ સિનેમાના પડદે પણ તેને રોમેન્ટિક રીતે પ્રમોટ કરવામાં આવે છે.”
શું હતો સમગ્ર મામલો?
થોડા સમય પહેલા રાજકોટમાં સાસુ-સસરા અને પતિ દ્વારા તેમની પુત્રવધૂ પર જાતીય હિંસા આચરવાનો મામલો સામે આવ્યો હતો.
પોલીસ ફરિયાદ પ્રમાણે આ યુવતી સાથે તેના સસરા અને પતિ દ્વારા બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો અને યુવતીના નગ્ન વીડિયો ઉતારી તેનાં સાસુ-સસરા તથા પતિ દ્વારા પોર્નોગ્રાફિક વેબસાઇટને વેચવામાં આવતા હતા. તેના દ્વારા આ પરિવાર કમાણી કરતો હતો અને આ પૈસાથી દેવું ચૂકવતો હતો.
ત્યારબાદ આ ત્રણેય લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના વિરુદ્ધ કલમ 354-એ (મહિલાની ઇચ્છા વિરુદ્ધ પોર્નોગ્રાફી કરવી, ઇચ્છા વિરુદ્ધ જાતીય સંબંધો બાંધવા), કલમ 376 (બળાત્કાર કરવો), 376-ડી (સામૂહિક બળાત્કાર કરવો), કલમ 498 (પતિ કે તેમના સંબંધીઓ દ્વારા મહિલા સાથે હિંસા આચરવી), કલમ 506, 508 અને 509 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટે આ મામલામાં સાસુની જામીન અરજી નકારતા આ નિવેદન કર્યું હતું અને અનેક અવલોકનો નોંધ્યા હતા.
હાઈકોર્ટનાં મહત્ત્વપૂર્ણ અવલોકનો
સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યું કે, “સ્ત્રી પર હુમલો અથવા બળાત્કારના મોટાભાગના કિસ્સાઓમાં એ સામાન્ય પ્રથા રહી છે કે જો પુરુષ પતિ હોય તો એ અન્ય પુરુષની જેમ આ પ્રકારનાં કૃત્યો કરે તો તેને મુક્તિ આપવામાં આવે છે. મારા મતે એ યોગ્ય નથી. પુરુષ એ પુરુષ છે, કૃત્ય એ કૃત્ય છે, બળાત્કાર એ બળાત્કાર છે, ભલે તે કોઈ અન્ય પુરુષ દ્વારા કરવામાં આવ્યો હોય કે પછી પતિ દ્વારા જ પત્ની પર કરવામાં આવ્યો હોય.”
કોર્ટે કહ્યું હતું કે આપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે બંધારણ પ્રમાણે સ્ત્રી અને પુરુષનો દરજ્જો સમાન છે અને લગ્નને બે સમાન લોકોનું જોડાણ ગણવામાં આવે છે.
“જાતીય હિંસા વિશે મોટેભાગે લોકો ખુલીને બોલતા નથી અને તેને આપણી ‘મૌનની સંસ્કૃતિ’માં ઢાંકી દેવામાં આવે છે. મહિલાઓ સાથે થતી જાતીય હિંસાના કારણો અને પરિબળોમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના અસમાન શક્તિની વહેંચણી, સાંસ્કૃતિક અને સામાજિક ધોરણો, આર્થિક અવલંબન, ગરીબી અને દારૂનું સેવન વગેરેનો સમાવેશ થાય છે.”
અહીં કોર્ટ એ વાતને નોંધે છે કે, “ભારતમાં ગુનેગારો (મોટેભાગે નજીકના સંબંધીઓ) મહિલાને ઓળખતા હોય છે. તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાને કારણે મહિલાને સામાજિક અને આર્થિક રીતે મોટી કિંમત ચૂકવવી પડે છે. પરિવાર પર આર્થિક અવલંબન અને સામાજિક બહિષ્કારને ધ્યાનમાં લેતાં મહિલાઓ આ પ્રકારની હિંસા કે હિંસાત્મક વર્તનની ફરિયાદ કરતા ખચકાટ અનુભવે છે. એટલે જ ભારતમાં મહિલાઓ સામે હિંસાની વાસ્તવિક ઘટનાઓ કદાચ ડેટા સૂચવે છે તેના કરતાં ઘણી વધારે છે.”
કોર્ટ કહે છે કે, “આ મૌન તૂટવું જોઈએ. મૌન તોડવાની આ પ્રક્રિયામાં પુરુષોએ આગળ વધીને ભાગ લેવો જોઈએ. મહિલાઓ સાથે થતાં આવા દુર્વ્યવહાર અંગે બોલવું એ તેમની ફરજ છે.”
અહીં એ ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં તમામ રાજ્યોમાં, ઑસ્ટ્રેલિયાનાં ત્રણ રાજ્યોમાં, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા, ઇઝરાયલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, સોવિયેત યુનિયન, ચેકોસ્લોવેકિયા અને યુનાઇટેડ કિંગડમમાં વૈવાહિક બળાત્કાર ગેરકાયદે છે.