બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, તોફાન પહેલાં દૃશ્યો જુઓ તસવીરોમાં

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા અંગેની માહિતી મીડિયા સાથે શૅર કરી હતી.

તેમણે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, “વાવાઝોડું લૅન્ડફોલ થવાની શરૂઆત ગુરુવારે સાંજે છ વાગ્યા પછીથી શરૂ થશે, જે મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ટકરાશે એ વખતે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. એક તબક્કે તે વધીને 145 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.”

“હાલ મળી રહેલ વિગતો અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી બંદર વચ્ચે કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકશે.”

વાવાઝોડાને પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાહતશિબિરોમાં સુરક્ષિત ખસેડાયા છે.

વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી ઘણાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. રાહતશિબિરોમાં તેમની રહેવા-ખાવાની વ્યવસ્થા રાહતશિબિરોમાં જ કરવામાં આવી છે.

દ્વારકામાં બીચ પર વ્યાપક નુકસાન. દરિયાકિનારે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાના દરિયાકિનારે કેબીનો અને શેડને નુકસાન થયું છે. લારીઓ-ગલ્લા પણ ફંગોળાઈ ગયાં છે.

બેટ દ્વારકાની જેટી પર બિપરજોયની અસર થતાં જૅટી પર પાણી ફરી વળ્યાં.

ઓખા બંદરે પણ વાવાઝોડાના લીધે દરિયાનાં પાણી અંદર ઘૂસી ગયાં છે.

વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. રાજકોટમાં પણ સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.

ગીર સોમનાથના દરિયાકિનારા પર તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિમાં વધારા સાથે દરિયામાં મોટાં મોજાં ઊછળી રહ્યાં છે. ઊંચાં મોજાંના કારણે બંદર પર ખાનગી કંપની અને માછીમારની બૉટને નુકસાન પણ થયું છે.