ટી20 વર્લ્ડકપ ફાઇનલ: જો આજની મૅચમાં વરસાદ આવે તો શું થશે?

રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, ANI

ટી20 વર્લ્ડકપમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં આમને-સામને ટકરાશે.

બંને ટીમો ઇતિહાસ રચવાથી એક મૅચની જીતથી દૂર છે.

આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમે તમામ મૅચ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે પણ પોતાની તમામ મૅચ જીતી છે, જ્યારે એક મૅચ રદ થઈ હતી.

દક્ષિણ આફ્રિકા જો જીત મેળવશે તો તે પહેલી વાર આઈસીસી વર્લ્ડકપની ટ્રૉફી જીતવાનો રેકૉર્ડ સર્જશે અને પોતાના પર લાગેલા ‘ચૉકર્સ’ના બિરૂદને દૂર કરશે.

બીજી તરફ ભારતની ટીમ પણ છેલ્લાં દસ વર્ષથી આઈસીસી ટ્રોફીનો ઇન્તેજાર કરી રહી છે.

શું કહે છે હવામાનની આગાહી?

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ભારત અને દક્ષિણ આફ્રિકા, બીબીસી ગુજરાતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોઝના બ્રિજટાઉનના કિંગ્સટન ઓવલ સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાશે.

ભારતીય સમય પ્રમાણે રાત્રે આઠ વાગ્યે આ ફાઇનલ મૅચ રમાવાની છે.

સ્થાનિક હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બ્રિજટાઉનનું તાપમાન આજે 25થી 30 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

એક્યુવેધર અનુસાર આજે થોડા વરસાદની સંભાવના છે.

એજન્સીએ કહ્યું છે કે વહેલી સવારે ચાર વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી 50 ટકા ભેજની સંભાવના છે.

પરંતુ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ ભેજનું પ્રમાણ 30 ટકા સુધી આવવાની સંભાવના છે અને ત્યારબાદ ફરીથી ભેજ વધવાની સંભાવના છે.

ભેજનું પ્રમાણ વધવાની સાથે જ વરસાદની સંભાવના વધી જાય છે.

પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શકયતા જોવા મળી રહી છે. જો વરસાદ પડ્યો તો સ્વાભાવિક છે કે ક્રિકેટ ચાહકોના રંગમાં ભંગ પડશે.

જો વરસાદ પડે તો શું?

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ભારત અને દક્ષિણ આફ્રિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકાનો મદાર ફાસ્ટ બૉલરો પર છે

જો ફાઇનલ મૅચમાં વરસાદ કે અન્ય કારણોને લઈને અવરોધ આવે તો તે જ દિવસે એટલે કે આજે જ મૅચને પૂર્ણ કરવા માટે 190 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે.

મૅચનું પરિણામ ત્યારે જ નક્કી થઈ શકે જ્યારે બંને ટીમ ઓછામાં ઓછી 10-10 ઓવર રમે. જો કોઈ પણ ટીમ 10 ઓવર નહીં રમી શકે તો મૅચને પછી રિઝર્વ ડેમાં શિફ્ટ કરી દેવાશે.

આઈસીસીએ 30 જૂનનો દિવસ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે.

જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ આવે તો અથવા તો મૅચ ટાઈ થાય, તો આવી પરિસ્થિતિમાં આઈસીસીના નિયમ પ્રમાણે સુપર ઓવર કરાવવામાં આવશે.

રિઝર્વ ડેના દિવસે પણ વરસાદની 20 ટકા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જો સુપર ઓવર પણ નહીં કરાવી શકાય તો ફાઇનલમાં પ્રવેશનારી બંને ટીમને સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવશે.

જોકે, ટી20 વર્લ્ડકપના 17 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ વખત કોઈ ટીમ સંયુક્ત વિજેતા જાહેર થઈ નથી.

બીબીસી ગુજરાતી

ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર દક્ષિણ આફ્રિકા

આઈસીસી ટી20 વર્લ્ડકપ, ભારત અને દક્ષિણ આફ્રિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કૅપ્ટન એડન માર્કરામની આગેવાનીમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર છે. સમગ્ર વિશ્વની નજર તેમના પર છે.

‘ચોકર્સ’ના બિરુદથી ઓળખાતી દક્ષિણ આફ્રિકા ટીમ માટે કાયમ એવું કહેવાય છે કે તે સેમીફાઇનલ સુધી પહોંચીને ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાય છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને વારંવાર આઉટ કરનાર ફાસ્ટ બૉલર કાગિસો રબાડા પર દક્ષિણ આફ્રિકાની ટીમનો મદાર રહેશે.

બાર્બાડોઝની પીચ સ્પિનર્સ કરતાં ફાસ્ટ બૉલરોને વધુ મદદગાર સાબિત થઈ છે. એ પરિસ્થિતિમાં ભારતની ટીમ શું પોતાના બૉલિંગ કૉમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ તેના પર નજર રહેશે.

રોહિત શર્માની આગેવાનીમાં છેલ્લા એક વર્ષમાં ભારત ત્રીજી આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલ રમવા જઈ રહ્યું છે. દસ વર્ષના આઈસીસી ટ્રૉફીના દુકાળને ભારતીય ટીમ પૂર્ણ કરી શકશે કે નહીં તેના પર પણ સૌની નજર છે.