જાદુમંતર અને ભૂતપ્રેતોની કહાણીઓ કહેતા લોકોની દરિયા વચ્ચે આવેલી રહસ્યમય દુનિયા

    • લેેખક, સિમોન ઉર્વીન
    • પદ, બીબીસી ટ્રાવેલ

સિક્વિજોરનો દૂરસ્થ ટાપુ અનન્ય છે. માત્ર ફિલિપાઈન્સમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં તે મેલીવિદ્યા, જાદુ તથા લોકોપચારના કેન્દ્ર તરીકે પ્રાચીન સમયથી પ્રખ્યાત છે.

સૅન્ટ્રલ વિસાયાસ પ્રદેશમાં આવેલો સિક્વિજોર ટાપુ વિદેશમાં રહેતા લોકો સહિતના ઘણા ફિલિપિનો પ્રવાસીઓને આકર્ષે છે. તેઓ 16મી સદીમાં સ્પેનિશ દ્વારા શરૂ કરાયેલા કૅથલિક ધર્મની પૉશન-મૅકિંગ, વળગાડમુક્તિ અને હર્બલ ફ્યુમિગેશન જેવી શામક પ્રથાઓ જેવી ટાપુની ઉપચાર પદ્ધતિઓનો અનુભવ કરવા અહીં આવે છે.

માંદગી ભલે ગમે તેટલી ગંભીર હોય, પરંતુ અહીં ઉપલબ્ધ વિવિધ પ્રાકૃતિક અને અલૌકિક સારવારને બીમારી તથા રોગને નાબૂદ કરવાની તેમની કથિત શક્તિ માટે અસરકારક માનવામાં આવે છે. માંદગીને અહીં ત્રણ મુખ્ય પરિબળો પૈકીના એકનું પરિણામ માનવામાં આવે છે.

મારા માર્ગદર્શક લુઈસ નાથાનીએલ બોરોંગન કહે છે, “પ્રથમ કારણ દુષ્ટ આત્માઓની દુનિયા છે. દુષ્ટ આત્માઓ આપણી આસપાસ, ધોધમાં, જંગલોમાં અને સમુદ્રોમાં હોય છે. આપણે તેમના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ તો તેઓ માંદગી, શ્રાપ અથવા મૃત્યુના સ્વરૂપમાં તેનો બદલો લઈ શકે છે.”

બોરોંગોનના કહેવા મુજબ, બીજું કારણ મેલીવિદ્યાનું પરિણામ છે. “તેના હેપ્લિટ (વૂડુ ઢીંગલીથી કોઈને પ્રભાવિત કરવું) અને બારંગ (જંતુઓની હેરફેર મારફત તેમના અથવા બીજાના પાકને નુકસાન કરવું) સહિતનાં તેનાં બીજાં અનેક સ્વરૂપ છે.”

ત્રીજું કારણ કદાચ વધારે સૌમ્ય શ્રેણીમાં આવે છે. તેમાં પ્રાકૃતિક રીતે થતી બીમારીઓનો સમાવેશ થાય છે. તેમાં ગળામાં સાધારણ દુખાવાથી માંડીને જાદુટોણા-પ્રેરિત વળગાડ સહિતની કોઈ પણ તકલીફનું નિવારણ ઉપચારકર્તા પાસે સારવાર લઈને કરાવી શકાય છે.

આ ટાપુના ઉપચારકર્તાઓની ક્ષમતામાં લોકોને પ્રચંડ વિશ્વાસ છે. એટલો જોરદાર ભરોસો છે કે સિક્વિજોર ફિલિપાઈન્સ અને અન્ય દેશોમાં વસેલા ફિલિપિનો લોકો ઉપરાંતના અન્ય લોકોનું ધ્યાન આકર્ષી રહ્યું છે.

બોરોંગન કહે છે, “ટાપુ પર આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ માત્ર ટૂરિસ્ટ ઑફિસ કે સ્થાનિક ટેક્સી ડ્રાઇવરને પૂછવું પડે છે. ક્યાં જવું તેનું માર્ગદર્શન તેઓ તમને તરત આપે છે.

ઉપચારકર્તાઓ માને છે કે તેમને મળેલી શક્તિ ભગવાનની ભેટ છે. તેથી તેઓ પસંદગીના લોકોનો જ નહીં, પરંતુ તમામ લોકોનો ઉપચાર કરે છે.” આજે સિક્વિજોર ‘મિસ્ટિક આઇલૅન્ડ’ તરીકે ઓળખાય છે.

જ્યાં ઉપચારકર્તાઓ આદરણીય ગણાય છે

આ ટાપુના રહેવાસીઓ સિક્વિજોડનોન્સ તરીકે ઓળખાય છે. તેઓ ડૉક્ટરને બદલે મનનમ્બલ એટલે કે ઉપચારકર્તાઓ પાસે જાય છે.

બોરોંગન કહે છે, “પશ્ચિમી ઔષધો નિષ્ફળ રહે છે ત્યાં ઉપચારકર્તાઓ સફળ થાય છે.”

તેમની સારવારનો મુખ્ય હિસ્સો ઘરે બનાવેલી દવાઓ હોય છે, એમ જણાવતાં બોરોંગન ઉમેરે છે, “તેઓ ટાપુ પર ઉગાડવામાં આવતા 300થી વધુ પ્રકારના ઔષધીય છોડમાંથી તમામ પ્રકારની કુદરતી દવાઓ બનાવે છે. રોગહર વનસ્પતિની સંભાવના વિપુલ હોવાને કારણે આ ટાપુના જીવન માટે લોક ઉપચાર સદીઓથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે.”

મંત્રમુગ્ધ કરવાની કાયમી પ્રતિષ્ઠા

સ્પેનિશ સંશોધકો જુઆન એગુઈરે અને એસ્ટેબિન રોડ્રિગ્ઝ 1565માં સિક્વિજોર પર પહોંચેલા પ્રથમ યુરોપિયનો હતા. આ ટાપુ દૂરથી જોતાં એવું લાગતું હતું કે તે સળગી રહ્યો છે. તેથી તેમણે ટાપુનું નામ ઈસ્લા ડી ફ્યુગો (સળગતો ટાપુ) રાખ્યું હતું.

બોરોંગન કહે છે, “હકીકતમાં પ્રકાશ ટાપુનાં મોલેવ વૃક્ષો પર ઝૂમતી ફાયરફ્લાઇસને કારણે આવતો હતો. આ કુદરતી ઘટના હવે અત્યંત દુર્લભ છે. કદાચ એ કારણે જ સિક્વિજોરે ખ્યાતિ મેળવી હતી અને પાડોશી ટાપુઓના લોકો અહીં આવવાથી ડરતા હતા.”

શામક પરંપરાઓ અને કૅથલિક ધર્મનું મિલન

ફિલિપાઈન્સે 1521માં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. છતાં 1700 સુધી મિશનરીઓ સિક્વિજોર પર આવ્યા ન હતા. કદાચ મેલીવિદ્યાની અફવાથી તેઓ અહીં નહીં આવ્યા હોય.

બોરોંગન કહે છે, “એ સમય સુધી અહીં શામક પરંપરાનાં મૂળિયાં મજબૂત હતાં. મિશનરીઓ પણ તેમાં ફેરફાર કરી શક્યા ન હતા, પરંતુ સમય જતાં બે માન્યતાનું મિશ્રણ થયું.”

“ઉપચારકર્તાઓએ સ્વીકાર્યું હતું કે તેમને ભગવાને ઉપચારનું કૌશલ્ય આપ્યું છે. તેમણે ધાર્મિક ચિહ્નો અપનાવ્યા હતા. એ પૈકીના ઘણા સાન એન્ટોનિયોના ગામમાં રહેવા લાગ્યા હતા.”

એન્ટોનિયો બીમારીથી હારી ગયેલા લોકો માટેના સંત છે અને ઉપચારકર્તાઓ માટે તેઓ પ્રતીકાત્મક છે, કારણ કે માંદગીમાં શરીર સંતુલન ગુમાવે છે અને તેનું પ્રતિનિધિત્વ તેઓ કરે છે.

પ્રેમ, વાસના અને સફળતા માટેની દવાઓ

આ ટાપુ પર હર્બલ મિશ્રણનો ઉપયોગ વ્યાપક છે અને તે માત્ર 1.40 પાઉન્ડમાં રસ્તા પરની દુકાનોમાંથી આસાનીથી ખરીદી શકાય છે. સૌથી વધુ લોકપ્રિય લવપૉશન છે. તેમાં હાથ જેવા આકર્ષક આકારની એક ડાળી પંગમાય સહિતના 20 કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે.

30 વર્ષ કરતાં વધુ સમયથી આવી દવાઓ બનાવતા લિલિયા અલોમ કહે છે, “તે ઈશારાનું પ્રતીક છે. તે સૂચવે છે કે મારી પાસે આવો. પછી ભલે તે ઈશારો રોમાન્સનો હોય કે સારા નસીબનો.”

આ દવા શાશ્વત પ્રેમ લાવી શકતી નથી. તે ટુંકા ગાળાની વાસના માટે બહેતર હોય છે, પરંતુ વાસ્તવમાં તે બિઝનેસમાં સફળતા મેળવવા માટે વધારે અનુકૂળ છે, એમ જણાવતાં લિલિયા અલોમ ઉમેરે છે, “તે તમને ધનવાન બનવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને હકારાત્મકતા આપી શકે છે.”

આધ્યાત્મિક શક્તિ માટે બ્લેક સેટરડેની ધાર્મિક વિધિઓ

200થી વધુ ઘટકો વડે મીણનું કાળા અમૃત જેવું મિનાસા બને છે. તેને ટો-ઓબ દરમિયાન સળગાવવામાં આવે છે. ટો-ઓબ એક ધાર્મિક વિધિ છે, જેમાં ધુમાડા વડે દૂષિત આત્માઓને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.

મિનાસા બનાવવા માટે ઉપચારકર્તાઓ લેન્ટ દરમિયાન સતત સાત શુક્રવારે આધ્યાત્મિક શક્તિનાં સ્થળોની મુલાકાત લે છે અને જંતુઓ, ફૂલો, જડીબુટ્ટીઓ, જંગલી મધ તથા કબ્રસ્તાનમાં પીગળેલું મીણ એકઠું કરે છે.

બ્લેક સેટરડે એટલે કે વર્ષના એક ખાસ દિવસે (ગૂડ ફ્રાઇડે પછીનો દિવસ, જ્યારે ઈસુ ખ્રિસ્તને દફન કરવામાં આવ્યા હતા) તેને રાંધવામાં આવે છે. તેને ફિલિપાઈન્સમાં શોકનો દિવસ ગણવામાં આવે છે. તેથી તેમાં બ્લેક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

પૂર્વજો સાથે સંવાદ

ટિંગી એક એવી પ્રથા છે, જેમાં મૃત સંબંધીના આત્મા દ્વારા થતી બીમારીઓની સારવાર કરવામાં આવે છે. ઉપચારકર્તા પાસ્કલ ઓગોક મૃત વ્યક્તિની ઓળખ માટે લાકડીનો ઉપયોગ કરે છે.

તેઓ સમજાવે છે, મૃત વ્યક્તિ સાથે સંવાદ કરતા પહેલાં “તેમનું નામ પોકારવામાં આવે ત્યારે લાકડી વળી જાય છે અથવા તેની લંબાઈ વધી શકે છે. એ મૃતાત્માઓ મને વારંવાર જણાવે છે કે તેમને ભૂલી જવાયા હોવાથી તેઓ અસ્વસ્થ છે. તેથી માંદગી તેમની સ્મૃતિને સ્પાર્ક કરવાનો માર્ગ છે.”

ઈલાજ સરળ છેઃ અસરગ્રસ્ત વ્યક્તિ સ્થાનિક પાદરીને રોકડ દાન કરે છે અને તેમને હેરાન કરતા આત્માની શાંતિ માટે મૃતકના સન્માનમાં પ્રાર્થના કરવામાં આવે છે.

જાદુટોણાનું નિવારણ

રુહેલિયો લુગાતિમાન, બોબો-બોલો ધાર્મિક વિધિ કરતા જૂજ ઉપચારકો પૈકીના એક છે. આ ધાર્મિક વિધિમાં તાજા પાણીથી ભરેલા કુંજા, એક સ્ટ્રો અને જાદુઈ પથ્થરનો સમાવેશ થાય છે.

દર્દીના માથા પર કુંજો ફેરવવામાં આવે ત્યારે તેમાં પરપોટા થાય છે. પથ્થર જાદુટોણાનું નિવારણ કરતો હોવાથી પાણીમાં પરપોટા થાય છે અને વસ્તુઓ જાદુઈ રીતે દેખાય છે.

લુગાતિમાનના કહેવા મુજબ, તેમણે તીતીઘોડાથી માંડીને સોય સુધીની દરેક વસ્તુ ઉપચાર દરમિયાન સાકાર થતી જોઈ છે. પાણી નિર્મળ ન થાય ત્યાં સુધી પ્રક્રિયા સતત કરવામાં આવે છે. પાણીની નિર્મળતા વ્યક્તિની સ્વસ્થતા સૂચવે છે.

લોકો માટે ઉપચાર

ઉપચારકર્તાઓ આવી સારવાર માટે પૈસા લેતા નથી, પરંતુ તેના બદલે નાનું દાન આપવાની વિનંતી કરે છે. ઉપચારકર્તા જુઆનિતા ટોરેમાયા કહે છે, “આ તો સંભાળ રાખવાનો વ્યવસાય છે. તે પૈસા કમાવા માટે નથી. અમે બહુ સાદું જીવન જીવીએ છીએ.”

પરિણામે તેમની સંખ્યામાં તાજેતરનાં વર્ષોમાં ઘટાડો થયો છે. આ ટ્રેન્ડને પલટાવવા માટે માઉન્ટ બાંદિલાન નેશનલ પાર્કમાં 2006થી પ્રત્યેક હોલી વીકમાં વાર્ષિક સિક્વિજોર હીલિંગ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. તેમાં સ્થાનિકો અને મુલાકાતીઓ બંને હાજરી આપી શકે છે.

બોરોંગન કહે છે, “દરેક વ્યક્તિ પોતાના માટે લવપૉશન બનાવી શકે છે અને ધાર્મિક વિધિનો અનુભવ કરી શકે છે. અમે એ દર્શાવવા માગીએ છીએ કે આ વૂ-વૂ નથી. અમારો ઉપચાર શક્તિશાળી છે અને તેણે સદીઓથી સિક્વિજોરને અનન્ય બનાવ્યું છે. અમે તે જાદુ ક્યારેય ગુમાવવા ઇચ્છતા નથી.”