ચીનની કાર્યવાહીએ નાણાકીય ક્ષેત્રના મોટા પગારદારોને કેવી રીતે 'ઉંદર' બનાવી દીધાં?

    • લેેખક, લ્યુસિ શેરિફ
    • પદ, બીબીસી ન્યૂઝ

“હવે મને તેનો વિચાર આવે છે. મેં ચોક્કસપણે ખોટો ઉદ્યોગ પસંદ કર્યો છે.”

ઝિયાઓ ચેન (નામ બદલ્યું છે) ચીનના આર્થિક કેન્દ્ર ગણાતા શાંઘાઈમાં એક પ્રાઇવેટ ઇક્વિટી કંપનીમાં કામ કરે છે. તેમનું કહેવું છે કે આ તેમના માટે બહુ મુશ્કેલ વર્ષ રહ્યું છે.

તેઓ કહે છે કે આ નોકરીમાં તેમને પ્રથમ વર્ષમાં લગભગ 7.50 લાખ યુઆન (1.06 લાખ ડૉલર અથવા 81,200 પાઉન્ડ)નો પગાર ચૂકવાયો હતો. તેમને ખાતરી હતી કે ટૂંક સમયમાં તેઓ 10 લાખ યુઆનના પગાર સુધી પહોંચી જશે.

તે વાતને ત્રણ વર્ષ થઈ ગયાં. આજે તેમનો પગાર તે વખતના પગાર કરતાં અડધો થઈ ગયો છે. ગયા વર્ષે તેમના પગારમાં કોઈ વધારો ન થયો. તેમને બૉનસ તરીકે એક તગડી રકમ ચૂકવાતી હતી, તે પણ નથી મળી.

તેઓ કહે છે કે આ ઉદ્યોગની જે ‘ચમક’ હતી તે ઝાંખી પડી ગઈ છે. એક વખત આ ઇન્ડસ્ટ્રીની ચમકદમકે તેમનો સંમોહિત કર્યા હતા, પરંતુ આજે તેઓ માત્ર ‘નાણાકીય જગતનાં ઉંદર’ બની ગયાં છે. તેમના જેવા લોકો માટે ઑનલાઇન મજાકમાં આ શબ્દ જ વપરાય છે.

ટેક્નૉલૉજીથી લઈને ફાઇનાન્સ સહિતના ઉદ્યોગો ઝપટે ચડી ગયા

ચીનનું અર્થતંત્ર થોડાં વર્ષો અગાઉ તેજ ગતિએ વૃદ્ધિ કરતું હતું, જેના કારણે લોકોની આકાંક્ષામાં વધારો થયો હતો. પરંતુ હવે અર્થતંત્ર ધીમું પડી ગયું છે.

ચીનના વડા શી ઝિનપિંગને હવે લોકોની વ્યક્તિગત સંપત્તિના મામલે સાવચેત છે અને વધતી અસામાનતાના પડકારથી ચિંતિત છે.

ચીનમાં અબજોપતિઓ અને ઉદ્યોગો સામે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ટેક્નૉલૉજીથી લઈને ફાઇનાન્સ સહિતના ઉદ્યોગો ઝપટે ચડી ગયા છે. તેની સાથે સાથે તકલીફો સહન કરવાનો અને ચીનની સમૃદ્ધિ માટે મહેનત કરવાનો સમાજવાદી સંદેશ પણ તેમાં ઉમેરાયો છે. ચીનમાં સેલિબ્રિટીઓને પણ ઑનલાઇન બહુ દેખાડો ન કરવા જણાવાયું છે.

લોકોને કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કરતા કૉમ્યુનિસ્ટ પાર્ટી અને દેશ પ્રત્યે વફાદારી વધારે મહત્ત્વની છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાએ ચીનના સમાજને ધરમૂળથી બદલી નાખ્યો છે, પરંતુ સરકાર તેનાથી ચેતી ગઈ છે.

ઝિયાઓ ચેન એક સમયે ચમકદમકભરી જીવનશૈલી ધરાવતા હતા, પરંતુ હવે તેમાં મોટો વળાંક આવ્યો છે. તેઓ એક સમયે યુરોપમાં રજા ગાળવા જતા, પરંતુ હવે દક્ષિણ પૂર્વ એશિયામાં સસ્તી જગ્યાઓ પર વેકેશન ગાળે છે.

તેઓ કહે છે કે હવે તેઓ ‘બર્બરી અને લુઈસ વિટન’ જેવી લક્ઝરી બ્રાન્ડ ખરીદવાનું વિચારી પણ નથી શકતા.

પરંતુ કમસે કમ નવા કાયદાથી તેમના જેવા સામાન્ય કર્મચારીઓને બહુ ઓછી તકલીફ પડવાની છે.

તેની તુલનામાં મોટા લોકો માટે તકલીફો વધી ગઈ છે. ફાઇનાન્સ ક્ષેત્રના કેટલાય અધિકારીઓ અને બૅન્કિંગ ઉદ્યોગના વડાઓને અટકાયતમાં લેવાયા છે જેમાં બૅન્ક ઑફ ચાઇનાના ભૂતપૂર્વ ચૅરમૅન પણ સામેલ છે.

ગુરુવારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાના ભૂતપૂર્વ વાઈસ-ગવર્નર ફેન યિફેઈને બે વર્ષના વિલંબ સાથે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેવું સરકારી મીડિયા જણાવે છે.

ફેન યિફેઈ સામે 38.6 કરોડ યુઆન (5.46 કરોડ ડૉલર અથવા 4.18 કરોડ પાઉન્ડ)ની લાંચ સ્વીકારવાનો આરોપ સાબિત થયો હતો.

ચીનના સૌથી સમૃદ્ધ શહેર શાંઘાઈમાં સરેરાશ માસિક પગાર માત્ર 12,000 યુઆન

નાણાકીય ઉદ્યોગ હાલમાં ભયંકર દબાણ હેઠળ છે. કંપનીઓ ભલે જાહેરમાં આ વાત ન સ્વીકારે, પરંતુ બૅન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં મોટા પાયે પગારકાપ આવ્યા છે જેની ચીનના સોશિયલ મીડિયામાં ચર્ચા થાય છે.

ઘટતા જતા પગાર વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે અને તાજેતરના મહિનામાં તેને કરોડો વ્યૂ મળ્યા છે. ‘ફાઇનાન્સના બદલે નવી કારકિર્દી’ અથવા ‘ફાઇનાન્સને છોડવું’ જેવા હૅશટૅગને જાણીતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઝીયાઓહોન્શુ પર કરોડો વ્યૂ મળ્યા છે.

કોવિડ રોગચાળો આવ્યો ત્યારથી જ ફાઇનાન્સ જગતના કેટલાક કર્મચારીઓની આવક ઘટવા લાગી હતી, પરંતુ ઘણા લોકોને લાગે છે કે વાઇરલ થયેલી સોશિયલ મીડિયા પોસ્ટ એક ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ છે.

જુલાઈ 2022માં ઝીયાઓહોન્શુની એક યૂઝરે દાવો કર્યો કે તેમના 29 વર્ષીય પતિને ટોચની ફાઇનાન્સ સર્વિસ કંપની ચાઇના ઇન્ટરનેશનલ કેપિટલ કૉર્પોરેશનમાં મહિને 82,500 યુઆનનો પગાર મળે છે. તેમની આ બડાઈના કારણ ભારે વિવાદ થયો હતો.

ફાઇનાન્સ જગતના કર્મચારીઓને મળતા તગડા પગાર અને પોતાના પગાર વચ્ચેનો મોટો તફાવત જોઈને લોકો ચોંકી ગયા હતા. ચીનના સૌથી સમૃદ્ધ શહેર શાંઘાઈમાં સરેરાશ માસિક પગાર માત્ર 12,000 યુઆન છે જ્યારે ફાઇનાન્સ જગતના લોકો અનેક ગણો મોટો પગાર મેળવે છે.

તે જ વર્ષે બીજી એક વ્યક્તિએ પણ પોતાના જંગી પગારની બડાઈ હાંકી હતી. તેના કારણે આ ઉદ્યોગના પગાર કેટલા વાજબી છે તેની ઑનલાઇન ચર્ચા શરૂ થઈ હતી.

આ પોસ્ટ આવી તેનાથી છ મહિના અગાઉ જ ચીનના સર્વોચ્ચ નેતા શી ઝિનપિંગે સંપત્તિની અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને “તમામની સમૃદ્ધિ”ની વાત કરી હતી.

ફેરફારો બહુ મોટા પાયે, પરંતુ છૂપી રીતે આવ્યા છે

ઑગસ્ટ 2022માં ચીનના નાણા મંત્રાલયે નવા નિયમોની જાહેરાત કરી હતી, જેમાં કંપનીઓને આવકના વિતરણમાં સમાનતા પર ધ્યાન આપવા અને પગારની આખી સિસ્ટમને નવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવાની વાત કરી હતી.

ત્યારપછીના વર્ષમાં ચીનમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી ઑથૉરિટીએ “ફાઇનાન્સ ક્ષેત્રના ધનિક વર્ગ” અને ફક્ત “નાણાને મહત્ત્વ આપવાની નીતિ”ની ઝાટકણી કાઢી હતી. ચીનમાં હાલમાં ભ્રષ્ટાચારવિરોધી અભિયાન ચાલે છે, જેમાં નાણાકીય ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યું છે.

ચીનની રાજધાની બીજિંગ ખાતે એક સરકારી બૅન્કના મૅનેજર એલેક્સ (નામ બદલ્યું છે) કહે છે કે આ ફેરફારો બહુ મોટા પાયે, પરંતુ છૂપી રીતે આવ્યા છે.

તેઓ કહે છે, “તમને લેખિતમાં કોઈ આદેશ નહીં મળે. તેના પર સત્તાવાર ડૉક્યુમેન્ટ હોય તો પણ અમારા લેવલના લોકો તેને નહીં જોઈ શકે. પરંતુ બધા જાણે છે કે (પગાર પર) એક મર્યાદા આવી ગઈ છે. પરંતુ આ મર્યાદા કેટલી છે તે અમે નથી જાણતા.”

એલેક્સનું કહેવું છે કે આકરી કાર્યવાહી એટલી ઝડપથી થઈ રહી છે કે કર્મચારીઓ પણ તેને પહોંચી નથી વળતા. “ઘણી બૅન્કોમાં તો ઉપરથી આવેલા આદેશ બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે.”

“તેઓ ફેબ્રુઆરી મહિનામાં પગાર વિશે એક વાર્ષિક સૂચના આપશે. ત્યારપછી જૂન કે જુલાઈ સુધીમાં તેમને લાગશે કે જરૂરિયાત કરતા વધુ પગાર ચૂકવાઈ ગયો છે. ત્યારપછી તેઓ ફરીથી કામગીરીના લક્ષ્યાંક નક્કી કરશે જેથી લોકોના વેતન કાપી શકાય.”

ચેન કહે છે કે શૅરબજારમાં નવા શૅર લાવનારી કંપનીઓની સંખ્યા ઘટી ગઈ છે તેથી તેમનું કામ પણ ઘણું બધું ઘટી ગયું છે. ચીનમાં વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. સરકારની કડક કાર્યવાહી તથા ઘટતી જતી ખપતના કારણે સ્થાનિક બિઝનેસ પણ સાવચેત બની ગયા છે.

ભૂતકાળમાં તેમણે ઘણી વખત નવા પ્રોજેક્ટમાં કામ કરવાનું રહેતું હતું જેથી તેમની કંપનીમાં નાણાં ઠલવાતાં હતાં. હવે તેઓ મોટા ભાગે અગાઉના પ્રોજેક્ટનો ડેટા ગોઠવવા જેવું ઓછું મહત્ત્વનું કામ કરે છે.

તેઓ કહે છે, “અમારી ટીમનું નૈતિક બળ તળિયે પહોંચી ગયું છે. બૉસની પીઠ પાછળ મોટા ભાગે નૅગેટિવ વાતો થાય છે. ત્રણથી પાંચ વર્ષમાં શું કરવું તેના વિશે લોકો વાતો કરી રહ્યા છે.”

લોકો મોટી સંખ્યામાં ઉદ્યોગ છોડી રહ્યા છે કે કેમ તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે, કેટલીક જગ્યાએ છટણી થઈ છે. ચીનમાં અત્યારે નોકરીઓની પણ અછત છે તેથી ઓછા પગારવાળી ફાઇનાન્સની જોબ પણ કોઈ છોડતું નથી.

પરંતુ હતાશા સ્પષ્ટ દેખાઈ આવે છે. ઝીયાઓહોન્શુ પર એક યૂઝરે જોબ બદલવાની સરખામણી સીટ બદલવા સાથે કરી હતી. ફરક એટલો કે “તમે ઊભા થયા તો તમારી સીટ કદાચ જતી રહેશે.” કહેવાનો અર્થ એ કે નોકરીમાં અસુરક્ષા ઘણી વધી ગઈ છે.

ચેન કહે છે કે માત્ર ઑથૉરિટીને જ ફાઇનાન્સ ક્ષેત્રના કર્મચારીઓ સામે વાંધો છે એવું નથી, ચીનનો સમાજ પણ હવે અમને પસંદ નથી કરતો.

તેઓ કહે છે, “અમને કોઈ ડેટિંગ માટે પણ નથી બોલાવતું. અમે ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરીએ છીએ તેની ખબર પડતા જ અમને ના પાડી દેવાય છે.”

(ફાઇનાન્સ ક્ષેત્રના કર્મચારીઓની ઓળખ ગુપ્ત રાખવા માટે તેમનાં નામ બદલવામાં આવ્યાં છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.