IPL : બૉલરો બૉલ પર થૂંક કેમ લગાડે છે, શું પ્રતિબંધ દૂર થતા રન ઓછા થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત ટાઇટન્સ, આઇપીએલ, બીબીસી, આઇસીસી, બીસીસીઆઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે આ પ્રતિબંધ હઠાવી લેવાના નિર્ણયને 'ખૂબ સારો' ગણાવ્યો
    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

આગામી આઇપીએલની સિઝનમાં હવે બૉલરોને બૉલને ચમકાવવા તેના પર થૂંક લગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે પાંચ વર્ષ પહેલાં કોવિડ મહામારીના સમયગાળામાં લદાયેલા આ પ્રતિબંધને હવે દૂર કરી દેવાયો છે.

ઇએસપીએનક્રિકઇન્ફો પ્રમાણે બીસીસીઆઇએ આઇપીએલના મોટા ભાગના કપ્તાનોએ ગુરુવારે યોજાયેલી મીટિંગ દરમિયાન આ પગલાને પોતાનું સમર્થન આપતાં આ નિર્ણય કરાયો હતો.

મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે મે 2020માં પ્રથમ વખત ક્રિકેટ બૉલ પર લાળ લગાડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, એ સમયે આ કામ માટે પરસેવાના ઉપયોગની છૂટ હતી. બાદમાં સપ્ટેમ્બર, 2022માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે આ પ્રતિબંધને કાયમી બનાવી દીધો.

નોંધનીય છે કે ખેલાડીઓ ક્રિકેટ બૉલની એક બાજુ ચમકાવવા માટે પરસેવા અને લાળનો ઉપયોગ કરે છે, જેથી બૉલ હવામાં જ સ્વિંગ થઈ શકે.

ટેસ્ટમૅચમાં રિવર્સ સ્વિંગ માટે મદદરૂપ મનાય છે આ ટેકનિક

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત ટાઇટન્સ, આઇપીએલ, બીબીસી, આઇસીસી, બીસીસીઆઇ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વર્ષ 2020માં એક ટેસ્ટમૅચ દરમિયાન અમ્પાયર માઇકલ ગોઘ બૉલને ડિસઇન્ફેક્ટ કરતા

કોરોના મહામારી દરમિયાન ચેપને ફેલતો અટકાવવાના ઉપાયરૂપે બૉલ પર લાળ લગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લાળ ફાસ્ટ બૉલરોને બૉલની ચમકને ટકાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, આવું કરવાથી તેમને બૉલને સ્વિંગ કરવામાં મદદ મળે છે. લગભગ એક સદી કરતાં પણ વધુ સમયથી ક્રિકેટમાં બૉલિંગની આ ટેકનિક ચાવીરૂપ સાબિત થઈ છે.

આવું કરવાથી બૉલરોને રિવર્સ સ્વિંગમાં પણ મદદ મળે છે, જેમાં બૉલ અપેક્ષા કરતાં ઊલટી દિશામાં જવા લાગે છે. આ તકનીક ખાસ કરીને સૂકા વાતાવરણ અને જૂના બૉલ પર જ અજમાવાય છે.

લાળ લગાડવાની આ રીત સફેદ બૉલથી રમાતી વનડે અને ટી20 ક્રિકેટ કરતાં ખાસ તો લાલ બૉલથી રમાતી ક્રિકેટ એટલે કે ટેસ્ટમૅચમાં વધુ કાર્યક્ષમ સાબિત થાય છે.

વિશ્વની સૌથી ધનિક ટી20 ક્રિકેટ લીગ એટલે કે આઇપીએલમાં આ પ્રતિબંધ હઠતાં હવે શું આઇસીસી પણ લાલ બૉલની ક્રિકેટમાં આ પ્રતિબંધ હઠાવી લેશે કે કેમ એ હજુ અસ્પષ્ટ છે. બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ હાલ આઇસીસીના વડા છે.

આ પરિવર્તન શનિવારે જ્યારે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સની આઇપીએલના 18મા સંસ્કરણની પ્રથમ મૅચથી અમલમાં આવશે.

નોંધનીય છે કે બે માસ લાંબી આ ટુર્નામેન્ટમાં ભારતનાં 13 શહેરોમાં 74 મૅચો યોજાશે.

ભારતીય ક્રિકેટરોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત ટાઇટન્સ, આઇપીએલ, બીબીસી, આઇસીસી, બીસીસીઆઇ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ શમી પણ આ પ્રતિબંધને દૂર કરવાની માગ કરી ચૂક્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત ટાઇટન્સની ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે આ નિર્ણયને આવકાર્યો છે.

સિરાજે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "આ એક ખૂબ જ સારો નિર્ણય છે, કારણ કે જ્યારે બૉલ પાસેથી વધુ મદદ નથી મળતી ત્યારે બૉલ પર લાળ લગાડવાથી બૉલરોને રિવર્સ સ્વિંગની તકો વધારવામાં મદદ મળે છે."

"ઘણી વખત આવું કરવાથી રિવર્સ સ્વિંગમાં મદદ મળે છે, કેમ કે શર્ટ પર બૉલ ઘસવાથી ઘણી વાર રિવર્સ સ્વિંગમાં મદદ મળતી નથી. પરંતુ બૉલ પર લાળ લગાવવાથી તેની એક બાજુને ચમકદાર જાળવી રાખવામાં મદદ મળે છે, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

અન્ય એક ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ પણ આ મહિનાની શરૂઆતમાં આઇસીસી પાસેથી આ પ્રતિબંધ ઉઠાવી લેવાની માગ કરી હતી.

ઑસ્ટ્રેલિયા સામે ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ભારતની જીત બાદ તેમણે કહ્યું હતું કે, "અમે વારંવાર અમને લાળ લગાડવાની પરવાનગી આપવામાં આવે એવી અપીલ કરતા રહીએ છીએ, જેથી અમે રમતમાં ફરીથી રિવર્સ સ્વિંગની વાપસી કરાવી શકીએ અને તેને વધુ રસપ્રદ બનાવી શકીએ."

શમીની આ માગને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય બૉલરો વર્નન ફિલાન્ડર અને ટીમ સાઉથીનો ટેકો મળ્યો હતો.

ભારતના ભૂતપૂર્વ સ્પિનર આર. અશ્વિને પણ કહ્યું કે તેઓ પણ પ્રતિબંધને કારણે મૂંઝવણમાં હતા.

તેમણે યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું કે, "આઇસીસીએ એક સંશોધનપત્ર જાહેર કર્યો હતો છે, જે પ્રમાણે લાળ લગાડવાથી રિવર્સ સ્વિંગમાં ઝાઝી મદદ મળતી નથી અને બૉલ પર લાળ લગાડવાથી રિવર્સ સ્વિંગમાં બહુ ઝાઝો ફરક પડતો નથી. મને ખ્યાલ નથી કે આ સંશોધન તેમણે કઈ રીતે કર્યું, પરંતુ જો કોઈ મુશ્કેલી ન હોય તો લાળ પર પ્રતિબંધ હઠાવી લેવો જોઈએ."

ભૂતપૂર્વ બૉલરો અને નિષ્ણાતોનો ટેકો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત ટાઇટન્સ, આઇપીએલ, બીબીસી, આઇસીસી, બીસીસીઆઇ

ઇમેજ સ્રોત, Getty Images

સ્પૉર્ટ્સ લેખક શારદા ઉગરાએ કહ્યું કે આ પ્રતિબંધ હઠાવી લેવાથી બેટ અને બૉલની આ સ્પર્ધા વધુ 'ટક્કરવાળી' બનશે.

ઘણાને લાગે છે કે ટી20 લીગોમાં બેટર-ફ્રેન્ડલી પીચોને કારણે બૉલરો પર વધુ દબાણ હોય છે. વર્ષ 2013માં આરસીબીએ પુણેની ટીમ સામે પાંચ વિકેટના નુકસાને નોંધાવેલા 263 રનનો રેકૉર્ડ વર્ષ 2024માં ચાર વખત તૂટ્યો હતો. 17 સંસ્કરણોમાં કુલ દસ વખત 250 રનનો સ્કોર પાર થઈ ચૂક્યો છે.

જોકે, ઉગ્રા કહે છે કે આ નિર્ણયની બૉલિંગ પર કેવી અસર થશે એ હજુ સ્પષ્ટ નથી.

તેમણે બીબીસીને કહ્યું કે, "સ્વિંગ માટે લાળ જ એકમાત્ર ફેક્ટર નથી, પરિસ્થિતિઓ પણ આદર્શ હોવી જોઈએ. બૉલરનું કૌશલ્ય અહીં મહત્ત્વપૂર્ણ છે."

ભારતના ભૂતપૂર્વ બૉલર વેંકટેશ પ્રસાદે પણ આ પરિવર્તન અંગે ચેતવ્યા હતા.

પ્રસાદે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારને આ મહિને જણાવ્યું હતું કે, "લાળ લગાડવા પરનો બૅન એ ચોખ્ખાઈ જાળવવા માટે પણ હતો. હાલ ગમે એ થઈ શકે છે, આપણને હવામાં હવે કેટલા વાઇરસ ક્યારે પ્રવેશી શકે એની ખબર નથી.તેથી મને લાગે છે કે હવે તમારે બૅનને ઉઠાવી લેવા બાબતે વધુ સાવચેત રહેવું પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.