ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હૅરિસ વચ્ચે પહેલી ડિબેટ, કોણ ભારે પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી ચર્ચા યોજાઈ હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડિબેટ ખૂબજ મહત્ત્વપૂર્ણ આયામ હોય છે.
લગભગ દોઢ કલાક ચાલેલી 'ધ એબીસી ન્યૂઝ પ્રૅસિડેન્શિયલ ડિબેટ'માં હૅરિસ અને ટ્રમ્પે એકબીજાંની નીતિઓની ભારે ટીકા કરી હતી. બંને ઉમેદવાર વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ-હમાસ જંગ, સીમાઓની સમસ્યા, ઇમિગ્રન્ટ્સ, અર્થવ્યવસ્થા, અબૉર્શન, કૅપિટલ હિલ્સ ખાતે થયેલા હુલ્લડ વિશે ઉગ્ર ચર્ચા થઈ હતી. બંનેએ ચર્ચા દરમિયાન ચીન, રશિયા, ઇઝરાયલ અને ઈરાનનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.
ચર્ચા પૂરી થઈ ત્યારે હૅરિસે કહ્યું, "અમેરિકાના ભવિષ્ય અંગે તેમનો તથા ટ્રમ્પનો દૃષ્ટિકોણ તદ્દન અલગ છે. મારું ધ્યાન ભવિષ્ય ઉપર છે અને ટ્રમ્પ હજુ પણ ભૂતકાળમાં અટવાયેલા છે."
ટ્રમ્પે કહ્યું, "કમલા હૅરિસની નીતિઓનો કોઈ મતલબ નથી, કારણ કે ગત ચાર વર્ષ દરમિયાન તેમણે કોઈ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ નથી કરી. આખી દુનિયા આપણી હાંસી ઉડાવે છે. જો નવેમ્બર મહિનામાં હૅરિસ ચૂંટણી જીતી જશે, તો ત્રીજું વિશ્વયુદ્ધ થવાની શક્યતા રહેશે."
ચર્ચા દરમિયાન હૅરિસ અને ટ્રમ્પે એકબીજા ઉપર વ્યક્તિગત વાક્બાણો પણ છોડ્યાં હતાં. હૅરિસે ટ્રમ્પ ઉપર ચાલી રહેલા કેસો તથા વર્ષ 2020ની ચૂંટણી દરમિયાન પરાજય નહીં સ્વીકારવા મુદ્દે ટીકા કરી.
ટ્રમ્પે તેમનાં હરીફ હૅરિસની વંશીય ઓળખ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જ્યારે ચર્ચાના સંચાલકોએ આના વિશે સવાલ પૂછ્યો, ત્યારે તેઓ જવાબ ટાળી ગયા હતા. ટ્રમ્પે કહ્યું, "તેઓ શું છે એનાથી મને કોઈ ફેર નથી પડતો."
હૅરિસે કહ્યું, "હંમેશા અમેરિકાને વંશીય આધાર ઉપર વિભાજિત કરવા માટે પ્રયાસરત વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માગે છે તે ત્રાસદીરૂપ છે."
ડિબેટ દરમિયાન કોણ કોની ઉપર ભારે પડ્યું તેના વિશે બીબીસી ઉત્તર અમેરિકાના સંવાદદાતા ઍન્થની જર્ચરનું વિશ્લેષણ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૅરિસે વિ. ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
90 મિનિટની ચર્ચા દરમિયાન કમલા હૅરિસે વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પને પરેશાન કર્યા હતા. હૅરિસે ટ્રમ્પની રેલીઓમાં ભીડની સંખ્યા તથા કૅપિટલ હિલ ખાતે થયેલા હુલ્લડ અંગે ટ્રમ્પને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
એક સમયે ટ્રમ્પની સાથે રહેલા કેટલાક અધિકારીઓ હવે તેમની ટીકા કરે છે. હૅરિસે તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ અધિકારીઓને બચાવ કરવા માટે કમલા હૅરિસે પૂર્વ રાષ્ટ્રપતિને ઉશ્કેર્યા હતા.
મતદારોને સ્પર્શતા મુદ્દા કોણે સારી રીતે ઉઠાવ્યા તેના પરિમાણ ઉપર ચર્ચામાં કોણ જીત્યું કે હાર્યું તે જોવામાં આવે તો કમલા હૅરિસ સફળ રહ્યાં. કમલા હૅરિસ ચર્ચાને પોતાની મરજી મુજબ ઢાળવામાં સફળ રહ્યાં હતાં.
જેમ-જેમ ચર્ચા આગળ વધતી ગઈ, એમ-એમ કમલા હૅરિસ અનેક વખત ટ્રમ્પને બચાવજનક મુદ્રામાં લાવવા માટે સફળ રહ્યાં હતાં. હૅરિસે અનેક વખત પ્રહાર અને કટાક્ષ કર્યા, જેના જવાબ આપવા માટે ટ્રમ્પ મજબૂર બની ગયા હતા.
કમલા હૅરિસે પૂર્વ રાષ્ટ્રપતિને નબળા કહ્યા અને ઉમેર્યું કે વિદેશી નેતા તેમની ઉપર હસતા. હૅરિસે કહ્યું કે "થાક અને ઉબાઈ જવાને કારણે" લોકો તેમની રેલીઓમાંથી વહેલી ચાલતી પકડે છે.
કેટલાક અમેરિકનોને લાગતું હતું કે મોંઘવારી, ઇમિગ્રન્ટ્સ તથા અફઘાનિસ્તાનમાં પીછેહઠ જેવા મુદ્દે હૅરિસ નબળાં પુરવાર થશે, પરંતુ મોટાભાગના મામલે ટ્રમ્પ તેમના પ્રહારોને અસરકારક રીતે રજૂ કરવામાં અસમર્થ રહ્યા. આવનારા દિવસોમાં આ ચૂક માટે તેમને અફસોસ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
અનેક જનમત સર્વેક્ષણોમાં બહાર આવ્યું છે કે બાઇડનની સરકારે મોંઘવારી તથા અર્થવ્યવસ્થાની બાબતમાં કરેલી કામગીરીથી ઘણાં અમેરિકનો નારાજ છે. જોકે, હૅરિસે આ મુદ્દે થયેલી ચર્ચાને ટ્રમ્પના પ્રસ્તાવિત કરમાળખા તરફ વાળી દીધી, જેને તેમણે "ટ્રમ્પ વેચાણવેરો" ઠેરવ્યો.
ડિબેટ દરમિયાન કમલા હૅરિસના હાવભાવ પ્રભાવક જણાયાં હતાં. મોટાભાગની ચર્ચા દરમિયાન ટ્રમ્પ જ્યારે કોઈ સવાલનો જવાબ આપી રહ્યાં હોય ત્યારે હૅરિસ તેમની સામે જોઈને અસહમતિમાં પોતાનું માથું હલાવતાં અથવા તો સ્મિત આપતાં નજરે પડ્યાં.
ચર્ચામાં એક તબક્કે ટ્રમ્પે તેમનાં હરીફને 'માર્ક્સવાદી' કહ્યા, ત્યારે હૅરિસે તેમનો હાથ દાઢ ઉપર રાખીને એવી રીતે ઇશારો કર્યો, જાણે તેમને વાત સમજાઈ ન હોય. અર્થતંત્ર અને અબૉર્શન મુદ્દે તેમણે કૅમેરામાં જોઈને જવાબ આપ્યાં હતાં, જાણે કે તેઓ પોતાના વૉટર્સને સીધા જ સંબોધિત કરી રહ્યાં હોય.
સમગ્ર ડિબેટ દરમિયાન કમલા હૅરિસની આંખમાં આંખ નાખીને જવાબ આપવાનું ટ્રમ્પે ટાળ્યું હતું. ટ્રમ્પે હૅરિસના સવાલો ઉપર તેમની તરફ આંગળી ચીંધીને વાત કરતા જણાયા હતા. અબૉર્શન મુદ્દે ચર્ચા દરમિયાન ટ્રમ્પ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા.
પ્રવાસીઓનો મુદ્દો
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસીઓના મુદ્દે અમુક આરોપ મૂક્યા હતા, જેને ચર્ચાના સંચાલકોએ ખોટા ગણાવ્યા. 'તેઓ પાળતુ પ્રાણીઓને ખાય જાય છે,' જેવા વાસ્તવિકતાથી વેગળા આરોપ મૂક્યા હતા.
ટ્રમ્પે કહ્યું, "તેઓ કૂતરાં ખાય છે. તેઓ લોકોનાં પાળતૂ પ્રાણીઓને ખાય જાય છે." ત્યારે ડિબેટના મૉડરેટર ડેવિડ મુઈરે કહ્યું, "સ્પ્રિંગફિલ્ડના સિટી મૅનેજરે કહ્યું છે કે આ પ્રકારના કોઈ પુરાવા નથી મળ્યા."
ટ્રમ્પે કહ્યું, "મેં લોકોને ટીવી ઉપર એમ કહેતા સાંભળ્યા છે કે મારા શ્વાનને ચોરીને ખાઈ ગયા."
ત્યારે કમલા હૅરિસે કહ્યું કે ટ્રમ્પ 'ખૂબ જ વધારી વકરાવીને વાતો' કરે છે.
સ્પ્રિંગફિલ્ડના અધિકારીઓએ બીબીસી વૅરિફાયને જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના ઘટી હોવાનો આધારભૂત અહેવાલ તેમની પાસે નથી."
રશિયા-યુક્રેન યુદ્ધ

ચર્ચામાં રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું, "શું તેઓ ઇચ્છે છે કે યુક્રેન યુદ્ધ જીતે?"
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "હું ઇચ્છું છું કે યુદ્ધ અટકી જાય." તેમણે કહ્યું કે યુદ્ધને કારણે અમેરિકા ઉપર અસર પડી રહી છે. યુદ્ધને કારણે યુરોપની સરખામણીમાં અમેરિકાએ ઊંચી કિંમત ચૂકવવી પડી રહી છે.
ટ્રમ્પે ક્હ્યું હતું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝૅલેન્સ્કી તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખૂબ જ સારી રીતે ઓળખે છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો બાઇડન એવા રાષ્ટ્રપતિ છે, જે ક્યાંય દેખાતા જ નથી.
આની ઉપર વળતો શાબ્દિક પ્રહાર કરતા કમલા હૅરિસે કહ્યું, "તમે બાઇડનની સામે નહીં, પરંતુ મારી સામે ચૂંટણી લડી રહ્યા છો."
આ સવાલ ઉપર જવાબ આપતી વેળાએ હૅરિસે કહ્યું, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે તેમના સારા સંબંધ છે.
હૅરિસે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંબોધિત કરતા કહ્યું, "તમે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી, એ મુદ્દે આપણા નાટોના સહયોગી રાષ્ટ્રો આભારી છે, નહીંતર પુતિન કિએવમાં બેઠા હોત અને યુરોપના અન્ય ભાગો ઉપર તેમની નજર હોત."
અમેરિકાનાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે કહ્યું, "પુતિન સરમુખત્યાર છે."
ટ્રમ્પે કમલા હૅરિસને અત્યારસુધીનાં સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ કહ્યા હતા. તેમનું કહેવું હતું કે હુમલો થયો એ પહેલાં વાતચીત દ્વારા યુદ્ધને અટકાવવામાં કમલા હૅરિસ અસફળ રહ્યાં હતાં.
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ડિબેટમાં ઇઝરાયલ-ગાઝા મુદ્દે કમલા હૅરિસે પોતાની જૂની વાતનો પુનર્રોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું, "ઇઝરાયલને તેની સુરક્ષા કરવાનો અધિકાર છે, પરંતુ તે કેવી રીતે કરે છે, તે મહત્ત્વપૂર્ણ છે."
હૅરિસે કહ્યું, "યુદ્ધ તત્કાળ પૂરું થઈ જવું જોઈએ. તેમણે સંઘર્ષવિરામ તથા બે રાષ્ટ્રની નીતિ જ ઉકેલ હોવાનું કહ્યું.
ટ્રમ્પનું કહેવું હતું, "જો હું રાષ્ટ્રપતિ હોત તો આ સંઘર્ષ ચાલુ જ ન થયો હોત."
ટ્રમ્પે ઉમેર્યું, "કમલા હૅરિસ ઇઝરાયલથી નફરત કરે છે, જો હૅરિસ રાષ્ટ્રપતિ બનશે તો બે વર્ષમાં ઇઝરાયલનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે."
ટ્રમ્પે ઉમેર્યું, "હું રાષ્ટ્રપતિ બનીશ એટલે ઝડપભેર આ સમસ્યાનો ઉકેલ લાવીશ."
સાથે જ કહ્યું, 'જો હું ફરી ચૂંટાઈ આવીશ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરી દઇશ.'
ઇઝરાયલને ટેકો આપવાની વાત હૅરિસે વારંવાર કહી હતી અને ટ્રમ્પના દાવાને નકારતા કહ્યું કે તેઓ "સત્યથી ધ્યાન હઠાવવા તથા ભટકાવવા" માગે છે.
હૅરિસે કહ્યું, "બધા જાણે છે કે તેમને સરમુખત્યારો પસંદ છે અને પહેલા દિવસથી જ તેઓ ખુદ પહેલા દિવસથી જ તાનાશાહ બનવા માગે છે."
આર્થિક નીતિઓ

ઇમેજ સ્રોત, Getty Images
ચર્ચાની શરૂઆત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ ઉપર નિશાન સાધ્યું હતું.
કમલા હૅરિસને સવાલ પૂછતા ટ્રમ્પે કહ્યું, "શું તમને લાગે છે કે ચાર વર્ષ પહેલાં કરતાં હાલમાં અર્થતંત્ર સારી સ્થિતિમાં છે?"
જેના જવાબમાં હૅરિસે કહ્યું કે તેઓ એવી અર્થવ્યવસ્થા બનાવવાની યોજના ઉપર કામ કરી રહ્યાં છે, જે તકોથી ભરપૂર હોય.
હૅરિસે કહ્યું, 'ગત વખતની જેમ આ વખતે પણ ટ્રમ્પ અબજપતિઓ અને વેપારીઓને રાહત આપવાની યોજના ઘડી રહ્યા છે.'
હૅરિસે કહ્યું, "ટ્રમ્પ જે કહી રહ્યા છે, તેની ટીકા નોબલ પારિતોષિક વિજેતા એવા 16 અર્થશાસ્ત્રી કરી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે જો તેને લાગુ કરાશે તો આવતા વર્ષે જ મંદી આવી જશે."
હૅરિસે કહ્યું, "ટ્રમ્પ આપણને મહામંદી પછીની સૌથી ભયાનક બેકારીમાં મૂકી ગયા હતા. તેમના દ્વારા ફેલાવવામાં આવેલી અવ્યવસ્થાને અમારે ઠીક કરવી પડી."
હૅરિસે 'પ્રૉજેક્ટ 2025'ને એકદમ ખતરનાક ગણાવ્યો હતો અને કહ્યું કે જો ટ્રમ્પ આવશે તો તેઓ તેને લાગુ કરી દેશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













