અમદાવાદ પ્લેન ક્રૅશ : દુર્ઘટના બાદ અસરગ્રસ્ત ડૉક્ટરો કેવી મુશ્કેલી વેઠી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
અમદાવાદના મેઘાણીનગર ખાતેના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ ક્વાર્ટર્સ કમ્પાઉન્ડમાં એક હૉસ્ટેલ સંકુલમાં થયેલી વિનાશક ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનાં પરિણામો હજુ પણ પીડિતો ભોગવી રહ્યા છે. આમાં મોટાભાગે નિવાસી તબીબો અને અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં મેસ હૉલ અને અતુલ્યમ 3 અને 4 હૉસ્ટેલ સહિત અનેક ઇમારતો તૂટી ગઈ હતી, જેમાં ચાર ડૉકટરોનો જીવ ગયો હતો અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કેટલાકને આ ઘટનાથી માનસિક અસર પણ થઇ હતી.
આ આઘાતજનક અકસ્માતમાં બચી ગયેલા લોકો આઘાતની સાથે લગભગ રૂ. 2.7 કરોડની સામગ્રીનું નુકસાન અથવા તો કથિત ચોરી થવા જેવી બાબતો સામે ઝઝૂમી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ હૉસ્ટેલ સંકુલમાં રહેતા ડૉકટરોનો સંપર્ક કર્યો. ઘણા ડૉકટરોએ વિવિધ કારણોસર વાત કરવાનો ઇન્કાર કર્યો પરંતુ ઓછામાં ઓછા 10 જેટલા ડૉકટરોએ નામ ન આપવાની વિનંતી સાથે બીબીસી ગુજરાતી સાથે વાત કરી છે.
વળતર અને પુનર્વસન માટેના સંઘર્ષો વચ્ચે તબીબી વિદ્યાર્થીઓ અને નિવાસી ડૉકટરો ભાવનાત્મક અને લૉજિસ્ટિકલ એમ બંને પ્રકારની સહાયની માંગ કરે છે.
હવે તેઓ કામચલાઉ રહેઠાણોમાંથી તેમના અસ્તવ્યસ્ત થયેલા જીવનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પોલીસ અને હૉસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે તેઓ નુકસાનની તપાસ કરી રહ્યાં છે અને અસરગ્રસ્ત ડૉકટરો અને વિદ્યાર્થીઓના પુનર્વસન માટે જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યાં છે.
માનસિક આઘાત અને સાથે નાણાકીય નુકસાન

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
તબીબી વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય સંકુલમાં થયેલી વિમાન દુર્ઘટના વિનાશ અને આઘાતની સાથે સાથે કેટલાક અનુત્તરિત પ્રશ્નો તરફ પણ દોરી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્ય સરકારના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં આ ઘટનામાં ચાર તબીબી વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. 12 જૂનના રોજ બપોરે જ્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાન અતુલ્યમ છાત્રાલયની ઇમારતો પર ક્રૅશ થયું ત્યારે તેઓ બધા મેસમાં બપોરના ભોજન માટે ભેગા થયા હતા.
તેમાંથી બે રાજસ્થાનના, એક મધ્યપ્રદેશના, જ્યારે એક ગુજરાતના ભાવનગરના મૂળ વતની હતા.
આ દુર્ઘટના બીજે મેડિકલ કૉલેજ (BJMC), ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલની અન્ય સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોના રહેણાંક કૅમ્પસમાં થઈ હતી.
દુર્ઘટનામાં અતુલ્યમ 1, 2, 3 અને 4 નામની હૉસ્ટેલ ઇમારતોને ભારે નુકસાન થયું હતું. અહીંયા ડૉકટરો માટેની મુખ્ય મેસ પણ હતી.
અતુલ્યમ 2 ના એક નિવાસી ડૉકટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે "અમને દરેકને નુકસાન તો થયું છે. અમે ઇચ્છીએ છીએ કે આનો પણ વિચાર કરવામાં આવે,"
તેમણે અંદાજ લગાવ્યો કે દરેક વ્યક્તિએ કપડાં, રેફ્રિજરેટર, એસી, લૅપટૉપ, આઇફોન અને પુસ્તકો સહિત રૂ. 1 થી 1.5 લાખનો સામાન આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે.
બીજે મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. મીનાક્ષી પરીખ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ આ ઇમારતોમાં રહીશોની મિલકતને રૂ. 2.70 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું નોંધાયું છે.
જેમાં કાર, ઇલેક્ટ્રોનિક સંસાધનો અને અન્ય નુકસાનનો સમાવેશ થાય છે. ડૉકટરોએ તપાસ અધિકારીઓને ખોવાયેલી અથવા તો નુકસાન થયેલી વસ્તુઓની લેખિત યાદી પણ સુપરત કરી છે.

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
જોકે, ઘણા ડૉકટરોએ એમ પણ કહ્યું હતું કે પ્રાથમિકતા લોકોના જીવન અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. પરંતુ તે જ સમયે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને થયેલા નુકસાનને અવગણી શકાય નહીં અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવો જોઈએ.
અતુલ્યમની ચારેય બિલ્ડીંગોમાં કુલ 23 ફ્લૅટમાં ડૉક્ટરો મોટાભાગે પરિવારો સાથે રહેતા હતા. જે પૈકી મોટાભાગનાં ઘરોમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો અને વાહનો પણ હતાં.
પુરુષોત્તમ ચૌહાણ દ્વારા ચલાવવામાં આવતી લૉન્ડ્રી જેવી સર્વિસ શૉપ્સ પણ હતી કે જે અકસ્માતમાં નાશ પામી.
"બધું બળી ગયું છે," અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું, જેમનો મિત્ર હાલમાં સારવાર હેઠળ છે.
તેમણે અકસ્માત દરમિયાન તેમની કાર ગુમાવી દીધી હતી.
તેમનું કહેવું હતું, "હજુ સુધી સરકાર કે ઍર ઇન્ડિયાના અધિકારીઓ તરફથી નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવામાં આવશે તે અંગે કોઈ વાતચીત કરવામાં આવી નથી."
ખાલી ફ્લૅટમાંથી ચોરીના આરોપો પણ આ અંધાધૂંધીમાં ઉમેરો કરી રહ્યા છે.
ઘણા ડૉકટરોએ દાવો કર્યો હતો કે સોના અને રોકડ સહિતની કિંમતી વસ્તુઓ તેમના પાછા ફર્યા પછી ગુમ થઈ ગઈ હતી.
એક ડૉકટરે પૂછ્યું કે, "તિજોરીમાં રાખેલાં ઘરેણાંને કેવી રીતે નુકસાન થઈ શકે છે?"
જોકે મેઘાણીનગર પોલીસને રૂ. 2.70 કરોડના નુકસાનની ફરિયાદ મળી છે. તેઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે કે ચોરી હતી કે નહીં.
ઇન્સ્પેક્ટર ડી. બી. બસિયાએ જણાવ્યું,"અમને નથી લાગતું કે આ ઘરોમાં ચોરી થઈ છે, પરંતુ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે."
તપાસ માટે ક્રૅશ સ્થળને તાત્કાલિક ઘેરી લેવાથી અંધાધૂંધી વધી?

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC
પ્લૅન ક્રૅશ પછી આ તબીબી વિદ્યાર્થીઓને પછી તરત જ ક્ષતિગ્રસ્ત ઇમારતો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અચાનક ખાલી કરવાના આદેશથી તેમની મૂંઝવણ વધી અને મુશ્કેલીઓ ઊભી થઈ.
ડૉ. પરીખે બીબીસીને જણાવ્યું કે, ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) તરફથી તાત્કાલિક આદેશ આવ્યો હતો કે હૉસ્ટેલ તુરત જ ખાલી કરવી જોઈએ. આના લીધે અમે ક્રૅશ પછીના જ દિવસે બધા રહેવાસીઓને સ્થળ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
UNMICRC ખાતે કાર્ડિયો ઍનેસ્થેસિયૉસૉજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અનિલ પનવારનો એક વાયરલ વીડિયો સમાચારમાં ચમક્યો હતો જેમાં તેઓ અતુલ્યમથી બીજા સ્થળે પોતાનું ઘર ખસેડવા અંગેની લાચારીનું વર્ણન કરી રહ્યા હતા.
વીડિયોમાં તેઓ કહેતા હતા કે તેમનાં પુત્રી અને ઘરેલું સહાયક સારવાર હેઠળ છે અને તેમને સ્થળાંતર કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે.
જોકે, સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયા પછી તરત જ તેમણે બીજો વીડિયો પોસ્ટ કર્યો. આ બીજા વિડીયોમાં કહેવામાં આવ્યું કે તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તેમણે સ્થળાંતર દરમિયાનમાં તણાવને કારણે મીડિયા સાથે આવી વાત કરી હતી.
ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને કોઈ પણ સહાય વિના સીડી પરથી ભારે સામાન નીચે ઉતારવો પડ્યો હતો.
"આ અમાનવીય હતું," નામ ન આપવાની શરતે એક ડૉક્ટરે કહ્યું.
બીબીસી ગુજરાતીને જાણવા મળ્યું કે, જ્યારે કેટલીક વ્યક્તિઓને મદદ મળી હતી જ્યારે કેટલાક બાકાત પણ રહ્યા હતા.
"એક સમયે ફક્ત બે લોકોને જ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી હતી," અમદાવાદમાં અભ્યાસ કરતા બીજા રાજ્યના એક તબીબ વિદ્યાર્થીએ કહ્યું.
"મારે મારો મોટાભાગનો સામાન ત્યાં જ છોડીને જવું પડ્યું," તેણે ઉમેર્યું.
પરંતુ દરેક સાથે આવુ નહતું બન્યું.
UNMICRCમાં બીજા એક આસિસ્ટન્ટ પ્રોફેસરને અતુલ્યમ હૉસ્ટેલમાંથી પોતાનું ઘર ખાલી કરવા માટે અધિકારીઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી.
"અમે શરૂઆતમાં મૂંઝવણમાં હતા પરંતુ ટૂંક સમયમાં સામાન ઉપાડવા માટે વાહન અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી," એક ડૉક્ટરે કહ્યું.
આરોગ્ય વિભાગના રાજ્ય અધિકારીઓ દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં, બીબીસી ગુજરાતીએ ડૉક્ટરોની સ્થળાંતર સંબંધિત સમસ્યાઓ વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે "ઘણા લોકોને સિવિલ કૅમ્પસમાં ઉપલબ્ધ વિવિધ રહેઠાણોમાં ખસેડવામાં આવ્યા છે, અને અધિકારીઓએ ખાતરી કરી હતી કે તેમનું સ્થળાંતર સરળ રીતે થાય."
હવે કાયમી રહેઠાણની રાહ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. પરીખના મતે ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના માટે દરેકને વૈકલ્પિક રહેઠાણ પૂરું પાડવામાં આવશે અને ત્યારબાદ દરેકને કાયમી રહેઠાણ આપવામાં આવશે.
તેમણે કહ્યું, "33 ડૉકટરોને પીજી ડૉકટરોના છાત્રાલયમાં, પાંચને યુએનએમઆઈસીઆરસી સ્ટાફ છાત્રાલયમાં, 52ને ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છાત્રાલયમાં, 48ને લાયન્સ ફાઉન્ડેશન રૂમમાં, 51ને ડેન્ટલ સ્ટાફ ક્વાર્ટર્સમાં અને 12ને મિથિલા ક્વાર્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે."
તેમણે ઉમેર્યું, "દર્દીઓને ખાસ સગવડ પૂરી પાડવાના હેતુથી બનાવવામાં આવેલા રૂમોને હાલમાં હૉસ્ટેલમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને અહીં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર મહિના પછી અમારી પાસે પોતાની નવી પીજી હૉસ્ટેલ તૈયાર હશે, અને પછી અમે નવા મકાનમાં દરેકને શિફ્ટ કરીશું, જેમાં કૅમ્પસની બહાર રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે."
જોકે, કેટલાક લોકો અધિકારીઓ દ્વારા તેમને આપવામાં આવેલા રહેઠાણથી ખુશ છે. કૅન્સર હૉસ્પિટલના એક ડૉક્ટરને ગુજરાત કૅન્સર સોસાયટીના પરિસરમાં વૈકલ્પિક રહેઠાણ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
"અમે આ વ્યવસ્થાથી ખુશ છીએ," તેમણે કહ્યું.
પ્લેન ક્રૅશને કારણે પહોંચેલા આઘાતમાંથી બહાર આવતા ડૉક્ટરોને હજુ લાંબો સમય લાગશે.
આ આઘાત તેમને થયેલા ભૌતિક નુકસાનથી વધારે છે.
કેટલાક વિદ્યાર્થીઓએ તેમના સાથીદારોને ઘાયલ થતા અથવા મરતા જોયા છે.
એક માઇક્રોબાયૉલૉજીના વિદ્યાર્થીએ યાદ કરતાં કહ્યું, "હું મારા વતન પાછો આવી ગયો છું, અને મને ખબર નથી કે હું ક્યારે પાછો ફરીશ. આ અકસ્માતનાં દૃશ્યો હજુ પણ મને સતત સતાવે છે."
ડૉ. પરીખે તબીબોને થયેલા ભાવનાત્મક નુકસાનનો સ્વીકાર કરતાં કહ્યું, "અમે ટૂંક સમયમાં કૉલેજમાં વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે પોસ્ટ-ટ્રૉમા સ્ટ્રેસ ડિસઑર્ડર મૅનેજમેન્ટ સિસ્ટમની વ્યવસ્થા કરીશું."
તેમણે પુષ્ટિ કરી કે ક્લિનિકલ ફરજોમાં સામેલ ન હોય તેવા પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે 23 જૂન સુધીનો કામચલાઉ શૈક્ષણિક વિરામ મંજૂર કરવામાં આવ્યો છે.
અતુલ્યમ 3ના નિવાસી ડૉક્ટર રાજેશ (નામ બદલ્યું છે) ત્રીજા માળેથી કૂદીને બચી ગયા હતા અને તેમના પગમાં ફ્રૅક્ચર થયું હતું.
"એ એક આઘાતજનક પરિસ્થિતિ હતી અને તે સમયે મારા મનમાં શું હતું તેનું વર્ણન કરવું મુશ્કેલ છે," તેમણે કહ્યું.
આમ છતાં મોટાભાગના અસરગ્રસ્ત ડૉકટરો અને વિદ્યાર્થીઓ માટે શારીરિક અને ભાવનાત્મક રીતે તેમના જીવનનું પુનર્નિર્માણ કરવું એક મુશ્કેલ સફર બની રહેશે.
PTSD અને અનિદ્રા જેવા માનસિક સ્વાસ્થ્યને લગતા પડકારો વ્યાપક બની રહ્યા છે.
બચી ગયેલા લોકો આવાસ કરતાં કંઇક વધુની શોધમાં છે. તેઓ સહાનુભૂતિ, જવાબદારી અને પુનઃસ્થાપનની મીટ માંડીને બેઠા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












