You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન: ઋષિ સુનકના જવાથી અને કિઅર સ્ટાર્મરના આવવાથી ભારતને શી અસર થશે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, વરિષ્ઠ પત્રકાર, લંડનથી
રમતગમતના સંદર્ભમાં વિચારીએ તો કોઈ ટીમ મૅચ પહેલાં જ હાર સ્વીકારી લે તો તેના સમર્થકો સંપૂર્ણપણે નિરાશ થઈ જાય છે.
બ્રિટનમાં ચોથી જુલાઈની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર બાદ તેના લાખો સમર્થકો પણ આવું અનુભવતા હોય તે શક્ય છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક હાઈ-પ્રોફાઈલ નેતાઓએ મતદાનના દિવસ પહેલાં જ વિજયની આશા ગુમાવી દીધી હોય એવું લાગતું હતું અને લેબર પાર્ટીને ભારે બહુમતી ન આપવા તેમણે અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે નોંધપાત્ર પ્રમાણમાં બેઠકો મળશે તો તેઓ અસરકારક વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે.
કન્ઝર્વેટિવ પાર્ટીની હાર કેમ થઈ?
કન્ઝર્વેટિવ પાર્ટીની દાયકાઓ પછીની સૌથી ખરાબ હારનું કારણ શું છે? નિષ્ણાતોના મતે આવું ઘણાં પરિબળોને આભારી છે.
મિડલસેક્સ યુનિવર્સિટીના દક્ષિણ એશિયાના નિષ્ણાત ડૉ. નીલમ રૈના કહે છે, “તેમની સૌથી મોટી હારનું કારણ શ્રેણીબદ્ધ કૌભાંડો છે. તેને કારણે લોકશાહીને નુકસાન થયું હતું. રાજકારણમાંથી અમારો વિશ્વાસ ડગમગી ગયો હતો.”
લંડનસ્થિત થિન્ક ટૅન્ક ચેટમ હાઉસ ખાતેના એશિયા-પેસિફિક પ્રોગ્રામમાં દક્ષિણ એશિયા માટેના વરિષ્ઠ રિસર્ચ ફેલો ડૉ. ક્ષિતિજ વાજપેયી ટોરી કે કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય માટે આંશિક રીતે 14 વર્ષના શાસન પછીના મતદારોને કંટાળાને પણ જવાબદાર ગણાવે છે. તેઓ કહે છે, “આ હારની પાછળ એક બાદ એક થયેલી ભૂલો અને ગોટાળાનો ફાળો પણ છે.”
આ કથિત કૌભાંડો પૈકીનાં મોટાં ભાગનાં તાજેતરનાં વર્ષોમાં બહાર આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ-19 મહામારી પ્રત્યેનો ટોરી સરકારનો પ્રતિસાદ યોગ્ય ન હતો. તત્કાલીન વડા પ્રધાન બોરિસ જૉન્સન તથા તેમના વહીવટીતંત્રના સભ્યો દ્વારા લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
વિવાદ વધતા જૉન્સનને સ્થાને લિઝ ટ્રસને વડાં પ્રધાન બનાવાયાં હતાં.
જોકે લિઝ ટ્રસની આર્થિક નીતિ એટલી ખરાબ હતી કે તેમનું શાસન માત્ર 40 દિવસ ટક્યું હતું. પછી ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક બન્યા હતા.
તેમની સરકાર આજીવિકા ખર્ચની કટોકટીમાં સપડાઈ ગઈ અને તાજેતરમાં તેમની તથા તેમની સરકારની નજીકના લોકો સંડોવતું સટ્ટા કૌભાંડ બહાર આવ્યું હતું.
ડૉ. રૈનાના કહેવા મુજબ, બોરિસ જૉન્સનથી વિપરીત લિઝ ટ્રસ અને ઋષિ સુનક બન્નેની વડા પ્રધાન તરીકે પસંદગી તેમની પાર્ટીએ કરી હતી.
વીરેન્દ્ર શર્મા અનેક વર્ષો સુધી સાઉથોલથી લેબર પાર્ટીના સંસદસભ્ય રહ્યા છે. આ વખતે તેઓ ચૂંટણી લડ્યા ન હતા.
તેઓ કહે છે, “હું મારી બેઠક કોઈ યુવા રાજનેતા માટે છોડવા ઇચ્છતો હતો.”
અનેક ટોરીઝ સંસદસભ્યો તેમના દોસ્ત છે. તેમનું વિશ્લેષણ સંપૂર્ણપણે નિષ્પક્ષ ન હોઈ શકે, પરંતુ તેઓ માને છે કે પાર્ટીમાં આંતરિક મતભેદ અને નેતૃત્વના સ્તરે વધારે પડતું પરિવર્તન કન્ઝર્વેટિવ પાર્ટીના પતનનાં કેટલાંક કારણો છે.
તેઓ કહે છે, “તમે સેનાપતિ બદલતા રહો તો યુદ્ધ કેવી રીતે જીતી શકો? છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ ચાર વડા પ્રધાન થયા. પક્ષમાં કોઈ એકતા નહોતી અને તેમણે અર્થતંત્રને 14 વર્ષના રાજમાં અસ્થિર થવા દીધું.”
લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરે એકલા હાથે તેમના પક્ષમાં સંપૂર્ણ પરિવર્તન કર્યું હોવાનું જણાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના તમામ નેતાઓ તેમને વખાણી રહ્યા છે.
એક વરિષ્ઠ ટોરી સંસદસભ્યે બીબીસીના એક કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે લેબર પાર્ટીનું નેતૃત્વ આજે પણ જેરેમી કોર્બિન કરતા હોત તો તેમનો પરાજય થયો હોત, પરંતુ સ્ટાર્મરે તેમના પક્ષને સંપૂર્ણપણે બદલી નાખ્યો, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, “2019ની ચૂંટણી વખતે કોણે વિચાર્યું હશે કે આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટીનો પ્રચંડ વિજય થશે.”
કોર્બિનના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીથી ભારત સૌથી વધારે નાખુશ હતું.
ભારત સાથેના દ્વિપક્ષી સંબંધમાં સુધારોઃ સ્ટાર્મર માટે મોટો પડકાર
સ્ટાર્મરના નેતૃત્વમાં તેમના પક્ષના 2019ના વાર્ષિક સંમેલનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં માનવીય સંકટ પેદા થયું છે અને કાશ્મીરના લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવો જોઈએ, એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
એક અન્ય નેતા જેરેમી કોર્બિને સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીર, ભારત તથા પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મામલો છે, પરંતુ ત્યાં સુધીમાં વાત વણસી ગઈ હતી.
જોકે, સ્ટાર્મરે ભારત સાથેના સંબંધ સુધારવાનો વાયદો કર્યો છે. લેબર પાર્ટીના પૂર્વ સંસદસભ્ય વીરેન્દ્ર શર્મા માને છે કે સ્ટાર્મરના નેતૃત્વમાં દ્વિપક્ષી સંબંધો વધારે મજબૂત થશે.
તેઓ કહે છે, “છેલ્લી સંસદમાં લેબર પાર્ટીના છ સંસદસભ્યો ભારતીય મૂળના હતા. તેમની સંખ્યા બમણી થઈ જશે. સ્ટાર્મર સંતુલિત અને વ્યવહારુ છે. દ્વિપક્ષી સંબંધ ઉત્તમ બને એ તેઓ સુનિશ્ચિત કરશે.”
જોકે, ચેટમ હાઉસના ડૉ. બાજપેયી ચેતવણી આપે છે કે આ માર્ગ લપસણો હોઈ શકે છે.
તેમનું કહેવું છે, "ઘણા એવા મામલા દબાયેલા છે, જે લેબર પાર્ટીની સરકાર દરમિયાન બ્રિટન અને ભારતના સંબંધોમાં કડવાશનું કારણ બની શકે છે. તેમાં મૂલ્ય આધારિત વિદેશનીતિને આગળ વધારવાના લેબર પાર્ટીના વલણનો સમાવેશ થાય છે."
"આ નીતિમાં માનવાધિકારો જેવા મામલા પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સિવાય તેમણે અનેક મતદારોને પણ ખુશ રાખવા પડશે. બ્રિટનમાં ભારતીય મૂળના માત્ર અંદાજે 15 લાખ લોકો રહે છે, તો પાકિસ્તાની મૂળના 12 લાખ લોકો રહે છે. આ સિવાય એવાં સંગઠનો પણ બ્રિટનમાં સક્રિય છે, જે ભારતના સાર્વભૌમત્વને પડકારતી કરી શકે છે. ઉપરાંત વ્યાપક રાજકીય ઘટનાક્રમ અને ભૂ-રાજકીય ઘટનાક્રમનો પ્રભાવ પણ બ્રિટન-ભારતના સંબંધ પર પડી શકે છે.”
ડૉ. નીલમ રૈનાને આશા છે કે નવી સરકારમાં ડેવિડ લેમી વિદેશમંત્રી બનશે તો ભારત-બ્રિટનના સંબંધ વધારે મજબૂત થશે.
તેમનું કહેવું છે, "ડેવિડ લેમીને દક્ષિણ એશિયાનું જ્ઞાન છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતમાં હાલ ગઠબંધન સરકાર છે. તેનાથી એક સંતુલન સર્જાય છે, જે ભારત-બ્રિટનના સંબંધને આગળ વધારવા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે."
ડૉ. ક્ષિતિજ બાજપેયી માને છે કે સ્ટાર્મરના નેતૃત્વમાં “આપણે ભારત-બ્રિટન સંબંધના સાતત્યની નવી ઊંચાઈની આશા રાખવી જોઈએ.”
જેરેમી કોર્બિનના સમયગાળા દરમિયાન બ્રિટનનો ભારત સાથેનો સંબંધ વણસ્યો હતો, પરંતુ સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની લેબર પાર્ટીએ ભારત સાથેના સંબંધને પૂર્વવત્ કરવા માટે નક્કર પ્રયાસો કર્યા છે. સ્ટાર્મર અને તેમની પાર્ટીના અનેક સભ્યોએ ભારત સાથેનો સંબંધ સારો બનાવવાની ઇચ્છાનો સંકેત આપતાં નિવેદનો આપ્યાં છે.
મુક્ત વેપાર કરાર: કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી
સ્ટાર્મર દ્વિપક્ષી સંબંધમાં સુધારો ઇચ્છતા હશે તો ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમૅન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કરવાનું કામ તેમની સર્વોચ્ચ અગ્રતા હશે.
ડૉ. બાજપેયી કહે છે, “સંભવિત વિદેશમંત્રી ડેવિડ લેમીએ સંકેત આપ્યો છે કે તેઓ આ કરાર કરવા તૈયાર છે અને જુલાઈના અંત સુધીમાં ભારતની મુલાકાત લેશે. 26 પૈકીના મોટા ભાગના મુદ્દાઓ બાબતે સહમતી બની હોવાનું કહેવાઈ છે.”
જ્યારે બ્રિટન યુરોપિય સંઘથી અલગ થયું (બ્રૅક્ઝિટ) ત્યારે દાવો કરાયો હતો કે તેનાથી ઇમિગ્રેશનમાં મોટો ઘટાડા થશે, પરંતુ આજે બ્રિટનમાં બ્રૅક્ઝિટ પછી સૌથી વધારે ઇમિગ્રન્ટ્સ છે.
ભારત સાથે મુક્ત વેપારમાં સૌથી મોટું નડતર ભારતીય કામદારોને વર્ક પરમિટ્સ આપવાનું છે. લેબર પાર્ટીનો ઈરાદો કાયદેસરના ઇમિગ્રેશનને ઘટાડવાનો અને ગેરકાયદે ઇમિગ્રેશન પર અંકુશ લાદવાનો છે.
કાયદેસરના ભારતીય ઇમિગ્રન્ટ્સ પૈકીના ઘણા વર્ક પરમિટ્સ ધરાવતા આઈટી પ્રોફેશનલ્શ છે અને તેઓ બ્રિટનના તકનીકી સૅક્ટરમાં યોગદાન આપી રહ્યા છે.
જોકે બ્રિટનમાં ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પણ થોડી સંખ્યામાં છે. પક્ષની નીતિ કુશળ ઇમિગ્રન્ટ્સના આર્થિક લાભ સાથે ઇમિગ્રેશનની કુલ સંખ્યાને નિયંત્રિત કરવાના લક્ષ્ય સાથે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે, જે વ્યાપક રાજકીય અને આર્થિક અગ્રતા દર્શાવે છે.
માનવાધિકાર પર વલણ
બ્રિટનમાં રહેતા 6.85 લાખ ઇમિગ્રન્ટ્સમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. બ્રિટન તેના એનએચએસ અને આઈટી સૅક્ટરને ઠીક કરવા માટે વધારે કૌશલ્યવાન લોકો મેળવવા ઇચ્છે છે, પરંતુ એવા લોકો માત્ર ભારતમાંથી જ નહીં, અન્ય દેશોમાંથી પણ આવે એવું ઇચ્છે છે.
લેબર પાર્ટી પરંપરાગત રીતે વિચારધારાથી પ્રેરિત વિદેશનીતિને અનુસરે છે. તે ભારત સહિતના અનેક દેશોના માનવાધિકાર રેકૉર્ડ્સની ટીકા કરતી રહી છે.
ભારત સરકારને તે ક્યારેય ગમ્યું નથી.
સ્ટાર્મરે ભારતીયોને ખાતરી કરાવવી પડશે કે તેઓ ભારત સાથે સહજ સંબંધ ઇચ્છતા હશે તો તેમણે વધારે વ્યવહારુ નીતિ અપનાવવી પડશે.
છેલ્લી સંસદમાં લેબર પાર્ટીના પાકિસ્તાની મૂળના 15 ચૂંટાયેલા સંસદસભ્યો હતા. ભારતીય મૂળના માત્ર છ સંસદસભ્યો હતા. સ્વાભાવિક છે કે લેબર પાર્ટીએ સરકાર પર પાકિસ્તાની લોકોનું દબાણ રહેશે.
હવે જોવાનું એ રહેશે કે નવી સરકાર આ બંને વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે.